સીબીઆઇઃ વિશ્વસનીયતાનું દેવાળું ફૂંક્યું છે

Friday 05th December 2014 08:15 EST
 

સીબીઆઇ (સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન)ની રહીસહી આબરૂને સર્વોચ્ચ અદાલતના ફરમાને મરણોતલ ફટકો માર્યો છે. સુપ્રીમ કોર્ટે લાખો કરોડો રૂપિયાના ટુ-જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડની તપાસમાંથી સીબીઆઇ વડા રણજીત સિંહાને જ બાકાત કરી નાખ્યા છે. સીબીઆઇએ તેના ઇતિહાસમાં આટલી નાલેશી કદાચ કયારેય ભોગવી નહીં હોય. કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓનો રણજીત સિંહાના ઘરે આવરોજાવરો હતો તેવા અહેવાલોના પગલે કોર્ટે આ ફરમાન કર્યું છે. દેશની આઝાદી પછીના આ સૌથી મોટા કૌભાંડમાં તમામ નિયમોને નેવે મૂકીને ટેલિકોમ સ્પેક્ટ્રમની ફાળવણી થઇ હતી. મનમોહન સરકારના પાયા હચમચાવી નાખનાર આ કૌભાંડ બહાર આવ્યું તે પછી હાથ ધરાયેલી તપાસ વેળા અટકાયતમાં લેવાયેલા તત્કાલીન ટેલિકોમ પ્રધાન એ. રાજા ઉપરાંત ટેલિકોમ કંપનીઓના અનેક અધિકારીઓ આજેય જેલમાં છે. છતાં સીબીઆઇએ તપાસમાં લાપરવાહી દાખવી. કૌભાંડમાં સંડોવાયેલા કેટલાક આરોપીના મળતિયાઓ સીબીઆઇ વડા રણજીત સિંહને મળવા તેના નિવાસસ્થાને જતા હોવાનું બહાર આવતાં જ કોર્ટે તેમને બાકાત કરી નાખ્યા. ટુ-જી કૌભાંડની તપાસમાંથી સિંહાને દૂર કરીને સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કરી દીધું છે કે સીબીઆઇના વડા દૂધે ધોયેલા તો નથી જ. સુપ્રીમ કોર્ટ તો સીબીઆઇ તપાસને પહેલેથી જ આરોપીના કઠેડામાં ઊભી કરતી આવી છે, પણ આ વખતે તો સંસ્થાના વડાની શાખ સામે જ સવાલ ઊભો થયો હોવાથી મામલો વધુ ગંભીર છે. એક વર્ગે સીબીઆઇના વડા પદેથી રણજીત સિંહાનું રાજીનામું માંગ્યું છે, પણ શું તેનાથી સીબીઆઇની શાખ સુધરી જશે? ખરેખર તો રણજીત સિંહાએ અત્યાર સુધીમાં ટુ-જી સ્પેક્ટ્રમ જેવા મહત્વના કેસમાં તેમ જ સીબીઆઇની તેમની કારકિર્દી દરમિયાન અન્ય કયા કયા કેસોમાં શું શું ભૂમિકા બજાવી છે તેની તપાસ કરવાની જરૂર છે. રણજીત સિંહાએ કેટલા કેસમાં તપાસ કરી, તેમના કાર્યકાળમાં કેટલા કેસની તપાસ રફેદફે થઇ, કોઇ કેસમાં આરોપીઓને ફાયદો થયો છે કે કેમ વગેરેની પણ ચકાસણી થવી જોઇએ. રણજીત સિંહાની નિવૃત્તિ આડે ગણતરીના દિવસો બચ્યા છે ત્યારે હવે નવી સરકાર સામે તેમના ઉત્તરાધિકારીની પસંદગી કરવાની સાથોસાથ આ સર્વોચ્ચ તપાસનીશ એજન્સીની વિશ્વસનીયતા પુનઃ સ્થાપિત કરવાનો પણ મોટો પડકાર છે. સીબીઆઇને હંમેશા સરકારી કઠપૂતળી તરીકે નિહાળવામાં આવે છે. એક કેસની સુનાવણી દરમિયાન તો ખુદ સુપ્રીમ કોર્ટે સીબીઆઇને સરકારના પીંજરમાં કેદ પોપટ જેવી ગણાવી હતી. મોદી સરકાર અનેક ક્ષેત્રે સુધારાલક્ષી પગલાં લઇ રહી છે ત્યારે આ તપાસનીશ સંસ્થા માટે કંઇક એવું આયોજન કરવાની આવશ્યક્તા છે, જેથી તેની સ્વાયતત્તા પણ ટકી રહે અને ઉત્તરદાયિત્વ પણ.


    comments powered by Disqus



    to the free, weekly Gujarat Samachar email newsletter