આ સરદાર સાહેબનું ૧૩ નવેમ્બર, ૧૯૪૭નું ભાષણ છે સ્થળ બહાઉદ્દીન કોલેજ, જૂનાગઢ. જૂનાગઢ નવાબે કોઈનાથી દોરવાઈને ભારતને બદલે પાકિસ્તાનની સાથે જોડાવાની જાહેરાત કરી ત્યાર પછી આરઝી હકુમત અને દેશી રજવાડાંઓએ મુક્તિ ચળવળ શરૂ કરી અને ૧૫ ઓગસ્ટને બદલે ઓક્ટોબર-નવેમ્બરમાં આ પ્રદેશ સ્વતંત્ર થઈને ભારતમાં ભળ્યો. તે પછી સરદાર અહીં આવ્યા, જાહેરમાં લોકમત માંગ્યો અને બોલ્યા. ત્યારબાદ સોમનાથના ભગ્ન ખંડિયેરના દર્શને ગયા, જિર્ણોદ્ધારનો સંકલ્પ લીધો. અહીં તે પ્રવચનના કેટલાક દસ્તાવેજી મૂલ્ય ધરાવતા અંશ છેઃ
‘મારા ભાવભીના સ્વાગત માટે હું તમારો આભાર માનું છું. આ કાંઈ ભાષણ આપવાનો પ્રસંગ નથી, પરંતુ તમારા પ્રેમ આગળ હું લાચાર છું. જૂનાગઢના કોયડાનો ઉકેલ કરવા માટે હું ખાસ અહીં આવ્યો છું. આ કોયડામાં શી મુશ્કેલીઓ રહેલી છે અને તેના ઉકેલમાં કેવો સહકાર મળે છે તે પણ હું જાણવા માંગું છું. પહેલાં તો તમને જૂનાગઢની પ્રજાને જરાય રક્તપાત વિના વિજય મેળવવા માટે હું અભિનંદન આપું છું અને સાથે સાથે કાઠિયાવાડમાં ઊતરેલા હિંદી સેનાના નાયક બ્રિગેડિયર ગુરુદયાલ સિંહને અને અનુકરણીય શિસ્ત અને કર્તવ્યપરાયણતા દાખવનાર આ સેનાને પણ હું મારા ધન્યવાદ આપું છું.’
લશ્કરનું કાર્ય કેવળ લડવું એટલું જ નથી, પણ લડાઈની પ્રવૃત્તિને અટકાવવી એ પણ સેનાનું કર્તવ્ય છે. કાઠિયાવાડમાં ઊતરેલી હિંદ સેનાએ આ ફરજ પૂરતા પ્રમાણમાં બજાવી છે. હિંદ સંઘના સેનાપતિઓ અને સૈનિકો તેમની ફરજો અને મર્યાદાઓ સારી રીતે સમજ છે. તેઓ અન્યાય નહીં કરે અને કોઈને અન્યાય નહીં કરવા દે.
ઘણું મોડું થઈ જાય એ પહેલાં જૂનાગઢના જે વહીવટ કરનારાઓ સાચી દિશા અને સાચું પગલું સમજી ગયા તેમને પણ મારાં અભિનંદન આપું છું. તેઓ ખાડામાં પડ્યા છે એવું ભાન તેમને થયું છે. જૂનાગઢના નવાબની ફોજની દેખભાળ કરી રહેલા અંગ્રેજ સૈનિક હાર્વે જોન્સ સમજી ગયા કે લડવું નકામું છે, પરંતુ જેની અવળી સલાહથી જૂનાગઢ ખાડામાં પડ્યું તેની જ પાસે સલાહ લેવાની મતિ તેમને સૂઝી! જાણે સલાહ લેવા માટે જૂનાગઢ માટે કરાંચી જેવું બીજું સ્થાન જ રહ્યું નહોતું! જે માનવીઓએ નવાબને પાકિસ્તાન સાથે જૂનાગઢનું જોડાણ કરવાની સલાહ આપી તેઓ નિમકહલાલ નહોતા. ખરાબ ઈરાદાથી ભરપૂર અને અપશુકનભરી આ સલાહને સાંભળવાથી જૂનાગઢના નવાબને ઘણું સહન કરવું પડ્યું છે.
જૂનાગઢના ભૂતપૂર્વ દીવાનના ભાઈ નબીબક્ષ ભાવનગરમાંના કોઈક મિત્ર દ્વારા મને મળવા આવ્યા હતા. તા. ૧૫મી ઓગસ્ટ પછી સાર્વભૌમત્વનો અંત આવનાર હોવાથી ઘણા રાજવીઓ વિમાસણમાં પડી ગયા હતા. ઘણા રાજવીઓ પોતાનો પ્રદેશ વધારવાના સ્વપ્ન સેવવા લાગ્યા હતા. મેં નબીબક્ષને પૂછ્યું, ‘જૂનાગઢના જોડાણ વિશે તો કોઈ શંકા નથી ને?’ નબીબક્ષે મને કહ્યું, ‘જૂનાગઢની આસપાસ હિંદુ રાજ્યો આવેલાં છે. આ રાજ્યો સાથે તેનો મીઠો સંબંધ છે. કાઠિયાવાડ સાથે સંકળાયેલા રહેવામાં જ તેનું હિત છે. આથી જૂનાગઢ માટે હિંદ સિવાય બીજા સંસ્થાનમાં જોડાવાનો પ્રશ્ન જ રહેતો નથી.’
જૂનાગઢે પણ બે વાર જાહેર કર્યું હતું કે તેણે હિંદ સંઘમાં જ રહેવાનો નિશ્ચય કર્યો છે, પરંતુ એ પછી બીજી દિશામાં પ્રવૃત્તિઓ શરૂ થઈ અને નવાબની આંખો પાકિસ્તાન તરફ ફેરવાઈ ગઈ. પાકિસ્તાન વિશેના સંદેશા વિશે અમને જાણ થઈ ત્યારે અમે પાકિસ્તાનને ચેતવણી આપી કે આવા વાનરવેડા સહી લેવામાં નહીં આવે, પરંતુ તે અમારી વાત સાંભળવા તૈયાર નહોતું, જોકે પાકિસ્તાનમાં જૂનાગઢ જોડાયું ત્યારે અમને તો થયું કે તે મોતના પંજામાં જઈ રહ્યું છે. નવાબના ગળામાં ફાંસો નંખાઈ ચૂક્યો છે.
હિંદમાં જોડાવું કે પાકિસ્તાનમાં જોડાવું તેનો નિર્ણય જૂનાગઢની પ્રજા જ કરી શકે. જૂનાગઢ રાજ્ય કાંઈ કોઈના બાપનો માલ નથી કે તેનું સાટું થઈ શકે. બ્રિટિશ સાર્વભૌમત્વને પ્રજાએ જ દૂર કર્યું છે. પાકિસ્તાન કે હિંદમાં જોડાવું તેનો નિર્ણય પ્રજાને જ કરવા દેવો જોઈએ. જનતાના હક્કો વેચી દેવાનો નવાબને હક્ક ન હોય. અમે તો કહીએ છીએ કે પ્રજામત કે તલવાર એ માર્ગો સિવાય બીજા કોઈ માર્ગ આપણા માટે ખુલ્લા નથી.
પાકિસ્તાનવાળાઓ કાશ્મીરમાં પ્રજામત લેવાની વાત કરે છે, પરંતુ તેઓ જૂનાગઢ અને હૈદરાબાદમાં પ્રજામત લેવાને તૈયાર નથી. સાર્વભૌમત્વ છોડવાના બ્રિટનના નિર્ણયના પરિણામે આવા કોયડાઓ ઊભા થયા છે. હિંદ દેશના બે ટુકડા કરવાનો સ્વીકાર રાજીખુશીથી નહીં પણ દુઃખીત હૃદયે કર્યો હતો. અમને લાગ્યું હતું કે દેશના બે ટુકડા કરવાનું નહીં સ્વીકારીએ તો દેશના ઘણા ટુકડા પડી જશે. આથી અમે અમારા નાના ભાઈને તેનો હિસ્સો આપી દેવાનો નિર્ણય કર્યો. અમે ધાર્યું હતું કે, પોતાનો ભાગ મળી ગયા પછી અમારો ભાઈ અમારી સાથે સહકાર કરશે. તે અમારી પીઠ પાછળ ઘા કરશે, એવો ખ્યાલ તો અમને આવ્યો જ નહોતો.
અમે કાશ્મીર, જૂનાગઢ અને હૈદરાબાદના પ્રશ્નોને નિરાળા ગણવા માગતા નથી. તેમ અમારે કોઈ સાથે લડવું નથી. અમારે તો બધા દેશો સાથે શાંતિમાં રહેવું છે. પાકિસ્તાનને લડવાનો ચાળો છૂટતો હોય તો તો લડી લઈશું. અમે તો આ પ્રશ્નનો પૂરેપૂરો વિચાર કર્યો છે. હિંદમાં ચાર કરોડ મુસ્લિમો છે. પાકિસ્તાને આ મુસ્લિમોનો પણ ખ્યાલ કરવો જોઈએ. કાઠિયાવાડના મુસ્લિમોને પાકિસ્તાનનો મોહ લાગ્યો હતો. તેમણે તો માની લીધું હતું કે પાકિસ્તાન તેમને માટે પૃથ્વી પર સ્વર્ગ ઉતારશે. તે તેમને નર્ક ભણી ઢસડી રહ્યું છે. આ પાકિસ્તાન બોજારૂપ થઈ પડશે એવો તેમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો. હવે આ તેમજ હિંદના બીજા ભાગોના મુસ્લિમો પરિસ્થિતિ સમજી જઈને હિંદને વફાદાર નહીં રહે તો તેમને જ ભોગવવું પડશે. જૂનાગઢના મુસ્લિમોને હજી પણ પાકિસ્તાનની દોસ્તીનો મોહ હોય તો તેઓ નવાબના માર્ગે ચાલ્યા જાય. અહીં તેમને માટે સ્થાન નથી.
જૂનાગઢના પ્રશ્નનું પ્રજામતથી નિરાકરણ કરવાની સૂચનાઓ પાકિસ્તાને સીધો જવાબ ન આપ્યો ત્યારે શામળદાસ ગાંધીએ આરઝી હકુમત રચી. ગાંધીજીના ભત્રીજાને તલવાર ઉપાડવી પડી. તેમને મન આ વાત ધર્મરૂપ થઈ પડી હતી. પાકિસ્તાન તલવારની ભાષામાં જ વાત કરવા માગે તો બીજું કરવું પણ શું? કાં તો ગાંધીજીને અનુસરવું અને અથવા તો દુનિયાના સામાન્ય માર્ગે ચાલવું. એમ ન કરીએ તો બોબડી બે ય રસ્તા ચૂકે. આપણે લડવું નથી, પરંતુ પાકિસ્તાનને લડવું હોય તો આપણે કંઈ કરવાનું નથી. આપણે ત્રીસ કરોડ છીએ. આપણે આપણા ભૂખ્યા ભાઈઓના પેટના ખાડા પૂરી શકીએ તે માટે આપણે આપણું કામ સંભાળીએ અને તેઓ તેમનું. એવી ભાવનાથી આપણે તો ભાગલા સ્વીકાર્યા છે.
માત્ર એક મોટો ધડાકો સાંભળીને બીકથી ત્રાસી જાય એવા લોકો દેશને ફાયદો કરી નહીં શકે. આવા બીકણો આપણી વચ્ચે હોય ત્યાં સુધી આપણું કામ મુશ્કેલ રહેવાનું. બાયલા બનીને અહિંસા સેવવા કરતાં તો તલવાર ઊપાડવી એ વધારે સારું છે. પોતાનું રક્ષણ કરવાની હિંમત જેનામાં ન હોય તેનું રક્ષણ કોઈ નહીં કરે. દક્ષિણ આફ્રિકાથી પાછા ફરીને મહાત્મા ગાંધીએ પ્રજાને જાગૃત કરીને આજે અંગ્રેજોને હિંદ છોડી જવાની ફરજ પાડી છે. આ આઝાદી પચાવવા માટે આપણે યોગ્ય શક્તિ વિક્સાવવાની છે.
હિંદના મુસ્લિમો કંઈ અફઘાનિસ્તાન, ઈરાન અને અરબસ્તાનમાંથી આવ્યા નથી. તેઓ તો હિંદના વટલાયેલા વતનીઓ છે, પણ ધર્મ બદલાયે કંઈ દેશ બદલતો હશે? એમ તો ગાંધીજીનો પુત્ર પણ મુસ્લિમ બન્યો હતો. પાકિસ્તાનમાં નવાબ જોડાયા એટલે બાબરિયાવાડના ગરાસિયાઓ અને માંગરોળના શેખ તેમણે શું કરવું તેની સલાહ લેવા અમારી પાસે આવ્યા. મેં નવાબ સાહેબને મળવા માટે મારા મંત્રીને મોટરમાં જૂનાગઢ મોકલ્યા. નવાબના દીવાને કહ્યું, નવાબની તબિયત સારી નથી. ખરા વખતે માંદા પડી જાય એમને ખુદા મદદ કરતો નથી. દીવાન તો પાકિસ્તાનને વેચાઈ ગયા હતા. કાઠિયાવાડમાં રાજ્ય કરવું હોય તો હિંદ સંઘ સાથે મૈત્રી ધરાવતો હોય એવો શાણો દીવાન પોતાની પાસે હોવો જોઈએ એટલી સાદી વાત નવાબને સૂઝવી જોઈતી હતી.
માંગરોળના શેખ રાજકોટ આવતાં ડરતા હતા, પરંતુ આખરે જામસાહેબની મોટરમાં તેઓ રાજકોટ આવ્યા અને પૂરેપૂરા ભાન સાથે જોડાણખત પર સહી કરી. આગલા જ દિવસે તેમના સલાહકાર એક ચિઠ્ઠી લઈને મને મળવા આવ્યા હતા. તેમણે મને કહ્યું હતું કે, ‘શેખ હિંદ સંઘમાં જોડાવા માગે છે.’ મેં તેને કહ્યું, ‘તમારી એવી ઈચ્છા હોય તો તમને તેમ કરતાં કોણ અટકાવે છે? રાજકોટમાં મારા પ્રાદેશિક કમિશનરને મળો.’
શેખે જોડાણખત પર સહી તો કરી, પરંતુ જૂનાગઢની હદમાં પગ મૂકતાં જ તેમની મતિ બદલાઈ ગઈ. તેમણે તાર કર્યો કે મેં તો દબાણને વશ થઈને સહી કરી આપી છે. આવા રાજવીઓ રાજ કેમ કરે તે જ હું સમજી શકતો નથી. બાબરિયાવાડ અને માંગરોળે જોડાણખત પર કરેલી સહીઓ ભલે બ્રહ્મા ઊતરી આવે તો પણ ભૂંસનાર નથી. પાકિસ્તાને તો જાહેર કરી દીધું કે, બાબરિયાવાડને જૂનાગઢથી સ્વતંત્ર થવાનો અધિકાર નથી, પરંતુ બાબરિયાવાડ હિંદ સંઘમાં જોડાયું હતું. તેની જનતા પર ગુજારાઈ રહેલા ત્રાસની ફરિયાદ અમોને મળી રહી હતી. અમે જાહેર કર્યું કે અમારી પ્રજાનું રક્ષણ કરવાની અમારામાં પૂરેપૂરી તાકાત છે અને અમે તેનું રક્ષણ કરીશું.
જૂનાગઢમાંનાં પ્રદેશમાં દાખલ થવાનો તો અમારો ઈરાદો પણ નહોતો. આર્થિક બહિષ્કારના પરિણામે તેની રેલવે, બંદર વગેરે સાધનો દ્વારા મળતી આવત લગભગ અટકી પડી હતી.
બીજી બાજુ, શામળદાસે મોરચો માંડ્યો અને એક પછી એક ગામો લેવા માંડ્યા. જૂનાગઢ બધી બાજુએથી ઘેરાઈ રહ્યું હતું. પાકિસ્તાન પાસેથી કંઈક સહાય મેળવવાની આશાથી હાર્વે જોન્સ કરાંચી ગયા, પરંતુ તે ખાલી હાથે પાછા ફર્યાં. તેમણે દીવાન સાથે મંત્રણા ચલાવ્યા પછી સમજૂતી માટે શામળદાસને મળવાની ફરજ પડી. શામળદાસે કહ્યું, ‘બિનશરતે શરણે આવી જાવ.’ તેમણે આ વાત સ્વીકારી અને જૂનાગઢ પાછા ફર્યા. પછી મંત્રીમંડળની સભા બોલાવાઈ અને તેણે આ બાબતમાં પ્રજાની સંમતિ લેવાની સૂચના કરી. જનતાએ આરઝી હકૂમતને બદલે પ્રાદેશિક કમિશનર દ્વારા હિંદ સંઘને શરણે આવવાનો નિર્ણય કર્યો. હાર્વે જોન્સ દીવાન ભુટ્ટોનો પત્ર લઈને રાજકોટ આવ્યા અને પ્રાદેશિક કમિશનરને મળ્યા. તેમણે કહ્યું કે, ‘જૂનાગઢમાં વહીવટીતંત્ર તદ્દન પડી ભાંગ્યું છે. લોહી રેડાતું અટકાવવા માટે અમે શરણે આવવાને તૈયાર છીએ. માટે તમે બિનશરતી કબજો લઈ લો.’
ભુટ્ટોનો પત્ર અમને મળ્યો તે પહેલાં તેઓ જૂનાગઢ છોડી ગયા હતા. કાઠિયાવાડમાં અશાંતિની શક્યતા ટાળવાના આશયથી અમે જૂનાગઢનો કબજો લેવાનો નિર્ણય કર્યો. પાકિસ્તાનની સંમતિ વગર જૂનાગઢ આવી શરણાગતિ સ્વીકારે એમ અમે માનતા નહોતા. પાકિસ્તાન આ બધી વાત જાણતું હોવું જ જોઈએ એમ અમે ધારી લીધું હતું.
પાકિસ્તાનના પ્રત્યાઘાતો જાણવા માટે અમે ચોવીસ કલાક રાહ જોઈ, પરંતુ પાકિસ્તાન તરફથી કશો જવાબ ન મળતા અમે નવમીએ જૂનાગઢનો કબજો લીધો. કશી પણ ગરબડ વગર કુશળતાથી બધી વ્યવસ્થા પાર પાડવા માટે હું હાર્વે જોન્સને ધન્યવાદ આપું છું. તેણે આ રીતે પ્રજા તથા જનતાની સેવા બજાવી છે. મેં માન્યું કે ચાલો જૂનાગઢનો પ્રશ્ન પતી ગયો, પરંતુ કરાંચી પહોંચ્યા પછી દીવાન અને પાકિસ્તાન સત્તાવાળાઓએ જૂનાગઢનો કબજો લેવાનો અમને અધિકાર નહોતો એવી બુમરાણ શરૂ કરી. પાકિસ્તાન સત્તાવાળાઓએ તો એવી દલીલ પણ આગળ કરી કે દીવાનને આ શરણાગતિ પર સહી કરાવાનો અધિકાર નહોતો!
પાકિસ્તાન તો થોડાક માસનું નાનું બાળક છે એટલે અમે તેના ચાળાઓ અમુક હદ સુધી રહી લેવાનો નિર્ણય કર્યો છે, પરંતુ એ હદ વટાવી જશે તો અમે તેને સીધો રસ્તો બતાવી દઈશું. દીવાનના કહેવાથી નહીં, પરંતુ પ્રજાના કહેવાથી અમે જૂનાગઢનો કબજો લીધો છે. હવે તો પાકિસ્તાનને કંઈ કહેવાનો અધિકાર જ નથી. રાજ્યતંત્ર ચલાવવાનો હક્ક તો પ્રજાનો છે. રાજવીઓના દૈવી અધિકારના દિવસો તો ક્યારયના વહી ગયા છે.
પોતાની પ્રજાને છોડી જનાર નવાબને હવે ગાદી પર કશો અધિકાર રહ્યો નથી. દીવાન કહે છે કે મેં પાકિસ્તાનની સંમતિ વગર આ પગલું ભર્યું છે. તેમની ઈચ્છા પાકિસ્તાનમાં જ રહેવાની હોય એમ લાગે છે. હું તો તેમને કહું છું કે ત્યાં જ રહેજો. અહીં આવવાની તસદી જ ના લેશો.
(અત્રે સરદારશ્રીએ સભાને પૂછ્યછયું હતું કે, ‘તમે હિંદ સાથે જોડાશો કે પાકિસ્તાન સાથે?’
ને જવાબ મળ્યોઃ હિન્દ સાથે હિન્દ સાથે!)