કચ્છ, ક્રાંતિતીર્થ, આનંદીબહેન અને નર્મદા

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 29th April 2015 06:25 EDT
 

એક અખબારનવીશ માથે હાથ દઈને કહેતો હતો, ‘આજકાલ ગુજરાતમાં કોઈ ખબર જ પેદા થતી નથી. બસ, ગરમીનો પારો ત્રાહિમામ પોકારે છે કે કાળઝાળ ગરમી પડે છે એ જ ન્યૂઝ! પણ એનાથી પાનાં થોડાં ભરાય?’

કોઈ ‘સમાચાર’ બનતા નથી!

આમ જુઓ તો એ વાત સાચી છે કે કેટલોક એવો સમય જરૂર આવે છે જ્યારે કોઈ ખાસ સમાચાર બનતા જ નથી. એટલે નવા અને જૂનાની ભેળપૂરી જેવા અહેવાલો આવ્યા કરે. આનંદીબહેનના આરોગ્ય-અહેવાલ સાથે જોડી દેવામાં આવ્યું કે તેઓ ત્રણેક મહિના પછી મુખ્ય પ્રધાન પદ છોડશે. એટલે તેમાં ઉમેરો થયો કે મોદીએ મન મનાવી લીધું છે, બીજા ‘મુરતિયા’ તૈયાર છે!

આમાં સારી એવી ગપસપ ચાલી કે નવા મુખ્ય પ્રધાન કોણ થશે? અખબારો તે માટે કોઈ ખાસ નુક્તેચીની કરતા નથી એ નોંધપાત્ર વાત છે. ખાનગીમાં વાત ચાલી કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના નામને મહત્ત્વ અપાઈ રહ્યું છે. જો એવું હોય તો પછી પટેલ-પ્રભાવનું શું? નીતિન પટેલ, સૌરભ પટેલ તૈયાર થઈને બેઠા છે. બીજા પણ હશે. પણ પછી એવું સંભળાયું કે ભૂપેન્દ્રસિંહ તો રાજ્યના પક્ષપ્રમુખ તરીકે મૂકાય તેવી સંભાવનાઓ છે. જોકે હમણાં સંગઠન માળખાં અને સભ્યપદ નોંધણીની ભરચક તૈયારીમાં આવું કંઈ જલ્દીથી બને તેવું લાગતું નથી. તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપનો દબદબો બરકરાર રહ્યો છે.

ક્રાંતિતીર્થના પુનઃદર્શન

આનંદીબહેનને હમણાં અનાયાસ મળવાનું થયું! ૧૮મી એપ્રિલે તેમના કચ્છના પ્રવાસ દરમિયાન માંડવીમાં પંડિત શ્યામજી કૃષ્ણવર્મા સ્મારકનાં દર્શને તેઓ જવાના હતા. તેની સાથે જ મેમોરિયલ સોસાયટીની બેઠક પણ નક્કી થઈ ગઈ. ૧૮મીના મધ્યાહને આ ક્રાંતિતીર્થના વિશાળ પ્રાંગણમાં જીએમડીસીના મેનેજિંગ ડિરેક્ટર સ્વેનની સાથે ફરી રહ્યો હતો ત્યારે આ સ્મારકની ચડતીપડતીની આખી તવારિખ નજર સામે આવી ગઈ. આ કચ્છી ક્રાંતિકારનો ખરો પુરુષાર્થ તો લંડનની ધરતી પર રહ્યો હતો ને આખી જિંદગી - ૧૯૦૦થી ૧૯૩૦ સુધી એ ‘જલાવતન’ જ રહ્યા. તેમના બીજા બે સાથીદારો સરદારસિંહ રાણા અને મેડમ કામા તેમની જિંદગીના અંતિમ વર્ષોમાં ભારત પાછાં આવી શક્યાં હતાં, પણ શ્યામજી-ભાનુમતીનું દંપતી ક્યારેય પાછું ફરી શક્યું નહોતું. હા, તેમનાં અસ્થિ ઓગષ્ટ-૨૦૦૩માં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી પાછાં જરૂર લાવ્યા. (ત્યારે શ્યામજીના જિનિવામાં અવસાનને ૭૦થી વધુ વરસ વીતી ગયાં હતાં!) ત્યારે ૧૭ જિલ્લાનાં ૬૧ સ્થાનોએ અસ્થિયાત્રા નીકળી. માંડવીનો શામુ પાછો ફર્યાનો અહેસાસ આપણા ગુજરાતે કર્યો હતો!

માંડવીની એક સાંકડી ગલીમાં તેમનું મકાન હજુ ઊભું છે. તેને સમારકામ કરીને સ્મારકમાં પળોટવાની યે કેટકેટલી મથામણ થઈ! ૧૯૬૭ની આસપાસ, માંડવીનિવાસી શ્યામજી પ્રેમી હીરજીભાઈ કારાણીએ બધાંને એકત્રિત કર્યાં. કચ્છના બે રાજકીય હરીફ ધારાસભ્યો હરિરામ કોઠારી (સ્વતંત્ર પક્ષ) અને ઝુમખલાલ શાહ (કોંગ્રેસ)ને એક મંચ પર આવેલા જોઈને મેં તે બેઠકમાં કહ્યું કે માંડવીમાં ભવ્ય સ્મારક થવાનાં આ એંધાણ છે.

આનંદીબહેનની મુલાકાત અને નર્મદા

એવું થયું પણ ખરું! ૧૯૬૮માં કચ્છ સત્યાગ્રહ (લંડનના કચ્છી માડુઓને બરાબર યાદ હશે કે ભારત-પાક યુદ્ધ પછી યુનોની ટ્રિબ્યુનલે પાકિસ્તાનનો એ દાવો સ્વીકાર્યો કે કચ્છનું ઘાસચારાનું લીલુંછમ છાડબેટ પાકિસ્તાનને સોંપવું!!) થયો. દેશઆખાના વિપક્ષી નેતાઓ એક મહિના સુધી કચ્છની સરહદે સત્યાગ્રહ કરતાં, ખોબા જેવું સરહદી ગામ ખાવડા જગજાણીતું થઈ ગયું! (એ દિવસોમાં ભૂજ-ખાવડાનો રસ્તો સાવ ખરાબ હતો. ખાવડામાં પાણીનો ભાવ બોલાતો. હા, ત્યાંનો મેસુબ જરૂર વખણાતો!)

આ સત્યાગ્રહમાં મધુ દંડવતે, મધુ લિમયે, રાજમાતા વિજયારાજે, મહારાણી ગાયત્રીદેવી, જગન્નાથ રાવ જોશી, બલરામ મધોક, એન. જી. રંગા, હેમ બરુઆ, જ્યોર્જ ફર્નાન્ડિઝ... અને અટલ બિહારી વાજપેયીએ ભાગ લીધો.

વાજપેયીજીને હું માંડવી, કચ્છ શ્યામજી-નિવાસે લઈ ગયો હતો. ૧૯૬૮ની એક ઊનાળુ સાંજે તેમણે આ જિર્ણશિર્ણ મકાન જોઈને ભારે ગ્લાનિ અનુભવી અને તુરત રાષ્ટ્રપતિ, વડા પ્રધાન તેમ જ ગુજરાતના મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો હતો.

૪ ઓક્ટોબર, ૨૦૦૯ના ક્રાંતિતીર્થનો અહીં શિલાન્યાસ થયો અને ૧૪ મહિનાના ટૂંકા ગાળામાં ભવ્ય સ્મારક બન્યું. તેનું લોકાર્પણ ૧૩ ડિસેમ્બર, ૨૦૧૦ના થયું. કચ્છ આખું ત્યારે સ્વયંભૂ ઊમટી પડ્યું હતું અને આ ચાર વર્ષમાં અહીં ૧૨ લાખ જેટલા લોકો દર્શનાર્થે આવ્યા છે અને લંડનના હાઈગેટ પર આવેલાં પંડિત શ્યામજી કૃષ્ણવર્માના ‘ઈન્ડિયા હાઉસ’ની અદ્દલ ઈમારત અહીં જોતાં રોમાંચિત થઈ જાય છે. ખુલ્લા પ્રાંગણમાં પંડિતજી અને તેમનાં ધર્મપત્ની ભાનુમતિની પૂરી પ્રતિમાઓ છે. બાકીના ક્રાંતિકારોનાં ચિત્રો, પુસ્તકો, કાફેટેરિયા, પ્રકાશન કેન્દ્ર, થિયેટર વગેરે છે.

૧૮મીની બેઠક આ સ્થાને જ થઈ. અન્ય અધિકારીઓ ઉપસ્થિત હતા. આનંદીબહેને પાછલા વિકાસને આગામી દિવસોમાં કઈ રીતે જોડી શકાય તેની ચર્ચા કરી. યોગાનુયોગ આ ક્રાંતિતીર્થથી થોડેક દૂર એક સુંદર રિસોર્ટ - સિરિનાનું નિર્માણ થયું છે. રાત્રિનિવાસની ત્યાં તક મળી. પૂર્વ ધારાસભ્ય છબીલદાસ પટેલનું આ સાહસ છે. પ્રાચીન-અર્વાચીનનો સુંદર મેળમિલાપ દર્શાવતાં આ રિસોર્ટ વિશે છબીલદાસ કહેતા હતા કે દુનિયાભરના સહેલાણીઓ અહીં આવશે ત્યારે સમુદ્રકિનારેથી અમે કહેશું કે જુઓ, ત્યાં થોડે દૂર આપણા મહાનાયક પંડિતજીનું ક્રાંતિતીર્થ ઊભું છે!

આનંદીબહેને કચ્છના આ દિવસોના પ્રવાસ દરમિયાન નર્મદા પાણી સહિતની યોજનાઓને ખુલ્લી મૂકી ત્યારે લાગ્યું કે, મહિલા સશક્તિકરણનું યે આ ‘ગુજરાત મોડેલ’ આકાર લઈ રહ્યું છે!

નેપાળ અને ગુજરાત

નેપાળના ધરતીકંપને ગુજરાતને ૨૦૦૧ના જાન્યુઆરીના ભીષણ ભૂકંપની યાદ તાજી કરાવી દીધી. આ દિવસે ઘણા ગુજરાતીઓ નેપાળની યાત્રાએ ગયેલા હતા. બધા હેમખેમ બચી ગયા, પણ નેપાળ પરની તબાહી અકલ્પિત છે. ગુજરાત સરકારે પણ તત્કાળ સહાય કરી અને નરેન્દ્ર મોદીએ નેપાળના આંસુને પોતાના ગણાવ્યાં. નેપાળ-ભારત અને નેપાળ-ગુજરાતનાં ઈતિહાસસિદ્ધ સંબંધો વર્ષોપુરાણા છે. જો કાઠમંડુમાં ‘પશુ-પતિનાથ’ છે તો ગુજરાતમાં ‘સોમ-નાથ’ છે! સેક્યુલરોને ન ગમે તો ય નેપાળ એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર ગણાયું છે!

ડો. રામમનોહર લોહિયા કંઈ રૂઢિગ્રસ્ત હિન્દુ નહોતા, પણ ૧૯૪૨ના આંદોલન દરમિયાન નાસીને નેપાળ ગયા તો ત્યાંના સૈનિકે તેની ધરપકડ કરીને અંગ્રેજોને સોંપી દેવાની તૈયારી રાખી હતી. લોહિયાએ તેને કહ્યું, ‘ભાઈ તું તો હિન્દુ રાષ્ટ્રનો સિપાહી છે, એક બીજા હિન્દુ ભાઈને ધરપકડથી બચાવીશ નહીં?’ પેલો માની ગયો!

નેપાળનું નવનિર્માણ કચ્છનાં નવનિર્માણ જેવું જ બની રહેશે.


comments powered by Disqus