ઉત્સવ અને મૃત્યુ વચ્ચેનો ગુજરાત-અનુભવ

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 05th February 2018 07:04 EST
 
 

આ દિવસોમાં ગુજરાત ઉત્સવ અને મૃત્યુની સમાંતરે ચાલતું રહ્યું! જેમ વ્યક્તિ, તે રીતે સમાજને ય અંધારાં-અજવાળાં અને જીવન-મૃત્યુનો અનુભવ થતો રહે છે તે સમયનાં પાને અંકિત થઈ જાય છે! વિશ્વ ગુજરાતી સમાજે હમણાં વિશ્વ ગુજરાતી પ્રતિભા અને ગુજરાત પ્રતિભા સન્માનથી બે મહાનુભાવોને નવાજ્યા.

અમેરિકાવાસી પદ્મશ્રી ડો. સુધીર પરીખ અને મુંબઈના ડો. અશોક વૈદ્યઃ આ સન્માનના અધિકારી બન્યા. રાજ્યપાલ મહોદયે કહ્યું કે ગુજરાત તેની સમર્થ સમાજિક રાજકીય સંસ્કૃતિક પ્રતિભાઓની સમૃદ્ધિ ધરાવે છે. સુધીરભાઈએ તો ‘પોતાના ગુજરાતીઓ દ્વારા’ થતાં સન્માનને બીજા બધાં સન્માનોથી અદકેરું ગણાવ્યું. ડો. વૈદ્ય-દંપતી આયુર્વેદ ક્ષેત્રે સંશોધન પણ કરે છે. સૌરાષ્ટ્રના વાર્તાકાર અને વિધાનસભામાં અડીખમ અ-પક્ષ તરીકે ચમકેલા, ‘જયહિન્દ’ અખબારના તંત્રી બાબુભાઈ વૈદ્યના તે સુપુત્ર થાય. કવિવર મકરંદ દવે પણ તેમનાં સ્વજન-પરિવારમાંના એક. બન્નેએ ટૂંકાં પ્રવચનોમાં સામાજિક પ્રવૃત્તિ પર વધુ મહત્ત્વની વાતો કરી, અને એક લાખ રૂપિયાની રકમ સમાજનાં કાર્યો માટે સાભાર પરત કરી.

બરાબર આ જ દિવસોમાં વડોદરામાં એલેમ્બિક ઉદ્યોગના સહયોગથી ‘ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ’ (જીએલએફ) ત્રણ દિવસ માટે આયોજિત થયો. પ્રથમ દિવસે ઉદઘાટન સત્ર પૂર્વે મહારાષ્ટ્રીય ‘બેન્ડ’નો પ્રચંડ સ્વર સાંભળીને શિવાજી મહારાજના યુગમાં પહોંચી જવાયું! ‘બેન્ડ’ સંગીત હવે તો અનેક રીતે ખૂલતું જાય છે પણ અહીં વજનદાર ઢોલ-ત્રાંસા પરની સ્વર-મસ્તી આકર્ષક હતી... તે પછી ઉદઘાટન-સત્રમાં એલેંબિકમાં શ્રી અમીન, ખ્યાત લેખક ગુણવંત શાહ, ફિલ્મ પટકથા લેખક અંજુમન અને રોબિન ભટ્ટ, જીએલએફના બે સ્તંભ – સમકિત શાહ અને શ્યામ પારેખ સહિતના વક્તવ્યો થયાં. આ પ્રસંગે મારાં પ્રવચનમાં ‘વડોદરાની ઐતિહાસિકતા’ની કેટલીક અ-જાણ ઘટનાઓની જિકર કરી.

ત્રણ દિવસ દરમિયાન ગુજરાત અને ગુજરાત બહારના લેખકો, ફિલ્મકારો, સંગીતકારો, નાટ્યકર્મીઓએ ભાગ લીધો. છેક દિલ્હીથી સુરેશ જોષીની ‘મરણોત્તર’ નવલકથાના ફ્રેન્ચ અનુવાદક (એંસી વર્ષનાં પારસી પ્રાધ્યાપક બાનુ) શીલા કરકી પણ આવ્યાં હતાં. અદિતી દેસાઈ, કાજલ ઓઝા વૈદ્ય, જય વસાવડા અને વિદ્યા બાલન તો ખરાં જ! વડોદરાની રસિક પ્રજાને મજા પડી ગઈ. જીએલએફ સા-વ સ્વયંસેવી સાહિત્યિક સંગઠન છે. અવેતન કામ કરતા ઉત્સાહીઓ એકત્રિત થાય છે. દિલ્હીથી બીબીસીના પારસ ઝા પણ અમદાવાદ-વડોદરા ખાસ દિવસો કાઢીને સેવા આપે છે!

ઉત્સવોના ઓછાયે અહીં કેટલાંક દેહાવસાને શોકમય વાતાવરણ સર્જ્યું. કવિ નિરંજન ભગત અર્વાચીન સાહિત્યના મહા-રથીઓમાંના એક. ૯૨ વર્ષેય તેમનું વાચન-અધ્યયન ચાલતું રહ્યું. હાથમાં સ્ટીક લઈને કેટલાક કાર્યક્રમોમાં પહોંચે. કવિ દલપતરામના પરિવારે ‘વિશ્વકોશ’માં યોજેલા કાર્યક્રમમાં તેમને ઉષ્માભેર મળવાનું થયું હતું. પણ થોડાક દિવસોમાં જ ‘કાળની કેડીએ આપણો ઘડીક સંગ!’ કહીને તેઓ ચાલી નીકળ્યા. ‘પ્રવાલદ્વીપ’નો આ કવિ નગરજીવનની નિરાશા, ભ્રમણા, પ્યારને આલેખે છે.

સાહિત્ય પરિષદના પૂર્વ પ્રમુખ એટલે તેની કારોબારીમાં સળંગ પાંચ-છ કલાક બેઠા. પરિષદના એજન્ડામાં સાહિત્યના સર્વાંગીણ સંવર્ધનને બદલે ‘અકાદમીના કાર્યક્રમોમાં પરિષદના સભ્યોએ જવું ન જોઈએ’ એની ચર્ચા હતી! એક વરિષ્ઠ કવયિત્રી-વિવેચક ડો. ઉષા ઉપાધ્યાયે તો સૌને ગમે તે સાહિત્યિક કાર્યક્રમમાં જવાની છૂટ હોવી જોઈએ એવી વાત કરીને પોતાનું રાજીનામું પણ ધરી દીધું! અખબારી અહેવાલો મુજબ આ ઉગ્ર ચર્ચા દરમિયાન ભગતસાહેબ ઉત્તેજિત થઈ ગયા અને ઘરે પહોંચે તે પહેલાં હોસ્પિટલમાં ખસેડવા પડ્યા, ત્યાં જ તેમણે શ્વાસ છોડ્યા.

ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આવી ઘટના પ્રથમવાર બની. પરિષદે ખુલાસો કર્યો કે ભગત સાહેબ સ્વૈચ્છિક રીતે જ આ બેઠકમાં આવ્યા હતા તેમને કોઈએ દબાણ કર્યું નહોતું. ખેર, ભગત સાહેબ ગયા.

૧૯૭૫-૭૬માં ઉમાશંકર જોશી પાસે કટોકટી વિશે જવાનું થતું ત્યારે તેમને મળવાનું થતું. તે પછી ૧૯૭૮ બાદ, અમદાવાદના મિરઝાપુરમાં આવેલા ‘જનસત્તા’ ભવનમાં સાંજ પડ્યે મહેફિલ જામતી. કાર્ટુનિસ્ટ શિવ પંડ્યા, મસ્ત મિજાજી શેખાદમ આબુવાલા, ‘જનસત્તા’ના તંત્રી વિભાગના ત્રિવેદી અને અમારી એ બેઠકો ‘ચા-પાણી અને ચર્ચા’ માટે જાણીતી હતી. ક્યારેક વરિષ્ઠ પત્રકાર વાસુદેવ મહેતા પણ આવતા. ભગત સાહેબ સાર્વજનિક વિષયો પર તીવ્ર પ્રતિક્રિયા પણ આપતા. મિરઝાપુરના ચોકથી કેરળનો કમ્યુનિસ્ટ સલીમ બધાંને માટે પોતાની કીટલી પરથી ચા લઈ આવતો.

એક વાર ‘સાબર’ નામે નવો ગુજરાતી ડાઇનિંગ હોલ થયો હતો, કામા હોટેલ પાસે, તો બધા ચાલીને ત્યાં ગુજરાતી થાળીનો આસ્વાદ લેવા પહોંચી ગયેલા. એવું જ લાલ દરવાજા પાસે ‘વૂડ લેન્ડ’ હોટેલ થઈ તેના પહેલા જ દિવસે અમે ગયા. શેખાદમે કાઉન્ટર પર કહ્યુંઃ આજ તો હમેં લડ્ડુ ચાહિયે! મદ્રાસી વાનગી માટે બનેલી આ ખ્યાત હોટેલના મેનેજરે ખાસ લાડુ પણ પીરસ્યા હતા!

કવિ નિરંજન પ્રતિભાવાન વક્તા હતા. સિલ્વિયા પ્લાથ, વર્જિનિયા વુલ્ફ કે શેક્સપિયર પરનાં તેમનાં વ્યાખ્યાનો દોઢ-બે કલાક સુધી ચાલે તો યે શ્રોતાઓ રસપૂર્વક બેસી રહે. પ્રા. એસ. આર. ભટ્ટ પણ આવા જ સાહિત્યક વક્તા હતા.

‘હું તો બસ, ફરવા આવ્યો છું...’ કહેનારા કવિનું જગત-ભ્રમણ પૂરું થયું, થોડુંક આઘાતજનક રીતે થયું. ઉમાશંકર તેમનાથી થોડાંક જ વર્ષ મોટા હતા. તે જીવતા હોત તો તેમણે શું કહ્યું હોત? એ પ્રશ્ન છોડી દેવા જેવો છે, ગુજરાતી ભાષા-સાહિત્યમાં આ દિવસો દરમિયાન ઉજમશી પરમાર, જલન માતરી વગેરેએ પણ વિદાય લીધી છે.

આ દિવસોમાં ૨૦૦ જેટલી, ગુજરાતી કવયિત્રીઓનાં કાવ્યોનો સંપુટ સાહિત્ય અકાદમીએ પ્રકાશિત કર્યો તેનો લોકાર્પણ સમારોહ પણ કવયિત્રીઓનો ઉત્સવ બની ગયો. એક સાથે ૨૬ કવયિત્રીઓ એક મંચ પરથી કાવ્ય પઠન કરે - અને તે પણ ખીચોખીચ ભરાયેલા સભાખંડમાં - તે ખરેખર રસપ્રદ ઘટના હતી. દિલ્હીથી (નંદિતા દાસનાં માતા) વર્ષા દાસ આવ્યાં હતાં. લતા હીરાણી, લક્ષ્મી ડોબરિયા, પારુલ ખખ્ખર, પારુલ બારોટ, ડો. ઉષા ઉપાધ્યાય, ગોપાલી બૂચ, આરતી શેઠ, ભાર્ગવી પંડ્યા, મીનાક્ષી ચંદારાણા, સ્નેહા રાવલ... આ યાદી અધૂરી છે. બધાએ કાવ્યરસનો અનુભવ કરાવ્યો. મહામાત્ર અજયસિંહ ચૌહાણે આ ઘટનાને ‘સાહિત્ય ઇતિહાસમાં અભૂતપૂર્વ’ ગણાવી. અધ્યક્ષ સ્થાનેથી મેં ‘કવિતાની વૈશ્વિકતા’ અને તેવી કેટલીક કવિતાઓ વિશે વાત કરી.

મેં કહ્યું ને, ઉત્સવ અને અવસાદઃ ગુજરાતનાં વીતેલાં સપ્તાહનાં બે છેડા રહ્યા.


comments powered by Disqus