ગત શુક્રવારે ત્રણેય ખંડમાં અને આપણા પોતાના લંડનમાં ૧૦ વર્ષ પહેલા (સાત જુલાઈએ) જે ઘટનાઓ ઘટી તેમજ સમગ્ર વિશ્વમાં આવા ઘણા અમાનુષી અત્યાચારો આઘાતજનક હતા, જે કોઈના પણ ધર્મ, લિંગ અથવા રંગને ધ્યાનમાં રાખ્યા વિના પીડાદાયક પણ હતા. ગત શુક્રવારે ટ્યુનિશિયામાં બ્રિટિશ નાગરિકોની નિર્મમ કત્લેઆમના અહેવાલોને વ્યાપક પ્રસિદ્ધિ મળી છે. અન્ય સ્રોતોની માફક, બ્રિટિશ પ્રિન્ટ મીડિયાએ પણ સામાન્ય નાગરિકના સંતાપ, પીડા અને હતાશાને વાચા આપી છે.
હું બે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય દૈનિકોને ટાંકવા માગુ છું. શનિવારે ધ ટાઈમ્સના તંત્રીલેખની હેડલાઈન કહે છેઃ ‘રક્તરંજિત ધર્મઃ ઈસ્લામ જ્યાં સુધી આસ્થાના અધમ અનુસરણથી પોતાની આંતરિક શુદ્ધિ નહિ કરે ત્યાં સુધી ઈસ્લામિસ્ટ ત્રાસવાદીઓ કોઈ ચેતવણી વિના નિર્દોષોની હત્યા કરવાનું ચાલુ જ રાખશે.’ સન્ડે ટાઈમ્સમાં ટીપ્પણી વધુ સ્પષ્ટ હતીઃ ‘તેમને સખત ફટકારો અને ફરીથી તેમને સખત ફટકારો.’ ધ ટેલિગ્રાફમાં આ દેશમાં રહેતા લોકોની સામાન્ય લાગણીને આ ટીપ્પણી સાથે વાચા અપાઈ છેઃ ‘એક વિષાક્ત વિચારધારા’ રવિવારે ધ સન્ડે ટેલિગ્રાફમાં આવી ટીપ્પણી હતીઃ ‘પશ્ચિમે લડાઈની તૈયારી કરવી જ પડશે, જે તેણે જીતવી રહેશે.’
દુનિયાના મોટા ભાગના લોકોએ દુનિયા સારી બને તે પહેલા વધુ લોહી રેડાશે તેવી આગાહી કરી છે. કેટલાકને ભય છે કે પોતાને સુન્ની તરીકે ઓળખાવતા સાથી મુસ્લિમોનો ખોફ શિયા લઘુમતી સહન કરી રહી છે. પવિત્ર ધાર્મિક માન્યતાઓના નામે જ સાથી મુસ્લિમોના હાથે વધુ મુસ્લિમોની હત્યા થઈ રહી છે.
પોતાની આસ્થાની પરંપરાનું ગૌરવ ધરાવતી વ્યક્તિ તરીકે હું બોલી રહ્યો છે. હું હિન્દુ છું. હિન્દુઓ ઘણા ભાગ્યશાળી છે. હું વિવિધ નામ ધરાવતા ઈશ્વરમાં માનું છું. હું સ્વીકારું છું કે આસ્તિકો તેમની પસંદગીના દેવ અથવા વિચારધારાને માની શકે છે. હિન્દુ ધર્મ તો એટલે સુધી માને છે કે પોતાને નાસ્તિક ગણાવતી વ્યક્તિ પણ આસ્તિક છે. ઈશ્વરનો આભાર. અન્ય આસ્થાના અનુયાયીઓ અથવા કહેવાતા નાસ્તિકોની વાત જ જવા દો તો પણ હિન્દુઓ અન્ય હિન્દુની કત્લેઆમ ચલાવતા નથી. હું વિશેષ પીડામાંથી પસાર થઈ રહ્યો છું કારણકે હું કેટલાક પીડિતો અને હિંસાના કેટલાક ષડયંત્રકારીઓને પણ જાણું છું.
બ્રિટનમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓ આચરવાના ગુનામાં દોષિત આશરે ૪૦૦ મુખ્યત્વે પાકિસ્તાની મુસ્લિમો જેલની સજા ભોગવી રહ્યા છે. ઈશ્વરનો આભાર કે ભારતીય મુસ્લિમોની સંખ્યા ઘણી જ ઓછી છે. ભારતીય મુસ્લિમો અને ભારતના પડોશી દેશના મુસ્લિમોની વર્તણૂંકમાં શાથી આટલો મોટો તફાવત છે? ચોક્કસપણે કેટલાક હિન્દુઓ પણ છે, જેઓ પ્રત્યક્ષ અથવા પરોક્ષપણે ઈસ્લામિક ત્રાસવાદ સાથે સંકળાયા છે. નોર્થવેસ્ટ લંડનમાં પરંપરાગત હિન્દુ પરિવારમાં ઉછેરલો એક યુવાન ઈસ્લામમાં ધર્મપરિવર્તન કરે છે અને ભયાનક પ્રયાસમાં ભાગ લે છે. અન્ય કિસ્સામાં, ત્રાસવાદી પ્રવૃત્તિ આચરવા બદલ બ્રિટિશ હિન્દુ અમેરિકી જેલમાં સજા ભોગવી રહ્યો છે. આવા નબળા, ગેરમાર્ગે દોરાયેલા અથવા વિશ્વાસ રાખતા માણસો કેટલીક ધર્માંધ વ્યક્તિઓથી પ્રેરાય કે બ્રેઈનવોશ થાય તે કેટલી દુઃખની વાત છે. હું ભારતમાં અને ખાસ કરીને ગુજરાત સાથે સંબંધ ધરાવતા ઓછામાં ઓછાં ત્રણ આત્મઘાતી બોમ્બરના પરિવારોને ઓળખું છું. ગયા વર્ષમાં સીરિયામાં મોતને ભેટેલા એ બે ગુજરાતી મુસ્લિમ યુવાનો સખત મહેનતુ, ધાર્મિક અને શાંતિપ્રિય મુસ્લિમ પરિવારોમાંથી આવતા હતા અને હું જાણું છું કે તેમના બધા સંબંધીઓ અને પરિચિતોની ભૂતકાળની નજરમાં ગુસ્સો નહિ, પીડા જ વધુ હોય છે.
હમણા જ થોડા સમય પહેલા હું મારા કેટલાક મુસ્લિમ મિત્રો સાથે વાતચીત કરી રહ્યો હતો, જેઓ માનવતા વિરુદ્ધ આવા ઘોર અપરાધોના કાવતરાખોરોને ઓળખતા હતા. તેઓ પણ આશ્ચર્ય અનુભવે છે કે તેમને લલચાવનારાઓ તરફથી વારંવાર જન્નત મળવાની ખાતરીઓ અપાઈ હતી તેવા આ ત્રાસવાદીઓને ખરેખર જન્નત નસીબ થયું હશે ખરું? મને કોઈ આશ્ચર્ય કે ખાતરી નથી. હું તો એટલું જાણું છું કે તમામ મૃતકો, હુમલાખોરો અને સ્યુસાઈડ બોમ્બર્સના પણ સ્નેહીઓ હશે, જેમને તેમની ખોટ સાલતી હશે. મારી પાસે સરળ માર્ગ છે- જ્યારે પણ આટલું દુઃખ, વેદના કે અન્ય ચિંતા હોય ત્યારે હું શ્રીમદ ભગવદ ગીતાનો આશરો લઉં છું. હિંદુ તરીકે મારું આગવું અર્થઘટન હોઈ શકે છે. હું મોક્ષ કે નિર્વાણની ઈચ્છા રાખતો નથી. હું પુનર્જન્મમાં માનતો નથી. હું માત્ર કર્મયોગમાં જ માનું છું. એક માનવી તરીકે જન્મ લેવાનો વિશેષાધિકાર સાંપડ્યો હોય તેવી વ્યક્તિ તરીકે મારા પોતાના વિચાર અને શબ્દો અને કાર્યો દ્વારા જ આનંદ માણી અને સેવા કરી શકું છું. પરંતુ સાથોસાથ હું એવા ઘણાં લોકોને જાણું છું, જેમના સ્નેહીજનો ત્રાસવાદીઓની ભયાનક ટોળીઓ અને ઈસ્લામને કલંકિત કરનારાઓનો શિકાર બની ગયા છે.
ઈસ્લામ તેના શુદ્ધ સ્વરુપમાં આવા અમાનવીય, અસહિષ્ણુ અને રક્તપિપાસુ વિચારધારા કે આદર્શનો ઉપદેશ આપતો જ નથી. મારા અનેક મુસ્લિમ મિત્રોમાંથી કોઈ પણ આવા ધાર્મિક અભિવ્યક્તિ અને પાગલપણાને વાજબી ઠરાવી શકશે નહિ. ત્રાસવાદીઓ કદી વિજય મેળવી નહિ શકે. કદાચ તાજેતરમાં ત્રાસવાદનો જોરદાર ઉછાળો તેમના જ થાક અને હતાશાનું પ્રતિબિંબ હોઈ શકે છે. તેમનો પરાજય થવો જ જોઈએ અને ભૂતકાળની માફક તેઓ ખુદ પોતાનો પરાજય કરશે. આગામી સપ્તાહે આપણે આપણા જ ઘરમાં ઉછરેલા ત્રાસવાદીઓ દ્વારા લંડનમાં જે ઘટના ઘટી હતી તેની ૧૦મી વરસીએ પ્રાર્થના કરીએ ત્યારે આપણે સહુ થોડો સમય થોભીએ, વિચારીએ અને સારા માનવી બનવા પ્રયાસ કરીએ.