આઠ પેટા-ચૂંટણીનું મતદાન કેવા પરિણામો લાવશે?

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 03rd November 2020 08:09 EST
 
 

ગુજરાતની આઠ બેઠકોની પેટા-ચૂંટણીના પ્રચારનો શોરબકોર છેલ્લી ઘડી સુધી ચાલ્યો. મંગળવારે મતદાન પણ થઇ ગયું. આ આઠે બેઠકો કોંગ્રેસ પાસે હતી પણ ‘પક્ષની અંદરની અવગણના’ને લીધે ધારાસભ્યોએ પક્ષ છોડ્યો અને ભાજપમાં ગયા એટલે તેમના માટે આબરુનો સવાલ છે. અધૂરામાં પૂરું આઠમાંથી પાંચ બેઠકો તો પક્ષમાંથી ગયેલા જ ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં છે. કોંગ્રેસે તેને ‘પક્ષપલટુ’ તરીકે ઓળખાવીને પ્રચાર તો કર્યો છે પણ પક્ષે કરાવેલા પક્ષપલટાઓનો ભૂતકાળ ઘણો લાંબો છે એટલે લોકોને બ્રિજેશ મેરજા જેવા કોઈ પણ પક્ષમાં હોય તેનો વાંધો નથી.

દીપોત્સવની પૂર્વે જ ફટાકડા ફૂટવા માંડ્યા તે આઠ બેઠકો પરની પેટા-ચૂંટણીના છે. એક છેડાથી બીજા છેડાની આ બેઠકો છે. અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા. સૌરાષ્ટ્રથી વનવાસી વિસ્તાર સુધી જંગ ખેલાશે. ‘જંગ’ શબ્દ હવે પરંપરામાં કાયમી થઈ ગયો છે, લોકશાહીમાં ચૂંટણી એક પર્વ છે, એક તહેવાર છે એવી માન્યતાનો લગભગ છેદ ઊડી ગયો. ‘મારે તેની તલવાર’ એ મધ્યકાલીન માન્યતાને આપણે પાછી લાવી દીધી અને ‘જીતે તે સિકંદર’ની સાથે જોડી દીધી. આમાં ઉમેદવાર, મતદાર અને પક્ષ - ત્રણેયનું ‘ભાગ્ય’ વોટિંગ મશીનમાં સીલ થઇ ગયું છે.

પણ, આ ભાગ્ય કેવુંક હશે? અને કેવું હોઈ શકે? તેની ફૂલઝરો ટીવી મીડિયા પર દેખાતી થઈ ગઈ. આ ચર્ચાઓમાંથી વળી, કંઈ નીપજે તેવું છે કે નહીં તેના યે જૂદા જૂદા અભિપ્રાયો છે.

‘સોશિયલ મીડિયા’થી સા-વ અલગ ઉમેદવારોની પોતાની રણનીતિ હતી. ક્યાંક પક્ષોને માટે પોતાના ઉમેદવારની જીતનો પૂરેપૂરો ભરોસો છે, ક્યાંક ઉમેદવાર પોતે જ પક્ષ કરતાં વધુ અસરકારક હોય તેવું છે. ક્યાંક એવું પણ બન્યું છે કે ઉમેદવારની જીતનો તો ઠીક, પણ ડિપોઝીટનો યે ખતરો રહે.

આવું ના બને - પોતાનો જ ઉમેદવાર - નાની કે મોટી સરસાઈથી જીતી જ જાય તેવી વ્યૂહરચનાઓ અમલમાં મૂકાઇ હતી!

આમાં નડતર થાય તેવા પરિબળો ક્યા હતા? કોરોનાએ ઝંઝાવાતી પ્રચારને રોકી દીધો હતો. મોટી સભાઓમાં ઉમેદવારો અને નેતાઓની ‘ગર્જના’ઓ સાંભળવા ન મળી. રેલી અને રેલાઓ પણ અદ્રશ્ય હતા. પાંચ કાર્યકર્તાઓ સાથે જ ઘરે-ઘરે જઈને પ્રચાર કરવાની સૂચના ચૂંટણી પંચે આપી હતી. પણ આ તો રાજકીય પક્ષો છે. દરેકને પોતાની ખુરશીનો અને પોતાના વટનો સવાલ હતો. એટલે આચારસંહિતામાં બાકોરાંના અહેવાલો હતા. મીડિયાએ તેને માટે પ્રચલિત વાક્યો પણ નક્કી કરી લીધાં હતાં. ‘ચીંથરા ફાટ્યાં’, ‘ધજાગરા ઊડ્યા’ વગેરે વગેરે. બે વિરોધાભાસોની દૂહાઈ ક્યાંક સાંભળવા મળી કે અમને ધંધો-વેપાર કરવા નથી દેતા ને તમે કોરોના-નિયમોના ધજાગરા ઊડાડો છો!

એક પાણીપુરીનો ખૂમચો લઈને ઊભેલો કારીગર પોલીસ પર ગિન્નાયો, કેમ કે ત્યાં પાંચ ગ્રાહકો ‘ટેસ’થી પુરી ખાતા હતા. પોલીસ આવી, દંડા ફટકાર્યા, બીજા દિવસે એ કારીગરે પોતાની લારી પાછળની દીવાલ પર બોર્ડ લગાવી દીધુંઃ ‘ફલાણા પક્ષના ફલાણા ઉમેદવારને મત આપજો!’ પોલીસને લાગ્યું કે આ માળો, પક્ષનો કોઈ બૂથ-નેતા હોવો જોઈએ એટલે કોમ્પ્લીમેન્ટરી પાણીપૂરી માણીને ચાલ્યો ગયો!

આ મજાક વર્તમાન સ્થિતિમાં આપણાં લોકતંત્રની ખબર લેતી હોય એવું નથી લાગતું? લાગવું તો જોઈએ, નહીંતર ન કરે નારાયણને શિયાળામાં વળી પાછો ‘કોરોનાનો કહેર’ (આ શબ્દપ્રયોગ પણ આપણાં મીડિયામિત્રોનો છે!) વધશે ત્યારે વીતી ગયેલી ચૂંટણી તરફ આંગળી ચીંધવામાં આવશે. રાજ્યના ચૂંટણી પંચે એ તો સારું જ કર્યું કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની તમામ ચૂંટણી મોકૂફ રાખી અને ત્રણ મહિના બાદ પરિસ્થિતિને ચકાસ્યા બાદ નિર્ણય લેવાશે એવું પણ જણાવ્યું. કેન્દ્રીય ચૂંટણી પંચને કોઈ બંધારણીય ટેકનિકલ મુશ્કેલી નડી હશે કે ચૂંટણી-મોકૂફીનો નિર્ણય ના લીધો? તેની આપણને પંચે પણ જાણ કરી નથી અને બિહાર વિધાનસભા સમગ્ર રીતે અને બાકીની પેટા-ચૂંટણી આવી પડી છે.

આમાં મતદાન ઓછું થાય તો કોઈને નવાઈ લાગશે નહીં. હા, ઉમેદવારો પોતાની રીતે બળિયા છે, પોતાના મતવિસ્તારોમાં જાણીતા છે. કશું કામ ન કરે અને ધારાસભ્ય તરીકે રહે એવું હવે બનતું નથી. કેટલાકને માટે તો પ્રધાનપદના અરધા ખૂલ્લા દરવાજા અસ્તિત્વમાં છે.

ભૂતકાળની પેટા-ચૂંટણીઓ કરતાં આ ચૂંટણી કેટલીક અને કેવી રીતે અલગ છે? એ યાદ રાખવા જેવું છે કે ભૂતકાળમાં મોરારજીભાઈ દેસાઈ અને બળવંતરાય મહેતા - બંને મુખ્ય પ્રધાનો, એક સંયુક્ત ગુજરાત-મહારાષ્ટ્ર સરકારમાં અને બીજા ગુજરાતમાં, બંનેએ પેટા-ચૂંટણી લડી હતી. ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી પણ રાજકોટથી જ પેટા-ચૂંટણી લડ્યા હતા. પેટા-ચૂંટણીમાં પણ પૂર્વે એવો રસાકસીભર્યો જંગ રહેતો કે ગુજરાત તો ઠીક, દેશ આખામાં તેની ચર્ચા થતી.

નવનિર્માણની પહેલાં શ્રીમતી ઈન્દિરા ગાંધીએ ઘશ્યામભાઈ ઓઝાને મુખ્ય પ્રધાન બનાવવાનું નક્કી કર્યું ત્યારે દહેગામથી તેમણે પેટા-ચૂંટણી લડી હતી. તેમની સામે, તે સમયના ભારતીય જનસંઘના શાહપુર વિસ્તારનો એક કાર્યકર્તા ગાભાજી મંગાજી ઠાકોરે ઊભા રહીને ધ્યાનમાં આવે તેવી લડત આપેલી.

વર્તમાન પેટા-ચૂંટણીના ઘણાખરા ઉમેદવારો, તેમના મતવિસ્તારની બહાર, ગુજરાતમાં પણ ઓછા પરિચિત છે. બાબુભાઈ વરઠા, સૂર્યકાંત ગામીત, જીતુ ચૌધરી, કિરીટસિંહ રાણા, બ્રિજેશ મેરજા, જે. વી. કાકડિયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમાભાઈ પટેલ, પ્રવીણ મારુ, મંગળ ગાવિત, અક્ષય પટેલ... આમાંના કેટલાક ઉમેદવાર છે અને કેટલાક નથી, પણ એટલું નક્કી કે તેઓ રાજ્યસ્તરના નેતા બનવાથી ઘણા દૂર છે.

એક રીતે તેનો ફાયદો પણ તેમને છે કે સ્થાનિક પ્રશ્નોના ઉકેલ માટેના જેવા-જેટલા પડકારો તેમણે ઝીલ્યા તેનો પડઘો મતદાનમાં પડશે. આ આઠે પેટા-ચૂંટણી સ્થાનિક મતદારના નિર્ણય પર જ આધારિત હતી. રાજ્યસભા ચૂંટણીની આસપાસ પોતાના પક્ષથી જ કંટાળીને ભાજપમાં સામેલ થયા પૂર્વ ધારાસભ્યો પણ ચૂંટણીના ઉમેદવારો હતા. આપણે સ્વીકારીએ કે ના સ્વીકારીએ, એકમાંથી બીજા પક્ષમાં જવાના પક્ષપલટાનો પ્રશ્ન અસરકારક રહ્યો નથી. ૧૯૫૨થી ભારતની ચૂંટણીમાં આ પ્રશ્ન ઓછાવત્તા અંશે હતો. અગાઉ પ્રજા સમાજવાદી પક્ષના ધૂરંધર નેતાઓ કોંગ્રેસમાં ચાલ્યા ગયા હતા. સામ્યવાદી નેતાઓએ પણ રણનીતિ બદલી હતી અને કુમારમંગલમ કે ગોખલે જેવા તો કેન્દ્રમાં પ્રધાન પણ બન્યા હતા.

ગુજરાતને લાગેવળગે ત્યાં સુધી ૧૯૬૭ની આસપાસ સ્વતંત્ર પક્ષ વિરુદ્ધ કોંગ્રેસના ઘમાસાણમાં પક્ષાંતરો મોટા પાયે થયાં. હરિહર ખંભોળજા, બ્રહ્મકુમાર ભટ્ટ, જશવંત મહેતા, હરુભાઈ મહેતા જેવા અદ્દલ સમાજવાદી પણ ‘કોંગ્રેસી નેતા’ બન્યા હતા. પરંતુ હવે પક્ષબદલની તરાહ અલગ છે પણ છેવટે તો આપણા રાજકારણનું એ એક ‘સનાતન સત્ય’ બની ગયું છે કે રાજકીય (અને તેના બાય પ્રોડક્ટ તરીકે બીજું પણ હશે) અસ્તિત્વ ટકાવી રાખવું છે, પછી તે એક યા બીજો પક્ષ, અથવા તાકાત હોય તો ત્રીજો નવો પક્ષ કે અ-પક્ષ, ગમે તે ચાલી શકે.

આ માન્યતાના આધારે હાલની પેટા-ચૂંટણીઓ ‘અનપ્રોડક્ટિવ’ જેવી ઘણાંને લાગશે. ચૂંટણી આવી, મતદાન થયું, પરિણામ આવ્યું. બસ, પત્યું! કારણ એ છે કે આ પેટા-ચૂંટણીઓથી મતદાર, સત્તાપક્ષ કે વિપક્ષમાં કોઈ મોટાં રાજકીય ઉહાપોહ પરિવર્તનની શક્યતા નથી. હા, કોંગ્રેસને માટે કાં તો તરણું અથવા હા-શનો ઓડકાર રહેવાનો. શક્ય છે કે ભાજપ પરિણામ પછી થોડાક પ્રધાનપદના ફેરફારો કરે. આનાથી વધુ કશું જ નહીં!


comments powered by Disqus