ઓક્ટોબરનું ગુજરાતઃ ગાંધી, જે.પી., લોહિયા, ઉમાશંકર અને કેટકેટલી ઘટનાઓ...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 07th October 2015 09:15 EDT
 
 

ઓક્ટોબર મહિનાની સાથે ગુજરાતનો ‘ઋણાનુબંધ’ છે, કહો કે ભારે લેણું છે એમ કહું તો નવાઈ નહીં લાગે. આ મહિનાએ, અત્યારે અને પૂર્વે કેટકેટલા સાર્વજનિક વિસ્ફોટો પેદા કર્યા અને કેવા મોટા ગજાના લોકોનો સાથ મળ્યો? તેમની પુણ્યસ્મૃતિ જ એક દીર્ઘ કથા બની જાય છે.

બીજી ઓક્ટોબરે જન્મ્યા હતા બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી. પિતા દિવાનગીરી માટે જાણીતા અને માતા ધર્મનિષ્ઠ. પોરબંદરની એક ગલીમાં જે આજે ‘કીર્તિમંદિર’ ઊભું છે તે જ તેમનું જન્મસ્થાન. રાજકોટ જાઓ તો કરમચંદ ગાંધી ઉર્ફે ‘કબા’ ગાંધીનો ડેલો જરૂર જોઈ આવજો. જ્યુબિલી ગાર્ડનથી ત્રિકોણ બાગના રસ્તે એક હાઈસ્કૂલનું મકાન છે. મૂળ નામ તો આલ્ફ્રેડ હાઈસ્કૂલ પણ હવે ગાંધી વિદ્યાલયના નામે ઓળખાય છે, ત્યાં તરુણ ‘મોહન’નું ભણતર થયું હતું. કેવુંક ભણ્યા એ ના પૂછશો. તેમના ગુણપત્રક પરથી સાબિત કરી શકાય કે ‘ઠોઠ નિશાળિયો’ જગતનો મહાપુરુષ બનતો હોય છે! (બેશક, અપવાદરૂપ!) ગાંધીનું એક તીર્થસ્થાન સાબરમતી આશ્રમ છે, બીજું કોચરબ. તવારિખની દૃષ્ટિએ કોચરબ પ્રથમ છે. ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’ના સહયોગથી ત્યાં, થોડાક મહિના પર, લંડનની એક સંસ્થા સાથે સરસ કાર્યક્રમ યોજાયો હતો. આજે પણ અઠવાડિયે એક વાર વેદવેદાંત વિશે ચર્ચા કરવા થોડાક સજ્જનો ત્યાં એકત્રિત થાય છે.

પોરબંદરથી સાબરમતી

ગાંધીનો સંબંધ સાબરમતી જેલની સાથે ય ખરો! સરદાર વલ્લભભાઈએ તો આ જેલની કોટડીમાં રહીને ‘ડાયરી’ પણ લખી હતી! ગાંધીજીને પોતાનું સામયિક ‘નવજીવન અને સત્ય’ આપી દેનારા, મહાગુજરાત-નાયક ઇન્દુલાલ યાજ્ઞિકે સ્વતંત્રતા પછી પણ સાબરમતીનો કારાવાસ ભોગવ્યો હતો અને એક બીજા ‘ગાંધી’ (શ્રીમતી ઇન્દિરા ગાંધી)ના પૂણ્ય પ્રતાપે ૧૯૭૫-૭૬માં કટોકટી લાદીને બંધારણનો છેદ ઊડાડી દેવામાં આવ્યો ત્યારે ‘મીસા’વાસી તરીકે આ જેલમાં રહેનારા કેટલાક તો પછીથી મુખ્ય પ્રધાન પણ બન્યા હતા - બાબુભાઈ જસભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, કેશુભાઈ પટેલ... નરેન્દ્ર મોદી પકડાવામાંથી બચી ગયા તો વડા પ્રધાન બન્યા! તેમણે ભૂગર્ભવાસી તરીકે જેલોમાં મીસાવાસી મહાનુભાવોની મુલાકાતો પણ લીધી હતી! ભાવનગર, વડોદરા, ભૂજ, રાજકોટ, જામનગર, સાબરમતી... આ બધા મીસાવાસીઓનાં કેન્દ્રો હતાં, અને ત્યાંથી નીકળનારામાંના ઘણા બધા સંસદ સભ્યો, ધારાસભ્યો, સ્પીકર અને રાજ્યપાલ બન્યા.

દાંડીઃ ઇતિહાસનો કીર્તિસ્તંભ

ગાંધીને તેમના ઝુઝારુ સ્વરૂપે પામવા હોય તો દાંડી જવું પડે. હાર્દિક અને પાટીદાર અનામતના સમર્થકો એક દાંડીકૂચ કાઢવાના હતા, સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો ત્યારે આનંદીબહેનને કહેવાની ઈચ્છા થઈ આવી હતી કે એક વાર આ જુવાન છોકરા-છોકરીઓને દાંડીની ગાંધીભૂમિ નિહાળવા દેવી જોઈએ, અનુભવવા દેવી જોઈએ. ‘કશું માગ્યા વિનાની સ્વતંત્રતા’ માટે ગાંધી કેવી રીતે લડ્યા હતા તેનો એકાદ અંશ પણ તેમને ખ્યાલમાં આવ્યો હોત તો...

આ ‘જો’ અને ‘તો’ની જુગલબંદી પણ ઇતિહાસમાં ભારે રસપ્રદ ઉમેરો કરતી રહે છે! બીજીએ લાલ બહાદુર શાસ્ત્રી જન્મેલા, કચ્છ-બનાસકાંઠાના ભારતીય સૈનિકોને તે ખાસ યાદ આવ્યા હશે. કચ્છમાં પાકિસ્તાની આક્રમણનો સામનો, આંતરરાષ્ટ્રીય તપાસ પંચના અહેવાલ મુજબ કચ્છનાં લીલાછમ છાડબેટને પાકિસ્તાનના કબજા હેઠલ મૂકવાનો નિર્ણય, તેની ખિલાફ મહિનો-માસ ચાલેલો કચ્છ-સત્યાગ્રહ, જામનગર-દ્વારિકા પર પાકિસ્તાનનો બોમ્બમારો, બનાસકાંઠાની સરહદે સૂઈ ગામથી - નડા બેટ થઈને - સિંધના નગરપારકર - થરપારકર સુધીની ભારતીય સૈનિકોની વિજયકૂચ... આ બધું સ્મરણ કરાય એટલે શાસ્ત્રીજીની નીચા કદની - પણ આકાશને આંબતી - ઊંચાઈને વંદન કરવાનું સહજ બની જાય.

જે.પી. અને ગુજરાત

ઓક્ટોબરમાં જયપ્રકાશ જનમ્યા હતા, બિહારમાં. પણ ગુજરાતની સાથે તેમનો નેહનાતો અનેક પ્રકારનો! ૧૯૭૪ના નવનિર્માણ છાત્ર આંદોલને તેમનામાં નવી લોકશાહીની આશા જગાવી અને ‘બિહાર આંદોલન’ ‘જે. પી. આંદોલન’માં બદલાઈ ગયું. ૧૯૭૪માં વિપક્ષી જનતા-મોરચામાં જે.પી., વાજપેયી, ફર્નાન્ડીસ સાથે હતા, પછી કટોકટી લાદવામાં આવી. બાબુભાઈ પટેલે ગુજરાતને ‘સ્વતંત્રતાનો દ્વીપ’ બનાવ્યો. સંઘર્ષ થયો, સત્યાગ્રહો થયા, જેલો ઊભરાઈ. ૧૯૭૭માં નવો જનતા પક્ષ રચાયો. કેન્દ્રમાં પહેલીવાર સરકાર બદલાઈ.

જે.પી.નું એક વ્યક્તિગત સ્મરણ ગુજરાતી ભાષા અને લંડનના કવિ બર્નાર્ડ કોપ્સની સાથે સંકળાયેલું છે! ૧૯૭૫માં જયપ્રકાશ તો જેલમાં હતા, કીડનીની બીમારીથી કણસી રહ્યા હતા, ‘જેલ ડાયરી’ લખવામાં મન પરોવતા. તેમનો જન્મદિવસ આવ્યો તો લંડનમાં હાઇડ પાર્કમાં થોડાક બ્રિટિશ-ભારતીય નાગરિકો ભેગા થયા ત્યારે નવલકથાકાર - કવિ બર્નાર્ડ કોપ્સે એક દર્દનાક કવિતા લખી હતીઃ ‘ટુ માય જે.પી.’ લંડનથી એ કવિતા ભારત સુધી તો પહોંચી, પણ છાપે કોણ? સેન્સરશિપના અંધારપટમાં એવું બધું છાપવાની મનાઈ હતી. (ગુજરાત અદાલતમાં ચાલેલા એક કેસમાં, મારા સેન્સર્ડ લેખમાં મહાત્મા ગાંધીજીનાં વિધાનને ય રદબાતલ ગણવામાં આવ્યું હતું!!) એટલે ભૂગર્ભ પત્રોમાં તે જોવા મળી. તેનો કાચો-પાકો અનુવાદ કરીને હું ઉમાશંકર જોશી પાસે ગયો, તેમને બતાવી. તેમણે પેન્સિલથી સુધારા કર્યા. લીલી શાહીમાં મેં અનુવાદ કર્યો હતો તેમાં ઉમાશંકર જોશીએ કરેલા ‘સંસ્કાર’ની મૂળ પ્રત મેં જાળવી રાખે છે!

એક કવિતાની કહાણી

આ કવિતાનો ગુજરાતી અનુવાદ ‘સાધના’ અને તે સમયના ‘નિરીક્ષક’માં છપાયો. (તે વખતે ‘નિરીક્ષક’નું સંપાદન મનહર મોદી, પ્રા. સુરેન્દ્ર કાપડિયા વગેરે કરતા હતા. પૂર્વગ્રહ અને પક્ષપાત વિના સંપાદિત થતા એ સામયિકની તમામ સામગ્રી પર પ્રા. માવળંકર, ઉમાશંકર, યશવંતભાઈ શુકલ, એચ. એમ. પટેલની ‘ઝીણી નજર’ રહેતી!) અને થોડાક દિવસો પછી - ૧૨ માર્ચ, ૧૯૭૬ના - રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લદાયું ત્યારે આ કવિતા છાપવા માટે ‘સાધના’ના તંત્રી તરીકે મારા પર ભારતીય દંડ સંહિતાની છ જેટલી ધારા - જેમાં ‘રાજદ્રોહ’નો આરોપ પણ સામેલ હતો - લગાવીને કેસ કરાયો હતો!

એ કવિતા બ્રિટિશવાસી ગુજરાતીઓએ વાંચવા જેવી છે -

મારે તે વળી

એ પુરુષની સાથે શો સંબંધ?

ભારત વિશે,

હું તે શું બોલું? શું કહી શકું?

હું તો સા-વ અણસમજોથી ઘેરાયેલો

કવિ, માત્ર

પણ, ભારત મારું છે,

હું ભારતનો.

એ પુરુષ તે બીજો કોઈ નહીં,

હું પોતે જ!

આ ધરતી પર મારો જનમ

- ને સહુ માનવો મારા બાંધવ.

આ વિશાળ દુનિયામાં

વાયા ટિમ્બકટુ

આપણે સૌ જનમ્યા છીએ

આપણે ક્યાં અમુકતમુક દેશના?

યત્રતત્રસર્વત્રના.

મારો નાતો? મારો સમ્બન્ધ?

એ છે મારા પિતા,

મારા દાદા ડેવિડ તો

પંચોતેર વર્ષે પકડાયા

અને રક્તરંજિત હત્યા થઈ’તી

ઓ શ્વિટ્ઝની અંધાર ગલીમાં.

એ નાતે બોલવાનો મુજ અધિકાર,

ડેવિડ - મારા દાદા

ગાંધી જ હતા ને?

અને હવે એ ‘નારાયણ’,

જેની આંખો સામે દીવાલો જ દીવાલો,

ખૂલ્લી આકાશી હવાથી અલગ.

તેનો શબ્દ કોને પહોંચે જ શાને?

જે આકાશેથી હદપાર.

હું કશું સમજી શકતો નથી.

હું શું બોલું?

પણ હું ના બોલું? તે કેમ ચાલે?

મહા-દેવની જેમ

સૌંદર્ય અને નૃત્યોત્સવનો

સાક્ષાત્કાર કરવાનું ઈજન

અને આગમન.

પણ સીમા લોપાઈ છે,

એ-નો-એ (તેણીનો) નાચ

શેષ ન અન્ય,

મત્તાવસ્થાનો જ આભાસ.

કાશ,

આ નૃત્ય જલદી અટકે

ને હું -

મારું આ વિષાદગીત થોભાવી દઉં!

પછીથી ૧૯૭૭માં બીમારીના બિછાને પટણામાં આ કવિતા (અને તેની કહાણી ‘ધર્મયુગ’માં મેં હિંદીમાં લખેલી તે) તેમનાં માનસપુત્રી જાનકીએ વાંચી સંભળાવી તો જે.પી. બાળકની જેમ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા હતા.

અને ડો. લોહિયા

જે.પી.ની સ્મૃતિની જેમ ડોક્ટર રામ મનોહર લોહિયાની પૂણ્યતિથિ આ ઓક્ટોબરમાં જ આવે છે. લોહિયાને અનુસરનારા લડાયક સમાજવાદી જ્યોર્જ ફર્નાન્ડિસ તો બીમારીના બિછાને છે, પણ શક્ય છે કે લાલુ પ્રસાદ, મુલાયમ સિંહ વગેરે તેમનું નામસ્મરણ કરે!! ડો. લોહિયા ૧૯૬૫માં ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ માણસ અદ્ભૂત વિચારદર્શન અને ઓલિયાગીરીની અકિંચન પ્રતિબદ્ધતા સાથે જોડાયેલો હતો. પહેલી અને છેલ્લી વાર તેમને, એક યુવા વિદ્યાર્થી તરીકે, સુરેન્દ્રનગરમાં મળવાનું થયું હતું, તેનું સ્મરણ સદૈવ રહેશે.

ઓક્ટોબર - પાછલાં પચીસ-ત્રીસ વર્ષોનો - ગુજરાતમાં તખતાપલટનો યે બની રહ્યો હતો. ચીમનભાઈ પટેલ સામેનું નવનિર્માણ, કેશુભાઈ પટેલ સામેનો ખજુરિયા-અજંપો, સુરેશ મહેતાની સરકારની તખતાપલટ... આ બધું લગભગ ઓક્ટોબરમાં બન્યું હતું.

હવે બોલો, અલગ ઓક્ટોબરનો ગુજરાત-સંબંધ અજબગજબનો ખરો ને?


comments powered by Disqus