અનામતમાં ‘સબ સલામત’ નથી, નવા મુદ્દા, નવા બોધપાઠ પણ છે...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 16th September 2015 08:36 EDT
 
 

દાંડીકૂચ અને પ્રતિ-દાંડીકૂચના હિંસક હાકલા પડકારા છેલ્લી ઘડીએ રદ થયા. આજે લખી રહ્યો છું તેના મધ્યાહને ગુજરાત સરકાર, મુખ્ય પ્રધાન અને આંદોલનકારોની વચ્ચે મંત્રણા થવાની છે.

પાટીદાર અનામત આંદોલનમાંથી ફંટાયેલી મહત્ત્વની વાત તો પોલીસે આચરેલા જુલમની છે. દરેક આંદોલન વખતે આવી ફરિયાદોનો ખડકલો થાય છે. ૧૯૫૬ની આઠમી ઓગસ્ટે અમદાવાદના ભદ્રમાં આવેલા કોંગ્રેસ-ભવન સામે એકઠા થયેલા ટોળાંનો સવાલ એટલો જ હતો કે અમારાં મહાગુજરાતનું શું થયું? દ્વિભાષી રાજ્ય કેમ ઠોકી બેસાડ્યું? કેન્દ્ર અને રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી એટલે લોકો તેને જ સવાલ પૂછે એ પણ સ્વાભાવિક હતું. ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં નહોતું એટલે વિધાનસભા ભવન મુંબઈમાં હતું. ત્યાં સુધી ગુજરાતના લોકો કઈ રીતે જાય? એટલે ભદ્રમાં આવેલા કોંગ્રેસ-ભવનની સામે દેખાવો થયાં. લોકોને વિખેરવા માટે પોલીસે ગોળીબાર કર્યો હતો તેમાં ચાર લોકો મરાયા. ભદ્રમાં જ ત્યારે અદાલતનો સંકુલ હતો. ત્યાં વકીલોની કેબિનમાં બેઠેલા ધારાશાસ્ત્રીઓએ ગોળીબારના અવાજો સાંભળ્યા. બે ધારાશાસ્ત્રીઓ - હિંમતલાલ શુકલ અને વસંતરાવ ગજેન્દ્ર ગડકર લોકોની વચ્ચે આવ્યા. પોલીસને પણ સવાલો કર્યા.

બરાબર એ જ દિવસોમાં નૈનપુરમાં એક આશ્રમશાળા ચલાવતા, જૂના ભેખધારી ‘રાજકીય વિપ્લવી’ ગણાયેલા ઇન્દુલાલ યાજ્ઞિક ટ્રેનમાં બેસીને અમદાવાદ આવ્યા. રેવડી બજારમાં ત્યારે ‘જનસત્તા’નું કાર્યાલય હતું. તેના તંત્રી રમણલાલ શેઠ હતા. (આવા અડીખમ અને નિર્ભીક તંત્રી માલિકોની યે ગુજરાતમાં એક આગવી તવારિખ છે. રમણલાલે મહાગુજરાત આંદોલનને ધસમસતું રાખવામાં પોતાના અખબારને કામે લગાડ્યું હતું!) ઇન્દુલાલ તેમની પાસે ગયા. ‘જનસત્તા’ના માણસ તરીકે કરફ્યૂ પરવાનો મેળવ્યો અને અમદાવાદના અજંપાને પારખ્યો, તેમાંથી જ ‘ઇન્દુલાલ’ની જગ્યાએ ‘ઇન્દુચાચા’નો નવો જન્મ થયો હતો.

પોલીસ વિરુદ્ધ પ્રજા

પોલીસ-ગોળીબાર આમ નવી નેતાગીરીને પેદા કરે છે, આંદોલનને હવા આપે છે, લોકોમાં તેમના પ્રત્યે તિરસ્કાર પેદા કરે છે. આ એક સામાજિક - રાજકીય - આર્થિક સમસ્યા છે, તેના તરફ કોઈએ આજ સુધી જોયું જ નહીં! હા, કેન્દ્ર સ્તરે એક ડો. ધર્મવીર તપાસ પંચ બન્યું હતું. કે. એફ. રુસ્તમજીએ કેટલુંક કામ કર્યું હતું. પોલીસ-સુધાર માટેની તેમાં મહત્ત્વની ભલામણો હતી. પણ તપાસ સમિતિઓ અને તપાસ પંચોના અહેવાલો પર રાજ્ય સરકારો થોડી ઘણી ચર્ચા કરે છે, કેટલીક અનુકૂળ પડે તેવી ભલામણોને સ્વીકાર છે, કેટલીકની અવગણના કરે છે, પછી પ્રશાસન તેના પર ઠંડુ પાણી ફેરવવામાં લાગી જાય છે.

૧૯૮૧-૮૫ના અનામત રમખાણો જ હતાં, પણ પછી હિન્દુ-મુસ્લિમ દંગામાં ફેરવાઈ ગયાં. જસ્ટિસ દવેનું તપાસપંચ પોલીસ દમનની તપાસ કરવા બેઠું હતું. તત્કાલીન વિપક્ષી આગેવાન બાબુભાઈ જ. પટેલે પણ એક સમિતિ દ્વારા ઘણી વિક્ષોભક ઘટનાઓ નોંધી હતી. આઠ વરસની બીના ઝાલાએ અનામત - તોફાનોમાં ભાગ લીધો હોય એવી તમે કલ્પના યે કરી શકો ખરા? તે સમયની પોલીસે તેને ઘરમાંથી બહાર કાઢીને ગોળીએ વીંધી દીધી હતી!

૧૯૭૪નાં નવનિર્માણ આંદોલન દરમિયાન ગુજરાતની પોલીસ ‘કાયદો વ્યવસ્થા’ સંભાળવા માટે રાખવામાં આવી હતી. આકાશવાણી પર એક મહિલા ઉદ્ઘોષક - પોતે જ સરમુખત્યાર હોય તેવી રીતે - દરેક અરધી કલાકે પોતાના અવાજમાં રેડિયો દ્વારા લોકોને સૂચના આપતી હતીઃ ‘કરફ્યૂનો ભંગ કરનારને તે જ સ્થળે ઠાર મારવામાં આવશે!’ જોકે જુવાન છોકરાઓ ખાડિયામાં શર્ટનાં બટન ખોલીને પડકારતા હતા પોલીસને - ‘ચલાવો ગોળી! અમે મરવા તૈયાર છીએ...’ આજે પણ ખાડિયા - રાયપુર - જમાલપુર - નારણપુરામાં રસ્તા અને પોળોમાં ફરો તો ક્યાંક, તે સમયે વીંધાયેલા લોકોનાં નામ સાથેની ખાંભી કોઈક ખૂણે જોવા મળશે.

ખાખી પાવર?

આપણે ચર્ચા તો કરી રહ્યા છીએ કે પોલીસના ‘ખાખી પાવર’માં આટલી નાદાનિયત આવે છે કે પછી લોકોનાં તોફાનોને લીધે તેણે નાછૂટકે લાઠીગોળી ચલાવવાં પડે છે? બ્રિટિશ જમાનામાં આંદોલનકારીઓ પર ઘોડા દોડાવવામાં આવતા તેની દસ્તાવેજી ફિલમ આપણે જોઈ છે. જલિયાંવાલા બાગમાં તો બ્રિટિશ લશ્કરે જ દરવાજો બંધ કરીને શીખ લોકો પર ગોળી ચલાવીને લાશો ઢાળી હતી.

પણ સ્વતંત્ર ભારતમાં શું? ગુસ્સૈલ ડો. રામમનોહર લોહિયા આંકડા સાથે પૂરવાર કરી ચૂક્યા હતા કે ગુલામીના શાસન કરતાં સ્વતંત્રતા પછી ગોળીબારો વધુ થયા છે. નવનિર્માણ આંદોલન વખતે ૧૯૭૪માં અમદાવાદમાં સ્થાનિક પોલીસ અને એસ. આર. પી. તરફ લોકોનો ગુસ્સો સાતમા આકાશે હતો. પછી અર્ધ લશ્કરી બળો આવ્યાં તો નાગરિકોએ કૂચ કાઢીને તેમનું સ્વાગત કર્યું ને પાટિયાં પર લખ્યુંઃ ‘અમને બંદૂકની ગોળી નહીં, રોટી જોઈએ છે!’ તે સમયના એક લશ્કરી અફસર સુનીલ પ્રધાને તો પછી પુસ્તક લખ્યું તેમાં આ પ્રસંગની નોંધ કરી છે.

બાકોરાં અને મોટાં બાકોરાં

તાજેતરના અનામત આંદોલનોમાં સહુથી અધિક હિંસાચાર ૧૯૮૧-૮૫માં થયો. કેન્દ્રીય મોવડીમંડળે તેથી ‘ખામ’ના સર્જક મુખ્ય પ્રધાનને તાકીદ આપી કે રાજીનામું આપી દો. બરાબર, નવનિર્માણ આંદોલન પછી ચીમનભાઈ પટેલની જે હાલત થઈ તેનું રાજકીય પુનરાવર્તન થયું.

દવે તપાસ પંચની ભલામણો અભેરાઈ પર છે. ૧૯૬૯નાં રમખાણો પછીના તપાસ પંચના અહેવાલને કોઈ યાદ કરતું નથી. ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલનને ઊંડાણથી સમજવામાં આવે તો તેની તરફેણ કરતાં વિરોધમાં ઘણી દલીલો થઈ શકે છે. પરંતુ તેનાં મૂળમાં જઈએ તો પહેલાં દલિત-આદિવાસી અને પછી ઓબીસીને બાકી સમાજની સમકક્ષ કરવા માટે અનામત પ્રથા આગળ વધારવામાં આવી તેમાં રહી ગયેલાં બાકોરાં અને મોટાં બાકોરાં જવાબદાર છે. આ વ્યવસ્થાથી કઈ જાતિને કેટલો લાભ થયો, તેમાં પણ કેટલાં વંચિત જ રહી ગયા, તેના પ્રતિશત કેટલા છે... આનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ તો થયો જ નહીં. એટલે અનામતમાં હેતુ સિદ્ધ થયા પછી જાતિની બાદબાકીને બદલે તેમાં ઉમેરો જ થતો ગયો. તેમાં ગુર્જર - મરાઠા - પાટીદાર આંદોલનો થયાં.

આ કંઈ એકલા ગુજરાત સરકાર કે બીજી સરકારો પૂરતો સવાલ મર્યાદિત નથી. તમામ રાજકીય પક્ષો, ચૂંટણીમાં ‘વોટબેન્ક’, હડાહડ જાતિવાદનો વધતો જતો ફેલાવો પણ એટલો જ જવાબદાર છે. ફરી વાર કબીર યાદ આવે કે ‘બોયા પેડ બબુલ કા, આમ કહાં સે લાઉં?’ અને ચીની કહેવત છે કે અફીણનો છોડ વાવીએ અને તેમાં દ્રાક્ષની આશા રાખીએ તે કેમ ચાલે?

બોયા પેડ બબુલ કા...

છેલ્લા એકાદ મહિનાથી આ પાનાં પર આપણે વર્તમાન અનામત ચળવળના નિમિત્તે ચર્ચા કરી છે. કેટલીક બાબતોનું તેમાં કદાચ પુનરાવર્તન પણ થયું હશે. ગુજરાતને માટે આંદોલનોનો એક ક્રમ રહ્યો છેઃ ૧૯૫૬નું મહાગુજરાત આંદોલન, ૧૯૬૦નું દીવ-દમણ-ગોવા મુક્તિ આંદોલન, ૧૯૬૮નો કચ્છ સત્યાગ્રહ, ૧૯૭૪માં નવનિર્માણ, ૧૯૭૫-૮૫માં કટોકટી - સેન્સરશિપનો વિરોધ, ૧૯૮૧-૮૫માં અનામત-તરફેણ વિરોધ, પછી અયોધ્યા યાત્રા અને હવે ૨૦૧૫માં પાટીદાર અનામત!

આમાંના કેટલાંક આંદોલન શુદ્ધ રાષ્ટ્રીય લાગણી પર આધારિત હતાં (જેમ કે, દીવ-દમણ અને બીજો કચ્છ સત્યાગ્રહ) એક લોકતંત્રને બચાવવાની લડાઈ હતી. (૧૯૭૫-૭૬માં સેન્સરશિપ અને કટોકટીવિરોધી આંદોલન). એકમાં ભ્રષ્ટાચાર અને મોંઘવારીનો વિરોધ હતો. (નવનિર્માણ) અને એકમાં પોતાનાં રાજ્યની રચનાનો ‘મહાગુજરાત લે કે રહેંગે’નો પડકાર! તમામમાં કોઈને કોઈ રીતે દમન તો થયું જ છે, જેલો ઊભરાઈ છે, પત્થરબાજી-લાઠીમાર-ગોળીબાર અને કર્ફ્યુ લદાયાં છે. પોલીસ અને અર્ધલશ્કરી બળોનો ઉપયોગ થયો છે. પોલીસ અને લશ્કરની યે મુશ્કેલી છે કે પોતાના દેશી બાંધવોની સામે થવું પડે છે!!

વિચારવાનું એટલું જ છે કે તંદુરસ્ત લોકશાહી માટેના પડકારો સમજીને આપણે તે પ્રમાણે અમલીકરણ કરવું છે કે આંખે પાટા બાંધીને ‘આંધળા- પાડાની’ રમત રમ્યા કરવી છે? સવાલ ગુજરાતનો જ નહીં, વિદેશવાસી ગુજરાતીઓ માટેનો પણ છે. બંધારણ વખતે ‘કરવા ગયા કંસાર ને થઈ ગઈ થૂલી’ જેવું આપણું નસીબ બદલાવવું તો પડશે જ!

ગુજરાતમાં યહુદી પ્રજા

૧૪ સપ્ટેમ્બરે સવારે એક અજનબી ફોન રણક્યો. મારો જન્મદિવસ હોઈ કોઈ અંગત મિત્રે મુબારકબાદી પાઠવી હશે એમ માનીને રિસીવર ઊઠાવ્યું તો હિબ્રુ ભાષામાં રણકાર થયોઃ ‘શાના તોવા!’ (Shana Tova!)

ગુજરાતના યહુદીઓ તેમનું નવું વર્ષ મનાવી રહ્યા હતા! આ યહુદી પ્રજા પણ એક લાક્ષણિક જનસમુદાય છે. દુનિયાનો કોઈ દેશ એવો નહીં હોય - સામ્યવાદી કે નાઝીવાદી - અને ઇસ્લામિક દેશો પણ, કે યહુદી પર અપાર જુલમ વરસાવ્યા ના હોય અને છતાં આઈન્સટાઇનથી માંડીને બીજા સેંકડો મહાપુરુષો આ કોમે દુનિયાને આપ્યા છે.

‘નેકસ્ટ યર ઈન જેરુસલેમ’

તેની ‘નેકસ્ટ યર ઈન જેરુસલેમ’ પ્રાર્થના પોતે જ સમગ્ર પ્રજાની મહત્ત્વાકાંક્ષાના પડકારનું ગીત છે. છેવટે તેમણે પોતાની જન્મભૂમિને ઇઝરાયલના સ્વરૂપે આકાર આપ્યો જ. બેન ગુરિયન કે મોશે દયાન જેવાં નામો આપણા હોઠ પર અચૂક આવે છે.

ભારતમાં લઘુમતી તરીકે મુસ્લિમો જે રીતે વર્ત્યા અને હિંસાચારનાં માધ્યમથી અલગ દેશ મેળવ્યો તેવું પારસી કે યહુદીએ સ્વપ્ને પણ વિચાર્યું નહીં એ તે પ્રજાની ભારત પ્રત્યેની અસીમ દેશભક્તિનું અને સમરસતાનું પ્રમાણ છે.

ગુજરાતમાં યહુદી તવારિખ વધુ લાંબી નથી. લગભગ ૧૮૫૭ પછી તેઓ ગુજરાતમાં વસ્યા હતા. અમદાવાદ - વડોદરા - સુરત - રાજકોટ - ભૂજમાં તેમના પરિવારો રહ્યા. તેમાં પણ હિન્દુ ધર્મ માટેના આધિકારિક વિદુષી ડો. એસ્ધર સોલોમન, પ્રખ્યાત પ્રાણીશાસ્ત્રી રુબિન ડેવિડ, કવિ-નવલકથાકાર એસ્થર ડેવિડ જેવાં નક્ષત્રો પાક્યાં છે. અત્યારે માંડ ૧૫૦ યહુદી ગુજરાતમાં છે. ૧૪ સપ્ટેમ્બરે તેમણે પોતાનું નવું વર્ષ ‘રોશ હાશાન્હ’ ઊજવ્યું. ખમાસા ગેટ પાસે તેનું સિનાગોગ આવેલું છે ત્યાં ભેગા મળીને પ્રાર્થના કરી હતી. ૧૦૧ વાર ‘શોફાર’ વગાડીને ખુશી અભિવ્યક્ત કરી ‘ચિક ચા હલવા’નો પરંપરિત સ્વાદ માણ્યો, મધ ભેળવીને મીઠાશનો ઉમેર્યો કર્યો...

યહુદી પ્રજા અને ઇઝરાયેલ તેમ જ ગુજરાતી અને ભારત - બન્ને વચ્ચે ઘણું સામ્ય છે. બન્નેની સામે આતંકી જેહાદનો ખતરો છે. બન્નેની પાસે પ્રાચીનતમ ભાષા - હિબ્રુ અને સંસ્કૃત-નો વૈભવ છે. બન્ને સંપૂર્ણ લોકતંત્રીય દેશ છે. બન્નેનો ખેડૂત ભારે પરિશ્રમી છે અને બન્ને પ્રજા સુ-સંસ્કૃત રાષ્ટ્રવાદી છે.


comments powered by Disqus