ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં હિંદુ-મુસ્લિમ સંબંધોનો વિચાર

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 05th August 2015 07:50 EDT
 
 

આજકાલ ઐતિહાસિક ઘટનાઓનો આધાર લઈને હિંદુ વિરુદ્ધ મુસ્લિમ સંબંધોની છણાવટનો ઉભરો ભારતીય પ્રકાશનો અને પ્રજામાં જોવા મળે છે. ઈતિહાસ અને ઘટનાના વિશ્લેષણમાં ખરા અર્થમાં તટસ્થતા કેટલા અંશે જળવાય એ કહેવું જરા મુશ્કેલ હોવા છતાં સમયાંતરે આવાં વિશ્લેષણોને કયા ચશ્માંથી જોવામાં આવે છે એનો વિચાર કરવાની વૃત્તિ અને સદ્પ્રવૃત્તિ અનિવાર્ય છે. વિશ્વ આખું ઈસ્લામોફોબિયાથી ગ્રસ્ત છે ત્યારે હિંદુ-મુસ્લિમ સંબંધના કેટલાંક તથ્યોને વિચારકો સામે મૂકવાની હિંમત કરવી એ પણ જરા વિકટ સ્થિતિનો સામનો કરવા સમાન છે. આમ છતાં અમોએ કેટલાંક ઐતિહાસિક તથ્યોને સુજાણ વાંચકો સમક્ષ મૂકવાનું બીડું ઝડપ્યું છે.

પ્રારંભે જ એટલું જરૂર કહેવાની રજા લઉં કે ‘વંદે માતરમ્’ના મુદ્દે સમગ્ર ભારત વર્ષની આઝાદીની ચળવળમાં હિંદુ-મુસ્લિમ ખભેખભા મિલાવીને એકાકાર હતા, એ જ ‘વંદે માતરમ્’ સામે મુસ્લિમો અને ખ્રિસ્તીઓએ વાંધો ઊઠાવ્યો. ભારતની સુપ્રીમ કોર્ટે તો ‘વંદે માતરમ્’ જ નહીં, ‘જન ગણ મન’ જેવા રાષ્ટ્રગીતને પણ ગાવાની કોઈને ફરજ પાડી શકાય નહીં એવો ચુકાદો આપી દીધો. ભારતીય બંધારણ સભાએ આ બંને ગીતોને રાષ્ટ્રગીત તરીકે સમાનસ્તરે મૂક્યાં છે, છતાં આજ સુધી એમના વિશેના સુપ્રીમ કોર્ટના ચુકાદાને રદ કરવા જેવો કોઈ બંધારણીય સુધારો ના તો કોંગ્રેસના શાસનમાં લવાયો કે ના ભાજપના શાસનમાં. કમસે કમ આ બેઉ ગીત અંગેના જુદા જુદા કારણસરના વિવાદના સંજોગોમાં કોઈ નવું સર્વસ્વીકૃત રાષ્ટ્રગીત તૈયાર કરવાનું બીડું પણ કોઈએ ભારતમાં ઝડપ્યું નહીં એ ખેદની વાત છે.

‘વંદે માતરમ્’ સામે મુસ્લિમોનો વિરોધ મૂર્તિપૂજાના મુદ્દે છે તો ‘જન ગણ મન’ સામે સંઘ પરિવારનો વિરોધ બ્રિટિશ સમ્રાટ જ્યોર્જ પંચમના માનમાં કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે એની રચના કરી તેમને ‘ભાગ્યવિધાતા’ કહ્યાના મુદ્દે છે. હકીકતમાં રવીન્દ્રનાથે સમ્રાટ જ્યોર્જ પંચમના સ્વાગતમાં ના તો આ ગીતની રચના કરી હતી કે ના સમ્રાટને ‘ભાગ્યવિધાતા’ કહ્યા હતા. ‘વંદે માતરમ્’ ગીત પણ બંકિમચંદ્ર ચેટરજીની નવલ ‘આનંદ મઠ’માં પ્રકાશિત થયું હતું. બંકિમબાબુની નવલની આઠ આવૃત્તિઓમાં એમણે સતત પરિવર્તન કર્યાં હતાં. પહેલી આવૃત્તિમાં અંગ્રેજ શાસકો એમના ખલનાયક હતા, પણ બીજી આવૃત્તિથી એમણે મુસ્લિમોને ખલનાયક ગણાવવાનું પસંદ કર્યું. બંકિમદા અંગ્રેજ સરકારના અધિકારી હતા અને એમની સામે સરકાર રાજદ્રોહની કાર્યવાહી થાય નહીં એવી અપેક્ષાએ એમણે મુસ્લિમ શાસકોને ખલનાયક દર્શાવવાની કોશિશ કર્યા છતાં એમને કોલકતાના રાઈટર્સ બિલ્ડિંગથી જિલ્લામાં બદલી આપીને કનડવામાં આવ્યા જ હતા.

ઈતિહાસનો અભ્યાસ કરતી વેળા ઘણાંબધાં પાસાંનો વિચાર કરવો પડે છે. સોમનાથના મંદિરને લૂંટવા કે તોડવાનો દોષ આપણે એકીઅવાજે મહંમદ ગઝનીને આપીએ છીએ, પરંતુ એની સેનાનો સરદાર હિંદુ અને ટિળક અટકધારી તેમ જ સૈન્યમાં મોટા ભાગના જાટ હિંદુ હતા. આ હકીકત સોમનાથ ટ્રસ્ટે જ પ્રકાશિત કરાવેલા અને સદ્ગત આઈએએસ અધિકારી અને ઈતિહાસકાર શંભુપ્રસાદ હરપ્રસાદ દેશાઈ લિખિત ‘પ્રભાસ અને સોમનાથ’ ગ્રંથમાં વર્ણવવામાં આવ્યા પછીય આપણું મનડું ક્યાં માને છે?

ઈતિહાસકાર પ્રા. શાંતા પાંડે તો બે ડગલાં આગળ વધીને કહે છેઃ ‘ગઝનીની દરબારી ભાષા સંસ્કૃત હતી. મહંમદ ગઝનીએ પડાવેલા સિક્કા પર સંસ્કૃત ભાષામાં જ ‘મહમૂદ સુરત્રાણ’ એવું અંકન મળે છે. સંસ્કૃતના વ્યાકરણનો જનક પાણિનિ પોતે પણ પખ્તૂન અથવા તો પઠાણ હતો અને અફઘાનિસ્તાનના શાલાતુર ગામનો નિવાસી હતો.’ સોમનાથ ટ્રસ્ટના ગ્રંથમાં પણ ગઝનીના પિતા હિંદુ કે બૌદ્ધમાંથી મુસ્લિમ થયાનો ઉલ્લેખ છે. ભારતના ઉત્તરનાં રાજ્યોમાં જાટ સમાજ સોમનાથના ઉપરોક્ત ઈતિહાસને પાઠ્યપુસ્તકોમાં ભણાવવા દેતો નથી.

કાબુલમાં હિંદુઓની બહોળી વસ્તી હતી. એમનાં મંદિરો પણ હતાં. પૂજાવિધિની પૂરી સ્વતંત્રતા હતી. તેરમી સદી સુધી તો ત્યાં હિંદુ રાજાનું શાસન હતું. ઈસ્લામના જન્મ પહેલાં તો કાબુલને ભારતનું જ અંગ માનવામાં આવતું હતું. કાબુલના લોકોની સંસ્કૃતિ ભારતીય ગણાતી હતી. કાબુલના પ્રદેશને લઈને હંમેશા લડાઈઓ થતી રહેતી હતી. પંજાબના હિંદુ રાજા કાયમ કાબુલને જીતીને પોતાના રાજ્યમાં સામેલ કરવા ઉત્સુક રહેતા હતા. શાંતા પાંડેના મતે આજ સ્તો વાયવ્ય ભારતથી થયેલાં મુસ્લિમ આક્રમણો પાછળની ભૂમિકા હતી. આ હુમલા ઈસ્લામના પ્રચાર માટે થયાંના કોઈ ઐતિહાસિક પ્રમાણ મળતાં નથી. ગઝની ધર્માંધ હોત તો એની સેનામાં હિંદુ જાટોની ભરતી એ કરત નહીં.

મુસ્લિમ શાસકોએ હિંદુસ્તાનમાં પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યા પછીની લડાઈઓમાં પણ હિંદુ રાજાઓની સેનાઓ તેમને સાથ આપતી હોવાનું ઈતિહાસકારોએ નોંધ્યું છે. યુદ્ધ રાજકીય બાબતોને લઈને થતાં હતાં, ધાર્મિક મુદ્દે નહીં. બાદશાહ ઔરંગઝેબે જ્યારે છત્રપતિ શિવાજી વિરુદ્ધ ફોજ મોકલી ત્યારે એના રાજપૂત સેનાપતિ મહારાજા જસવંત સિંહ હતા. એ પછી મહારાજા જયસિંહને પાઠવ્યા હતા. જ્યારે અફઘાનિસ્તાનના સૂબાએ બંડ જગાવ્યું ત્યારે બળવાને અંકુશમાં લેવા માટે ઔરંગઝેબે મહારાજા જસવંત સિંહને જ પાઠવ્યા હતા. કાફિરોની કતલને ઈસ્લામમાં પુણ્ય લેખવાની ઈતિહાસકાર સર જદૂનાથ સરકારની વાત અંગે પ્રા. પાંડે નોંધે છેઃ જદૂનાથ સરકાર ઈસ્લામ ધર્મ અને પવિત્ર કુર્રાનની આજ્ઞાઓ તથા હદીસોથી અપરિચિત હોય એવું લાગે છે. બાદશાહોના જુલમ અને અત્યાચારોને પવિત્ર કુર્રાનમાં માન્યતા અપાઈ નથી. ઈસ્લામ વાસ્તવમાં શાંતિ અને માનવતાનો ધર્મ હોવાનું વિનોબા ભાવેની નજરે ગીતા અને કુર્રાનના બોધનો અભ્યાસ કરનારને પણ સરળતાથી સમજાશે.

મહિસૂરના રાજવી ટીપુ સુલતાને અંગ્રેજો સામે લડતાં લડતાં જ શહીદી વહોરી. સદગત રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામે ‘નાસા’ની દીવાલ પર ટીપુનું ચિત્ર જોયાની વાત નોંધી છે. મિસાઈલ ટેકનોલોજીના જનક ટીપુને ‘નાસા’માં સ્થાન મળ્યું છે, પણ ભારતમાં કેટલાક એની ઓળખ મુસ્લિમ વટાળપ્રવૃત્તિના સૂત્રધાર તરીકે આપે છે.

આ એ જ ટીપુ સુલતાન જે ધર્મે મુસ્લિમ હોવા છતાં શ્રી રંગ દેવના દર્શન કર્યા વિના ચા-પાણી પણ કરતો નહોતો. એવું જ કાંઈક જૂનાગઢના નવાબ મોહમ્મદ મહાબત ખાનજી ત્રીજાનું હતું. એમના રાજ્યમાં ગોવંશ હત્યા પર પ્રતિબંધ હતો. સ્વયં નવાબ દરબારમાં જતાં પહેલાં ગાયનાં દર્શન કરતા હતા અને પોતાના મહેલની નાટકશાળામાં ઘૂંઘરું બાંધીને મીરાની ભૂમિકા કરતા હતા!

ટીપુનો શૃંગેરીના શંકરાચાર્ય સાથેનો અંતરંગ સંબંધ કેવો હતો એ તેમની વચ્ચેના ૩૦ પત્રોમાં સ્પષ્ટ થાય છે. મરાઠાઓએ (હિંદુઓએ) તોડેલાં શૃંગેરીનાં મંદિરોનો જીર્ણોદ્ધાર ટીપુ સુલતાને શંકરાચાર્યના આદેશથી કરાવ્યો હતો. ટીપુના પ્રધાનમંત્રી પૂર્ણિયા અને પ્રધાન સેનાપતિ કૃષ્ણરાવ બેઉ બ્રાહ્મણ હતા અને તેમણે ટીપુ સાથે ગદ્દારી કરી હતી.

ઔરંગઝેબ અને શિવાજી વચ્ચેના પત્રવ્યવહારમાં શિવાજી બાદશાહ માટે આદરપૂર્વક સંબોધન કરતાં ‘મુતીઉલ ઈસલામ’ એટલે કે ‘ઈસ્લામના આજ્ઞાકારી’ જેવું સંબોધન કરવામાં આવ્યું છે.

છત્રપતિ શિવાજીના વિશ્વાસુ સાથીઓમાં મુસ્લિમ પણ હતા અને એવું જ રાણા પ્રતાપના સાથીઓનું હતું. હલ્દીઘાટી યુદ્ધમાં મહારાણાની સેનાના સેનાપતિપદે મુસ્લિમ હતા.

હિંદુ-મુસ્લિમ વચ્ચે ભેદ નિર્માણ કરીને ઈતિહાસને જોવાને બદલે તથ્યાધારિત ઈતિહાસના ઘટનાક્રમને નિહાળવાનો પ્રયાસ કરીએ તો કોમી એખલાસની ભાવના વધુ મજબૂત થશે.


comments powered by Disqus