સત્તાની શતરંજનાં આટાપાટા અને ગઠબંધનો

Wednesday 13th June 2018 06:28 EDT
 

ભારતમાં લોકસભાની ચૂંટણી આગામી એપ્રિલ-મે ૨૦૧૯માં યોજાઈ શકે છે ત્યારે કયો રાજકીય પક્ષ મિત્ર કે શત્રુ બની રહેશે તેનો તાગ કાઢવાની કવાયતો શરુ થઈ છે. સત્તારુપી છાસ લેવાં જવાનું હોય ત્યારે દોણી સંતાડવી તે પોસાય તેમ ન હોવાથી રાષ્ટ્રીય ગઠબંધનો અને પ્રાદેશિક પક્ષો પોતાના બળાબળનું માપ કાઢી રહ્યા છે. ભાજપના વડપણ હેઠળના એનડીએ અને કોંગ્રેસના વડપણ હેઠળના યુપીએ દ્વારા નવા રાજકીય પક્ષોને પોતાના ગઠબંધનોમાં સામેલ કરી લોકસભા ચૂંટણીમાં જ્વલંત ફતેહ મેળવવાના મનસૂબાને તેજીલી ધાર કાઢવાનો દોર શરુ કરી દેવાયો છે. જો એનડીએ વિજય મેળવશે તો નરેન્દ્ર મોદી જ વડા પ્રધાન બનશે તે નિશ્ચિત છે પરંતુ, વિપક્ષમાં તો રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓ વડા પ્રધાન પદના દાવેદાર છે.
તાજેતરની ગુજરાત સહિતની વિધાનસભાઓ અને લોકસભાની પેટાચૂંટણીઓમાં ભાજપને ધારી સફળતા પ્રાપ્ત થઈ નથી. કર્ણાટકમાં તો આરે આવેલું વહાણ ડૂબી જવાથી ભાજપને નામોશી પણ મળી છે. માયાવતીના બસપ, મુલાયમ-અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી, મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ જેવાં પ્રાદેશિક પક્ષો તેમજ કોંગ્રેસે નરેન્દ્ર મોદી અને ભાજપને હરાવવાના એકમાત્ર એજન્ડા સાથે વિપક્ષોની નવી ધરી રચવાના પ્રયાસો આદર્યા છે. વિપક્ષી એકતાના પ્રયાસોને વેગ આપવા મમતા બેનરજી, માયાવતી, નવીન પટનાઈક, ચંદ્રાબાબુ, ચંદ્રશેખર રાવ, અખિલેશ, ઓમર સહિતના પ્રાદેશિક નેતાઓ એનસીપીના ધૂરંધર શરદ પવારને મળતા રહે છે. આમ છતાં, માયાવતી, મમતા અને ખુદ શરદ પવારના વડા પ્રધાન બનવાના અભરખા વિપક્ષી એકતામાં ફાચર મારી શકે તેમ છે.
ભાજપ કે મોદી સરકારના શાસનના ચાર વર્ષમાં એનડીએ ગઠબંધનમાં મહત્ત્વ ન મળવાથી શિવસેના અને શિરોમણિ અકાલી દળ સહિતના સભ્યો વંકાયા છે તો ચંદ્રાબાબુની તુલુગુ દેશમ પાર્ટીએ આ ગઠબંધનથી છેડો ફાડી નાખ્યો છે. બિહારમાં પણ નીતિશકુમારનું જનતા દળ વંડી ઠેકીને ક્યારે બહાર નીકળે તે કહી શકાય તેમ નથી.
દેશની સૌથી જૂની પાર્ટી હોવાનો ગર્વ લેતી કોંગ્રેસ અને તેના વડપણ હેઠળના યુપીએની વાત કરીએ તો કોંગ્રેસ સોદાબાજી કરી શકવાની હાલતમાં નથી. કર્ણાટકનું ઉદાહરણ લઈએ તો કોંગ્રેસની બેઠકો પૂર્વ વડા પ્રધાન દેવ ગૌડા અને તેમના પુત્ર કુમારાસ્વામીના પક્ષ જનતા દળ (એસ) કરતાં બમણી હોવાં છતાં, કુમારાસ્વામીને મુખ્યપ્રધાન પદ આપવાની ફરજ પડી છે. આ ગઠબંધન કેટલું લાંબુ ચાલશે તેના વિશે તર્કવિતર્કો ચાલવા લાગ્યા છે. અધુરામાં પુરું, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતે વડા પ્રધાન બનવા તૈયાર હોવાની ઈચ્છા વ્યક્ત કર્યા પછી કોંગ્રેસે આ ઝંડો ઉપાડી લીધો છે. જેના પરિણામે, વિપક્ષના વડા પ્રધાન પદના દાવેદારો વધી ગયા છે. સત્તાની શતરંજ તો ગોઠવાઈ છે અને આટાપાટા કે કાવાદાવા પણ શરુ થઈ ગયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter