હેલિકોપ્ટર કૌભાંડ: પાઘડીનો વળ છેડે પહોંચશે?

Tuesday 13th December 2016 14:50 EST
 

મનમોહન સિંહના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર વેળા બહુચર્ચિત બનેલું ઓગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડ ફરી સમાચારોમાં છે. ભારતીય મહાનુભાવોના પરિવહનની સુગમતા માટે હેલિકોપ્ટર ખરીદવા રૂ. ૩૬૦૦ કરોડનો સોદો થયો હતો, જેમાં ખાયકી કરવાના આરોપસર સીબીઆઇએ ઇંડિયન એર ફોર્સના નિવૃત એર ચીફ માર્શલ એસ. પી. ત્યાગી તેમજ તેના પિતરાઇની ધરપકડ કરી છે. જેમના શિરે ભારતની હવાઇ સુરક્ષાની જવાબદારી છે તે દળના વડાની ભ્રષ્ટાચારના આરોપસર ધરપકડ થવાની ઘટનાએ દેશના રાજકીય-સંરક્ષણ ક્ષેત્રે હલચલ મચાવી દીધી છે. ત્યાગીએ ૨૦૦૪થી ૨૦૦૭ દરમિયાન ભારતીય વાયુસેનાના વડા તરીકે કાર્યભાર સંભાળ્યો હતો તે દરમિયાન હેલિકોપ્ટર કંપની ઓગસ્તા વેસ્ટલેન્ડને લાભ થાય તે પ્રમાણે નિયત ધારાધોરણો બદલી નાખ્યા હતા. એટલું જ નહીં, તેમણે ઓગસ્તા વેસ્ટલેન્ડની પેરન્ટ કંપની ફિનમેકેનિકાના પદાધિકારીઓ સાથે મુલાકાતો પણ યોજી હતી. ત્યાગીની આ મદદના બદલામાં સોદાની રકમના ૧૨ ટકા લેખે કટકી ચૂકવાઇ હતી, જે નાણાં વિદેશી બેન્કો મારફતે તેમને મળ્યા હતા. હવાઇ દળના વડા તરીકે ત્યાગી આટલા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરે અને કેન્દ્રની તત્કાલીન મનમોહન સરકાર આ વાતથી અજાણ હોય તે વાત ગળે ઉતરે તેવી નથી. ત્યાગીએ બચાવ કર્યો છે કે આ સોદો તેમણે એર ચીફ માર્શલ તરીકે કાર્યભાર સંભાળ્યો તે પહેલાં જ થઇ ગયો હતો. સોદો સરકારી સ્તરે થયો હતો અને તેમને આ સોદા સાથે કોઇ નિસ્બત નથી. જોકે આવો દાવો કરતી વખતે ત્યાગી એ ભૂલી જાય છે કે આ જ કટકી કેસમાં ઇટલીની કોર્ટ તેમને દોષિત ઠરાવી ચૂકી છે. હેલિકોપ્ટર સોદામાં કટકી ચૂકવાયાની વાત જાહેર થયા પછી ઇટલી સરકારે પણ સ્વતંત્ર તપાસ હાથ ધરી હતી. જેમાં ત્યાગી સહિતના અન્યો સામેના આક્ષેપો પુરવાર થયા છે. ભારતીય કોર્ટે પણ સીબીઆઇએ અટકાયતમાં લીધેલા ત્યાગીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે દર્શાવે છે કે તેમની વિરુદ્ધ લાંચ સ્વીકાર્યાના પ્રાથમિક પુરાવાઓ છે.
જોકે આ તો સિક્કાની એક બાજુ થઇ. સંરક્ષણ ક્ષેત્રે અતિ મહત્ત્વનું સ્થાન ધરાવનાર ત્યાગીએ શાસનની ઓથ વિના આવું સાહસ આચર્યું હોવાની સંભાવના બહુ ઓછી છે. આ કટકી કૌભાંડ ખુલ્લું પડ્યા બાદ પ્રારંભિક પગલાં ભલે કોંગ્રેસ સરકારે લીધા હોય, પરંતુ તેનાથી એ હકીકત બદલાઇ નથી જતી કે તેના નાક હેઠળ જ આ કૌભાંડ આચરાયું હતું. સીબીઆઇએ આ કૌભાંડ પાછળ વધુ કોઇ મોટા માથાં સંડોવાયેલાં છે કે કેમ તે દિશામાં તપાસ કેન્દ્રીત કરી છે. ભારતમાં બહુચર્ચિત કૌભાંડોની તપાસને તાર્કિક અંત સુધી પહોંચાડવાની બાબતમાં સીબીઆઇનો રેકોર્ડ બહુ પાંગળો છે. ભારતમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલો બોફર્સ કટકી કૌભાંડ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એક અહેવાલ અનુસાર, સીબીઆઇ આ કેસમાં તત્કાલીન વડા પ્રધાન ડો. મનમોહન સિંહની પણ પૂછપરછ કરે તેવી શક્યતા છે. જો આવું થાય, અને - આવા કિસ્સામાં બનતું રહે છે તેમ - મામલો રાજકીય આક્ષેપબાજીમાં અટવાઇ ન જાય તો સારું. ઓગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કટકી કૌભાંડ પુરવાર કરે છે કે સંરક્ષણ ક્ષેત્રના વચેટિયાઓ દેશના લશ્કરી વડા જેવી વ્યક્તિ સુધી પહોંચવા પણ ક્ષમતા ધરાવે છે, પોતાનું ધાર્યું કર્યું કરાવી શકે છે. સંરક્ષણ ક્ષેત્રે કટકી, ભ્રષ્ટાચારનો આ સિલસિલો અટકે તે રાષ્ટ્રહિતમાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter