એક ઓર અનામતઃ એસસી, એસટી, ઓબીસી અને હવે ઈબીસી!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 04th May 2016 08:14 EDT
 
 

૨૦૧૬નો ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ, બીજા અગાઉનાં વર્ષોના કરતાં થોડોક અલગ રહ્યો. વીતેલા સપ્તાહે એક શુક્રવારે - ગુડ ફ્રાઈડેની જેમ જાહેર કરવામાં આવ્યું કે ગુજરાતમાં જેમને અત્યાર સુધી અનામતનો લાભ નહોતો મળતો તેવા (અર્થાત્ દલિત - આદિવાસી - ઓબીસી સિવાયના) વર્ગને ૧૦ ટકા અનામત અપાશે. શિક્ષણ અને નોકરી બંનેમાં તેનો અમલ થશે.

આને તમે નવું નામ આપવું હોય તો ઈબીસી (ઈકોનોમિકલ બેકવર્ડ ક્લાસ) કહી શકો. તેમાં વાર્ષિક ૬ લાખથી ઓછી આવક ધરાવનારાઓને સમાવી લેવાયા છે.

દેખીતી રીતે તો આમાં આઠ-નવ મહિનાથી ચાલતાં આવેલાં પાટીદાર અનામત આંદોલનની અસર દેખાઈ આવે. પાટીદારોની માગણી તો ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસ) હેઠળના લાભાર્થી થવાની હતી. આ કેવી રાજકીય વિડંબના કહેવાય કે માધવસિંહ સોલંકીના શાસન દરમિયાન ઓબીસીની તરફેણ માટે એક રાજકીય થિયરી ‘ખામ’ પેદા કરવામાં આવી હતી અને તેનો સૌથી ખતરનાક ભોગ પટેલો - પાટીદારો થયા હતા. હવે એ જ પાટીદારો ‘ઓબીસી’ દ્વારા જો ઉમેરાવાની ઈચ્છા રાખતા હોય તો ‘ખામ’ની જગ્યા ‘ખાપમ’ નામે લેવી પડે જેમાં પટેલનો ઉમેરો થઈ જાય.

એવું તો નથી કે અનામતનો લાભ ન લઈ શકનારા સવર્ણો નથી. પટેલ છે, વણિક છે, રાજપૂત છે, લોહાણા છે, બ્રાહ્મણ છે અને તેની પેટા જ્ઞાતિઓ પણ છે. એટલું જ કે તેઓ સામાજિક રીતે પછાત નથી, પણ જર્જરિત જરૂર છે. રાધનપુર પેટા ચૂંટણી દરમિયાન ઉત્તર ગુજરાતમાં અમે એવાં ગામડાંઓમાં ગયા હતા જ્યાં બ્રાહ્મણોનો મુખ્ય વ્યવસાય ખેતી, પણ અવસ્થા જર્જરિત - શક્ય છે કે સામાજિક રીતે પણ તેમની દુર્દશા હોય.

એટલે દલિત - આદિવાસી સિવાયના બાકી રહી ગયેલા તમામ વર્ગની આર્થિક કંગાલિયત તરફ વધારે ધ્યાન આપવાની જરૂર હતી. પણ એવું ના બન્યું એટલે મર્યાદિત નોકરીઓ અને ધસમસતાં શિક્ષણમાં અસંતુલિત અસમાનતા આવી. ‘મેરિટ’નો યે તેમાં ભોગ લેવાતો રહ્યો છે તેનો અફસોસ ન્યાયવિદ્દ નાની પાલખીવાલાથી માંડીને ન્યાયમૂર્તિ પારડીવાલાએ વ્યક્ત કર્યો. પણ એવા વીરલા કો’ક. બાકી બધાંને ‘પ્રગતિશીલ’ ગણાવાની ‘દલિત-પીડિત-વંચિત’ પરિભાષાની ઝંડી ફરકાવીને સ્વાર્થ સિદ્ધ કરવાની આદત પડી ગઈ, તેમાં રાજકીય પક્ષો શાના પાછળ રહે?

અનામતની પ્રથાની સમીક્ષા થવી જોઈએ એવું કહેવાનું સાહસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનરાવ ભાગવતે કર્યું તો ખરું, પણ તુરત હોબાળો મચી ગયો. બિહારની ચૂંટણીમાં તો પ્રચાર થયો કે આ આરએસએસવાળાઓ, ભાજપ સત્તા પર આવશે તો તમારી અનામત જ ઝૂંટવી લેશે!

દેશ આખામાં ૪૯થી ૫૧ ટકા વર્ગને અનામતનો લાભ મળે છે એ દુનિયાના દેશોમાં એકલું ઉદાહરણ છે. ડો. આંબેડકરના અને અન્યોના દિમાગમાં, ૧૯૫૦માં બંધારણ ઘડવામાં આવ્યું ત્યારે, તેને અમુક વર્ષોની અવધિમાં બાંધવાનો સ્પષ્ટ ઈરાદો હતો. એ ઈરાદો સાર્થક નહીં થાય એવી ખબર આંબેડકરને ય હતી કેમ કે ચૂંટણી અને મતદાન પર આધારિત રાજકારણમાં જથ્થાબંધ મત અંકે કરવા માટે ગમે તેવા સારા નિયમનો યે ખતરનાક અમલ કરવામાં ભારતીય રાજકારણ ભારે પાવરધું છે એની તેમને ખબર હતી એ તેમનાં તે સમયનાં વિધાનોમાંથી સમજાય છે.

ગુજરાતે અનામત - તરફેણ અને વિરોધનાં આંદોલનો કર્યાં છે. સોલંકીના શાસન દરમિયાન બે વાર એવાં આંદોલનો થયાં. મુખ્યત્વે આર્થિક અભાવ સાથે જીવતા અન્ય સમુદાયો માટેની જોગવાઈનો તેમાં મુદ્દો હતો. તેમાં ભડકો થયો અને ધારાસભામાં પ્રચંડ બહુમતી ધરાવતા માધવસિંહ સોલંકી સમયનું ગુજરાત અકલ્પિત અંધાધૂંધી અને વિગ્રહમાં ફસાઈ ગયું. અનામતની વાત તો બાજુ પર રહી અને એક દિવસ પોલીસે હડતાળ પાડતાં બૂટલેગરો - જુગારીઓ - હિંસાખોરો રસ્તા પર આવી ગયા. દુકાનો લૂંટાઈ, મકાનો બાળવામાં આવ્યા, રસ્તે જતા રાહદારીઓની પીઠમાં છૂરી ભોંકાઈ, ગોળીબારો થયા, રસ્તા પર જુગાર-દારૂના અડ્ડા ચાલુ થઈ ગયા. આવવા-જવાના રસ્તાઓ પર સળગતી આડશો મુકાઈ. એ વખતે આ લેખક ‘જનસત્તા’નો સહાયક તંત્રી હતો અને પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો.

આંદોલનો પાસે ક્યારેય મજબૂત નેતાગીરી હોતી જ નથી. ૧૯૪૨ના ‘હિન્દ છોડો’ આંદોલન દરમિયાન ગાંધીજીના મૂળ સિદ્ધાંત અહિંસક પ્રતિરોધની જગ્યા હિંસાચારે લઈ લીધી હતી ને? ૧૯૫૬ના મહાગુજરાત આંદોલનમાં ‘ભુક્કા બોલાવી દેવાની’ રણગર્જના ઈન્દુલાલે કરતા તેને લોકો પોતાની રીતે અનુસર્યાં. ૧૯૭૪ના નવનિર્માણ આંદોલનમાં તો દક્ષિણ ગુજરાતના એક વિસ્તારમાં ખુદ ધારાસભ્યે હિંસક પ્રતિકાર કરવા માટે કેટલાક લોકોને મોકલ્યા તેમાં બે યુવકોની મેદાનમાં જ કતલ થઈ. ૧૯૮૩-૮૫ના અનામત આંદોલને પારાવારનો ઉત્પાત લોહિયાળ ઢબે કર્યો. તાજેતરનાં પાટીદાર અનામત આંદોલનમાં અસામાજિકોએ રાજ્ય ગૃહ પ્રધાનના મકાનનેય બાળી નાંખ્યું એ તેનું ચરમ ઉદાહરણ ના કહેવાય?

આંદોલનો, નેતાઓ, કાર્યકર્તાઓ અને પ્રતિકાર કરનારાઓ - આવા ચતુષ્કોણીય ઉત્પાતનો અંત કોઈને કોઈ પ્રકારની સમજૂતીથી તો આવે છે, પણ તેમાં જો મોડું થઈ જાય (કેટલાક એમ માને છે કે આ મોડું કરવું એ ય એક રાજકીય વ્યૂહરચના જ હોય છે!) તો નુકસાન પણ ઘણું વધારે થાય. ઓગસ્ટથી શરૂ થયેલા પાટીદાર આંદોલનને જલ્દીથી સંકેલી શકાયું હોય એમ કેટલાક માને છે અને એક વર્ગ નથી પણ માનતો.

હવે દસ ટકા જોગવાઈ થઈ છે. સામાન્યપણે સોલંકી યુગથી જ પટેલવિરોધી તરીકે જાણીતી થયેલી કોંગ્રેસે ય કહ્યું કે ૧૦ નહીં, ૨૦ ટકા અનામત આપવી જોઈએ. આંદોલનકારીઓ પોતપોતાની પીપૂડી વગાડવા લાગ્યા છે. આંદોલન સમેટાઈ જાય તો આ ‘નેતા’ઓનું રાજકીય ભવિષ્ય કાં તો કોઈ એકાદ રાજકીય પક્ષમાં જોડાવા માટેનું હશે અથવા તો કોઈ નવા પક્ષની જાહેરાતનું. સરવાળે અનામતનું આંદોલન ભૂતકાળનો મુદ્દો થઈ જશે ને ‘અનામત’ મુદ્દો અખંડ રહેશે! સમાજશાસ્ત્રીઓ તેનો ‘અભ્યાસ’ કરશે, ‘સંશોધન’ કરશે, ડાબેરી કહેવાડવા આતુર પ્રગતિશીલો તેનું પોતાની રીતે ‘મૂલ્યાંકન’ કરશે, અખબારોમાં અહેવાલો આવશે, અને આંદોલન-નેતાઓ તેની શક્તિ પ્રમાણે રાજકીય પક્ષોમાં કામ કરતા થઈ જશે. અદાલતો જોગવાઈનું અર્થઘટન કરશે અને... ચૂંટણી દરમિયાન ચૂંટણી ઢંઢેરાઓમાં વાયદા-વચનોની મફત લ્હાણી પણ થતી રહેશે!


comments powered by Disqus