ગુજરાત ગાજે છે તેના અસલી સાંસ્કૃતિક મિજાજમાં!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 12th February 2019 06:29 EST
 
 

સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય અત્યંત સમૃદ્ધ છે. મહાપંડિતોએ નહીં, સામાન્ય માણસોએ રચ્યું છે. મોચી, ચમાર, લુહાર, દરજી, વણઝારા, વાઘેર અને સાથોસાથ રાજપુત, બ્રાહ્મણ, વણિક, લોહાણા, ચારણ, બારોટના હોઠ પર જે સાહિત્ય સર્જાયું તે અદ્ભુત ઘટના છે. પ્રશિષ્ટ સાહિત્યની લગોલગ સ્થાપિત થાય એવું સમૃદ્ધ. તેમાં વાર્તા છે, કથા છે, વ્યાખ્યાન છે, આખ્યાન છે, કવિતા છે, નાટ્યઅંશ છે, છંદ અને દોહરાની જમાવટ છે.

ચારણ-બારોટનાં યુદ્ધકાવ્યોથી લડવૈયાઓમાં મરવા-મારવાનું જોમ પેદા થાય તે કવિત કેવું હશે? એવું જ પ્રદાન સંતવાણીનું છે. ભજનની મહા-ગંગા અહીં વહે છે. ગંગા સતી તો એક જાણીતું નામ પણ સા-વ સામાન્ય ઘરપરિવારમાંથી આવતા સંતોની કવિતા એટલે નરથી નારાયણ સુધીની વાણી-યાત્રા! અગાઉ ઝવેરચંદ મેઘાણીએ ભગીરથ કામ કર્યું, પછી બીજા ઘણા ઉમેરાયા. નિરંજન વર્મા, જયમલ પરમાર, નિરંજન રાજ્યગુરુ, બળવંત જાનીનાં નામ હોઠે ચડે. પુષ્કર ચંદરવાકરે મજબૂત ખેડાણ કર્યું. જયાનંદ જોશી એવા બીજા મોટા ગજાના લોકસાહિત્યવિદ્ ગણાય. ભગવાનદાસ પટેલ ઇતર ગુજરાતમાં ઘૂમી વળ્યાં છે.

હસુ યાજ્ઞિક અને કનુભાઈ જાની અત્યારના સંશોધકોમાં આગળ છે. આણંદની એન. એસ. કોલેજે હસુભાઈ પર બે દિવસ ચર્ચા, પરિસંવાદ યોજ્યા તેમાં હસુ યાજ્ઞિકે લોકસાહિત્ય પર શાસ્ત્રીય ભૂમિકાથી કરેલાં કાર્યની ચર્ચા થઈ. તેમનાં સ્મરણ પુસ્તક ‘આત્મગોષ્ઠિ’નું વિમોચન થયું. હસુ યાજ્ઞિકનો અભ્યાસ ઘણો ઊંડો અને વ્યાપક છે. સાહિત્ય અકાદમીએ પણ તેમના ગ્રંથો પ્રકાશિત કર્યાં છે. આવાં અભ્યાસીઓને સન્માનવાની સુંદર પરંપરા ગુજરાતમાં અવિરત રહી છે. વહીવટી તંત્રમાં શિક્ષણ સચિવ અંજુ શર્માનાં જીવનલક્ષી પુસ્તકનું લોકાર્પણ શિક્ષણ પ્રધાને કર્યું તે પ્રસંગ પણ ધ્યાનપાત્ર રહ્યો.

સૌરાષ્ટ્રમાં, સાહિત્ય ઉત્સવ અને પુસ્તક મેળાનો સરસ પ્રયોગ રાજકોટે કર્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે રંગેચંગે આ ઉત્સવ પાંચ દિવસ માટે ઊજવાયો. આયોજકોની અસરકારક ટીમને લીધે રાજકોટની પ્રજાને આ ઉત્સવ માણવાનો અવસર મળ્યો. ગુજરાતની સાહિત્ય – ઇતિહાસ – રાજનીતિની ચર્ચાઓ થઈ. શાહબુદ્દીન રાઠોડથી સ્વામી નિખિલેશ્વરાનંદ સુધીના વક્તાઓ હતા. નામો અગણિત હતાં એટલે એટલું કહેવું પર્યાપ્ત છે કે ગુજરાતનો આ શબ્દ-મેળાવડો જામ્યો! ગાંધી વિશેની ચર્ચા રાજકોટમાં ન થાય ને તે કેમ બને? એક આખું સત્ર અને તેમાં સૌથી વધુ ધ્યાન ખેંચે તેટલા યુવાનો અને પ્રબુદ્ધોની ઉપસ્થિતિ! રામકૃષ્ણ મિશનના નિખિલેશ્વરાનંદે વર્તમાનની ભૂમિકાએ ગાંધી કેટલા પ્રસ્તુત છે તેની સરસ વાત કરી. મેં ગાંધી-પરંપરાનાં ‘સત્ય’ના ડીએનએનું ધ્યાન દોર્યું.

‘સત્ય’ આપણા ગુજરાતી લોહીમાં છે. ગાંધીની આત્મકથા ‘સત્ય’ના પ્રયોગોના રસ્તે ચાલે છે, નામ પણ તે જ છે. સંસાર-સુધારક કરસનદાસ મૂળજીએ ઓગણીસમી સદીના આરંભે સંપ્રદાયોમાં જે બગાડ થયો તેની સામે ઝુંબેશ કરી હતી અને મુંબઈમાં ‘મહારાજ લાયબલ કેસ’ ચાલ્યો તેમાં વિજય નીવડ્યા. તેમના સામયિકનું નામ હતું ‘સત્ય પ્રકાશ.’ રાજકોટથી સા-વ નજીક મોરબી પાસે ટંકારા ગામ છે, ત્યાંનો મૂળશંકર નામે તરુણ દેશાટન કરીને સાધુ બન્યો. ‘વેદ તરફ પાછા વળો’ની ઘોષણા કરીને પાખંડ ખંડન કર્યું, પરિણામે તેમને ઝેર પીવડાવી દેવાયું અને મૃત્યુ થયું. તેમના ધારદાર ઉપદેશ-ભાષ્યના ગ્રંથનું નામ પણ ‘સત્યાર્થ પ્રકાશ!’ એક વધુ પારસી-ગુજરાતી દેશભક્ત દાદાભાઈ નવરોજી (જે ઇંગ્લેન્ડમાં સર્વપ્રથમ ચૂંટાયેલા ભારતીય સાંસદ હતા)એ મુંબઈથી એક અખબાર પ્રકાશિત કર્યું હતું. કારણ એ હતું કે પારસી-મુસ્લિમ હુલ્લડ વખતે પારસીઓની સાચી વાતને રજૂ કરવાનું કોઈ માધ્યમ નહોતું. એટલે ‘રાસ્ત ગોફતાર’ અખબાર શરૂ કરવામાં આવ્યું. આનો અર્થ છે - ‘સત્યનો પ્રવક્તા!’

સત્યની નિસબત ગુજરાતી રગમાં છે, સૌરાષ્ટ્રમાં તો એક દોહરો છેઃ ‘સાચું સોરઠિયો ભણે!’ રાણક દેવીના દોહરાએ ગિરનારને ખળભળાવ્યો અને ધડાધડ પર્વતશિલાઓ ધસવા માંડી, બીજા દોહરાથી તેને શાંત કરી દેવામાં આવી. રાણકના શબ્દની આટલી શક્તિ હતી. માંગડાવાળો, સોન - હલામણ, જેસલ - તોરલ, મેહ - ઉજળી, સત દેવીદાસ, રાણક - રા’ ખેંગાર, રા’ગંગાજળિયો, હાલાજી, હમીરજી લાઠિયો, મૂળુ - જોધા માણેક, ભૂચર મોરીનું યુદ્ધ, જોગીદાસ ખુમાણ, સરખે માથે સુદામડા... આ બધાં લોકસાહિત્યનાં એવાં પાત્રો અને ઘટનાઓ છે, જેની કથા અને ગીતોમાં સચ્ચાઈની ખૂમારી ઝળાંહળાં છે.

ગાંધીનું સત્ય સનાતન હતું. પૂર્વ ઋષિવરો - ધ્રામિક ગ્રંથો - વ્રતોમાંથી તેમણે આકલન કર્યું, સંપાદન કર્યું અને સત્યાગ્રહ સ્વરૂપે સાર્વજનિક જીવનમાં પ્રયોગ કર્યા. ૧૯૪૭નાં વિભાજન સમયે તેમને લાગ્યું હતું કે આ પ્રયોગ તદ્દન કાચો અને અધૂરો હતો. વિભાજનના દોષની જવાબદારી પોતાની નહોતી એ વેદના તેમના અંતેવાસી પ્યારેલાલના આધિકારિક ગ્રંથ ‘પૂર્ણાહુતિ’માં વ્યક્ત થઈ છે. કોંગ્રેસનાં આત્મવિસર્જનનો તેમણે અભિપ્રાય વ્યક્ત કર્યો તેની વિગતો પણ તેમાં છે. મેં કહ્યું કે ગાંધીને સમજવા માટે પૂર્વગ્રહ અથવા પક્ષપાત – એ બે મોટા અવરોધથી દૂર રહેવું પડે. જેમાં આપણે સફળ થયા નથી.

ગુજરાતમાં અત્યારે નાના મોટાં નગરોમાં સાહિત્ય, સંસ્કૃતિ અને ઇતિહાસના લગભગ પચાસેક આયોજન પાર પાડ્યાં તેના તરફ નજર કરવા જેવી છે.


comments powered by Disqus