અમદાવાદના પડછાયે પરિવર્તનના પડાવ

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 26th February 2018 07:04 EST
 
 

આ લખી રહ્યો છું ત્યારે, સોમવારે અમદાવાદ તેની ૬૦૮મી વર્ષગાંઠ ઊજવી રહ્યું છે. એક મહાનગર - જેને ગુજરાતની આર્થિક રાજધાની અને બાદશાહોનાં પાટનગર તરીકેની - ખ્યાતિ મળી છે તેનો ભૂતકાળ અનેક ચડાવ-ઉતારનો સાક્ષી હોય જ. જૂન ૧૦૬૭માં, કોલેજનું છેલ્લું પેપર પૂરું કરીને, જૂનાગઢથી અહીં અમદાવાદ આવીને વસી ગયો હતો. પત્રકારત્વ – સાહિત્ય – શિક્ષણ – ઇતિહાસ સંશોધનના ચાર મુખ્ય પડાવ પર ઊભો રહીને જોઉં છું તો કેટકેટલાં દૃશ્યો નજર સામે આવે છે? અહીંથી ગુજરાત સરકાર ચાલતી. જૂની સિવિલ હોસ્પિટલમાં તેનું કાર્યાલય અને સચિવાલય. પોલિટેકનિક પરિસરમાં યે તેનો દબદબો રહ્યો. બે ઓરડાની સગવડ આપતી ‘હોસ્ટેલ’ હતી, હોસ્પિટલની પાસે. ત્યાં ભાઈકાકા, ગંગારામ રાવળ, સનત મહેતા, મનોહરસિંહ જાડેજા, ધ્રોળ ઠાકોર વગેરે ધારાસભ્યો રહેતા. એક વાર અતિવૃષ્ટિ થઈ તો નીચેના માળે રહેતા ભારે વજન ધરાવતા ધ્રોળ ઠાકોર સાહેબને પાલખીમાં બેસાડીને ચોથા માળે લઈ જવા પડ્યા હતા. આમેય તેમને માટે વિધાનસભામાં એક મોટી ખુરશી બનાવડાવવામાં આવી હતી!

આ હોસ્ટેલે ૧૯૬૭ના ખતરનાક પક્ષાન્તરો જોયાં છે. એ દિવસોમાં ‘ભારતીયકરણ’ની ચર્ચા હતી. તેમાં ધારાસભ્ય – અને હિતેન્દ્ર દેસાઈ પ્રધાનમંડળમાં એકત્રીસ દિવસના મંત્રી - મનુભાઈ પંચોળી ‘દર્શક’ હતા. તેમણે મને ઘસીને મુલાકાત કે લેખની ના પાડી દીધી પણ ચીમનભાઈ પટેલે બે-બાક ઇન્ટરવ્યૂ આપ્યો હતો! ૧૯૬૭માં ચાર ‘પ્રખર’ ધારાસભ્યો વિધાનસભાને ગજવતા - તેમાં સનત મહેતા, ચીમનભાઈ શુકલ, મનોહરસિંહજી જાડેજા અને ડો. વસંત પરીખ ગાજતા, ગરજતા, સરકારને ભીંસમાં લેતા.

અમદાવાદના કારંજથી રિલીફ સિનેમા તરફ જતી ગલી - તેને સલાપોસ રોડ કહેવાતી -માં મનસુરી બિલ્ડિંગના પહેલા માળે, ભાંગી તૂટી સીડી પરથી ‘સાધના’ કાર્યાલય સજ્જ હતું.

એક મોટો ઓરડો, તેમાં પાર્ટીશન કરેલી કેબિન અને બહાર ધસમસતા ટ્રાફિકને સહન કરતી એક વ્યક્તિ સૂઈ શકે તેવી લોબી! મળીને બેનો સ્ટાફ – એક તંત્રી, એક વ્યવસ્થાપક – અને સંઘ પ્રચારક વસંતરાવ ચિપલુણકર. આ ચારે ધારાસભ્યો અહીં મુલાકાતે આવતા. પાલનપુરના એક બ્રાહ્મણની ચાની દુકાન નીચે હતી. તેની ચા અને થોડેક દૂર સેવકરામ સિંધીની પાપડી... આ અમારી મહેફિલની સામગ્રી!

મને એ ઘટનાનું યે સ્મરણ છે કે ‘ચિત્રલેખા’ વાર્તા સ્પર્ધામાં મારી નવલિકા વિજેતા થઈ ત્યારે તંત્રી અને નિર્ણાયકો પારિતોષિક આપવા માટે ખાસ અમદાવાદ આવ્યા હતા. કોણ? ચિત્રલેખાના ‘સંપૂર્ણ’ તંત્રી હરકિસન મહેતા, નિર્ણાયકો વેણીભાઈ પુરોહિત અને ગુલાબદાસ બ્રોકર! ‘સાધના’ પર જ અમે ચાર લોકોએ એ પારિતોષિકનો ‘ભવ્ય’ લોકાર્પણ ઉત્સવ ઉજવ્યો! ચા અને ખારી બિસ્કિટ!!

૧૯૬૭થી ૨૦૧૮ વચ્ચેનું પચાસ વર્ષનું અમદાવાદ? ઓહ, તેની મહા-કથા લખી શકાય. નાયક, ખલનાયક, જનતા-જનાર્દન, ટોળાં, હડતાળ, બંધ, ચૂંટણી, આંદોલન, રમખાણ, અતિવૃષ્ટિ, અનશન, ગોળીબાર, લાઠીમાર, સત્તા અને તેનાં પરિવર્તનો, શ્રેષ્ઠીઓ, ડાકુ-લૂંટારાઓ, માફિયાઓ, કામદારો, વૈભવી ઉદ્યોગપતિઓ... આનો અનુભવ અમદાવાદે પોતાની છાતી પર ઝીલ્યો છે. ૧૯૬૯માં જગન્નાથ મંદિર પાસેનાં ગૌધનને નિમિત્તે રમખાણો થયાં તે ૧૯૪૭ પછીનાં સૌથી ભીષણ અને લોહિયાળ દંગાફસાદ હતા. પૂર્વ વિસ્તારની ચાલીઓમાં કેટલા બધા બળીને ભડથું થઈ ગયા હતા. કારંજ પોલીસ સ્ટેશનની પોલીસવાનમાં ખડકાતા ઘાયલો અને મૃતદેહો જોતાં કમકમાટી પેદા થાય એવી દશા હતી.

૧૯૬૯નાં રમખાણો પછી ૧૯૭૪નું નવનિર્માણ. ૧૯૭૫માં આંતરિક કટોકટી અને સેન્સરશિપના અંધારા દિવસો સામેનો સંઘર્ષ. જનતા મોરચાની સરકાર. ૧૯૭૭માં લોકસભા ચૂંટણી. ૧૯૮૩-૮૫માં વળી પાછાં અનામતની તરફેણ-વિરોધનો રક્તરંજિત જંગ. ૧૯૯૦માં રામમંદિરની અડવાણી-યાત્રા. ૧૯૯૫માં ગુજરાતમાં પહેલી વાર સત્તાધારી પક્ષનો પરાજય અને ભાજપનું સત્તારૂઢ થવું. થોડાક અપવાદ બાદ કરતાં ૨૦૧૮ સુધી ભાજપે શાસન કર્યું છે અને હજુ કરશે એમ માનનારાની સંખ્યા ઓછી નથી. આમ ગણો તો ગુજરાતમાં શાસનકર્તા અને તેના સહભાગીઓની સંખ્યા એક કે બે નથી. સંસ્થા કોંગ્રેસ, ઇન્દિરા કોંગ્રેસ, જનસંઘ, ભાલોદ, રાજપા, કિમલોપ આ બધાની એક યા બીજી રીતે એક યા બીજા સામે ભાગીદારી રહી છે. હા, સામ્યવાદ, સપા, બસપાને એવું નસીબ મળ્યું નથી.

અમદાવાદની આંધીએ દેશઆખાને અસર કરી. મૂળમાં જ એક ફ્રેન્ચ પ્રવાસી મધ્યકાળમાં આવ્યો. તેણે નોંધ્યું હતું કે દુનિયાની શાળાઓમાં બાળકો તેનાં ભણવાની શરૂઆત કક્કો-બારાક્ષરીથી, અ-બ-ક-ડથી કરે છે, અહીં બાળકો એક – બે - ત્રણ – ચાર ‘આંક’થી ભણવાની ગતિ પકડે છે. ગુજરાતનાં લોહીમાં ગણતરી છે. જેવું આ વાયબ્રન્ટ ગુજરાત છે તેવું જ કેલ્ક્યુલેટિવ ગુજરાત છે, એટલે તો અહીં છાશવારે આંદોલનો છતાં નથી. વારંવાર રાજકીય સત્તા પરિવર્તન માટેનું મતદાન થતું નથી.

પાંચ – દસ – પંદર વર્ષે એક આંદોલન આવે અને તેનાં પરિણામો, પ્રતિ-પરિણામો, આડ પરિણામોનો વંટોળ શરૂ થઈ જાય. દેશભરમાં કોંગ્રેસ સામેનો મોટો પડકાર ૧૯૭૪નાં ગુજરાતથી જ શરૂ થયો હતો, અને ૧૯૪૭થી પહેલી જ વાર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બે પ્રચારકને પ્રજાએ વડા પ્રધાન તરીકે પસંદ કર્યા તેમાંના એકનું નિવાસસ્થાન કાંકરિયા પાસેના ડો. હેડગેવાર ભવનનું હતું!

અમદાવાદના શ્રેષ્ઠીઓ અને સાહિત્યકારોની એક દીર્ઘ યાદી છે. અખાથી શરૂઆત કરો અને અનેક હસ્તાક્ષરોની ઓળખ થાય. મોટા ભાગના ‘અદ્દલ’ અમદાવાદી તો નહોતા, પણ જૂદા જૂદા વિસ્તારોમાંથી આવ્યા. ફોર્બસ સાહેબે કવિવર દલપતરાયને વઢવાણથી બોલાવ્યા. ઉમાશંકર ઇડર નજીકનાં બામણા ગામેથી અને પન્નાલાલ માંડલીથી. પરંતુ બે ઉપરાંત નરસિંહરાવ દિવેટિયા, આનંદશંકર ધ્રુવ, ફિરોઝ દાવર, રવિશંકર રાવળ, બળવંતરાય ઠાકોર, રામનારાયણ પાઠક, ધૂમકેતુ, ચુનિલાલ વર્ધમાન શાહ, જયભિખ્ખુ, ચાંપશી વિ. ઉદેશી, બચુભાઈ રાવત, રમણભાઈ નીલકંઠ, સુંદરમ્, નિરંજન ભગત અને બીજા ઘણાંએ અમદાવાદને સંસ્કારભૂમિ બનાવી. રમણલાલ શેઠ, અશોક હર્ષ, વાસુદેવ મહેતા, કપિલભાઈ, જયંતી દલાલ, નીરુભાઈ દેસાઈ પણ અમદાવાદનાં પત્રકારત્વ સાથે જોડાયેલા રહ્યા. લેડી વિદ્યાગૌરી નીલકંઠ, ચારુમતી યોદ્ધા, અનસુયા સારાભાઈ અને ઇલાબહેન ભટ્ટ આપણા મહિલારત્નો છે.

અમદાવાદના શિલ્પ સ્થાપત્યો વિશે તો એટલું બધું લખાયું છે કે ગમેત્યારે સીદી સઇદની જાળી હાથમાં આવે! મોટા ભાગે ઇસ્લામિક સ્થાપત્યો, પણ તેનાં મૂળમાં સોલંકી અને તેનાથીયે પૌરાણિક હિન્દુ સ્થાપત્યની કળા છે. ૧૯૬૯માં ખાન અબ્દુલગફાર ખાન – સરહદના ગાંધી - રમખાણોમાં શાંતિ સ્થાપના માટે અમદાવાદ આવ્યા ત્યારે માણેક ચોકમાં આવેલી જુમ્મા મસ્જિદમાં નમાઝ પઢી હતી. એક યુવા પત્રકાર તરીકે હું પણ – બેશક, ‘સાધના’ના તંત્રી તરીકે તેમાં સામેલ થયો ત્યારે આ વિશાળ મસ્જિદને નજીકથી નિહાળવાનું બન્યું. સરખેજના રોજામાં તો ટ્રસ્ટી એડવોકેટ સઈદ મિત્ર છે એટલે ત્યાં તો અમે વિશ્વ ગુજરાતી સમાજની બેઠક પણ કરી હતી!

અમદાવાદના રાજકીય – સામાજિક – આર્થિક – સાંસ્કૃતિક વૈભવના શિલ્પીઓ અનેક છે. ૧૯૬૭થી જેમની નજીક આવવાનું બન્યું તેવાં થોડાંક નામો એટલા માટે કે તેમણે સાર્વજનિક જીવનનું ઘડતર કર્યું હતુંઃ અમૃતલાલ હરગોવનદાસ, વિક્રમ સારાભાઈ, મૃણાલિની સારાભાઈ, રવિશંકર રાવળ, ચન્દ્રકાંત દરૂ, બી. કે. મજુમદાર, કીર્તિદેવ દેસાઈ, બબાભાઈ પટેલ, ધીરુભાઈ દેસાઈ, રામલાલ પરીખ, ઘનશ્યામ ઓઝા, ચીમનભાઈ અને ઊર્મિલાબહેન પટેલ, ઉમાશંકર જોશી, માવળંકર, ઇશ્વર પેટલીકર... બેશક, આ યાદી અધૂરી જ છે!!


comments powered by Disqus