સ્વાતંત્ર્ય પર્વે સામાજિક સક્રિયતાનો સંકલ્પ

Tuesday 15th August 2017 13:47 EDT
 

ભારત સહિત વિશ્વભરમાં વસતાં ભારતીય સમુદાયે મંગળવારે ૭૧મો સ્વાતંત્ર્ય દિન અનેરા ઉમંગ-ઉલ્લાસ સાથે ઉજવ્યો. પાટનગર નવી દિલ્હીમાં લાલ કિલ્લાથી માંડીને નાના-મોટા શહેરો-નગરો-કસ્બાઓમાં ધામધૂમથી અનેકવિધ કાર્યક્રમો યોજાયા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૨ સુધીમાં નૂતન ભારતના નિર્માણની વાત કરવાની સાથોસાથ નોટબંધીની ફળશ્રુતિ, કાળા નાણાંની જપ્તીના આંકડાઓ આપ્યા તો કાશ્મીરની સળગતી સમસ્યાનો શાંતિપૂર્ણ ઉકેલ આવશે જ તેવો આશાવાદ પણ દર્શાવ્યો. કેન્દ્રથી માંડીને રાજ્ય સરકારોએ પ્રગતિનો રિપોર્ટ પ્રજા સામે રાખ્યો તો ભાવિ યોજનાઓની જાહેરાતો પણ કરી. રાજકીય ચશ્મા ઉતારીને મૂલવવામાં આવે તો પાછલા સાત દસકામાં દેશે દરેક ક્ષેત્રે પ્રગતિના નવા શીખરો સર કર્યા છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે. સામાજિક ક્ષેત્રથી માંડીને વિજ્ઞાન અને આર્થિક ક્ષેત્રે ભારત નીતનવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. અલબત્ત, આની સાથોસાથ એ પણ સ્વીકારવું જ રહ્યું કે વીતેલા વર્ષોમાં આપણે હજુ પણ આગળ વધી શકીએ તેમ હતા. સાત દસકા... ૭૦ વર્ષ કોઇ પણ દેશની પ્રગતિ માટે કંઇ નાનોસૂનો સમય નથી. આટલા સમયમાં તો માનવજીવનની ત્રણ પેઢી પસાર થઇ જતી હોય છે.
ભારતે ગુલામીની ઝંઝીરમાંથી મુક્તિ મળ્યાના લગભગ ચાર દાયકા સુધી સમાજવાદી અભિગમ અપનાવ્યો હતો. આના કેટલાક સારા પાસાં અવશ્ય હતા, પરંતુ બદલાઇ રહેલા વૈશ્વિક માહોલમાં ભારતના વિકાસને વેગ આપવા આર્થિક ઉદારીકરણ આવશ્યક હતું. ભારતે ૧૯૯૧માં આંશિક આર્થિક ઉદારીકરણનો માર્ગ અપનાવ્યો અને જાણે પ્રગતિને પાંખો ફૂટી. આજે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર ગણાય છે તેના મૂળ આર્થિક ઉદારીકરણમાં રહેલા છે. અગાઉના ૪૦ વર્ષમાં વિકાસની તકો ગુમાવનાર ભારતે ભારતે છેલ્લા અઢી દસકામાં થોડાઘણા અંશે કંઇક પરત મેળવ્યું હોવાનું કહી શકાય.
વીતેલા સાત દસકામાં ભારતની સામે અનેક સમસ્યાઓ, પડકારો આવ્યા છે. આમાંથી કેટલાક પર વિજય મેળવવામાં આપણો દેશ સફળ રહ્યો છે તો કેટલીક સમસ્યાઓ સમયના વહેવા સાથે વધુ વિકરાળ બની છે. આતંકવાદ, નક્સલવદ, ભ્રષ્ટાચાર અને પરિવારવાદે દેશને અજગરભરડો લીધો છે તેમ કહી શકાય. આ સમસ્યાઓને નેસ્તનાબૂદ કરવા પ્રયાસ તો થયા છે, પણ અપેક્ષિત સફળતા નથી મળી. આ માટે રાજકીય સ્વાર્થવૃત્તિની સાથોસાથ સામાજિક ઇચ્છાશક્તિ તેમજ વ્યક્તિગત જવાબદારીનો અભાવ કારણભૂત ગણી શકાય. આવી બદીઓને ડામવા સરકાર ગમેતેટલી સક્રિયતા દાખવે, પણ સમાજના સહયોગ વગર તેને દૂર કરવી અશક્ય છે. આતંકવાદ સામે સરકાર તો વર્ષોથી લડે છે, પણ રાજકીય પક્ષો એકબીજાને નીચાજોણું કરાવવામાં રચ્યાપચ્યા રહે છે. નક્સલવાદ તો આતંકવાદ કરતાં પણ વધુ માનવજિંદગી ભરખી ગયો છે, છતાં આજ સુધી તેને નાથી શકાયો નથી. કારણ? નક્સવાદ સામેની લડતને સમાજનો સક્રિય સહયોગ નથી. ભ્રષ્ટાચાર તો જાણે સમાજનું અભિન્ન અંગ બની ગયો છે. લોકો એકલદોકલ તો ઠીક, સંગઠિત થઇને પણ તેની સામે લડત આપવા તૈયાર નથી. પરિણામે નાના-મોટા દરેક કામમાં ‘વહેવાર’ લગભગ ફરજીયાત થઇ ગયો છે. સરકાર દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદી માટે કોઇ પગલાં લેવાય છે તો તેને સમર્થન આપવા જરૂરી સામાજિક સક્રિયતા પણ જોવા મળતી નથી. રાજકારણમાં પરિવારવાદે તો માઝા મૂકી છે. લોકો જૂએ છે, જાણે છે, સમજે છે તેમ છતાં આવા પક્ષના નેતાઓને ચૂંટે છે તેને ભારતની કમનસીબી જ ગણવી રહી. લોકોએ આંખ આડા કાન કરવાની માનસિક્તા બદલવી પડશે. પોતાના મતાધિકારનો સુયોગ્ય ઉપયોગ કરીને આવા તત્વોને જાકારો આપવો પડશે. ભારત આજે આર્થિક વિકાસના પંથે આગેકૂચ કરી રહ્યું છે તેમાં બેમત નથી, પરંતુ દેશના સર્વગ્રાહી વિકાસ માટે સામાજિક સક્રિયતા, આમ આદમીની ભાગીદારી આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. તેના વગર આર્થિક વિકાસનું કોઇ મહત્ત્વ નથી. ભારતને આઝાદી રસ્તે રઝળતી નથી મળી, લાખો લોકોએ પોતાના જીવનની કુરબાની આપીને દશેને આઝાદી અપાવી છે તે કોઇએ ભૂલવું જોઇએ નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter