કૃષ્ણ પ્રદેશ ગુજરાતમાં હોલિકોત્સવનો રંગ

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 23rd March 2016 08:32 EDT
 
 

ઇંગ્લેન્ડમાં હોળી-ધૂળેટીની કેવીક ઊજવણી તમે કરો છો?

સવાલની સાથે એક વિગત જરૂર ઉમેરવી પડશે કે અહીં, વતનના હોળી ઉત્સવની યે તમને સહુને યાદ આવી જતી હશે!

મનગમતો તહેવાર

ગુજરાતને માટે - મારવાડ અને ઉત્તર પ્રદેશની જેમ જ - હોળી-ધૂળેટી મનગમતા તહેવારો છે. નાનાં સરખાં ગામડાંથી નગરો સુધી હોળીના રંગે બધા રંગાય છે ને રાત પડ્યે, શુકન જોઈને હોલિકા-દહન થાય છે. સ્કૂલી બચ્ચાંઓને પાઠ્યપુસ્તકોમાંથી બહાર આવીને હિરણ્યકશિપુ અને પ્રહલાદની કહાણી નજર સામે દેખાય છે. છેવટનું સૂત્ર તો ‘સત્યનો જય હો!’ જ હોય ને?

રંગારંગ અને પદયાત્રા

ગુજરાતમાં વસી ગયેલા અસમિયા નાગરિકોને માટે આ જ તહેવાર ‘બિહુ’ બની જાય છે. ઠેર ઠેર હવેલીઓ અને મંદિરોમાં પણ ‘બીરજ મેં હોલી ખેલત નંદલાલ’ની ગૂંજ ઊઠે છે. આયુર્વેદશાસ્ત્રીઓ કહે છે કે આ ઋતુ આરોગ્યદાયિની બને તે માટે ખજુર ખાવો! ગાયત્રી વિદ્યાપીઠે તો હોળીમાં ગૂગળ - કપૂર - ઇલાયચી હોમવાનું યે કહ્યું છે. એકંદરે પર્યાવરણ માટેનો યે આ પ્રસંગ છે ને?

નિમિત્ત ફાગણી પૂનમનું એટલે ભાવિક પદયાત્રીઓ જુદાં જુદાં મંદિરો તરફ પગલાં માંડશે. અમદાવાદ અને બીજેથી ડાકોર જનારા ‘પગપાળા સંઘો’નું પ્રસ્થાન થઈ ગયું! બે લાખ અમદાવાદીઓ પૂનમે ત્યાં પહોંચશે, દ્વારિકામાં ધ્વજારોહણ થશે અને આપણું બનાસકાંઠા - સાબરકાંઠા - પંચમહાલ - ડાંગ - નર્મદાના વનવાસીઓ ખૂલ્લાં આકાશે ગાશે, નાચશે, ઝૂમશે. ગિરનારની હોળી તો દૂર સુધી દેખાય છે. ગાંધીનગરના પાલજ ગામની હોળી ચારેતરફ પ્રખ્યાત છે. ઠાકોર સમાજનું આખ્ખું ગામ દિવસ-રાત હિલોળે ચડે છે. સમુહમાં લાડુ બનાવે છે, દૂર સુધી દેખાતી હોળી પ્રવજલનના અંગારા પર કેટલાક યુવકો આસાનીથી ચાલે છે.

પૂનમ અને અમાસ, એકલી કેલેન્ડરની ઘટના નથી. પૂનમની ભરતીની રાતે સોમનાથ, ચોરવાડ, પોરબંદર, દ્વારિકા, ખંભાત કે દાંડીના કિનારે જઈએ તો તેનો અદ્ભુત અનુભવ થાય. હમણાં હું સોમનાથ ગયો હતો, ભવ્ય દેવાલયની સા-વ નજીક મહાસમંદર ગરજે છે. ૧૮૯૨માં યુવા સન્યાસી સ્વામી વિવેકાનંદે જિર્ણશીર્ણ દેવાલય અને વેરાન મેદાનની સાક્ષીએ થોડા સમય માટે ધ્યાન ધર્યું ત્યારે તેમને સમુદ્રમાં ભારતમાતાનાં ભવ્ય દિવસ દર્શન થયાં. તેનાથી પ્રેરિત થઈને નગર શિકાગોની ધર્મ પરિષદે પહોંચ્યા હતા એ ઘટનાનું સ્મરણ થઈ આવ્યું.

અમાસથી પૂનમની જીવનયાત્રા કેવી રોમાંચક હોય તે અનુભવવા માટે કિશનસિંહ ચાવડાના ‘અમાસના તારા’ પુસ્તક જરૂર વાંચજો. તેનો ઉત્તરાર્ધ ‘અમાસથી પૂનમ તરફ’ પણ પઠનીય છે, તેમાં અલમોડાના શ્રીકૃષ્ણ પ્રેમના સાંનિધ્ય પછી આબુસ્થિત વિમલાજીના સત્સંગનાં પ્રકરણો છે. થોડાંક જ વર્ષ પૂર્વે વિમલાજીનું દેહાવસાન ધૂળેટીના પર્વે આબુમાં થયું હતું. દેશ અને દુનિયાના ૬૦ જેટલા દેશોમાં તેમના ‘જીવનયોગ’નું પ્રબોધન રહ્યું, ‘અધ્યાત્મ અને વિજ્ઞાનના સમન્વય’થી ‘સખ્ય - સહયોગ - સહજીવનની’ નવી દુનિયાનાં નિર્માણની તેઓ વાત કરતાં. ગુજરાતના સંખ્યાબંધ યુવાન-યુવતીઓ તેમના ‘યુવા શિબિરો’માં શિક્ષિત થઈને પોતપોતાનાં કાર્યક્ષેત્રોમાં તેનો અમલ દાખવી રહ્યા છે.

માર્ચની તવારિખ ગુજરાતમાં

ગુજરાતને માટે માર્ચ મહિનો સા-વ આગવી લકીર દોરે તેવો રહ્યો છે. ૧૯૩૦માં સાબરમતીથી દાંડીની ઐતિહાસિક યાત્રા થઈ હતી. બરવાળાના એવા ‘મીઠાના સત્યાગ્રહ’ માટે પકડાયેલા ઝવરેચંદ મેઘાણીએ, ધંધુકાની અદાલતમાં ‘છેલ્લી પ્રાર્થના’ ગીત ગાયું હતું, કેવી હતી તેની પંક્તિઓ?

હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ

કલેજાં ચીરતી, કંપાવતી અમ ભયકથાઓ,

મરેલાનાં રુધિર ને જીવતાનાં આંસૂડાંઓ

સમર્પણ હો, સમર્પણ હો, પ્યારા પ્રભુ તને ઓ!

માર્ચની ૩૧મીએ, ૧૯૩૧માં જિનિવામાં પંડિત શ્યામજી કૃષ્ણવર્માએ જલાવતન જિંદગીના છેલ્લા શ્વાસ લીધા. થોડાક સમય પછી પત્ની ભાનુમતિએ ય વિદાય લીધી. બન્નેની સમાધિ ત્યાંના સ્મશાનગૃહમાં પાસેપાસે રચાયેલી છે અને તેમનાં અસ્થિ માંડવી-કચ્છના ક્રાંતિતીર્થમાં, અત્યાર સુધીમાં ૧૫ લાખ લોકો તેને વંદન કરી આવ્યા છે. જીવનની ભીડ અને થાક વચ્ચે ય ગરવા ગુજરાતીઓ રંગછાટણાં કરશે. તમે?

મીડિયા ક્ષેત્રે એક વધુ યશસ્વી નામઃ ગાયત્રી જોશી

ગરવા ગુજરાતીઓ અનેક દેશોમાં, અનેક ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી રહ્યા છે તેમાં મુદ્રિત (પ્રિન્ટ) મીડિયા અને સોશિયલ ઇલેક્ટ્રોનિક મીડિયાનો યે સમાવેશ થાય છે. ‘ગુજરાત સમાચાર’ ઇંગ્લેન્ડમાં રાજકીય - આર્થિક - સામાજિક ક્ષેત્રે ગુજરાતીઓનો અવાજ બનવામાં સફળ થયું, અમેરિકામાં યે આવા પ્રયાસો થઈ રહ્યા છે અને ‘ગુજરાત ટાઇમ્સ’ તેમાં આગળ છે. ગુજરાતી સાહિત્યકારોની મથામણ સાહિત્યના પ્રશ્નો સાથે જોડાયેલી છે. ગુજરાતી - ઉત્સવો થાય ત્યારે લેખકો - કવિઓ - ગાયકો - વક્તાઓને બોલાવાય છે અને ગુજરાતી પ્રજા તેને માણે છે. ઇંગ્લેન્ડમાં આગામી ઓગસ્ટમાં ‘રંગીલું ગુજરાત’નો પ્રયોગ કરવાની ઇચ્છા ધરાવનારી પ્રીતિ-મીરા બન્ને હમણાં ગુજરાતના પ્રવાસે આવી હતી. ચીલાચાલુ ઉત્સવોને બદલે કંઈક નવું કરવું છે એવી તેમની અભિલાષા છે.

ગુજરાતમાં અને પછી દિલ્હી તેમજ અન્યત્ર, અને વિદેશોમાં મીડિયા સાથે સંકળાયેલા ગુજરાતીઓની સંખ્યા ઓછી નથી. તેમાંના કેટલાકે તો ઘણી મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી છે. અમેરિકામાં કમ્પ્યુટર ક્ષેત્રે ભાવનગરના ગાંધીવાદી સમાજસેવક કાનજીભાઈ ચૌહાણની પુત્રી કલ્પના પટેલનું ઘણું મોટું પ્રદાન છે. થોડાંક વર્ષ પૂર્વે નવી દિલ્હીમાં મહિલા સાહસિકોમાંના એક તરીકે આ ગુજરાતી મહિલાનું સન્માન કરાયું હતું.

ગાયત્રી જોશી અને સંજય પાંડે એવું દંપતી છે જેનું મીડિયા ક્ષેત્રે પ્રદાન આજે પણ ચાલુ છે. ગાયત્રીની કારકીર્દી અમદાવાદમાં દૂરદર્શનથી શરૂ થઈ. આજથી ત્રીસેક વર્ષ પહેલાં સમાચાર-વાચકોની સંખ્યા ઓછી, પણ ગુણવત્તા ધ્યાન ખેંચે તેવી હતી. શુદ્ધ ભાષા અને અસરકારક પ્રસ્તુતિ તેની વિશેષતા. પછી ગાયત્રી જોશીએ નાટક અને દસ્તાવેજી ફિલ્મોના ક્ષેત્રે ઝંપલાવ્યું. ગુજરાતનું પર્યાવરણ, નર્મદા પ્રશ્નથી માંડીને વ્યક્તિવિશેષોના તેમના દસ્તાવેજી નિર્માણની નોંધ લેવાઈ. ગાયત્રીનાં દસેક વર્ષો દિલ્હીમાં વીત્યાં. અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન બન્યા તે પહેલાં તેમનાં કવિ તરીકેનો વ્યક્તિત્વનો સંપૂર્ણ પરિચય આપતી ફિલ્મ ‘મેરી અનુભૂતિ’ તેણે બનાવી અને કલાજગત તેમજ જાહેરજીવનનાં ક્ષેત્રે તે ફિલ્મને ખૂબ જ આવકાર મળ્યો. આજે પણ જુદી જુદી ટીવી ચેનલો કવિ અટલજી વિશે કોઈ પ્રસ્તુત કરે ત્યારે પેલી ફિલ્મના આધિકારિક દૃશ્યો તેમાં સામેલ કરે છે. રાયસીના માર્ગ પરના પોતાના નિવાસસ્થાને વાજપેયી પ્રશ્નોના જવાબ આપતા હોય કે ‘ઊંચાઈ’ કાવ્યનું પઠન કરતા હોય તે વીરલ દૃશ્યો છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મશતાબ્દીના આ વર્ષે દિલ્હી દૂરદર્શને એક સીરિયલ બનાવી છે, પણ આજથી ત્રીસેક વર્ષ પહેલાં તેમના પર પ્રથમ દસ્તાવેજી ફિલ્મ ગુજરાત સરકારનાં માહિતી ખાતાએ ગાયત્રીની પાસે બનાવડાવી હતી.

પચીસ વર્ષોથી સમાચાર-વાચક, એન્કર, નિર્માતા, પટકથા લેખક, સંશોધક વગેરે વિવિધ જવાબદારીમાં સફળતાપૂર્વક તેણે કામ કર્યું છે. ભારતમાં નદીનાં પૂર, ધરતીકંપ, વાવાઝોડું, દુષ્કાળ, આરોગ્ય, ઉદ્યોગ, આદિવાસી જીવન, વિકાસના પ્રશ્નો સુધીના વ્યાપક વિષયો પર તેણે પોતાની નિર્માણ-સંસ્થા દ્વારા દસ્તાવેજી ચિત્રો બનાવ્યાં. ભારતીય સંસદના સમગ્ર ઇતિહાસને પ્રસ્તુત કરતું ‘અતીત સે આજ તક’ એવું ખ્યાતિપ્રાપ્ત ચલચિત્ર છે.

ગાયત્રી જોશી - સંજય પાંડે અત્યારે અમેરિકામાં ગુજરાતનો સાંસ્કૃતિક અવાજ બની રહ્યા છે.


comments powered by Disqus