આ પણ અવાંતર કહાણી અનલોકની...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Sunday 07th June 2020 07:32 EDT
 
 

લોકડાઉન હવે અનલોકમાં બદલાયું છે, પણ તાળું તો છે ને છે જ! આપણે ગુસ્તાખ થઈ જઈએ તો તે ફરી વાર બંધ થઈ જશે. એક જૂનું ફિલ્મી ગીત યાદ આવ્યુંઃ ‘બડા તો હૈ સીઆઈડી વાલા, હર તાલે કી ચાબી રખતા, હર ચાબી કા તાલા!’ ચાવી છે આપણી સજ્જતાની, આપણી સાવધાનીની.

લોકડાઉનના દિવસો સૌએ પોતપોતાની રીતે વિતાવ્યા છે. મોટેભાગે રોજની રસોઈમાં વિવિધતા આવી. રેસીપી જોઈને ય કેટલીક નવી વાનગી આવી. ઘરના દરેક સભ્યોની ચિંતા, વજન વધી જવાની હતી. એક મિત્રે લખ્યું કે મને તો એમ કે વજન ઘટશે. સરસ દુબળા-પાતળા થશું. પણ લે, આ તો માંડ પાંચસો ગ્રામ જ ઘટ્યું! એમ જ થાય ને, રોજ રોજ ભેળ, પુરી, શીરો, મોહનથાળ, બટાકાવડા, પેટીસ, પીત્ઝા, જલેબી, જીરા આલુ, આલુ ટિક્કી, ભજીયાં, ખીર, આમરસ, ભરેલા રીંગણા, ભીંડી મસાલા, મલાઈ કોફતા... આ બધું થતું હોય તો પછી બિચારી જીભનો શું વાંક?

લોકડાઉનની એક બીજી પ્રવૃત્તિ પણ રહી. ઘણાખરાં ઘરોનું સફાઈકામ થયું. ફૂલછોડનું સંવર્ધન થયું. બાળકોએ ચિત્રો અને સંગીતને અપનાવ્યું. એક મિત્રે કહ્યું કે અમે અઠવાડિયે એક વાર નૃત્યનો રિયાઝ કરીએ છીએ, મા અને દીકરી બંને!

પરંતુ એક મોટી વાત એ બની કે આ દિવસોમાંનાં અભેરાઈ કે કબાટમાંથી પુસ્તકો બહાર નીકળ્યા. અહો, કેટલા વર્ષોથી રાહ જોઈ રહ્યાં હતાં? એકમેકથી ચડિયાતાં પુસ્તકો! કેટલી બધી જીવંત સામગ્રી તે પાનાંઓ પર પ્રતીક્ષા કરી રહી હતી! ખ્યાત લેખક-પત્રકાર દૂર્ગા દાસે તેમની કુશળ સંપાદનશક્તિથી ‘સરદાર પટેલનો પત્રવ્યવહાર’ વર્ષો પૂર્વે આપ્યો હતો. કેટલા ગ્રંથ? દસ. નામ ‘સરદાર પટેલ્સ કોરસપોન્ડન્સ’ સરદારે રાજરજવાડાંનું કેવી કુશળતાથી વિલીનીકરણ કર્યું તે આ દળદાર ગ્રંથોના પ્રથમ, છઠ્ઠા, પાંચમા, નવમા અને દસમા ભાગમાંથી મળી રહે છે. ૧૯૪૭-૪૮નું ભારત કેવું હતું તેની એ મૂલ્યવાન તસવીર છે જાણે!

સરદારનો પત્ર વ્યવહાર એક રાષ્ટ્રીય નેતૃત્વની દૃઢતા અને સંકલ્પનો અનુભવ કરાવે છે. ૫૬૫ રાજ્યોને વિલિનીકરણ માટે સમજાવવાના હતા. લોર્ડ માઉન્ટબેટનની સાથે તે મજાક જોડાયેલી છે. આટલા ૫૬૫ સફરજનોની ટોપલી ભરવાની છે, તે ભરાશે કે વિખરાઈ જશે? સાહેબો, એ સમયે સરદારની આયું ૭૨ વર્ષની હતી! આ યાદી તો જુઓ રજવાડાંઓનીઃ

ત્રાવણકોર, જૂનાગઢ, માણાવદર, જોધપુર, ભોપાળ, ઇન્દોર, ધોલપુર, ભરતપુર, વિલાસપુર, નાભા, મયુરગંજ, પટણા, બામરા, સોનપુરા, છત્તીસગઢ, કોલ્હાપુર, આકલકોટ, સુધોણ, ફલ્ટન, સાવંતવાડી, ઔંધ, ભોર, સાંગલી, ડાંગ, રાજપીપળા, દેવગઢ બારિયા, છોટાઉદેપુર, લુણાવાડા, બાલાસિનોર, ખંભાત, રાધનપુર, બુંદેલખંડ, રિવા, ગ્વાલિયર, રતલામ, અલીરાજપુર, ઝાબુઆ, નરસિંહગઢ, પતિયાલા, નાભા, જિંદ - ફરીદકોટ, અલ્વર ભરતપુર, ઉદયપુર, જયપુર, જેસલમેર, કોચિન, મૈસુર, કચ્છ, ત્રિપુરા, મણિપુર, તેહરી ગઢવાલ, ખાસી પર્વતીય રાજ્યો.

આ તો કેટલાંક જ નામો! હૈદરાબાદનો, કાશ્મીરનો સવાલ પણ તેમાં આવે છે. આરએસએસ વિશે નેહરુ પર લખેલા પત્રો પણ તેમાં છે. કેવું ભગીરથ કામ કર્યું હતું તેમણે!

પત્રવ્યવહારોની આ દુનિયા અદભૂત છે. વીતેલા સપ્તાહે જ વાત કરી તેમ, ગાંધી વાંગ્મયમાં ‘મહાત્મા’નાં અનેકવિધ સ્વરૂપો વ્યક્ત થાય છે. નહેરુજીએ તો પુત્રી ઇન્દિરાને લખેલા પત્રોમાં ભારત અને વિશ્વના ઇતિહાસને પોતાની નજરે આલેખ્યો છે. રવીન્દ્રનાથ ટાગોરના પત્રો પુસ્તકરૂપે સંગ્રહિત છે. કૃપલાણીના પત્રોનો સંચય છે. નાનાભાઈ ભટ્ટ સાથેની ધર્મચર્ચા સ્વામી આનંદે કરેલી તે પત્રાચાર પુસ્તક રૂપે છે. ‘કલાપી પત્રસંપુટ’માં કલાપીની કવિતા, ચિંતન અને અભ્યાસનો આયનો મળી આવે. ઇન્દુલાલ યાજ્ઞિકે પત્રો લખ્યા હશે? તેમની ચાર ભાગની આત્મકથા તો છે પણ ગાંધીજી, સરદાર, ઠક્કરબાપા, સહજાનંદ (મજદૂર ચળવળના પ્રણેતા) સ્વામી, રણછોડ દાસ લોટવાળા (હિન્દુસ્તાન સમાચાર પત્રોના તંત્રી), શરદબાબુ (સુભાષચંદ્ર બોઝના ભાઈ), સરદારસિંહ રાણા વગેરેની સાથે તેમનો પત્રવ્યવહાર શોધી કાઢવો જોઈએ. બેરિસ્ટર રાણાનો તો ફ્રાંસના રાજનીતિજ્ઞો, ચિંતકોથી માંડીને ટાગોર સુધીના મહાનુભાવો સાથેનો પત્રવ્યવહાર છે. તેનું સંશોધિત-સંપાદિત પુસ્તક ક્યાં? આવું જ શ્યામજી કૃષ્ણવર્મા અને મેડમ કામાના પત્રો પણ હોવા જોઈએ.

પત્રો આપણા ઇતિહાસનો અજવાશ આપે છે. નિરાંત મળે કે ના મળે, આ બધું વાંચતાં વિચારસમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, મૂલ્યાંકનની સજ્જતા કેળવાય છે.

એક જૂનું પુસ્તક હાથ લાગ્યું તેમાં માત્ર પત્રો નથી, લેખો અને ઠરાવો પણ છે, તે ભારતની કમ્યુનિસ્ટ પાર્ટીનો ‘ઇતિહાસ’ છે! આમાં તેમના ઠરાવો પણ છે. કોંગ્રેસ કારોબારીના તહોમતનામાને જવાબ, ‘શાહીવાદી યુદ્ધ’ ઓગસ્ટ ઠરાવ, રોટી રમખાણો, ગાંધીજીના ઉપવાસ, સુભાષ બાબુની આઝાદ હિન્દ સેના... આ વિષયોમાં એટલું જ સ્પષ્ટ થાય છે કે ભારતમાં વામપંથીઓ ‘ક્રાંતિ’ની ‘ભ્રાંતિ’તો પેદા કરી શકે છે પણ ક્યારેય પ્રસ્તુત (રિલેવન્ટ) બની શક્યા નથી. નક્સલ પ્રણેતા કનુ સાન્યાલનું જીવનચરિત્ર હમણાં સ્ટેટસમેનના એક સંવાદદાતાએ લખ્યું છે. બીજી નકસલી (જેની માતા ગુજરાતણ હતી) અજિથા કુન્નીકલ નારાયણે તો આત્મકથા પણ લખી છે.


comments powered by Disqus