પોરબંદરથી... અમરેલીઃ કેવાં કેવાં પાત્રો!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 24th November 2020 06:19 EST
 
 

પોરબંદરનો નાતો સરવા સોરઠની સાથે. બરડાથી ગિરનાર સુધીની લકીર એક સરખા મિજાજની. પણ ૧૯૯૭માં બે જિલ્લા થયા. પોરબંદરમાં રાણાવાવ અને કુતિયાણાને ભેળવીને નવો જિલ્લો રચાયો.

દસમા સૈકામાં પોરબંદર હતું ‘પૌરવેલાકુલ’. દ્વારાવતીનો રાજમાર્ગ પોરબંદર થઈને પસાર થતો. અહીં ખાડી પાસે એક ‘પોરવ’ માતા પણ વિરાજે છે, આઠમી સદીમાં બંધાયું હોય એમ માનવામાં આવે છે. શું સપ્તમાતૃકા આ પ્રદેશની આરાધનાની દેવી હશે?

પોરબંદરના જેઠવા વંશના રાજાઓએ પહેલાં ભૂતાંબિલી-ઘૂમલી વસાવી. અને સત્તાનું આધિપત્ય જમાવ્યું. સૌરાષ્ટ્રની પ્રાચીન રાજધાનીઓમાં ગિરનાર, દ્વારિકા અને ઘૂમલી - ત્રણે કોઈને કોઈ સમયે ખ્યાત રહી. પૂર્વે સુદામાપુરી - પુરિબંદર - પુરમંદિર હતું. પછી જેઠવાઓનું પોરબંદર બન્યું. પહેલાં રાણા ખીમાજી અને પછી સુરતાનજી (૧૮૪૧) તેમાં નિમિત્ત બન્યા. સુંદરજી સોદાગર તે સમયનો લોકપ્રિય શ્રેષ્ઠી. પછી ખત્રીઓ આવ્યા. ‘પોરબંદરની પાઘડી’ તેમની કલાકારીગરીનો નમૂનો!

સુરતાનજી પછી હાલાજી, પછી ખીમાજી... ખીમાજીના રાણી રૂપાળીબાએ માધવપુર ઘેડનું ‘માધવરાયજીનું મંદિર’ બંધાવ્યું. પોરબંદરમાં હવેલીઓની રચના થઈ.

વીસમી સદીમાં ભાવસિંહ ગાદી પર આવ્યા (૧૯૦૦). તેમની ચાર રાણીમાંના એક સુંદરબાએ તરણેતર (ત્રિનેત્રેશ્વર) મેળામાં આ મંદિર બાંધ્યું.

પોરબંદરે ગાંધી મોહનદાસ કરમચંદ અને કસ્તુરબા આપ્યાં. છગન ખેરાજ વર્મા પણ આ નગરનો, જેને ૧૯૨૦માં સિંગાપુરમાં વિપ્લવ માટે ફાંસી મળી હતી. આરઝી હકુમતના ‘સેનાપતિ’ શામળદાસ ગાંધી, દેના બેંકના સ્થાપક પ્રાણલાલ દેવકરણ નાનજી, સિંધિયા સ્ટીમ નેવીગેશનના શેઠ મોરારજી ગોકળદાસ અને નરોત્તમ મોરારજી, પોરબંદર રાજ્યમાં શિક્ષક રહી ચૂકેલા શ્રીમન્નથુરામ શર્મા, ચિત્રકાર જગન્નાથ અહીવાસી, ‘પ્યારા બાપુ’ના સંપાદક નવીન અને ધીરેન ગાંધી-બાંધવો, નારાયણ વસનજી ઠક્કર, ગુલાબદાસ બ્રોકર, સુધાંશુથી નરોત્તમ પલાણ. પક્ષીશાસ્ત્રી વિજયશંકર વાસુ, પુરાવિદ્ મધુસુદન ઢાંકી, નૃત્યાંગના વિદૂષી સવિતાબહેન મહેતા, આઝાદ ફોજના એક સેનાની લક્ષ્મીદાસ ડાહ્યાભાઈ દાણી... આ ભૂમિના પુત્રો. રાજરત્ન નાનજી કાલિદાસ મહેતાએ આર્યકન્યા ગુરુકુળ સ્થાપ્યું અને ગાંધીજીનું કિર્તિમંદિર પણ તેમનું પ્રદાન.

એક કહેવાત પ્રચલિત બની. પોરબંદરમાં ખ્યાત શું? રાણો, પાણો અને ભાણો! રાણા નટવરસિંહ રાજવી, ખાણમાં પાકતો પત્થર પાણો અને ભાણજી લવજી ઘીવાલા એટલે ‘ભાણો’!

૧૮૯૧માં સ્વામી વિવેકાનંદ પોરબંદર આવ્યા, શંકર પાંડુરંગ પંડિત (એડમિનિસ્ટ્રેટર) સાથે ભાષા-સાહિત્યનો સત્સંગ કર્યો. ૧૯૨૩માં રવિન્દ્રનાથ આવ્યા. ૧૯૨૮માં કાઠિયાવાડ રાજકીય પરિષદનું અધિવેશન થયું તેમાં ગાંધીજી હાજર રહ્યાં.

સાંદીપનિ વિદ્યાનિકેતન એટલે ‘ભાઈશ્રી’ રમેશભાઈ ઓઝાનું સ્વપ્નતીર્થ. ૧૯-૨૦ નવેમ્બર, ૧૯૯૨ના મહામહોપાધ્યાય કેશવરામ કાલિદાસ શાસ્ત્રીના વરદ હસ્તે તેનો શિલાન્યાસ થયો. શાસ્ત્રીજીના જ શબ્દોમાં ‘ઋષિવર્ય ભાગવત-રામાયણાચાર્ય વિદ્વદવર્ય રમેશભાઈ ઓઝાની છત્રછાયા નીચે નિવાસીય સાંદીપનિ વિદ્યા નિકેતન અભિનવ આશ્રમમાં વિદ્યાર્જન સુલભ કરવામાં આવ્યું છે.’

અમરાવલી. અમરેલી. અમરેલીનું તામ્રપત્ર નિર્દેશિત નામ અમલિક. મૈત્રક શાસન દરમિયાન ઇ.સ. ૫૩૪-૬૧૬ દરમિયાન આ મહાનગર હતું. પૂર્વે ભટ્ટાર્ક (૪૭૦) અને ચૂડાસમા - ગોહિલકુલ હેઠળ અહીં પ્રજા રહેતી. ઓગણીસમી સદીના પ્રારંભે ગાયકવાડી કલહ અને સંઘર્ષના છાંટા છેક અમરેલી સુદી પડ્યા. સયાજીરાવના સમયે (૧૮૮૧-૧૯૩૯) અહીં વિકાસની સંભાવનાને આકાર મળ્યો. ૧૯૫૯થી અમરેલી સ્વતંત્ર જિલ્લો થયો તેનું શ્રેય તત્કાલીન નેતા રતુભાઇ અદાણીના વિસ્તૃત અહેવાલને જાય છે.

૧૧ તાલુકા - અમરેલી, બાબરા, લાઠી, લીલિયા, કુંકાવાવ, ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા અને બગસરા. ૬૧૬ ગામડાં, ગીરની ટેકરીઓ, શેત્રુંજી-માલણ - સરજનવાડી - વાદી - ઘેલી - ધાતરવાડી અને કાળુભાર નદીઓ. ચાર બંદરો - પીપાવાવ, જાફરાબાદ, કોટડા અને ધારા.

‘પીપા પાપ ન કિજિયો...’નો ઉદ્દગાતા ભગત પીપા - સાચુકલા સંત. આ ગામનું નામ પોર્ટ આલ્બર્ટ વિક્ટર પણ ખરું. જાફરાબાદ એટલે ‘ધમાલ નાચ’ના સદીઓનો નિવાસ. ચાવંડ મણિશંકર ભટ્ટ ‘કાન્ત’ અને લાઠી સૂરસિંહજી તખ્તજી ‘ગોહિલ’નું વતન.

હાલાર પણ સમુદ્રકિનારાનો પ્રદેશ. ‘હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું...’ અહીંનું લોકગીત. કરોડ વર્ષ પૂર્વ એક જ ભૂમિ હતી, તે વિસ્ફોટથી આફ્રિકા - ભારત - ઓસ્ટ્રેલિયા ત્રણ ભાગમાં વહેંચાઈ ગઈ. ભારતકિનારે હિન્દ મહાસાગર છે, અરબી સમુદ્ર. ઈસુ પૂર્વે ૨૦૦૦ વર્ષથી તો અહીં માનવવસ્તી હશે. સૌરાષ્ટ્ર - સુરાષ્ટ્ર - સોરઠ. માન્યતા તો એવી પણ છે કે જામનગર (હાલાર)ના જીણાવારી ગોપ પાસે સૂર્યમંદિર મળી આવ્યું તે ‘પ્રાગ્જ્યોતિષપુર’ હશે.

સૌરાષ્ટ્રને ‘કાઠિયાવાડ’ કહ્યું પ્રથમવાર મરાઠાઓએ. પાછળથી તે વહીવટી નામ બની ગયું. અખાતના મુખ પાસેનો, ગાયકવાડની સત્તા નીચેનો ઓખામંડળ બાદ કરતાં ‘હાલાર’ ગણાતો. અહીં પિરોટન - કાળુભાર ટાપુ છે. નાગમતી - રંગમતી નદીઓના વહેણ બદલાતાં રહ્યાં. ૧૫૯૧માં ભૂચરમોરીનું યુદ્ધ થયું. તેમાં અજોજીએ બલિદાન આપ્યું. હાલારમાં બરડા, ગોપ, દલાસા, આલેચની ડુંગરમાળ છે. ભાદર, સાની, વરતુ, ઘી, ફૂલઝર, સિંહણ, પુના, સસોઈ, રંગમતી, નાગમતી, કંકાવટી અને આજી નદીઓ વહે છે. જાડેજા શાખાના મૂળ પુરુષ ગાજનના પુત્ર હાલાજીના નામ પરથી ‘હાલાર’ કહેવાયું.

જામનગર અર્થાત્ નવાનગર વિક્રમ સંવત ૧૫૯૬, શ્રાવણ સુદ સાતમે સ્થપાયું. વિદ્વાદવર્યો રસિકલાલ છો. પરીખ અને હરિપ્રસાદ શાસ્ત્રી જામનગરની સ્થાપનાનો ઈ.સ. ૧૫૪૩ સમય ગણાવે છે. ‘જામ’ રાજવીઓની શાસકીય તવારિખ જામરાવળ (૧૫૪૦-૧૫૬૨)થી શરૂ થઇ, વચ્ચે મુસ્લિમ શાસન પણ આવ્યું (૧૬૬૪-૧૬૭૩). છેવટના રાજવી દિગ્વિજયસિંહ (૧૯૩૩-૧૯૪૭) પછીથી સૌરાષ્ટ્ર રાજ્યના ગવર્નર થયા હતા. તેમની પૂર્વ રણજિતસિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી.

આ ભૂમિએ સંત કવિ ઇસરદાન, સંત આણદાબાવા, વૈદ્યરાજ ઝંડુ ભટ્ટ, આદિત્યરામજી, ડો. પ્રાણજીવન મહેતા, લવણપ્રસાદ શાહ વગેરે પણ આપ્યા.

૧૮૫૭ના વિપ્લવની આગ છેવાડાના દ્વારકા - ઓખાના વાઘેરોના મુલકમાં પડી. પણ જામનગરમાં દાવાનળના સંકેત નહોતા.

રાજા રણજિતસિંહ મોટા ભાગે આયર્લેન્ડમાં ખરીદેલા નિવાસે રહેતા એટલે નગરમાં કાઠિયાવાડ રાજકીય પરિષદ અને ‘સૌરાષ્ટ્ર’ અખબારે ઊહાપોહ કર્યો. જે રાજકોટ કરી શક્યું તે જામનગરે ન કર્યું.

કચ્છથી નીકળેલા ગાંધીજી જામનગરમાં એક રાત રોકાયા, પણ તેમની સભા યોજવાની હિંમત કોઈએ કરી નહીં. ‘જીવા સેતાનો ડેલો’ વિરોધ કરનારાઓ માટેની યાતનાનું થાણું હતો. ૧૯૨૭માં લવણપ્રસાદ શાહે સાહસ કર્યું એટલે મુંબઈમાં જામનગરના વેપારીઓએ ૧૯૩૧માં પ્રજામંડળની સ્થાપના કરી. ૧૯૨૬માં આર્ય સમાજની શાખા ઊભી થઈ. ૧૯૩૯માં પ્રજામંડળ રચાયું.

ખ્યાત ઇતિહાસવિદ્ દુર્ગાશંકર શાસ્ત્રીનો જન્મ જામનગરમાં. ભક્ત-કવિ ઇસરદાન રાજકવિ, ઝંડુ ભટ્ટ ખ્યાત વૈદ્યરાજ, ‘યદુવંશ પ્રકાશ’ના રચયિતા માવદાનજી રત્નુ, ‘કેશવકૃતિ’ના કવિ કેશવલાલ શ્યામજી, જામનગર નિવાસી (જન્મે જેતલસ) ગુણવંતરાય આચાર્યની ઈચ્છા અહીંથી અખબાર પ્રકાશિત કરવાની હતી! સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડોલરરાય માંકડ (અલિયાબાડા), ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’, પ્રા. મનસુખલાલ ઝવેરી, પ્રા. લાભશંકર પુરોહિત, કવિ હરકિશન જોશી વગેરેએ અહીં સ્થાયી થઈને સાહિત્ય સર્જન કર્યું.


comments powered by Disqus