અનામત-ભ્રષ્ટાચાર મુદ્દે અદાલતનું અવલોકન

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 16th December 2015 08:36 EST
 

ઇસુ વર્ષ ૨૦૧૫ના આ વિદાય-દિવસો છે. નાતાલની રાતે ગુજરાતનિવાસી ઇસાઇઓ મીણબત્તીના અજવાળે પ્રાર્થના કરશે અને ૨૦૧૬નાં નૂતન વર્ષને રંગેચંગે ઊજવશે. ઉજવણીની બાબતમાં ગુજરાતીઓ શૂરાપૂરા છે. કોઈ પણ તહેવારને તે ધમાકેદાર રીતે ઊજવે છે! ૨૫ ડિસેમ્બરની રાત્રિ અને જાન્યુઆરીમાં ‘હેપ્પી ન્યૂ યર’ની પાર્ટીઓથી અમદાવાદ, સુરત, વડોદરાની સાથોસાથ રાજકોટ - ભાવનગર - જામનગર - વલસાડ - હિંમતનગર ન જોડાયા હોય તો જ નવાઈ!

એક માનસશાસ્ત્રીય અભ્યાસ કહે છે કે દરેક માણસમાં અજંપો છે અને તેને ઢાંકી દેવા (નષ્ટ કરવા માટે નહીં) તે ઊજવણીનો આશરો લે છે! ગુજરાતની પાસે તો નવા અને પુરાણા ઉત્સવોની જુગલબંદી છે. દીપોત્સવીની પૂર્વે નવરાત્રિ સુધી ચાલતી ‘નવરાત’, હોળી-ધૂળેટી, રામનવમી, મહાશિવરાત્રિ, જન્માષ્ટમી, રક્ષાબંધન, ઇદે મિલાદ, સંવત્સરી... હજુ બીજાં નામો ઉમેરી શકાય. હવે તો પતંગોત્સવે દુનિયાને ઘેલું લગાડ્યું છે. અમદાવાદના ‘રિવર-ફ્રન્ટ’ પર આખ્ખો દિવસ આકાશ અનેકરંગી પતંગોથી છવાયેલું રહે છે. એકલી પતંગબાજી નહીં, મોજમસ્તી અને ખાણીપીણી પણ ખરાં!

આજે એક વધુ ઉત્સવની વાત કરવા મન લલચાય છે. (લોર્ડ બિલિમોરિયા અને બીજા બ્રિટિશ-પારસીઓ હજુ ‘સોજ્જું સોજ્જું’ ગુજરાતી બોલતા હશે!) ડિસેમ્બર ૨૫થી ઉદવાડામાં પારસીઓનો ‘આઇયુયુ’ મહાઉત્સવ થશે, ‘ઇરાનશા ઉદવાડા ઉત્સવ’ના આ પર્વમાં રતન તાતા સામેલ થશે. ઇન્ડિયન બાયોટેકના માંધાતા ગણાતા સાઇરસ પૂનાવાલા પણ આવી પહોંચશે. કેન્દ્રના બે પ્રધાનો અરુણ જેટલી અને નજમા હેપતુલ્લાએ સંમતી આપી છે. સાયરસે તો કહ્યું કે ત્રણે દિવસને ‘ભવ્ય’ બનાવજો, ખર્ચની ચિંતા કરશો મા. એટલે સામાન્ય દિવસોમાં શાંત-સુસ્ત લાગતું ઉદવાડા અત્યારે સચેતન બની ગયું છે! દુનિયાભરના પારસીઓ અહીં આવશે, પારસી-જરથુસ્ટ્ર સંસ્કૃતિને વાગોળશે.

આ દક્ષિણ ગુજરાતમાં જ સંજાણ બંદરે, ઇરાનથી ત્રસ્ત થઈને જે સમુદાય આવ્યો અને ‘દૂધમાં સાકર ભળી જાય તે રીતે’ ભળી જાય તે રીતે ભારતીય સંસ્કૃતિમાં આત્મસાત્ થઈ ગયો છે. તે ઘટના જ ‘અસહિષ્ણુતાના ઇતિહાસમાં સહિષ્ણુતા અને સાંમજસ્યની અનેરી’ તવારિખ છે. પારસી પ્રજાએ લઘુમતીમાં હોવા છતાં, સ્વંત્રતા પહેલાં કે પછી એવા વિશેષાધિકાર માગ્યા જ નથી. વિડંબના તો જુઓ કે જૈનો અને પાટીદારોનો એક વર્ગ અનામત માગી રહ્યો છે. મુસ્લિમોએ લઘુમતીના નામે પાકિસ્તાન લઈ લીધું, હવે ખિલાફત-ખલિફા માટેની ઝુંબેશ ચાલી છે. અનામતમાં પણ અનામતનો રાગ આલાપવામાં આવ્યો.

દાદાભાઈ નવરોજી, જમશેદજી તાતા, રુસ્તમ મસાણી, મીનુ મસાણી, જે. એફ. નરીમાન, સિરવઇ, મેડમ કામા, પીલુ મોદી, ‘મુંબઈ સમાચાર’ના સ્થાપક ફરદુનજી મર્ઝબાન... આ ભારતમાં એકરૂપ થઈ ગયેલા પારસી તેજનક્ષત્રો છે. ગુજરાત એટલે જ પારસીઓનાં ગુજરાતીપણાનું યે ગૌરવ લે છે.

ઉદવાડા - ઉત્સવમાં નિમિત્તે ‘ઉસ્તા-તે’ (તમે સુખરૂપ રહો) ફાઉન્ડેશને પારસી કેલેન્ડર ‘ગાથા’નું નિર્માણ કર્યું છે. મસિહા જરથુસ્ટ્રે ‘અહર મઝદા’ની પવિત્ર વાણી દુનિયાને આપી તે આ ‘ગાથા’! હવે તો આધુનિક પારસીઓને ય તેની ખબર નથી. ડો. એરૂચ તારાપોરવાલાએ મહેનતપૂર્વક પ્રાચીન ભાષામાંથી કરેલા કાવ્યમય અનુવાદનું વિમોચન જસ્ટિસ જમશેદ પારડીવાલા કરશે. આ કેલેન્ડરમાં રૂસ્તમ દાબુએ ચિત્રાંકન કર્યું છે.

ત્રણે દિવસના ઉત્સવમાં ‘દાવર ગ્રૂપ’ની પ્રસ્તૂતિ, સુરતમાં બેસીને રંગભૂમિને ધબકતી રાખનાર યઝદી કરંજિયાનું નાટક, આરિશ દારૂવાલાનું સંગીત, હોર્મઝ રગિનાના ‘ધ બિગ ફડ બસ બેંડ’માં બોમાન ઇરાનીની પ્રસ્તુતિ, નાટક ‘તપો-રે-ઇરાનશા’ વગેરે કાર્યક્રમો થશે. ઉદવાડા ગુજરાતની પારસી પ્રજાના આ ઉત્સવને રંગેચંગે માણશે. આમેય પારસી પ્રજા સ્વભાવથી જ મનમોજી અને રંગીલી હોય છે ને?

અનામત પ્રથા અને ભ્રષ્ટાચારે ભારતીય લોકતંત્રના વિકાસમાં અવરોધ પેદા કર્યો છે એમ કહેવું ‘ઇમ્પિચમેન્ટ’ માટેનું કારણ ગણી શકાય?

હમણાં અહીં જુદા જુદા પક્ષો અને સંગઠનોના દલિત નેતાઓની એક બેઠક થઈ તેમાં એક પૂર્વ સાંસદે જસ્ટિસ પારડીવાલાએ આપેલા એક ચુકાદામાં કરેલાં વિધાનોને સંસદમાં ‘ઇમ્પિચમેન્ટ’ને લાયક ગણાવ્યાં છે.

જસ્ટિસ પારડીવાલા પાસે આમ તો હાર્દિક પટેલનો એક કેસ ચાલતો હતો તેના ચુકાદામાં તેમણે કહ્યુંઃ અનામત અને ભ્રષ્ટાચાર આ દેશને ખલાસ કરે છે અને સાચી દિશાની પ્રગતિમાં બાધારૂપ બને છે. ખરેખર તો ભ્રષ્ટાચાર જ આપણા માટે સૌથી મોટો ખતરો છે. લોકોએ અનામતના આંદોલનને બદલે બધા સ્તરે ભ્રષ્ટાચારની સામે લડવું જોઈએ. Reservation has only played the role of an AMOEBOID MONSTER sowing seed of discord amongst people.

આમાં પારડીવાલા પર ‘ઇમ્પિચમેન્ટ’નો ગૂનો કઈ રીતે ગણાય? કડવી સચ્ચાઈ એ છે કે પોતપોતાના નાત-જાત-સમુદાયનાં હિતો માટે આપણે ત્યાં ‘વિરોધ-શૈલી’નો ઉપયોગ કરવાનો શરૂ થયો છે. તેમાં કસાબને ફાંસીનો યે વિરોધ થઈ શકે અને મકબૂલ બટ્ટનો ચૂકાદો ઠીક નહોતો એમ પણ કહી શકાય. દલિત સમાજનાં ઉત્થાન માટે ડો. બાબાસાહેબ આંબેડકર અને બીજા ઘણા નેતાઓએ સંઘર્ષ કર્યો હતો. સ્વતંત્રતા પછી અનામત પ્રાસંગિક જરૂરિયાત હતી, પણ પછી તેને ચાલુ રાખવી પડી તેમાં ‘અનામત’ પ્રથાનો જે રીતે ઉપયોગ - દુરુપયોગ થયો, ‘વોટબેંક’ની રાજરમત ચાલુ રહી, એ ખામી નથી? શું તેનો પુનર્વિચાર ન જ કરાય એવું બાબાસાહેબ આંબેડકરે ક્યારેય કહ્યું હતું?

જસ્ટિસ પારડીવાલા ગુજરાતના સ-જાગ ન્યાયમૂર્તિ છે. પારસી છે એટલે ‘લઘુમતી’ના અધિકારો માટે પારસી સમાજે ક્યારેય આંદોલનો નથી કર્યાં તેવી રાષ્ટ્રીય લઘુમતીમાંથી આવે છે તે પણ નોંધવું જોઈએ. તેમના વિધાનોમાં સચ્ચાઈ છે, કડવી વાસ્તવિકતા છે કેમ કે ખરેખર અનામત-પ્રથાથી દલિતોને કેવો કેટલો લાભ મળ્યો અને લાભ મેળવી લીધા પછી પોતાને અનામત-લાભમાંથી બાકાત થઈ જવાનું કેમ સૂઝ્યું નહીં? લોકતંત્ર છે તો સવાલો છે. સવાલો છે તો સમીક્ષાની તક છે. સમીક્ષા આત્મપરીક્ષણ માગી લે છે. પારડીવાલાએ આવું એક પ્રશંસનીય પગલું લીધું છે તેને માટે અભિનંદનને પાત્ર છે.

‘દલિત નેતાઓ’ પોતાનાં નેતૃત્વના અસ્તિત્વ માટે બીજાં તિકડમો કરે તો ભલે, પણ કેટલાક ગંભીર સવાલો ઊઠે ત્યારે તેને આવા નાદાર આરોપમાં બદલાવવાની કોશિશ કરવી ન જોઈએ. આઘાતની વાત એ છે કે ‘ઇમ્પિચમેન્ટ’ જેવા ગંભીર પગલાંની માગણી જે સભામાં કરવામાં આવી તેમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ, સાંસદો યે મંચ પર હતા. એકાદે ય સમજદાર નેતા ના નીકળ્યો જેણે આખી વાતને વધુ ઊંડાણથી સમજવાની કોશિશ ના કરી?


comments powered by Disqus