ઉના ઘટના પછીની રાજકીય કબડ્ડી શરૂ થઈ ગઈ...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 02nd August 2016 10:44 EDT
 
 

ઉના ઘટના પછી બીજા કોઈને તો નહીં, પણ રાજકીય પક્ષોને મેદાન મળી ગયું છે જ્યાં તેણે કબડ્ડી રમવાની શરૂઆત કરી દીધી છે. આ રમતમાં તેમણે એવો નિયમ દાખલ કરી દીધો છે કે કોઈ નિયમ જ નહીં હોવો જોઈએ! જેને મન ફાવે તે રીતે - એકથી બીજી છાવણીમાં, અને બીજીથી પહેલીમાં - એ જ સમયે રમત કરવાની છૂટ છે. ન કોઈ સીમા-રેખા, ન બીજા નિયમો. આમાં હાર્યો હોય તે જીતેલો ગણાઈ શકે છે.

કેટલાક એમ પણ કહે છે કે આ રાજકીય રમતમાં ક્રિકેટનો ‘ફિક્સિંગ’ રોગ લાગુ પડ્યો છે. રાજકીય પક્ષો અને સંગઠનો - કોણ, કોની સાથે અને કોની સામે રહેશે તે કહેવું મુશ્કેલ છે. પાટીદાર આંદોલનનો યુવક નેતા હાર્દિક પટેલ ગુર્જરોને મળ્યો, મુસ્લિમો સાથે મુલાકાત લીધી, કેજરીવાલનાં વખાણ કર્યાં, કોંગ્રેસ સાથે ય ગપસપ કરી લીધી અને પોતાની માગણીમાં ૨૦ ટકાની વાત મુખ્ય બનાવી દીધી.

ગુજરાતમાં તેના બીજી શ્રેણીના કેટલાક નેતાઓ પણ રાજકીય પક્ષોને મળતા રહ્યા છે. શરદ યાદવ કે એ. રાજા - જેની ગુજરાતી રાજકારણમાં સેન્ટીમીટર જગ્યા નથી - તેમણે ય ઉના જઈને ‘દલિતો સામેના ભાજપના અત્યાચાર’ની વાત કરી. કેજરીવાલ એવું માનતા થયા છે (અને એવું કહે છે) કે દિલ્હી અને ગુજરાત એકઠા મળીને ભાજપને હરાવશે. બીજી વાત એ કરી છે કે નરેન્દ્ર મોદી - અમિત શાહ અમારી હત્યા કરાવી શકે છે. એમ પણ કહ્યું કે ‘આપ’ના ધારાસભ્યો પર ‘ખોટા’ ગુના દાખલ કરીને કેસ કરાઈ રહ્યા છે. કેજરીવાલ સૌરાષ્ટ્રમાં બીજી વાર આવીને ગયા. રાજકોટમાં તેમણે વાળા નામના આરોપીની મુલાકાત લીધી. આ ભાઈ ‘આપ’ના કાર્યકર્તા છે અને અમરેલીમાં પોલીસ અધિકારી પંકજ અમરેલિયા પર સીધો હુમલો કરીને મારી નાખવાના આરોપસર કેસ થયો છે. રાહુલ ગાંધીએ રાજકોટમાં દલિત-પીડિતોની સમર્થક મહિલા સાથે ફોટો પડાવ્યો જેને ઉનાના પીડિતોની સાથે કોઈ સંબંધ નથી અને રાજકોટમાં બીજા ઘણા અપરાધોને લીધે કેસ થયા છે.

વઢવાણના એક દલિત લેખકે વળી, અગાઉના ‘એવોર્ડ-વાપસી’માંથી પ્રેરણા લઈને પોતાને જે એવોર્ડ મળ્યો હતો તે પાછો વાળ્યો છે. આમ તો આ એવોર્ડ માંડ ૨૫,૦૦૦ રૂપિયાનો છે, ગુજરાતની સાહિત્ય અકાદમી ઘણાને સંમેલનો, એવોર્ડ વગેરેની આવી નવાજેશ કરીને બજેટની રકમનો નિકાલ કરે છે. તેમાં આ ભાઈ મકવાણા પણ સામેલ કરાયા હશે, જેમણે ‘ખારા પાટનું દલિત સાહિત્ય’ નામે એક પુસ્તક લખ્યું હતું, તે પુસ્તકોની દુકાનમાં ઉપલબ્ધ ન થયું.

નજર છે ચૂંટણી પર

વાત સીધી સાદી છે. આ વર્ષનો પૂર્વ ભાગ તો પૂરો થયો. ઓગસ્ટથી ડિસેમ્બર જશે. પછી વિધાનસભાની ચૂંટણી આવશે. અગાઉની ચૂંટણીમાં નાસીપાસ રાજકીય પક્ષોનો સળવળાટ શરૂ થઈ ગયો છે. તેમાં હવે પાટીદાર અને દલિત એવા બે ‘વિરોધ’ ઉમેરાશે. ‘આપ’ની પાસે મુરતિયા નથી, પણ જાન જરૂર કાઢવી છે એમ કેજરીવાલ આવીને કહી ગયા. ઓબીસીનું સંગઠન હમણાં તો દારૂ વ્યસનમુક્તિના કાર્યક્રમોમાં પડ્યું છે, પણ ઓબીસી તો ગુજરાતી રાજકારણનું રમી શકાય એવું પત્તું છે. ૧૯૮૫માં માધવસિંહ સોલંકીએ ‘ખામ’ નામે અનામતનો ઉંદર પીંજરામાંથી ખુલ્લો મૂક્યો તેને લીધે ભીષણ હત્યાકાંડ અને આંદોલનો થયાં હતાં. પોલીસ પણ હડતાળ પર ઉતરી ગઈ હતી.

બીબીસીનો દિલ્હીથી આવેલો સંવાદદાતા મને પૂછતો હતો કે મુસ્લિમો ભાજપની વિરુદ્ધમાં જશે? મેં તેને સમજાવ્યું કે ગુજરાતી નાગરિક (પછી તે પટેલ હોય, દલિત કે આદિવાસી અથવા મુસ્લિમ)ની ગળથૂથીમાં ગણતરી પડી છે. તે અ-બ-ક-ડ નહીં, પણ એક-બે-ત્રણ-ચારના રસ્તે વિચારે છે. ૨૦૦૨ના કોમી રમખાણો પછી સેક્યુલર છાવણીઓએ લાખ કોશિશ કરી (ભાષણો કર્યા, રિપોર્ટ્સ લખ્યા, શેરીનાટકો કર્યાં, દુનિયાની માનવાધિકાર પેઢીઓને બોલાવી, પરિસંવાદો કર્યા, કોર્ટના કેસો લડ્યા... હજુ પણ તે ચાલે છે) કે આ લઘુમતીને ‘હિન્દુવાદી ભાજપ’ની ખિલાફ ઊભી કરી દેવી... પણ નવાઈની વાત એ છે કે તેવું કશું ન થયું. મુસ્લિમ સમુદાય પાછલા અનુભવોના આધારે ભાજપની પ્રત્યેનો ડર છોડીને, પૂર્વગ્રહથી મુક્ત થઈને મત આપવા લાગ્યો છે. ભાજપે આ ‘ગૌરક્ષકો’ની બબાલમાંથી છૂટીને વ્યૂહરચના કરવી પડે તેનો અર્થ એવો નથી કે બહુમતીની લાગણીને ધ્યાનમાં લેવી જ નહીં. ગુજરાતમાં ગાયોનું વેચાણ અને કતલ - બન્ને લાંબા સમયથી ચાલે છે. રસ્તે રઝળતી ગાયોને ઉપાડી જવાની, અને ગુજરાત બહારનાં કતલખાને મોકલી દેવાની પ્રવૃત્તિનું નેટવર્ક છે. કોઈક જગ્યાએ ગૌરક્ષકોએ તેવી ગાયોને બચાવી પણ છે પરંતુ ઉનામાં વાત વેતરાઈ ગઈ. દલિતોને ઢોરમાર મારનારા કોઈ ગૌરક્ષકો હતા જ નહીં, અસામાજિક તત્ત્વો હતા એટલે હોબાળો થયો.

માયાવતીને ઉત્તર પ્રદેશમાં ભાજપ નડે છે એટલે ચૂંટણીને નજરમાં રાખીને તેણે આ મુદ્દો ઊઠાવ્યો પછી મંદસોરમાં આવો કિસ્સો બન્યો તે પણ સંસદમાં ઉકળતા અવાજે રજૂ કર્યો. કોંગ્રેસને માયાવતીના પક્ષ પ્રત્યે કૂણી લાગણી તો નથી, પણ તેના ખભે બંદૂક રાખીને ભાજપને નુકસાન કરી શકાય તેમાં વાંધો નથી. કહીં પે નિગાહેં, કહીં પે નિશાના જેવો આ ઘાટ છે.

સમસ્યાનો ઉપાય છે

એક બીજી વાત પણ છે. આવી ઘટનાઓ અને આંદોલનોથી ગુજરાત નબળું પડી રહ્યું છે. વિભાજિત ગુજરાત રાજ્યને અનેક રીતે નુકસાન કરી શકે તેમ છે એ વાત રાજકીય બહાવરાપણામાં ભૂલાઈ જવી જોઈએ નહીં. તમામ રાજકીય પક્ષો, સંસ્થાઓ, સાહિત્યકારો, ચિંતકો, સંતોએ એકત્રિત થઈને આ સમસ્યાના મૂળમાં જઈને કોઈક વ્યાપક અને નક્કર અભિયાન શરૂ કરવું જોઈએ. મોરારિબાપુ, શ્રીશ્રી રવિશંકરજી, રમેશભાઈ ઓઝા અને માધવપ્રિયદાસજી સાથે મળીને આવું કંઈક કરી શકે કારણ રાજકારણમાં અત્યારે સર્વસ્પર્શી અને સર્વગ્રાહી નેતૃત્વનો અભાવ છે, અથવા તેઓ અસહાય છે.

બાકી દલિત સંમેલનમાં તો ‘આપ’ અને કોંગ્રેસના ચહેરા વધુ દેખાતા હતા. મુસ્લિમોને દલિતોની સાથે રહેવાની અપીલ મુસ્લિમ સંગઠને કરી તે સમજી શકાય તેવી છે. ભૂતકાળમાં મુંબઈના દાણચોરે દલિત-મુસ્લિમ મંચ નામે પક્ષ પણ સ્થાપ્યો હતો.. આ બધી રાજકીય નુકતાચેની છે.

• • •

કદિ સ્વાધીનતા આવે, વિનંતિ ભાઈ, છાની

અમોને યે સ્મરી લેજો, જરી પળ એક નાની!

ઓગસ્ટ અને શ્રાવણની જુગલ્લબંધી ઇતિહાસના પાને ય ઝળહળે છે. ભક્તિ અને શક્તિનો આ સંગમ!

ગુજરાતમાં આ દિવસો બલિદાનીઓના પૂણ્યસ્મરણનાં છે. ૧૮૫૭માં ૧૦,૦૦૦ લોકો મર્યા અને ૯ આંદામાનની કાળકોટડીમાં રિબાયા એ વાત હવે નગારાની ચોટે જાણીતી છે. તે પછી ૧૯૦૫માં અરવિંદ ઘોષ વડોદરામાં અને ચાંદોદ-કરનાળીમાં જતીન-બારિનની જોડીએ જંગ માંડ્યો હતો. આજે જે ભારત માતા છે તેનું ક્રાંતિદર્શન અરવિંદ ઘોષે વડોદરામાં બેસીને લખેલાં ભવાની મંદિરમાં દેખાય છે. વાઇસરોય પર અમદાવાદમાં બોંબ ફેંકાયા હતા. ૧૮૯૨માં વિવેકાનંદ શિહોરમાં યોદ્ધા સંન્યાસી નાનાસાહેબને મળ્યા અને ટંકારાના સ્વામી દયાનંદે કુંભમેળામાં ૧૮૫૭ના મહાનાયકોને પ્રેરિત કર્યા.

ગુજરાતમાં કોંગ્રેસના ચાર અધિવેશનો થયાં તેમાંના એક હરિપુરામાં સુભાષચંદ્ર અધ્યક્ષ હતા. સરદાર ભગતસિંહને ભૂગર્ભમાં જાળવવામાં વડોદરાના આનંદપ્રિય પંડિતે ભાગ ભજવ્યો હતો. વલસાડ નજીકના દયાનંદ પટેલ અનુશીલન સમિતિના ક્રાંતિવીરો માટે ખજાનચીની ભૂમિકા ભજવતા હતા.

ગુજરાતમાં મોહનલાલ પંડ્યા બોંબસામગ્રી માટે સક્રિય હતા. પછી બારડોલી, બોરસદ, દાંડીકૂચની અભૂતપૂર્વ લડતો થઈ.

૧૯૪૨ની ચળવળ આમ તો ગાંધીજીનાં એલાનથી શરૂ થઈ એટલે અહિંસક રાજમાર્ગ પકડશે એવી માન્યતા હતી. એવું બન્યું નહીં. જવાહરલાલે નોંધ્યું કે ૨૦ વર્ષ કરતાં વધુ સમયથી અહિંસાના પાઠ ભણાવાયા એ લોકો ભૂલી ગયા! આખા દેશમાં, સરકારી આંકડા પ્રમાણે, ૨૫૦ રેલવે સ્ટેશનો તોડી પડાયાં, ૫૫૦ પોસ્ટ ઓફિસો બાળી નાખવા માટે હુમલા થયા - તેમાંની ૫૦ બળી ગઈ. ૨૦૦ને નુકસાન થયું. ૭૦ પોલીસ સ્ટેશનો બાળી મૂકાયાં. સરકારી મકાનોને ૮૫ સ્થાનોએ નુકસાન થયું.

ખરેખર, આટલું જ?

ના, આંકડા અધૂરાં છે.

૧૮૫૭થી ક્રાંતિકારો જે રસ્તા પર ચાલ્યા હતા તેનું જ અનુસરણ થયું. એકલા ગુજરાતની જ વાત કરીએ તો અમદાવાદમાં ૧૭ આગેવાનો પકડાયા. સુરતમાં ૪૦ની ધરપકડ થઈ. વડોદરામાં ૨૧ને જેલભેગા કરાયા. પંચમહાલ - ખેડા - સૌરાષ્ટ્ર પણ બાકાત ન રહ્યાં. અમદાવાદ સહિત સર્વત્ર હડતાળો પડી. અમદાવાદના છાત્રોએ ૨૫૦ દિવસ લગાતાર અભ્યાસબંધી કરી. કાપડની તમામ મિલોના મજૂરો પણ રસ્તા પર આવી ગયા.

નવમી ઓગસ્ટે ગુજરાત કોલેજના ટાવર પર ધ્વજ ફરકાવવા જઈ રહેલો વિનોદ કિનારીવાલા વિંધાયો. વડોદરાથી ૩૪ વિદ્યાર્થીઓ નાવલી-સાણંદની આસપાસનાં ગામડાંઓમાં પ્રચાર કરીને પાછા ફરતા હતા તેમના પર અડાસ સ્ટેશન પર અંધાધૂંધ ગોળીબાર કરાયો તેમાં પાંચ શહીદ થયા.

ગાંધીજી ગુપ્ત - ભૂગર્ભ પ્રવૃત્તિની - વિરુદ્ધ હતા, ગુજરાતે તેમની વાતને માન્ય ન રાખી. બી. કે. મજમુદારે એક વાર મને કહેલું કે અમારા ઉદામ દિમાગને પાળો બાંધવાની કોઈની તાકાત નહોતી. નડિયાદ, પિપલાવ, મરાલા, કસબાના ચોરા - બોરસદ, રણાસર, નંદીલી, શેખપુર, ધર્મજ, નડિયાદમાં આંદોલન ચાલ્યું. અમદાવાદમાં ૬૬ સ્થળે બોંબ ફેંકાયા. નંદલાલ જોશી, નરહરિ રાવલ, નારણ પટેલ બોંબ વિસ્ફોટમાં મૃત્યુ પામ્યા. છોટુભાઈ પુરાણીએ ચોતરફ આઝાદીની આગ પ્રસરાવી. જલાલપોર ભાંગફોડનું એપી સેન્ટર બની ગયું. ઉત્તર - દક્ષિણ - મધ્ય ગુજરાત વધુ સક્રિયા રહ્યાં. ખેડા જિલ્લામાં ધર્મજ, વીરસદ, ખેડા, નડિયાદ, આણંદ સળગ્યાં. ભાદરણ તાલુકાના કાવીઠા ગામે - ચંદ્રશેખર આઝાદની કાકોરી ધાડ જેવું - પરાક્રમ કરાયું! ચીખોદરા, ડુમરાલ, બોરીઆવીમાં યે ટપાલીઓને લૂંટી લેવાયા હતા. કરાડીમાં ત્રણ ગોળીથી વીંધાયા.

એકલા ખેડા જિલ્લામાં ૧૬ વાર ગોળીબાર થયાં. નડિયાદ - ડાકોર - ચકલાસી - ભાદરણ - કરમસદમાં આ ધૂંવાધાર ગોળી ચાલી. અડાસ અને ડાકોરમાં તો હદ વટાવી. ૧૮ ઓગસ્ટ, ૧૯૪૨ અડાસમાં માંડ ૩૪ વિદ્યાર્થી હતા તેમના પર ગોળીબારો થયા અને ત્રણ તો ત્યાં જ ઢળી પડ્યા. આજેય ત્યાં સ્મારક ઊભું છે. મટવાડ (જલાલપોર)માં યે આવું સ્મારક છે.

૧૯૪૨ પછી મુંબઈ - કરાચીમાં નૌ-સેનાનો વિપ્લવ ફાટી નીકળ્યો એ સિંગાપુરમાં નેતાજી સુભાષચંદ્રની આઝાદ હિન્દ ફોજના રણસંગ્રામનું સીધું પરિણામ હતું.


comments powered by Disqus