ઓહ એવોર્ડ! વાહ એવોર્ડ! આહ એવોર્ડ!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 14th August 2017 12:48 EDT
 
 

આ સપ્તાહે બે ‘એવોર્ડ’ વિશે વાત કરવી છે. એક ગુજરાત મીડિયા કલબે નગેન્દ્ર વિજય સહિત વિવિધ અખબારોના તસવીરકારો, અહેવાલ-લેખકો અને બીજાં ક્ષેત્રોના પત્રકારોને સન્માનિત કર્યા. ગુજરાતી પત્રકારોને આ રીતે પોંખવામાં આવે તેનાથી તેની બિરાદરી સૌથી વધુ ખુશી અનુભવે તે સા-વ સ્વાભાવિક છે. ગુજરાત મીડિયા કલબે, મારા ‘પદ્મશ્રી’ સન્માનને પણ આ કાર્યક્રમમાં નવાજ્યું ત્યારે કેટલાક ગુજરાતી પત્રકારો (નર્મદ, કરસનદાસ મૂળજી, કૃષ્ણલાલ શ્રીધરાણી, છગન ખેરાજ વર્મા, ઝવેરચંદ મેઘાણી, રવિશંકર મહેતા, દાદાભાઈ નવરોજી વગેરે)ની લેખન સાથેની નૈતિક ઊંચાઈનાં ઉદાહરણો આપ્યાં.

કાર્યક્રમ પૂરો થયા પછી એક ખરા અર્થમાં પત્રકારત્વની સાથે જોડાયેલા વરિષ્ઠ તંત્રીએ સ્વીકાર્યું કે ઇતિહાસ તો હું પણ ભણાવું છું પણ એક ગુજરાતી પત્રકાર ફાંસીના માચડે ચડ્યાં હોય તે હું યે જાણતો નહોતો! એક પત્રકાર ‘પદ્મશ્રી’ બને તેનો આનંદ વિવિધ સ્થળોએથી અવિરત રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટીનો પત્રકારત્વ વિભાગ, એન.આઇ.એમ.સી.જે જેવી માતબર તાલીમ-સંસ્થા, ગાંધીનગર શિક્ષક યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પત્રકારત્વ વિભાગ, રોટરી કલબ, દિલ્હી ગુજરાતી સમાજ, વિશ્વ ગુજરાતી સમાજ, કચ્છ યુનિવર્સિટી, ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડ વગેરેના સરસ કાર્યક્રમો થયા. હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, નરસિંહ મહેતા યુનિવર્સિટી સહિતની સોરઠની સંસ્થાઓ અને ગુજરાત યુનિવર્સિટીનાં આમંત્રણો છે.

ગુજરાત મીડિયા કલબનો તેમાં ઉમેરો થયો ત્યારે મેં જણાવ્યું કે ગુજરાત સાહિત્ય અકાદમી ‘પત્રકારત્વ અને સાહિત્ય’ બન્નેના સંવર્ધન માટે સક્રિય રહેશે. થોડાક સમય પહેલાં વિશ્વ સંવાદ કેન્દ્રે પણ એક શાનદાર કાર્યક્રમમાં બ્રિજેશ કુમાર સિંહ, વિકાસ ઉપાધ્યાય, જ્યોતિ ઉનડકટ અને બીજા પ્રતિષ્ઠિત પત્રકારોનું સાર્વજનિક સન્માન કર્યું તેને પણ યાદ કરવા જેવું છે.

પત્રકાર શબ્દનો સમુચિત ઉપયોગ કરીને જ વિચારની જાગૃતિને ફેલાવી શકે છે તે મેં મારા પચાસ વર્ષનાં પત્રકારત્વ દરમિયાન નિહાળ્યું અને અનુભવ્યું છે. લિયોનાર્દ સિલ્કનું એક વાક્ય વારંવાર મારા વિદ્યાર્થીઓને (સદભાગ્યે, સ્વ. વાસુદેવ મહેતાએ ૧૯૭૭માં પત્રકારત્વના વર્ગ લેવા માટે મને પ્રેરિત કર્યો ત્યારથી હજુ પણ, વિવિધ પત્રકારત્વ – કોલેજોમાં વિદ્યાર્થીઓને ભણાવવા જવાનું બને છે. તેમાંના ઘણા વિદ્યાર્થીઓ હવે તો મીડિયામાં સુપ્રતિષ્ઠ છે.) યાદ કરાવતો કે જેમ યુનિવર્સિટીઓની સ્થાપનાનો એક હેતુ હતો - Truth Seeking અને Truth Telling (સત્યનું શોધન અને સત્યનું ઉદબોધન) તે જ હેતુ પત્રકારત્વનો પણ છે.

એ તો કાયમની વાસ્તવિકતા છે કે ‘સત્ય’ વિશેની દરેકની વ્યાખ્યા અલગ-અલગ રહે છે. ચેનલો પણ ‘અમે સત્ય જ રજૂ કરીએ છીએ’ એવું જણાવે છે અને ટીવી-અખબાર પરના સંવાદદાતાઓ પણ દૃઢતાથી એવું માને છે કે અમે જે લખીએ તે સાવ સો ટકા સોનું છે. સ્તંભ લેખકો આમાંથી બાકાત કઈ રીતે હોઈ શકે?

સત્યના અનેક ચહેરા છે. પસંદગીનું (સિલેક્ટીવ ટ્રુથ) સત્ય, નાપસંદગીનું સત્ય, પૂર્વગ્રહ સાથેનું સત્ય, પક્ષપાતી સત્ય, નિર્ભેળ સત્ય, પ્રતિબદ્ધતા સાથેનું સત્ય, ‘તટસ્થ’ હોવાનો ભ્રમ સેવતું સત્ય.

અને બેશક, સનાતન સત્ય.

આ છેલ્લા સત્ય માટે દુનિયાભરના ફિલસૂફો, વિજ્ઞાનીઓ, ધર્મો પ્રયાસ કરતા રહ્યા છે. પણ મેળ પડતો નથી. સાત્રેનું સત્ય, માર્કસનું સત્ય, ગાંધીનું સત્ય, હિટલરનું સત્ય, નિત્શેનું સત્ય, મુસોલિનીનું સત્ય... ઇતિહાસપ્રેમી ઉમેરવા માગે કે જનાબ જીન્નાનું યે પોતાનું સત્ય હતું તે તેનો ઇનકાર થઈ શકે?

ગોબેલ્સ પ્રામાણિકતાથી કહેતો કે અમારે નાઝી-ફાંસીવાદને દુનિયામાં સ્થાપિત કરવો હોય તો પશ્ચિમી દેશો અને રશિયાનાં પ્રચાર તેમજ જૂઠાણાનો પૂરેપૂરો સામનો કરવા માટે પ્રજાનું ‘બ્રેઇન વોશ’ કરવું પડે. એટલે એક સો વાર જૂઠાણાં ચલાવીને તેને સત્યમાં પરિવર્તિત કરવાનું કામ અમે કરી રહ્યા છીએ. આમ કરવામાં એકલા ગોબેલ્સને જ દોષિત માનવાની જરૂર નથી. બ્રિટન – ફ્રાંસ – રશિયા પણ એવું જ કરી રહ્યા હતા જેને ‘પ્રોપેગંડા’ (પ્રચાર)નું મથાળું આપવામાં આવતું! ‘સેકન્ડ વર્લ્ડ વોર એન્ડ પ્રોપેગંડા’ જેવાં દળદાર પુસ્તકમાં તેનાં સંખ્યાબંધ ઉદાહરણો છે. આ વિશ્વયુદ્ધ દરમિયાન સુભાષચંદ્ર બોઝે જાપાન-જર્મનીનો સહયોગ લીધો એટલે પશ્ચિમી મીડિયાએ ધૂંવાધાર પ્રચાર કર્યો કે નેતાજી જાપાનના એજન્ટ છે, ભારત પર આક્રમણ કરીને તે જાપાનને સોંપી દેવા માગે છે, ‘ડોન ક્વિકઝોટ’ છે, જાપાની કઠપૂતળી છે વગેરે. રેડિયો અને અખબારો દ્વારા આવા ધૂંવાધાર પ્રચારમાં સપડાઈને ભારત કેટલાક રાષ્ટ્રીય નેતાઓ પણ સુભાષ-વિરોધી થઈ ગયા હતા. ખુદ જવાહરલાલ એક સભામાં ત્યાં સુધી બોલી ગયા કે બર્મા મોરચેથી ભારત તરફ નેતાજી અને તેમની આઝાદ હિન્દ ફોજ આવશે તો તેમની સામે લડવા જનારો હું પહેલો હોઈશ!

પ્રચારતંત્રની ધાર બે-ધારી જ રહે છે. આજકાલનાં પત્રકારત્વમાં તથ્યની આધારશિલાને ગબડાવીને પોતાની વ્યક્તિગત ઇચ્છા-અનિચ્છાને વ્યક્ત કરવાનો વાયરો ચાલે છે. બેશક, ચતુર વાચક ચાર-પાંચ અખબારોને વાંચીને, પોતાનાં પૂરતું સત્ય તારવી લેતો હોય છે. પણ પત્રકારત્વમાં આ ‘તીડનાં ટોળાં’ ભારે ખતરનાક છે. તેને નાસીપાસ કરવાની કોઈ રાસાયણિક દવા પણ નથી. આવે છે, ધસી આવે છે અને સાર્વજનિક જીવનની ઊભી વાવણી ખલાસ કરી જાય છે. બચપણમાં મેં જોયું હતું કે અમારાં નાનકડાં નગરની આસપાસ ખેતરો અને નિવાસસ્થાનોનાં ફળિયાઓમાં વૃક્ષ – વેલ – છોડવાઓ રહેતા. તીડનાં ટોળાંની ખબર પહોંચતાં ગામલોક પતરાનાં ખાલી ડબાઓ સાથે નીકળી પડે અને ધમાધમ વગાડતા ફરે. આ અવાજ સાંભળીને તીડ ભાગી જતાં હશે એવું માનવામાં આવતું. અમારાં ફળિયામાં બદામના છોડ પરથી એક તીડને પકડીને જોયું ત્યારે કિશોરમનમાં સવાલ થયો હતો કે અરે, આ તો કેટલું રૂપાળું અને નિર્દોષ છે! શું આ ખરેખર પાકને સ્વાહા કરી જતું હશે?

આનો જવાબ હવે મળી રહે છે. જાહેર જીવનમાં, પત્રકારત્વમાં, ધર્મ-સંપ્રદાયોમાં (બધા નહીં) કેટલાક ‘રૂપાળા’ કે ‘નિર્દોષ’ કે ‘પ્રભાવી’ ચહેરાઓ તેમની માન્યતાઓ – આગ્રહો - પૂર્વગ્રહો - પક્ષપાતોને કેવા સૂફિયાણા સ્વરૂપે પ્રસ્તૂત કરે છે તેનો અંદાજ હવે તો સર્વત્ર છે.

હમણાં અમદાવાદમાં એક સંસ્થાએ રવીશ કુમાર નામના પત્રકારને ‘સ્વ. ચંદ્રકાંત દરૂ એવોર્ડ’ એનાયત કરીને તેનું સંભાષણ રાખ્યું હતું. રવીશ કુમાર એનડીટીવીમાં અનેક પ્રશ્નો પર ચર્ચા-સંવાદ કરે છે. ‘જીવંત ચર્ચા’ હોય ત્યારે તેમાં ભાગ લેનારામાંથી કેટલાકને પૂરી વાત ન કરવા દેવી, તેના તર્કને અળવીતરી રીતે રજૂ કરવો, સાચાખોટા જવાબ આપવા અને નક્કી કરેલા ઇરાદાને જ સ્થાપિત કરવો, તે રવીશ કુમારની ખાસિયત છે. એનડીટીવી પર ઇન્કમટેક્સના દરોડા પડ્યા તે ‘વિચાર-વાણી સ્વાતંત્ર્ય પર સરકારી પ્રહાર છે’ એમ સાબિત કરવા ટીવી પર ખાસ્સો સમય લીધો હતો. નરેન્દ્ર મોદી - ભાજપ – સંઘ અને પ્રતિસ્પર્ધી ટીવી ચેનલોના પત્રકારોયે તેમનું નિશાન રહે છે.

અહીં ગુજરાતમાં થોડાક સમય પહેલાં ખ્યાત કથાકાર મોરારીબાપુના ‘સદભાવના’ કાર્યક્રમમાં તેમનું વક્તવ્ય રાખવામાં આવ્યું તેમાં તેણે ‘સદભાવના’ને ‘દુર્ભાવના’માં બદલાવવા માટે સુંદર શબ્દોનો, અધૂરા તર્કનો અને પોતે દુનિયાનાં - પત્રકારત્વનાં - દુષિતોની સામે લડવા નીકળી પડેલો ‘સામાન્ય’ માણસ છે એમ ઠસાવીને ‘બૌદ્ધિક મસિહા’ બનવાનો પ્રયાસ કર્યો! મોરારીબાપુને તેમના છદ્મ સ્વરૂપનો અહેસાસ નહીં હોય અથવા ઉદાર સંત-ત્વને લીધે તેમણે જતું કર્યું હશે, પણ રવીશ કુમારના વાણીવિલાસમાં બધું છતું થઈ ગયું! ‘મોદી’ શબ્દ નહીં વાપરતાં, ચતુરાઈપૂર્વક ‘ગોદી’ શબ્દ વાપરીને કહ્યું કે હવે ગોદી-પત્રકારો વધી પડ્યા છે! આવા તર્કહીન તિકડમ, અમદાવાદની સભામાં યે સાંભળવા મળ્યો. ‘આધાર’ કાર્ડ મૃત્યુ સમયે પણ જોઈશે એવી કોઈ વહીવટી બાલિશ જાહેરાતને કેન્દ્રમાં રાખીને તેણે ભવિષ્યવાણી ફટકારી કે દેશ હવે ‘આધાર’ હેઠળની ગુલામી તરફ જશે! જઈ રહ્યો છે એમ પણ જણાવી દીધું!

રવીશ કુમારને અપાયેલા એવોર્ડનું નામ ‘સ્વ. દરૂ એવોર્ડ’ છે. બ્રિટીશ ગુજરાતીઓ માટે આ નામ કદાચ પરિચિત નહીં હોય, પણ ૧૯૭૫-૭૬ની કટોકટી અને પ્રિ-સેન્સરશિપની ખિલાફ જે જંગ થયો તેમાં દરૂ સાહેબ મોખરે હતા. મૂળ રોય-વાદી ‘રેડિકલ હ્યુમેનિસ્ટ’ અને ખ્યાત ધારાશાસ્ત્રી. ગુજરાતમાં સેન્સરશિપની વિરુદ્ધ કાનૂની લડાઈ તેમણે લડી. ‘સાધના’ અને ‘ભૂમિપુત્ર’ના મુકદમા લડ્યા અને જીત્યા. પરિણામે ‘મીસા’ હેઠળ જેલ મળી.

ઉત્તમ કમાણી કરતા ધારાશાસ્ત્રીને રીબાવવા માટે જામનગરની જેલમાં રખાયા. ત્યાં સત્તાવાળાઓએ એવી રીતે રાખ્યા કે પાગલ બની જાય. ચોવીસ કલાક ઘરમાં પણ એસીની ઠંડકમાં રહેનાર દરૂને જેલની તપતી કોટડી, કાંકરા વાળી જાડી રોટી, પાણીવાળી દાળ આપવામાં આવતાં. દરૂ ભૂખ્યા રહ્યા, સિગારેટ પીતા રહ્યા. બહારનું ટીફીન રોકવાની કોશિશ થઈ. થોડા વધુ સમય માટે જો તેઓ અહીં રહ્યા હોત તો પાગલ બની જાત. આ વાત તે સમયે હજુ ન પકડાયેલા બાબુભાઈ જસભાઈ પટેલ અને હેમાબહેન આચાર્યે રાજ્યપાલ કે. વિશ્વનાથનને કરી. બીમાર દરૂ સાહેબને થોડા દિવસ પે-રોલ અપાઈ અને પછી ભાવનગર જેલમાં મોકલવામાં આવ્યા. આ જેલમાં અઢીસો જેટલા ‘મીસા’ અટકાયતીઓ હતા. શંકરસિંહ વાઘેલા, સૂર્યકાંત આચાર્ય અને મારો પણ સમાવેશ હતો. સૌએ ત્યાં તેમને ‘આદરપાત્ર વડીલ સ્વજન’ તરીકે રાખ્યા અને પછી વડોદરા જેલમાં પણ તેવું સાતત્ય રહ્યું.

મૂળ બાબત એ છે કે દરૂ સાહેબ ‘સેક્યુલર’ હતા, ધર્મ-વિરોધી નાસ્તિક હતા. એમ. એન. રોયના શિષ્ય હતા. કોમવાદનો વિરોધ કરતા હતા. પરંતુ તેમના વાણી-વિચારમાં ક્યાંય દંભ નહોતો, સૌજન્ય હતું. બીજાઓને સમજવાની અને અપનાવવાની તૈયારી હતી. ‘સાધના’નો કેસ લડ્યા ત્યારથી અમારી મૈત્રીનો અધ્યાય શરૂ થયો. જેલમાં પણ એક જ કોટડી-બેરેકમાં રહ્યાં. મીસાવાસીઓએ જેલમાં ‘મહામૃત્યુંજય યજ્ઞ’ કર્યો તો સહુની લાગણીને માન આપીને ‘નાસ્તિક’ દરૂએ તેમાં ભાગ લીધો! ‘મીસા’થી છૂટ્યા બાદ આરએસએસના વડા બાલાસાહેબ દેવરસનું અમદાવાદમાં જાહેર સન્માન થયું તે સમિતિમાં રહ્યા. ‘સાધના’માં તેમની કોલમ છપાતી રહી અને ‘સાધના’ના કાર્યક્રમોમાં અતિથિ વિશેષ તરીકે આવ્યા.

આ ખેલદિલી અને ખૂલ્લાં મન સાથે જાહેરજીવનમાં રહેલી વ્યક્તિનાં નામે શરૂ થયેલો એવોર્ડ એક તિક્કડમબાજ ‘બૌદ્ધિક મસીહા’ બનવાનો પ્રયત્ન કરનારને આપવામાં આવે ત્યારે સ્વર્ગસ્થ દરૂ નારાજ તો નહીં થયા હોય (સ્વર્ગ-નર્કમાં તેમનો વિશ્વાસ નહોતો) પણ જો આ કાર્યક્રમ તેમને નિહાળવા મળે તો તેમના ચહેરા પર લાક્ષણિક સ્મિત અને સિગારેટ પીતાં પીતાં વ્યંગ કરીને તેમનો ‘તકિયા કલામ’ કહેઃ ‘અચ્છા, એમ કે?’


comments powered by Disqus