ગરવા ગુજરાતીએ આપ્યું હતું ક્રાંતિ-સૂત્ર ઈન્કિલાબ!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 29th April 2020 09:38 EDT
 
 

પ્રણામ, ભગવતીભાઈ! ભગવતીચરણ વોહરા, જન્મે નાગર. પિતામહનું વતન ગુજરાતનું વડનગર. ભગતસિંહના ‘થિન્ક ટેન્ક’. ‘ઈન્કલાબ જિંદાબાદ’ સૂત્ર ગાજતું થયું ભગતસિંહ - રાજગુરુ - સુખદેવની બુલંદીથી. તેના જનક હતા ગુજરાતી ભગવતીચરણ! જન્મ્યા લાહોરમાં ૧૯૦૪ના વર્ષમાં, ફના થયા પણ લાહોરમાં ૨૮ મે ૧૯૩૦. સરદાર ભગતસિંહ અને સાથીઓને જેલમાંથી છોડાવવા માટે બોંબ પરીક્ષણ કર્યું તે સાંજ.

સવારના અગિયાર વાગવાનો સમય છે. બહાવલપુર રોડ પરની કોઠીમાં ભારે હિલચાલ છે. આજે બોંબ-પરીક્ષણ અને બે દિવસ પછી ભગતસિંહ-બટુકેશ્વરની મુક્તિ માટેનું ઐતિહાસિક સાહસ. જો આ પરીક્ષણ સફળ થઈ જાય તો વિશ્વના તખતા પર સૌથી રોમાંચક ઘટનાના તેઓ સર્જનારા બનવાના હતા. કોઈને લગીરેય ભય નહોતો. બસ, ઊછળતો ઉત્સાહ.

સુશીલાદીદી ચારે તરફ ઘૂમી-ફરીને કામ કરી રહ્યાં હતાં. ક્રાંતિ ઈતિહાસમાં આ મહિલાનું નામ તેજ નક્ષત્ર સરખું હતું, તેથી આજે તો કોને ખબર હોય?

દુર્ગાભાભીની આંખોમાં ઝળહળ તેજ. પતિ ભગવતીચરણ પોતે જ બોંબ-પરીક્ષણ કરવા રાવી નદીના કિનારે જશે, સાંજ સુધીમાં પાછા આવશે. અને બે દિવસ પછી-વાહ મારા દેશની માતાઓ! ક્રાંતિ લક્ષ્મીઓ!! તમને પ્રણામ.

ભગવતીચરણ, સુખદેવરાજ અને વિશ્વનાથ વૈશંપાયન પોતાની સાઈકલો પર નીકળ્યા. યુનિવર્સિટી બોટ ક્લબની એક નૌકા રાવી નદીના કિનારે બાંધેલી પડી રહેતી. સુખદેવરાજ પોતે જ આ બોટ ક્લબનો મંત્રી હતો એટલે નૌકાને સાચવનારા નાવિક મોહમ્મદીને નૌકા આપવાની હા પાડી. ત્રણેની સાઈકલ ક્લબમાં રાખી, નૌકામાં બેઠાં. એક ભારેખમ થેલો, નીચે તરબૂચ, ઉપર સંતરાં અને વચ્ચે જરાય હલબલે નહીં તેવાં બોંબ!

ભગવતીચરણ અને સુખદેવરાજ નૌકા ચલાવવાનું બરાબર જાણે એટલે સવારી બરાબર ચાલી. દેશને ક્યાં ખબર હતી કે આ આદર્શી યુવાનો સ્વતંત્રતા-સંઘર્ષની નૌકાના મુસાફરો બની રહ્યા, અને કદાચ જિંદગીની મુસાફરીમાં છેલ્લું પ્રયાણ હતું!

રાવી નદીના બીજા કિનારે નૌકા લાંગરી અને એક ખીલા સાથે બાંધી દેવામાં આવી. તરબૂચ નદીને સ્વાહા કર્યું, ત્યારે એવું મનમાં હતું કે પાછા વળતાં આ તરબૂચ ખાશું. સંતરાનો થેલો સાથે હતો. આગળ ચાલતાં જંગલ શરૂ થયું. સુરક્ષિત જગ્યાઓ શોધવાની હતી. જ્યાં બોંબ પરીક્ષણ થાય અને કોઈને ખબર ના પડે.

જંગલમાં એક ખાડો દેખાયો.

‘બસ, આ યોગ્ય જગ્યા છે.’ ભગવતીચરણે જણાવ્યું, પણ જેવો બોંબ હાથમાં લીધો કે ખ્યાલ આવ્યોઃ ‘અરે, આની પિન ઢીલી છે.’

સુખદેવરાજ અને વૈશંપાયનને ય એવું લાગ્યું ‘આનું પરીક્ષણ તો જોખમી પૂરવાર થશે. આજે ચકાસણી ના કરીએ. કાલે... બીજો બોંબ લાવીને તેનું પરીક્ષણ કરીએ તો?’

ભગવતીચરણ ગંભીર બની ગયા. ‘આપણી પાસે બે દિવસ જ બાકી છે. હવે વિલંબ પાલવશે નહીં. લાવો, હું જોઈ લઉં. પછી ક્યારે કરીશું?’

સુખદેવરાજ અને વૈશંપાયને તેમને રોક્યા, પણ ભગવતીચરણ કહેઃ ‘બેફિકર રહો. મને કશું નહીં થાય. તમારામાંથી કોઈને કંઈ થઈ જાય તો હું કોને મોં બતાવી શકીશ?’

ભગવતીચરણે બંનેને થોડેક દૂર ઊભા રહેવા જણાવ્યું, પોતે મેદાનની એક તરફ જઈને બે હાથે બોંબ પકડ્યો હતો તેની પિન ખેંચી કાઢવા હાથ ઊંચો કર્યો, તે દરમિયાન અચાનક બોંબ ફાટ્યો. હાથમાં જ બોંબ વિસ્ફોટ થયો હતો તેનો અંદાજ દૂર ઊભેલા સાથીદારોને નહોતો આવ્યો. તે દોડીને આવ્યા. જોયું તો ચારેતરફ ધુમાડો અને જમીન પર ઢળી પડેલા ભગવતીચરણનું લોહીલુહાણ શરીર. એક હાથ કોણીએથી કપાઈને દૂર ફેંકાઈ ગયો હતો. બીજા હાથની આંગળીઓ ઊડી ગઈ હતી. પેટમાં બોંબની કણી ઘૂસી જતાં આંતરડાં બહાર આવી ગયાં હતાં! કોઈ ચિત્કાર નહીં, કોઈ અવાજ નહીં. એક અવિશ્રાંત બહાદુરની ઘાયલાવસ્થા!

સુખદેવરાજ દોડીને આવ્યા. તેના ડાબા પગમાં પણ બોંબનો એક ટુકડો ઘૂસી જતાં લોહી વહેવા લાગ્યું. તેણે પોતાનું બનિયાન ફાડીને પગમાં પાટો બાંધ્યો. વૈશંપાયન તેનું બનિયાન અને ખમીસ ઉતારીને ભગવતીચરણના ઝખ્મો પર પાટાપિંડી કરવા લાગ્યા... પણ, આ ખબર કઈ રીતે પહોંચાડવી? ત્યાં સુધીમાં તો જાલિમ પોલીસ આવી પડશે!

જલદીથી કોઠીમાં સાથીદારોને ખબર આપવાની હતી. વૈશંપાયન લાહોરથી અજાણ્યા હતા. એટલે સુખદેવરાજ લંગડાતા લંગડાતા શહેર તરફ ધસી ગયા.

લોહીલુહાણ હાલતમાં ભગવતીચરણના ચહેરા પર એવું ને એવું સ્મિત હતું. લોહી વહી રહ્યું હતું, જમીન તેનાથી ભીંજાઈ ગઈ હતી. વૈશંપાયન સંતરાની છાલ કાઢીને તેમની તૃષા છીપાવવા થોડીક પેશી આપતા હતા, કેટલાંક ટીપાં પાણીનાં પણ મોંમાં નાંખ્યાં. આખું શરીર ક્ષતવિક્ષત હતું. ભયંકર દર્દ થતું હતું તેની વચ્ચે વૈશંપાયનને તૂટક તૂટક વાક્યોમાં કહ્યુંઃ ‘ભારે કરી. ભગતસિંહ અને બટુકેશ્વરને હું છોડાવી ન શક્યો?’

પછી કહેઃ ‘હવે તમારે બધાએ એ કામ કરવાનું છે. દુર્ગા પણ તમને મદદ કરશે.’

બીજી તરફ સુખદેવરાજ લંગડાતી ચાલે પાણીની એક પરબ સુધી પહોંચી ગયા. એક ઘોડાગાડીવાળો પસાર થતો હતો તેને બોલાવ્યો. એ તો બિચારો આટલાં વહેતાં લોહીથી ફફડી ગયો. સુખદેવરાજે કહ્યુંઃ ‘ઝાડ પરથી પડી ગયો છું.’ મદદ લઈને તેને ઘોડાગાડીમાં બેસાડ્યો. ઘોડાગાડી સનાતન ધર્મ કોલેજ સુધી પહોંચી ગઈ. ત્યાંથી તેણે બીજી ઘોડાગાડી કરી. કોઠીમાં તો સૌ બોંબ પરીક્ષણના સમાચાર સાંભળવા આતુર હતા. ઘોડાગાડીનો અવાજ સંભળાતાં એક સાથી બહાર આવ્યો. જોયું તો ઘાયલ સુખદેવરાજ એકલો! બધાનાં પેટમાં ફાળ પડી - કશુંક અજુગતું બની ગયું છે.

આઝાદ, મદનગોપાળ, યશપાલને તેમણે આખી વિગત જણાવી. તત્કાલ મોટરકાર, સ્ટ્રેચર, ડોક્ટર લઈને સ્થાન પર પહોંચો. ભગવતીભાઈ ખરાબ રીતે ઘાયલ થયા છે. આઝાદે યશપાલને તાબડતોબ વ્યવસ્થા કરવા જણાવ્યું.

યશપાલ છેલબિહારીને લઈને નીકળ્યા.

રસ્તામાં નક્કી કર્યું કે ડોક્ટરને તે જગ્યા સુધી લઈ જઈશું તો બધી વાત ખુલ્લી પડી જશે. ટેક્સી મળી ગઈ એટલે તેમાં બેસીને ઘટનાસ્થળે પહોંચ્યાં. ટેક્સીમાં બેસાડવા માટે બધાએ ભગવતીચરણને ઉપાડ્યા. પણ એટલા બધા ઘાવ હતા કે જરાસરખા હલનચલનથી એ ચીસ પાડી ઊઠ્યા. યશપાલને લાગ્યું કે લગભગ માંસનો લોચો થઈ ગયેલા ભગવતીચરણને ગાડીમાં લઈ જઈ શકાશે નહીં.

હવે શું કરવું?

તેમણે છેલબિહારીને ભગવતીચરણ પાસે છોડીને ટેક્સીમાં પાછા કોઠી જઈને આઝાદને બધું જણાવવાનું વિચાર્યું. યશપાલ-વૈશંપાયન પહેલાં મેડિકલ કોલેજ ગયા. ત્યાં બ્રહ્માનંદ વાત્સ્યાયન ક્રાંતિકારી સમિતિનો સભ્ય અભ્યાસ કરતો હતો. (આ બ્રહ્માનંદ એટલે આપણા જાણીતા હિંદી સર્જક સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન. ‘અજ્ઞેય’ના ભાઈ. ખુદ અજ્ઞેય પણ ક્રાંતિપ્રવૃત્તિમાં સામેલ હતા). બ્રહ્માનંદ તેના વિશ્વાસુ સાથીદારો તેમજ દવા-પાટાપીંડીની સામગ્રી સાથે એ જ ટેક્સીમાં ઘટનાસ્થળે પહોંચ્યાં.

આટલી દોડધામમાં સાંજ થઈ ગઈ હતી. જંગલમાં અંધારું છવાઈ રહ્યું હતું. ટોર્ચના અજવાળામાં જગ્યા શોધવી પડી. જઈને જોયું તો ધરતી પર મૃત્યુને વરી ચૂકેલા ભગવતીચરણ, પણ તેમની પાસે કોઈ જ નહોતું!

છેલબિહારી ક્યાં ગયો?

એવી શક્યતા હતી કે જંગલમાં પશુપ્રાણીના ભયથી, છેલબિહારીએ જગ્યા છોડી દીધી હશે, ભગવતીભાઈએ તો આંખો મીંચી દીધી હતી. પરંતુ જતાં જતાં, તેમણે કપડાંના ચીંથરાં ઠેરઠેર ઝાડડાળી, ઝાંખરાં પર બાંધ્યાં હતાં, જેથી આવનારને આ જગ્યાએ પહોંચવામાં તકલીફ ના પડે.

સૌએ જોયું કે ભગવતીચરણનો શ્વાસ રહ્યો નથી. એક ચાદર ઓઢાડીને બધા પાછા વળ્યા. કોઠીમાં આઝાદ અધીરાઈથી રાહ જોઈ રહ્યા હતા. સુશીલાદીદી, દુર્ગાભાભીને જાળવવા માટે પ્રયત્નો કરતાં હતાં. ભાભીને ય હજુ આશા હતી કે એ પાછા આવશે.

પણ, આશાનાં તમામ કિરણો અસ્ત થઈ ગયાં હતાં. મૃત્યુનો ગાઢ અંધકાર... બલિદાનના પથ પર એક વધુ સમર્પણ.

આઝાદ જેવા વજ્રપુરુષ પણ ખળભળી ગયા. તેમની આંખોમાં અનવરત અશ્રુધારા અને કંઠે ડૂસકાં. કોણ કોને આશ્વસ્ત કરે? શૂન્ય ચહેરે દુર્ગાભાભીએ પૂછી લીધું; સુખદેવરાજ અને વૈશંપાયનને ‘તેમણે છેલ્લા શબ્દો શું કહ્યા હતા?’

આંસુ ખાળતાં સાથીદારોએ જણાવ્યુંઃ ‘ભગતસિંહ અને બટુકેશ્વર છોડાવવાના છે. દુર્ગાને કહેજો કે તેને માટે તત્પર રહે...’

દુર્ગાભાભીની આંખોમાં અશ્રુધારા. કહેઃ ‘મારો દેવતા શહીદ થઈ ગયો. તેમની ઈચ્છાપૂર્તિ કરવી એ આપણી ફરજ છે. આપણે ભગતસિંહને છોડાવવાની યોજના અમલમાં મૂકીશું.’

ભાભીએ હૈયાફાટ રુદનને પણ છાતીમાં સમાવી લીધું. બધાં જ રડશે તો કામ કોણ કરશે? વાહ, વીરાંગના ભાભી, તમને શતશઃ પ્રણામ! પ્રચંડશક્તિધારિણી દેવી દુર્ગા આવી જ હશે! આ તો અમારા દેશના સ્વાતંત્ર્ય સંગ્રામની દુર્ગા! પ્રણામ! પ્રણામ!

રાત્રે ચહલપહલ થાય તો ખબર પડી જાય એટલે બીજા દિવસે સવારે આઝાદ અને સાથીઓ પોતાના પ્રિય સાથીના અંતિમ સંસ્કાર માટે નીકળી પડ્યા. આઝાદની સાથે ધન્વંતરી, મદનગોપાળ અને વૈશંપાયન, સુખદેવરાજ અને બીજા બધા.

કોઠી પર માત્ર દુર્ગાભાભી અને સુશીલાદીદી રહ્યા.

ઘટનાસ્થળે ભગવતીચરણનો મૃતદેહ પડ્યો હતો. અગ્નિસંસ્કાર કરવામાં આવે તો ક્રાંતિપ્રવૃત્તિની ખબરથી પોલીસ દોડી આવે એટલે પ્રિય શહીદને સમાધિ આપી. એક ઊંડો ખાડો ખોદીને તેમાં નશ્વર દેહને સમાવી લીધો.

૨૮મી મે, ૧૯૩૦ની એ આત્માહુતિ. ભગવતીભાઈની અંતિમ વિદાય!

આઝાદ શૂન્યમનસ્ક હતા. આ જે સાથી ચાલ્યો ગયો હતો એ તો ક્રાંતિકારોનું આભૂષણ હતો, આત્મા હતો. ક્રાંતિપ્રવૃત્તિનું દિલ અને દિમાગ બની રહ્યો હતો.

પાછા ફરીને આઝાદે ભાભીને કહ્યુંઃ ‘બહેન દુર્ગાં, તેં આઝાદી માટે બધું જ ન્યોછાવર કરી દીધું છે. તારા પતિનો ત્યાગ અદ્ભૂત છે, હવે અમે અમારી ફરજ ભૂલીશું નહીં. આજથી તું અમારા સૌની માતા, બહેન, બધું જ છે!’

ક્રાંતિમાર્ગનો પ્રકાશપુંજ લાહોરમાં રાવી તટે વિલુપ્ત થયો. એક અ-નામ, અ-જાણ કોઈએ ગીતો ન ગાયાં તેવો Unsung hero. ભગવતીચરણ! મેઘાણીની પંક્તિનું સ્મરણ થાય છે ને -

કદી સ્વાધીનતા આવે, વિનંતી ભાઈ, છાની!

અમોનેય સ્મરી લેજો, જરી પળ એક નાની!

પ્રણામ, ભગવતીભાઈ, ઈસુની એકવીસમી સદીના પહેલા દશકની પ્રજાસત્તાક ભીડની વચ્ચે યાદ કરી રહ્યા છીએ તમને. હવે તો દેશ સ્વાધીન છે. સંસદીય લોકતંત્ર છે. બંધારણની સુસંકલિત ધારાઓ છે. ઉદ્યોગ-વેપાર વાણિજ્ય-શિક્ષણ-આરોગ્ય અને વહીવટ. બધું જ છે. આઝાદીના આટલાં વર્ષોની ગતિ-પ્રગતિ-વિગતિની વચ્ચે આ તમારા જેવા ક્રાંતિકારોનો સ્વર હૃદયને હલબલાવી જાય છે. શાળા-મહાશાળાના છાત્રોની કૂચ નીકળી છે. હાથમાં રાષ્ટ્રધ્વજા છે. હોઠ પર નારા છે... તેની વચ્ચે, ભૂલાયેલા અફસાના જેવો આ સ્વર કોનો છે -

શહીદોં કી મજારોં પર, હર બરસ જૂડેંગે મેલે

વતન પે મર મિટનેવાલોં કા, યહી નામોંનિશાં હોગા!


comments powered by Disqus