તમને ફૂલ દીધાનું યાદ

આપણી કવિતાનો અમર વારસો...

- રમેશ પારેખ Wednesday 19th June 2024 08:24 EDT
 
 

આ સપ્તાહે રમેશ પારેખ...

• જન્મઃ 27 નવેમ્બર 1940 • નિધનઃ 17 મે 2006

સર્જકતાથી છલકતા કવિ. ગુજરાતી નવી કવિતા પર છવાઈ ગયેલા કવિ. ગીત, ગઝલ, છંંદોબદ્ધ કાવ્યો, અછાંદસ - જે કોઈ કાવ્યપ્રકારને સ્પર્શે એને ‘મિડાસ ટચ’ મળી જાય. એમની કવિતામાં આવતી સોનલ પૂર્વજન્મની સ્મૃતિ છે. આ જન્મની અટકળ છે અને આવતા જન્મનું આશ્વાસન છે. આલા ખાચર અને મીરાં કાવ્યો એમની વિશેષતા. મોરારિ બાપુ રમેશ પારેખ માટે કહે છે કે આ કવિ કંઈક ભાળી ગયેલો કવિ છે. ‘છ અક્ષરનું નામ’ એમનો કાવ્યસંચય. ‘છાતીમાં બારસાખ’ અને ‘સ્વગત પર્વ’ એ પછીના સંગ્રહો. બાળકાવ્યો અને બાળવાર્તાઓ પણ લખતા હતા. કાવ્યના આસ્વાદો પણ કરાવતા હતા.

તમને ફૂલ દીધાનું યાદ

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ.
સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતરશેઢે, સોનલ...
અમે તમારી ટગરફૂલ-શી આંખે ઝૂલ્યા ટગરટગર તે યાદ
અમારી બરછટ બરછટ હથેળીઓને તમે ટેરવાં ભરી કેટલી વાર પીધાનું યાદ,
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ.
અડખેપડખેનાં ખેતરમાં ચાસ પાડતાં હળ મારી આંખોમાં ફરતાં,
એકલદોકલ કોઈ ઉછળતું સસલું દોડી જતાં ઝાંખરાં પરથી પર્ણો ખરતાં,
તરે પવનના લયમાં સમળી તેના છાંયા છૂટાછવાયા ફાળ ઘાસમાં ભરતા.
ડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઊડી એકસામટું
પાંખ વીંઝતું હવા જેવડું થાય,
ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં સવાર પીતું નીલરંગનું પંખી જોઈ
ઝાડ ભૂલ્યાનું યાદ,
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter