‘સાર્ક’માં પાકિસ્તાનની આડોડાઇ, ભારતની સરસાઇ

Thursday 04th December 2014 07:30 EST
 

તેની સ્થાપનાનો ઉદ્દેશ ઉમદા હતો - તેના નામ પ્રમાણે જ દક્ષિણ એશિયન દેશો વચ્ચે પરસ્પરના હિતને ધ્યાનમાં રાખીને સહકાર વધારવો, પછી મુદ્દો વેપાર-ઉદ્યોગ સહિતના આર્થિક હિતનો હોય કે રાજદ્વારી. પણ અફસોસ. પાકિસ્તાનની આડોડાઇ સંગઠનના ઉમદા ઉદ્દેશને સાકાર થવા આડે મોટો અવરોધ બની રહી છે. નેપાળમાં યોજાયેલી ‘સાર્ક’ દેશોની ૧૮મી સમિટમાં પણ આવું જ થયું. ‘સાર્ક’ દેશો વચ્ચે સંબંધો ગાઢ બનાવવા, વ્યાપાર વધારવા અને લોકો વચ્ચેનું જોડાણ સુદૃઢ બનાવવાના હેતુ સાથે ત્રણ ઠરાવો થવાના હતા. પહેલા જ દિવસે ભારતે ‘સાર્ક’ દેશો વચ્ચે રસ્તા, રેલ અને વીજળીના આદાનપ્રદાન માટે દરખાસ્તો મૂકી પણ પાકિસ્તાને વાંધા ઉઠાવ્યા એટલે કોઇ કરાર પર સહી-સિક્કા ન થયા. દરખાસ્તો આગળ વધે એ પહેલાં જ તેણે આ કરારો માટે હજી 'આંતરિક પ્રક્રિયા'ઓ અધૂરી છે એમ કહીને વાંધો પાડી દીધો હતો. ‘સાર્ક’નું માળખું જ એવું છે કે એક પણ સભ્ય દેશ વાંધો પાડે તો એ દરખાસ્ત મંજૂર રહેતી નથી. હા, છેલ્લે છેલ્લે ઊર્જા કરાર થયા તે વાત અલગ છે. પાકિસ્તાનના ભારતવિરોધી વલણના કારણે ભૂતકાળમાં પણ ઘણી ‘સાર્ક’ સમિટ નિષ્ફળ બની ચૂકી છે, તેમાં નેપાળ બેઠકનો ઉમેરો થયો છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી.
‘સાર્ક’ સમિટમાં કંઇ નક્કર બન્યું નહીં એ કમનસીબી છે, પણ ભારત માટે આ પરિષદ ફળદાયી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ રજૂઆત અને નક્કર દરખાસ્તો રજૂ કરીને આ વખતે પાકિસ્તાનને ઉઘાડું પાડી દીધું હતું. બેઠક શરૂ થઇ એ ૨૬/૧૧નો દિવસ પાકિસ્તાની આતંકવાદીઓએ ૨૦૦૮માં મુંબઇ પર કરેલા હુમલાની વરસી હતી. મોદીએ એમના પ્રવચનમાં પાકિસ્તાનને બરાબર ઝાટક્યું હતું. મુંબઇ હુમલાની યાદ અપાવી. પાકિસ્તાનનું નામ સુદ્ધાં ઉચ્ચાર્યા નહોતું, પણ ઇશારા પાકિસ્તાન ભણી હતા. નરેન્દ્ર મોદીએ ‘પ્રાદેશિક સહયોગ’ના સપનામાં રાચતા સભ્ય દેશોને પણ ટકોર કરી કે હમ પાસ-પાસ હૈ, સાથ-સાથ નહીં હૈ. જો આપણે સાથે મળીએ તો આપણી તાકાતમાં અનેકગણો વધારો થઇ શકે છે. નરેન્દ્ર મોદીએ કડવી હકીકત કહી બતાવી તો સાથોસાથ રાજકીય શંકા-કુશંકાના માહોલમાંથી બહાર નીકળવાના ઉપાય પણ સૂચવ્યા. તેમણે વિજ્ઞાન, ટેક્નોલોજી અને વ્યાપાર ક્ષેત્રે સહકાર માટે નક્કર સૂચનો કર્યા. પાકિસ્તાનની એવી પણ મેલી મુરાદ હતી કે ચીનને પાછલા બારણે ‘સાર્ક’માં પ્રવેશ અપાવવો. આ દરખાસ્ત માટે તેણે શ્રીલંકા અને માલદિવનો ટેકો ય મેળવી લીધો હતો, પણ ભારતે પાકિસ્તાનની આ પેરવી સફળ થવા ન દીધી. અને પાકિસ્તાન એકલુંઅટૂલું પડી ગયું.
આમ તો મોદીએ વડા પ્રધાન પદના શપથગ્રહણ કર્યા તે ઘડીથી જ પડોશી દેશો સાથેના સંબંધો મજબૂત બનાવવાની દિશામાં કામગીરી શરૂ કરી દીધી હતી. પરિણામે નેપાળ ‘સાર્ક’ સમિટમાં તેઓ વધુ મજબૂત બનીને ઉભર્યા છે. ‘સાર્ક’માં ભારત વડીલની ભૂમિકામાં આવી ગયું છે. ભારતની વિદેશ નીતિ માટે આ સારી સફળતા છે. મોદીએ ‘સાર્ક’ સમિટ માટે પાક્કું હોમવર્ક કર્યું હતું અને એમાં તેઓ સફળ થયા છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પોતાની ઇમેજ મજબૂત બનાવ્યા બાદ નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય કક્ષાએ એક સબળ નેતા તરીકે ઉભર્યા છે. ભારતે હવે આ ઇમેજનો લાભ ઉઠાવીને આતંકવાદને પોષતા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય તખ્તે એકલુંઅટૂલું પાડી દેવા પ્રયાસ કરવો જોઇએ.

આઇએસને નાથવા આગોતરું આયોજન જરૂરી
છત્તીસગઢમાં ફરી નક્સલીઓ ત્રાટક્યા છે, જેમાં અર્ધલશ્કરી દળના ૧૪ જવાનોએ જીવ ગુમાવ્યા છે. સુકમા જિલ્લામાં બનેલી લોહિયાળ હુમલાની આ ઘટનામાં ચિંતાજનક બાબત એ છે કે આ વખતે હુમલામાં મહિલા નક્સલવાદીઓની સંડોવણી પણ છતી થઇ છે. જ્યારે કોઇ સમસ્યાને ઉગતાં જ ડામવામાં ન આવે ત્યારે તે કેવી વિકરાળ બની જાય છે તેનું આ વરવું ઉદાહરણ છે. ભારતની ઉત્તરે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદ પ્રવર્તે છે તો દક્ષિણ-મધ્યમાં નક્સલવાદ ફૂલ્યોફાલ્યો છે. અને હવે ભારતમાં કુખ્યાત ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) પગપેસારો કરી રહ્યું હોવાના અહેવાલ છે. આઇએસના આતંકીઓએ સિરિયા અને ઇરાકમાં કાળો કેર વર્તાવીને દુનિયાભરમાં હલચલ મચાવી છે. પોતાના બંધકો કે વિરોધીઓના શિરોચ્છેદ કરાતા હોય કે તેને અંધાધૂંધ ગોળીબારમાં ઠાર મરાતા હોય તેવા એકથી વધુ વીડિયો રજૂ કરીને આઇએસે પોતાના ઘાતકી ઇરાદા અને રાક્ષસી કૃત્યનો પરચો આપી દીધો છે. બ્રિટનની જેમ ભારતમાંથી પણ કેટલાક યુવાનો આંધળાં ધર્મઝનૂનથી ગેરમાર્ગે દોરાઇને આ સૌથી ઘાતકી ત્રાસવાદી જૂથમાં જોડાવા છેક સીરિયા પહોંચ્યા છે. થોડાક મહિનાની રઝળપાટ પછી આમાંથી હવે એક ભારતીય યુવાન ભારત પાછો ફર્યો છે. અત્યારે તો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ના કબ્જામાં રહેલા યુવાનનો દાવો છે કે આઇએસ દ્વારા ચલાવાતી જેહાદ પ્રત્યેનો મોહભંગ થતાં તે વતન પાછો ફર્યો છે, પણ તપાસનીશ એજન્સીઓને તેના દાવાને શંકાની નજરે નિહાળે છે.
આ યુવાન હૃદય પરિવર્તન થતાં ભારત પાછો ફર્યો છે કે પછી તેના કોઇ અન્ય ઇરાદા છે તે તો ટૂંક સમયમાં જ ખબર પડી જશે, પરંતુ તેના કરતાં પણ વધુ મહત્ત્વનું છે તેની પાસેથી ઇસ્લામિક સ્ટેટના ભારત વિશેના ઇરાદાઓ જાણવાનું. ભારતમાં આઇએસનું નેટવર્ક સ્થપાયું છે કે નહીં, ભારતીય યુવાનોને આઇએસમાં જોડાવા માટે ક્યા પ્રકારે લલચાવાય છે, આઇએસના આતંકીઓ ક્યા પ્રદેશના યુવાનોને આકર્ષવા વધુ સક્રિય છે વગેરે પ્રશ્નોના જવાબ આઇએસની સમસ્યાને ઉગતી જ ડામવામાં ભારતને ઉપયોગી સાબિત થઇ શકે છે.
મધ્ય-પૂર્વ એશિયાના અનેક દેશોની સરખામણીએ ભારતમાં યુવાનોને પ્રમાણમાં રોજગારીની વધુ તકો ઉપલબ્ધ છે. મુક્ત વિચાર અને વ્યવહારનો માહોલ છે. આમ છતાં પણ જો ભારતીય યુવાનોમાંથી કોઇ માત્ર સોશ્યલ મીડિયામાં થતાં પ્રચારને આધારે આઇએસ જેવાં ખતરનાક ત્રાસવાદી સંગઠનમાં જોડાવા માટે પહોંચી જતા હોય તો તે સ્થિતિ સરકાર અને સંબંધિત સમાજ બંને માટે ચિંતાજનક છે. ભારત પાછા ફરેલા આરીફ મજીદના જણાવ્યા પ્રમાણે તે અને તેના મિત્રો દરરોજ મસ્જિદમાં ભેગાં થતાં હતાં અને ઇસ્લામને સમર્પિત થવાના મનસૂબા ઘડતા હતા. આ માટે તેમણે આઇએસમાં જોડાવાનું વિચાર્યું, અને ઇન્ટરનેટ પર વેબસાઇટ તપાસવાનું શરૂ કર્યું. લગભગ ૨૦ હજાર વેબસાઇટ તપાસ્યા પછી તેને આઇએસ સુધી પહોંચવાનો રસ્તો પણ મળ્યો અને ભારતીય સંપર્ક પણ મળ્યો. આરીફ મજીદના નિવેદન પરથી સ્વયં સ્પષ્ટ થાય છે કે ભારતમાં આઇએસના સક્રિય સંપર્કો છે. આરીફ મજીદ જેવા બીજા યુવાનો પણ આઇએસથી આકર્ષાઇને, ઇસ્લામ માટે પોતાની ‘જાતને સમર્પિત’ કરવા પ્રયત્નશીલ હશે જ તે હકીકત પ્રત્યે પણ આંખ આડા કાન થઇ શકે તેમ નથી. આ સંજોગોમાં સરકારે બેવડા દોરે કામ લેવું રહ્યું. એક તો, ગુપ્તચર તંત્ર સહિત સમગ્ર સુરક્ષા તંત્રને વધુ ચુસ્ત અને સાબદું કરવું અને બીજું, ધર્મના નામે ગેરમાર્ગે દોરાતા યુવાધનને અટકાવવા મુસ્લિમ સમુદાયનો જ સહયોગ મેળવવો. બહુમતી મુસ્લિમ સમુદાય ધર્મના આડમાં ફેલાવાતા આતંકના વિરોધમાં છે તે સહુ કોઇએ યાદ
રાખવું રહ્યું. ભારતે આઇએસની સમસ્યાને ઉગતી જ ડામવા માટે પાણી પહેલાં પાળ બાંધ્યા વગર છૂટકો નથી.


    comments powered by Disqus



    to the free, weekly Gujarat Samachar email newsletter