આંદોલનનો ઉભરો અને રાજકીય ગડમથલ

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 20th April 2016 08:10 EDT
 
 

વળી પાછું એક વાર પાટીદાર આંદોલન થયું! આ વખતે મહેસાણા - સુરત તેનાં કેન્દ્રો રહ્યાં. હાર્દિક તો હજુ જેલમાં છે (અને ત્યાં નવરાશ મળે ત્યારે સારી ચોપડીઓ વાંચે છે, સજ્જતા પ્રમાણે લખે છે અને ક્યારેક પત્રો લખે છે.) પાટીદાર અનામત આંદોલનનો એ ઊભરતો યુવાન ચહેરો હતો. ‘હતો’ એટલા માટે કહ્યું કે હવે પછી આંદોલનમાં તે ભૂતકાળની જેમ (ઓગસ્ટ ૨૦૧૫માં ચમક્યો તેવો - તેટલો) ઝબકારો કરી શકે તેમ નથી. સરદાર પટેલ ગ્રૂપ (એસપીજી) અને પાટીદાર આંદોલન સમિતિ (‘પાસ’)નાં બે જૂથો પાસે પોતાના નાના-મોટા નેતાઓ છે. થોડીક યુવતીઓ પણ ઉમેરાઈ છે.

કારણો ઘણાં છે

પરંતુ ભૂતકાળનાં જનઆંદોલનો જેવો પ્રભાવ પાટીદાર આંદોલનમાં રહ્યો નથી. કારણો એકથી વધુ છે. એક તો ‘પાટીદારોને અનામત’ એ સભા ગજવવા માટે સારો પણ વર્તમાન ગુજરાત (કહો કે દેશમાં પણ) પ્રચંડ ઝુંબેશનો મુદ્દો જ નથી. નોકરી, શિક્ષણ, બેરોજગારી એ સાર્વત્રિક - બધા સમુદાયોમાં - અજંપાની સ્થિતિ છે. ખુદ જેને વર્ષોથી અનામતના લાભ મળે છે તે દલિત અને આદિવાસી (એસસી અને એસટી) સમુદાયોમાં યે અનામતની વ્યવસ્થામાં ભારે વિસંગતિ છે. જેને લાભ મળે છે તેનો નવો વર્ગ (ન્યૂ ક્લાસ) પેદા થઈ ગયો અને જાતિવાદ ક્રમશઃ ખલાસ થવો જોઈએ તેની જગ્યાએ નવી નવી જાતિઓનો ઉમેરો જ થતો રહ્યો. આજ’દિ સુધી અનામતની વૈજ્ઞાનિક સમીક્ષા થઈ જ નથી.

રાજકીય પક્ષો યે એમ કરતાં ધ્રૂજે છે. જે પદ્ધતિ લગભગ નિષ્ફળ ગઈ હોય તો તેનો વિકલ્પ વિચારવો જ જોઈએ તેવું સાહસ કરવા માટે રાજકીય પક્ષો તૈયાર નથી. પરિણામે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ પછી અન્ય પછાત જાતિ (ઓબીસી), લઘુમતિ વગેરે વગેરેની ‘અનામતો’નો રસ્તો પકડવામાં આવ્યો. વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકાર વખતે માંડલ પંચના અહેવાલનો અમલ કરવાની જાહેરાત થતાં વેત આંદોલનકારી મેદાનમાં આવ્યા અને દિલ્હીમાં તો અગ્નિસ્નાનના જાહેર બનાવો યે બન્યા!

મુદ્દો સાચો, માગણી વ્યર્થ

છેલ્લાં કેટલાક વર્ષોમાં હરિયાણામાં જાટ અને રાજસ્થાનમાં ગુર્જરોનાં અનામત માટેનાં આંદોલન થયાં, હવે ગુજરાતના પટેલને એવું લાગ્યું છે કે અમારા છોકરા-છોકરીઓ હાલની પ્રથામાં ઉપેક્ષિત થાય છે તેમને લાભ મળવો જોઈએ.

મુદ્દો સાચો છે, પણ માગણી નકામી છે. બંધારણીય જોગવાઈ પ્રમાણે શક્ય ન બને તેવી સ્થિતિ છે. પટેલોને અનામત આપવામાં આવે તો બાકીના સવર્ણોનું શું? ગરીબી અને બેકારી તો ત્યાં પણ છે. દરેક સમુદાયની વસ્તી મુજબ તેમને લાભ મળે તે દલીલનો છેદ ઊડી જાય તેવી અ-સમાનતા દલિત અનામતમાં છે. તેમાં ઘણો મોટો નિમ્ન વર્ગ લાભથી વંચિત છે. ઓબીસીમાં ચૌધરીને ય અનામતનો લાભ મળ્યો તેની સામે શરૂ થયેલા ઊહાપોહમાંથી હાલનું પાટીદાર અનામત આંદોલન પેદા થયું છે એ પણ એક કારણ છે.

રહી વાત આંદોલનની. ૨૫ ઓગસ્ટે અમદાવાદની મહા-રેલી વાસ્તવિક અજંપાનું પ્રતીક હતી. બહાવરી થઈ ગયેલી પોલીસે, બાકી રહેલા માંડ પાંચસો-સાતસો આંદોલનકારીઓ પર શા માટે લાઠી વરસાવી તે સવાલ આજે ય રહસ્યભર્યો છે. દરેક પાસે તેના અલગ અલગ અનુમાન અને તર્કો છે.

પરંતુ પછીથી પટેલોના ઘરોમાં જઈને જે ત્રાસ ગુજારવામાં આવ્યો તે પોલીસની પરંપરાનું ઉદાહરણ છે. ૧૯૫૬નું મહાગુજરાત આંદોલન, ૧૯૭૪નું નવનિર્માણ ચળવળ, મોંઘવારીવિરોધી આંદોલન, ૧૯૭૫-૭૬ની કટોકટી વિરોધી ચળવળ, ૧૯૮૩-૮૫માં અનામત તરફેણ-વિરોધનો સંઘર્ષ... આવા દરેક સમયે પોલીસ પોતાની રીતરસમ પ્રમાણે તૂટી પડે છે. ૧૯૮૫નો એવો અહેવાલ સાક્ષી પૂરે છે કે લોકોના ઘરોમાં જઈને કેટલાકને ગોળીએ દેવાયા હતા.

પોલીસની પરંપરા

૨૫ ઓગસ્ટ અને તે પછી લગભગ આવું જ બન્યું છે. તેમાં પોલીસે ‘રાષ્ટ્રદ્રોહ’ ‘રાજદ્રોહ’ની કલમો લગાવી હાર્દિક પર અને રવિવારે જેલભરો આંદોલનમાં યે ચળવળકારો સામે આવો આરોપ મૂકાયો. ખરેખર તો આ કલમ બ્રિટિશ સામ્રાજ્યની ખતરનાક કાયદાકીય ‘ભેટ’ છે તે હજુ એવીને એવી ચાલી આવે છે. ૧૯૭૫-૭૬માં ‘મીસા’ અટકાયતી ધારામાં ‘દેશમાં કાનૂન-વ્યવસ્થાના ભંગની પ્રવૃત્તિ’ માટે એક લાખ લોકોને આવી જ રીતે અનિયત મુદત સુધી જેલોમાં પૂર્યા હતા. આ લેખકને તેનો અનુભવ છે કે ૧૯૭૬માં જયપ્રકાશ નારાયણ પર લંડનમાં બ્રિટિશ કવિ બર્નાર્ડ કોપ્સે લખેલી જયપ્રકાશ નારાયણ પરની કવિતા માટે રાજદ્રોહ - રાષ્ટ્રદ્રોહની કલમો લગાવીને મારા પર અમદાવાદના ન્યાયાલયમાં કેસ ચલાવાયો હતો.

૨૦૧૬નું ગુજરાત

એક તો આ રાષ્ટ્રદ્રોહ - રાજદ્રોહ કલમની પુનઃ સમીક્ષા કરીને અત્યંત ગંભીર આરોપ લગાવવામાં પોલીસ વિચારપૂર્વક કામ કરે તેમ થવું જરૂરી છે અને તેવું દેશઆખામાં થવું જોઈએ.

બીજી વાત પાટીદાર અનામત આંદોલનની છે. ૧૭ એપ્રિલે મહેસાણા-સુરતમાં જેલભરો આંદોલન થયું તે પહેલાં જ આંદોલનકારીઓમાં ભાતભાતના નેતાઓ અને તરેહવારનાં નિવેદનોનો ખડકલો થયો હતો. ખુદ હાર્દિક પણ જેલમાંથી જે સંદેશો મોકલે તે પણ એકદમ સ્પષ્ટ નહોતો. આ આંદોલન દીર્ઘ સમય સુધી, સ્પષ્ટ મુદ્દા સાથે ચાલી શકે તેવું છે જ નહીં. જેલભરો આંદોલનમાં પણ મૂળ અનામતની વાત બાજુ પર રહી ગઈ અને પોલીસે આંદોલનકારીઓ પર કરેલા કેસ પાછા ખેંચવા પૂરતી મર્યાદિત વાત રહી. કેટલાકના મતે, રાજ્ય સરકારને લાગે છે કે પાટીદારોનો એક જ વર્ગ આંદોલનમાં છે અને તેને બાકી બધા સમુદાયો - વર્ગોથી વિખૂટો પાડી શકાય તેમ છે. વ્યૂહરચના તરીકે આ ઠીક હોય તો પણ ઓછામાં ઓછું આંદોલકો પરના કેસો પાછા ખેંચવા પૂરતાં પગલાં જલદીથી લેવાયાં હોત તો ૧૭ એપ્રિલના બનાવોને રોકી શકાયા હોત.

એક ચર્ચા જલદ રીતે થઈ રહી છે કે આનંદીબહેન પટેલને મુખ્ય પ્રધાન પદે જોવા ન ઇચ્છતાં પરિબળો સક્રિય છે. પક્ષમાં કે પક્ષની બહાર જો આવી સ્થિતિ પેદા થઈ હોય તો ગુજરાત ભાજપમાં શાસકીય પ્રશ્નને પક્ષે પોતે જ ગંભીરતાથી લેવો પડે તેમ છે અને જો આવું કાંઇ ના હોય તો ભાજપનું સંગઠન અને શાસનનો સંયુક્ત પુરુષાર્થ ગુજરાતની પ્રજાની સમસ્યાઓના ઉકેલ તરફ ગતિશીલ છે તેવો અહેસાસ સામાન્ય વર્ગને થવો જોઈએ.

૨૦૦૨નું ગુજરાત, ૨૦૧૨નું ગુજરાત, ૨૦૧૪નું ગુજરાત અને ૨૦૧૬નું ગુજરાત - તેના સામ્યભેદને પારખીને નિર્ણયોનું ચિંતન, ચર્ચા અને અમલીકરણ થવાં જોઈએ. ૨૦૧૭ માટેનો તે અત્યારનો પડકાર છે.


comments powered by Disqus