એકશન-રિએકશનનો ગુજરાતનાં આંદોલનમાં ઘાતક પ્રયોગ થઈ રહ્યો છે

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 23rd September 2015 08:15 EDT
 
 

હવેના દરેક આંદોલનોની ખાસિયત એ છે કે તેમાં કોઈને કોઈ નવા ‘નેતા’ પેદા થાય છે. લાગણીના, આવેશના મોજાં પર સવાર થઈને કેટલાક દિવસો સુધી તે મીડિયા અને જાહેરજીવન પર છવાયેલા રહે છે અને પછી સમય જતાં અસ્ત થઈ જાય છે.

ગુજરાતમાં આજકાલ હાર્દિકની બોલબાલા છે! આમ તો આખેઆખો પાટીદાર સમાજ અનામત માગવાનાં આંદોલનમાં સામેલ નથી અને હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આ આંદોલનકારોમાં યે ત્રણ-ચાર જૂથો છે. દરેકના ‘નેતા’ પોતાની રીતે વર્તે છે, કાર્યક્રમો આપે છે. ક્યાંક તેને ટેકો મળે છે, ક્યાંક નથી મળતો. સપ્ટેમ્બર મહિનાનાં આંદોલનની ખાસિયત એ હતી કે નાનાં-મોટાં નગરોમાં મહિલાઓ વેલણ અને થાળી લઈને બહાર નીકળી. ધારાસભ્યો અને બીજા આગેવાનોને ઘેરાવ કર્યો, મિટિંગ કે સભાઓ ચાલવા દીધી નહીં. અગાઉ એક નુસખો ગુલાબનાં ફૂલ આપવાનો હતો, પણ હવે કળ વળી ગઈ હોય એવું અનુભવતા ભાજપ નેતાઓએ સામે કમળનાં ફૂલ આપવાનું ચાલું કરી દીધું! ફૂલની સામે ફૂલ! પરંતુ આપણાં આંદોલનો એવાં ‘સોજ્જાં’ નથી હોતા કે તે આવા નિરુપદ્રવી તરિકાઓથી આંદોલનને જારી રાખી શકે.

ટીવી મીડિયાને જેમ ટી.આર.પી.ની લાલસા હોય છે (એટલે તો જે દિવસે નેતાજી સુભાષની કેટલીક ફાઈલોને ડી-ક્લાસિફાઇડ કરવાનું સાહસ બંગાળ સરકારે કર્યું તે ઐતિહાસિક મુદ્દો ચર્ચવાને બદલે તે દિવસે મીડિયાએ અનામતની ચર્ચા જ ચાલુ રાખી હતી!) એવું જ આંદોલનકારોનું હોય છે. તેને ય ટોળાં જોઈએ, જયજયકાર ઈચ્છે, રોજ છાપાં-ટીવીમાં ચહેરો ચમકતો રહેવો જોઈએ તેવું માને એટલે ઇધર-ઉધરની દિશાઓ બતાવતા નિવેદનો પણ ફટકારે! હાર્દિક તેમાં હોંશિયાર નીકળ્યો, તેના બીજા સાથીદારો ઊણાં ઉતર્યા એટલે એક વધુ ‘સમિતિ’ પણ ઊભી થઈ છે. દરેક સમિતિઓને અનામત-જુવાળની તક ઊઠાવવી છે અને આ ગંભીર સમસ્યાનું કોઈ ઊંડુ ચિંતન કરવાના મૂડમાં નથી એવું દેખાઈ રહ્યું છે, જે થોડા ઘણા પ્રયાસો થયા તે સમસ્યા-ચિંતનના નથી, અત્યારની પરિસ્થિતિમાં આંદોલન વાતાવરણને ડહોળી ના નાખે તે માટેના છે તે સમજી શકાય તેવું છે.

‘એકબીજાની સામે’

હવે પાટીદારોને માટે એકલી રાજ્ય સરકાર નહીં, ઓબીસી પ્રતિકાર સમિતિ પણ સામે છે! સરકારે લાખ પ્રયત્નો કર્યા, ખુદ મુખ્ય પ્રધાન પણ હાર્દિક સહિતના આંદોલનકારોને મળ્યા ત્યારે કેટલાક મુદ્દે સહમતી હતી અને ૧૦ દિવસ આંદોલનને મોકૂફ રાખવામાં આવે એવી આનંદીબહેને અપીલ કરી હતી. પણ આંદોલનકારો તો ૨૦મીથી ‘એકતાયાત્રા’ની હઠ પકડીને બેઠા તો ઓબીસીએ ‘પ્રતિકાર યાત્રા’ની જાહેરાત કરી દીધી!

આ ‘એક-બીજાની સામે’ વાળી માનસિકતા અગાઉ સામ્યવાદી વિચારધારા ધરાવતા શાસકોએ દુનિયામાં ફેલાવી હતી તે અમુક અંશે સામ્રાજ્યવાદી મૂડીવાદનું દેખીતું પરિણામ હતું. ‘હેવ’ એન્ડ ‘હેવનોટ’, સંપન્ન અને વિપન્ન, અ-ભાવ અને પ્રભાવઃ આ બે છેડા જ જ્યાં હોય ત્યાં સામસામેના વિગ્રહ કઈ રીતે રોકી શકાય? લંડનમાં બેસીને કાર્લ માર્કસ અને એન્જલ્સે દુનિયાનો તખતો બદલવા માટે મજૂરો અને માલિકો એવી બે છાવણી નક્કી કરી આપી તેમાંથી સામ્યવાદ પેદા થયો. માર્કસ તો એવું માનતો હતો કે સામ્યવાદની શરૂઆત સર્વહારા અને બૂર્ઝવાની લડાઈ ઇંગ્લેન્ડથી થશે, પણ થઈ રશિયામાં. પછી ચીન, ક્યુબા વગેરેમાં પ્રસરી. પણ આ ‘સામસામે’ વાળી માનસિકતા રાવણનાં દસ માથાંની જેમ વધતી ગઈ એટલે ‘માલિક’ વિરુદ્ધ ‘મજુર’, ‘સવર્ણ’ વિરુદ્ધ ‘અ-વર્ણ’, ‘ગરીબ’ વિરુદ્ધ ‘શાહુકાર’, ‘વેપારી’ વિરુદ્ધ ‘ગુમાસ્તો’, ‘બોસ’ વિરુદ્ધ ‘પટાવાળો’... એવું ચક્ર શરૂ થયું.

સામાજિક-આર્થિક સ્તરે હવે તે ‘વિદ્યાર્થી’ વિરુદ્ધ ‘શિક્ષક’, ‘જાતિ’ વિરુદ્ધ ‘જાતિ’, ‘વર્ગ’ વિરુદ્ધ ‘વર્ગ’, ‘પટેલ’ વિરુદ્ધ ‘બાકીનો સમુદાય’, ‘બ્રાહ્મણ’ વિરુદ્ધ ‘હરિજન’, ‘સ્ત્રી’ વિરુદ્ધ ‘પુરુષ’, ‘શ્રમજીવી’ વિરુદ્ધ ‘બુદ્ધિજીવી’... આવા ભેદ પણ રચાયા છે. ‘હિન્દુ’ વિરુદ્ધ ‘મુસલમાન’, ‘મુસ્લિમ’ વિરુદ્ધ ‘ઈસાઈ’, ‘ઇસ્લામ’ વિરુદ્ધ ‘યહુદી’ આ પણ ઉમેરાયા અને ‘લઘુમતી’ વિરુદ્ધ ‘બહુમતી’ તો ખરી જ!!

આ ચેપી રોગ છે

તેની લઘુ-આવૃત્તિ વારંવાર આંદોલનોના સ્વરૂપે બહાર આવે છે. દક્ષિણ ગુજરાતમાં ‘બ્રાહ્મણ’ અને ‘અ-બ્રાહ્મણ’નાં આંદોલનો થયાં છે. ‘હિન્દી’ વિરુદ્ધ ‘તમિળ’ ભાષા-સંઘર્ષ થયો. ‘દક્ષિણ ભારત’ અને ‘ઉત્તર ભારત’ વચ્ચેના વૈમનસ્યે કેટલાક પક્ષો પણ પેદા કર્યા તેમાં ‘દ્રવિડ રાજકારણ’ પણ આવી ગયું. આર્થિક રીતે ગભરાયેલા બહુમતી સમાજને એવો સવાલ પણ થાય છે કે આ લઘુમતીને આટલા બધા લાભો? શા માટે? ગુજરાતમાં - અને બીજે - જૈનોને પણ લઘુમતીમાં મૂકવાનું પગલું ઘણા બધાને ‘અલગાવ’ પેદા કરનારું લાગ્યું છે. ખુદ જૈન મહારાજોમાંના કેટલાકે પણ આવી લઘુમતી મનોદશાનો વિરોધ કર્યો છે.

વિડંબના એ છે કે ભારતીય આધ્યાત્મિકતાનો એક ભાગ એવો જૈન સમુદાય કેટલાક નગણ્ય લાભ મેળવવા માટે પોતાને લઘુમતી ગણવા પ્રેરાય છે જ્યારે ભારતની બહારથી આવેલા પારસી અને યહુદીઓએ ક્યારેય લઘુમતીની તીવ્રતા અનુભવી નથી અને અભિવ્યક્ત પણ નથી કરી. તેઓ સ્વબળે પુરુષાર્થ કરીને આગળ વધવા માગે છે.

બોધપાઠ લીધા વિના છૂટકો નથી

ગુજરાતમાં પટેલોની તવારિખ પણ પુરુષાર્થની સાથે જોડાયેલી છે. છતાં તેને ‘પછાત’ ગણાવવા રસ્તા પર કેમ આવવું પડ્યે એ આર્થિક - સામાજિક - રાજકીય સંશોધનનો વિષય છે. પટેલોમાં બધા જ બધા સુખીસંપન્ન નથી, તેનો એક ભાગ આજની આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. સુખીસંપન્ન પટેલો ધારે તો તેમને થોડાંક જ વર્ષ સહાય કરીને પગભર બનાવી દઈ શકે તેમ છે.

પરંતુ વર્તમાન આંદોલનની વાત એટલી સહેલી નથી. આમાં સામાજિક - આર્થિક - રાજકીય ‘પાવર’નો ‘ઈગો’ પણ ઉમેરાયો છે અને આંદોલનના જુવાળ પર સવાર થઈને ધાર્યું મેળવવાનો ઇરાદો છે. આવડું મોટું આંદોલન સ્વયંભૂ છે કે પછી કોઈ શક્તિશાળી અને મહત્ત્વાકાંક્ષીઓ પ્રેરિત કરી રહ્યા છે તે મોટો સવાલ વારંવાર અથડાય છે. પણ એટલું નક્કી કે અનેક રીતે અકળામણ પેદા થઈ છે તેનો આ ભડકો થયો છે. રાજકીય - સામાજિક - ધાર્મિક આગેવાનો તેને સમજી શક્યા નહીં કે તેમનો કોઈ પ્રભાવ આ જુવાન પેઢી અને મહિલાઓ પર રહ્યો નથી તે પણ મોટા સવાલ છે.

એકંદરે વર્તમાન અનામત પ્રથામાં રહેલા અસંતુલને પણ આગને હવા આપી છે તેનો ગંભીરતાથી વિચાર થવો જોઈએ. વિગ્રહ અને પરસ્પર સંઘર્ષ સમાજને માટે સૌથી ખતરનાક નુકસાન સાબિત થયા છે. ૧૯૮૧-૮૫ના આંદોલનનાં પરિણામો નજર સામે છે. ૨૦૧૫માં તેનો બોધપાઠ લેશું?


comments powered by Disqus