વર્ષ ૨૦૧૭નું તમિળનાડુના ઈતિહાસ સાથે અને રાષ્ટ્રીય સ્તરે અનેરું સંધાણ સાબિત થવાનું છે. કારણ બહુ સ્પષ્ટ છેઃ તમિળનાડુ રાજ્યમાં છેક ૧૯૬૭થી રાષ્ટ્રીય સ્તરના પક્ષોને તિલાંજલિ આપીને માત્ર પ્રાદેશિક દ્રવિડ પક્ષોનું જ શાસન સ્થપાતું રહ્યું હોવાથી દ્રવિડ પક્ષોના સત્તારોહણની સુવર્ણ જયંતીનું આ વર્ષ છે.
૧૯૨૦થી અંગ્રેજ શાસન હેઠળના મદ્રાસ પ્રાંતમાં જસ્ટિસ પાર્ટીનું છેક ૧૯૩૭ના જુલાઈ લગી શાસન રહ્યું. એ પછી સી. રાજગોપાલાચારીના વડપણ હેઠળ ૧૪ જુલાઈ ૧૯૩૭થી ૨૯ ઓક્ટોબર ૧૯૩૯ લગી કોંગ્રેસનું શાસન રહ્યું. પ્રિમિયરો કે મુખ્ય પ્રધાનો બદલાતા રહ્યા પણ છેક માર્ચ ૧૯૬૭ સુધી કોંગ્રેસ પક્ષની સરકારો રહી. એ પછી ખૂબ જ નિર્ણાયક પલટો આવ્યો અને દ્રવિડ પક્ષો જ વારાફરતાં અહીં સત્તામાં આવતા રહ્યા. કોંગ્રેસનું નામું નંખાઈ ગયું અને ભારતીય જનતા પક્ષને આજ લગી સત્તામાં સહભાગની તક મળી જ નથી.
મદ્રાસ રાજ્યમાંથી આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને કેરળ આકાર પામ્યાં. ક્યારેક કોંગ્રેસી રહેલા અબ્રાહ્મણોનાં સ્વાભિમાનની ચળવળ ચલાવનાર ઈ. વી. રામાસ્વામી કે પેરિયાર અલગ દેશ દ્રવિડનાડુ સ્થાપવા આતુર હતા. એમણે દ્રવિડ ચળવળનાં મૂળિયાં નાંખ્યા. એમની સામે બળવો કરીને ચૂંટણીના રાજકારણમાં પ્રવેશેલા સી. એન. અન્નાદુરાઈ ૬ માર્ચ ૧૯૬૭ના રોજ દ્રમુકના સુપ્રીમો તરીકે મુખ્ય પ્રધાન બન્યા એ પછી દ્રમુક અને એમાંથી અલગ થયેલા અન્ના દ્રમુક જ ચેન્નઈ (અગાઉના મદ્રાસ)માં મુખ્ય પ્રધાન પદ કબજે કરતાં રહ્યાં. મૂળ કોંગ્રેસી અને ખાદીધારી રહેલા એમ. જી. રામચંદ્રન્ અન્ના દ્રમુક સ્થાપીને બરાબર એક દાયકા પછી એટલે કે ૩૦ જૂન ૧૯૭૭ના રોજ મુખ્ય પ્રધાન બન્યાં. એ પહેલાં કે પછી દ્રમુકના કરુણાનિધિ અને પછીથી અન્ના દ્રમુકનાં જયલલિતા જયરામન્ મુખ્ય પ્રધાન તરીકે ખૂબ ગાજતાં રહ્યાં. હમણાં જયા અમ્માનું નિધન થયા પછી એમના કહ્યાગરા ઓ. પનીરસેલ્વમ્ મુખ્ય પ્રધાન પદે આવ્યા અને જયાના સખી શશિકલા અન્નાદ્રમુકનાં મહામંત્રી એટલે કે સુપ્રીમો બન્યાં. કાલ ઊઠીને શશિકલા મુખ્ય પ્રધાન બને તોય નવાઈ નહીં.
દ્રવિડ કે અબ્રાહ્મણોના સ્વાભિમાન માટે સંઘર્ષરત દ્રવિડ પક્ષોમાંથી સમયાંતરે બ્રાહ્મણોનું નેતૃત્વ ઉપસતું રહ્યું. મૂળ કેરળના એટલે કે મલયાલી એવા માતૃપક્ષે બ્રાહ્મણ અને પિતૃપક્ષે નાયર એવા એમજીઆર તમિળોના ફિલ્મોમાં સુપરસ્ટારની સાથે જ રાજકારણમાં પણ સુપરસ્ટાર બન્યાં. એવું જ કાંઈક જયાઅમ્માનું પણ કહી શકાય. મહિસૂર પાસેના ગામમાં તમિળ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલાં જયલલિતા એમજીઆરની ફિલ્મોમાં નાયિકાની સાથે તમિળ રાજનીતિમાં પણ નાયિકા બન્યાં. તમિળ પ્રજા ફિલ્મી હસ્તીઓને રાજકીય શાસકો તરીકે સ્વીકારવાનું પસંદ કરે છે. અત્યારે ૯૨ વર્ષની વય વટાવી ચુકેલા કરુણાનિધિ ઘણી વાર તમિળનાડુના મુખ્ય પ્રધાન રહ્યા એ ફિલ્મોની પટકથા અને સંવાદના લેખક રહ્યા છે. એમના રાજકીય વારસ તરીકે હવે દ્રમુકનું સુકાન એમના પુત્ર એમ. કે. સ્ટાલિનને સોંપવા માટે કાર્યાધ્યક્ષ બનાવાયા છે. સ્ટાલિન પોતાની પિતાની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન પણ રહ્યા છે.
કેન્દ્રમાં કોંગ્રેસના વડપણવાળી સરકાર હોય કે ભાજપવી વડપણવાળી, દ્રમુક અને અન્ના દ્રમુક સમયાંતરે પોતાના જોડાણ બદલતાં રહ્યાં છે. વાજપેયી સરકારને ક્યારેક જયલલિતાએ ટેકો આપ્યો હતો. તો ક્યારેક દ્રમુકના પ્રધાનો વાજપેયી સરકારમાં હતા. જોકે બંને દ્રવિડ પક્ષો તમિળનાડુમાં તો પોતે બિગ બ્રધર બની રહેવાનું પસંદ કરે છે.
જયલલિતાના પક્ષ સાથે ચૂંટણી જોડાણ કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ જ ધમપછાડા કર્યા છતાં છેલ્લી ચૂંટણીમાં એમણે એકલે હાથે જ લડવાનું પસંદ કર્યું હતું અને અપવાદરૂપ સંજોગોમાં ફરી વિજય મેળવીને ભારે બહુમતી સાથે સરકાર પણ રચી હતી. જયા અમ્માના નિધન પછી અન્ના દ્રમુકને પોતાના પડખામાં લેવાની ભાજપની નેતાગીરીની કોશિશોને હજુ સફળતા મળી નથી. શશિકલા અને મુખ્ય પ્રધાન પનીરસેલ્વમ્ પછાત ગણાતી થેવર જ્ઞાતિનાં છે.
અત્યારે તમિળનાડુ ફરી એક નવા મુદ્દે ચર્ચામાં છે. બળદ અને આખલાઓ સાથેની પુરુષોની રમત પર પ્રતિબંધના વિરોધમાં તમિળનાડુમાં માનવ મહેરામણ ઊમટ્યો છે. તમિળ સંસ્કૃતિની આ રમત ‘જલીકટ્ટુ’ને પ્રતિબંધિત કરાય નહીં એ માટે સમગ્ર ભારત દેશ હિલોળે ચડ્યો છે. જે મરીના બિચ પર જયાઅમ્માને દફનાવવા માટે માનવ મહેરામણ ઉમટ્યો હતો, એ જ મરીના બિચ પર આખલાઓ સાથેની લડાઈની રમતને બંધી ફરમાવવાના વિરોધમાં માનવ મહેરામણ ઊમટે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને નિરસ્ત કરવા માટે વટહુકમ બહાર પાડવો પડે એ ઘટના તમિળનાડુમાં જ બની શકે. આખલાને અંકુશમાં આણવાની રમત ઈ.સ. પૂર્વે ૪૦૦-૧૦૦ જેટલી જૂની ગણવામાં આવે છે. એ સર્વધર્મની ખેતી ઉત્સવ સંલગ્ન રમત મનાય છે.
જોકે આ ઘટનાક્રમ પાછળ ભારતીય જનતા પક્ષનું સીધું રાજકારણ જોવા મળે છે, પણ એને તમિળ પ્રજા સ્વીકારે એવું લાગતું નથી. કેન્દ્રના ગૃહ પ્રધાન રાજનાથ સિંહને મળવા ગયેલા તમિળ સાંસદોના પ્રતિનિધિ મંડળ સમક્ષ તેમણે આ જલીકટ્ટુ રમતને બંધી ફરમાવવા માટે અગાઉની કોંગ્રેસના નેતૃત્વવાળી ડો. મનમોહન સિંહની સરકારને જવાબદાર લેખાવી હતી. આરએસએસ અને વિશ્વ હિંદુ પરિષદે પણ આ રમતને તમિળ સંસ્કૃતિ સાથે જોડીને પ્રતિબંધિત કરવાનો વિરોધ કર્યો છે. જોકે છેલ્લા કેટલાંક વર્ષોમાં આ રમતથી કેટલાય લોકોનાં મૃત્યુ થયાં હતાં અને પશુ પર અત્યાચાર આચરવાને પ્રતિબંધિત કરવાના હેતુસર જીવદયા પ્રેમીઓના આગ્રહને વશ થઈને જ ૨૦૧૧માં કેન્દ્ર સરકારે જલીકટ્ટુ રમત પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. એ પછી મામલો અદાલતમાં અટવાતો રહ્યો. હવે એણે રાજકીય સ્વરૂપ પકડ્યું છે.
આવતા દિવસોમાં તમિળનાડુ એક યા બીજા મુદ્દે ચર્ચામાં રહેશે. રાષ્ટ્રીય રાજકીય પક્ષોને નકારતા રહેલા તમિળનાડુમાં કોંગ્રેસના મોટા ગજાના નેતા અને મુખ્ય પ્રધાન પણ રહેલા કે. કામરાજના નામને સહારે પણ ભાજપને તમિળનાડુમાં પગપેસારો કરવો છે. નવો ઈતિહાસ રચવો છે.
વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક ૨૪ ડિસેમ્બર ૨૦૧૬ અથવા ક્લિક કરો
વેબલિંકઃ www.asian-voice.com/Community/Politics-of-Southern-India-From-Periyar-to-Jayalalithaa
(લેખક સામાજિક-રાજકીય ઈતિહાસકાર છે)


