આ ગપશપ પણ રાજકીય સંકેતોને સમજાવે છે!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 15th May 2017 13:01 EDT
 
 

જાન્યુઆરીથી આ મે મહિના સુધીમાં ગુજરાત અને (બેશક દિલ્હી) સુધી એક યા બીજાં નિમિત્તે જવાનું બન્યું. પરિસ્થિતિ જ એવી હતી કે બધે જુદા જુદા ક્ષેત્રોના અનુભવીઓ સાથે વાતચીત થઈ. માર્ચના અંતિમ દિવસોમાં નવી દિલ્હીની મુલાકાતનો મુખ્ય હેતુ તો રાષ્ટ્રપતિ દ્વારા પદ્મ સન્માનમાં જવાનો હતો, પણ તે સમારંભમાં જ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી, પૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણી, ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, લોકસભાનાં અધ્યક્ષ શ્રીમતી સુમિત્રા મહાજન, પ્રધાન પિયુષ ગોયલ અને સન્માન પ્રાપ્ત મહાનુભાવોમાં શરદ પવાર, ડો. મુરલી મનોહર જોશી, સ્વર્ગસ્થ અધ્યક્ષ શ્રીમાન પૂર્ણા સંગમાનાં પત્ની શ્રીમતી સંગમા, પ્રફુલ્લ પટેલ, અનુરાધા પૌડવાલ, વિવેકાનંદ કેન્દ્રનાં વડા ભગિની અને બીજા ઘણાની સાથે ગપસપ થઈ. પદ્મશ્રીનું સન્માન મેળવનારા આપણા ગુજરાતી સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય તો અશોક હોટેલમાં જ હતા એટલે વારંવાર મળવાનું બન્યું. મારા વિદ્યાર્થી મિત્ર ડો. દર્શન મશરૂ અને એશિયા ટીવીના સમાચાર-તંત્રી ગાયત્રી જોશીએ આ ત્રણ દિવસોને વધુ અસરકારક બનાવી દીધા હતા.

આ દિવસોથી જ દિલ્હી સરકારમાં આમ આદમી પક્ષની ગડભાંજ શરૂ થઈ ગઈ હતી, જે હવે પરાકાષ્ઠાએ પહોંચી છે. તમામ રાજકીય પક્ષો ભ્રષ્ટ છે અને અમે ‘પવિત્ર ગાય’ જેવા છીએ એવો દાવો આ દેશમાં નવો નથી અને તેમાં ગાંધીવાદની છાપ લગાવવામાં આવે છે. જય પ્રકાશ નારાયણ મૂળમાં સામ્યવાદ – સમાજવાદ – કોંગ્રેસની ઘરેડમાંથી પસાર થઈ ચૂક્યા હતા એટલે શ્રીમતી ગાંધીની ખિલાફ કટોકટીવિરોધી સંઘર્ષમાં અધિક વ્યવહારુ રહ્યા, બધા વિપક્ષોનો સાથ લીધો હતો. ત્યાં સુધી કે ‘જો જનસંઘ ફાસિસ્ટ હોય તો હું પણ ફાસિસ્ટ છું’ એવું જાહેરમાં કહ્યું. તેમનું મૂલ્યાંકન વાજબી હતું કે કોંગ્રેસના શરીરમાં ચારેતરફ વિસ્તરી ગયેલા ભ્રષ્ટાચાર અને એકાધિકારવાદને નષ્ટ કરવો હોય તો બાકીના પક્ષોએ સાથે થવું પડે. સામ્યવાદીઓને તો પરંપરા મુજબ એ પસંદ ન પડ્યું, પણ સીપીએમ અમુક અંશે જેપી-આંદોલનમાં સક્રિય રહ્યો હતો.

જેપીએ રચેલા ‘જનતા પક્ષ’ને ઐતિહાસિક વિજય પ્રાપ્ત થયો અને કેન્દ્રમાં પહેલીવાર કોંગ્રેસ પરાસ્ત થઈ. પરંતુ પછી જેપીની ‘સંપૂર્ણ ક્રાંતિ’ને ‘લોક સમિતિ’નાં માધ્યમથી રાજકારણના પરિવર્તન માટે દોરવામાં આવી તેમાં તદ્દન નિષ્ફળતા મળી હતી.

‘આપ’ના પ્રેરક (જોકે હવે તેઓ વિશ્વામિત્રની જેમ આંખ પર હાથ ધરે છે કે ના, ના, આ મારું સંતાન નથી!) અન્ના સાહેબે દિલ્હીમાં ‘લોકપાલ’ વિધેયક માટે આંદોલન અને ઉપવાસ શરૂ કર્યા ત્યારે તેમના ઝંડાધારીઓમાં અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી, પ્રશાંત ભૂષણ વગેરે પહેલી હરોળના નેતા હતા. અમદાવાદમાં યોજાયેલી પરિષદમાં અન્ના-કેજરીવાલને સાંભળવાની તક મળી ત્યારે જ લાગ્યું હતું કે જે રીતે અણ્ણાની આસપાસ કેટલાક ઇરાદાપૂર્વક અને કેટલાક મુગ્ધ તત્ત્વો ટોળે વળ્યાં છે એ આંદોલનનું તો ઠીક, અન્નાનું પણ ઇદમ્ તૃતિયમ્ કરી નાખશે.

દિલ્હી સરકાર બનાવવા એક વાર તો પ્રજાએ પણ તૈયારી બતાવી. ભાજપ-કોંગ્રેસને યારી મળી નહીં. કેજરીવાલ મુખ્ય પ્રધાન પણ બન્યા પણ જલદીથી લોકોને લાગ્યું કે એશિયન પેઇન્ટની જાહેરાતમાં, બાલટી લઈને, પીંછડા સાથે ઊભેલા છોકરાની જેમ આ ભાઈ પણ ઇધરઉધરનાં તોફાનો કરીને ભરમાવવાના પ્રયાસો કરશે. એવું જ થયું. તદ્દન વાહિયાત આક્ષેપો (જેમાં હમણાં મત માટેનાં યંત્રોની ગરબડ વિશેનો ઉમેરો કરવામાં આવ્યો છે.) સિવાય કશું કર્યું નહીં એટલે તેમના સાથીદારોએ પણ એવું જ કર્યું.

છ જેટલા પ્રધાનોએ તો પદ છોડવું પડ્યું. સેક્સકૌભાંડથી માંડીને નાણાકીય ગરબડો સુધીના તેમાં આક્ષેપો હતા. હવે રેલો ખૂદ કેજરીવાલના પગ હેઠળ આવ્યો છે, તેનો જ વફાદાર સાથી નેતા કપિલ મિશ્રા ‘બે કરોડની રોકડ રકમની લાંચ’ સાથેના કિસ્સા જાહેર કરી ચૂક્યો છે. બીજા કેટલાક પણ તેમાં જોડાયા છે. તાજેતરની સ્થાનિક ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને ફત્તેહ મળી અને ‘આપ’ના મોટાભાગના ઉમેદવારોએ અનામત ગુમાવી. આનો અર્થ એ પણ થયો કે લોકોએ તેને સત્તા માટે લાયક માનવાનું ક્રમશઃ બંધ કર્યું છે.

ગુજરાતમાં હમણાંથી ઠીક ઠીક ભ્રમણ થયું! કચ્છમાં ભૂજ અને માંડવી, સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર, આણંદ તેમ જ ગાંધીનગરઃ દરેક જગ્યાએ યુનિવર્સિટીઓ અને વિવિધ સંસ્થા - સંગઠનોએ પદ્મશ્રી સન્માન માટે અભિવાદન કાર્યક્રમો યોજ્યા હતા. જૂનાગઢ રૂપાયતનના મિત્રોને તો સવિનય ના પાડવી પડી. આ તમામ સ્થળોએ જુદા જુદા મહાનુભાવો - તેમાં પક્ષના નેતાઓ, કાર્યકર્તાઓ પણ – હતા. સરવાળે તેમની સાથેની ચર્ચાનું કેન્દ્ર ગુજરાતનું રાજકારણ રહ્યું. અપવાદરૂપ જગ્યાએ શિક્ષણના સવાલો ચર્ચાયા.

શાળાઓ પણ કોલેજોની જેમ ધંધો બની ગઈ છે અને મા-બાપો પોતાના બાળકો વધુ ઉત્તમ ગુણાંક મેળવે તેને માટે દમદાર ખર્ચ કરે છે, તગડી ફી ભરે છે. હવે તો છેક પ્રાયમરીથી આવું થાય છે. શિક્ષણ-સંચાલકો મોટાભાગે શિક્ષણ સાથે નિસબત ધરાવતા નથી હોતા પણ વધુ નાણાં પડાવીને સગવડો આપે છે.

કોલેજોનું વ્યવસાયીકરણ ચીમનભાઈ પટેલના સમયે શરૂ થયું હતું ત્યારે તેના વિરોધ કરનારા અધ્યાપક મંડળના શાસ્ત્રી પોતે જ મોટા શિક્ષણ સંકુલના કર્તાધર્તા બની ગયા છે. જીએલએસ હવે કોલેજ મટીને યુનિવર્સિટી બની ગઈ છે. પારુલ યુનિવર્સિટીનો માલિક પકડાઈ ગયો છે પણ કબાટમાંથી હાડપીંજરો નીકળતાં રહ્યાં છે. જૂનાગઢ જિલ્લામાં મેં સાંભળ્યું કે વિદ્યાર્થીએ વર્ગો ભરવાની જરૂર નહીં, ડિગ્રી સર્ટિફિકેટ અમુક નાણાના વિનિમયથી મળી જાય છે. આર્ટસ નહીં, કોમર્સ, એન્જિનિયરિંગ અને મેડિકલમાં પણ!! આ નવા ડિગ્રીધારીઓ જનસમાજ વચ્ચે જઈને કેવીક સજ્જતા બતાવી શકે?

સ્તર વિનાના ડોક્ટરો, એન્જિનિયરોની એક કતાર ઊભી થઈ ગઈ છે. સરકારી કે બિનસરકારી ક્ષેત્રોમાં તેઓ ઊંચા હોદ્દા પર બેસતા થયા છે. શાળાઓમાં એક સરખી ફી માટે રાજ્ય સરકારે અને શિક્ષણ વિભાગના પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સાહસપૂર્વક પહેલ કરી છે અને તે સફળ ન થાય તેવા કારસા શાળામાલિકો અને તેમાં સંગઠનો કરવા લાગ્યા છે.

દરમિયાન ડિસેમ્બરમાં તો ચૂંટણીનાં વાજાંથી આખું ગુજરાત ગાજતું થઈ જશે. કોંગ્રેસમાં ભાવિ મુખ્ય પ્રધાનનું નામ જાહેર કરવામાં જો પક્ષને પરસેવો છૂટતો હોય તો ચૂંટણીપ્રચાર માટે પ્રદેશસ્તરે સંગઠિત શક્તિ બતાવવાનું કઈ રીતે બનશે? દિલ્હીથી આવેલા પ્રભારીઓ માટે શંકરસિંહ વાઘેલાએ મરમમાં જે વાક્યું કહ્યું હતું તે સૂચક છે. કામતને હઠાવીને, પોતાના પ્રદેશમાં નિષ્ફળ ગયેલા પૂર્વ મુખ્ય પ્રધાનને પ્રભારી બનાવ્યા તેમની ઉપસ્થિતિમાં વાઘેલાએ કહ્યું કે ‘હમે સમજના કઠિન હૈ!’

વાત તો તેમની સાચી છે. કોંગ્રેસ નામનું વહાણ દરિયામાં કઈ દિશા માટે કેવું હોકાયંત્ર વાપરે છે અને તેનો દિશાદર્શક કોણ છે એ જ રહસ્યકથા એવીને એવી હોય ત્યારે શંકરસિંહ વાઘેલા આ પ્રકારનાં રાજકારણથી કંટાળી જાય તેમાં નવાઈ શી?


comments powered by Disqus