ગુજરાત વિધાનસભાઃ અંદર-બહારના પડછાયા!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 01st April 2015 07:13 EDT
 

એક નવી - અને રમુજ પેદા કરે તેવી - વાત આ વખતે ગુજરાત વિધાનસભામાં સાંભળવા મળી, તેની ચર્ચા પૂર્વે વર્તમાન વિધાનસભાની રસપ્રદ તસવીર પણ નિહાળવા જેવી છે. આ વિધાનસભાએ આમ તો અનેક રંગ-ઢંગ દેખાડ્યા છે. ૧૯૬૦માં નવું ગુજરાત રાજ્ય થયું ત્યારે વિધાનસભાનું અસરકારક મકાન જ નહોતું એટલે અમદાવાદની જૂની સિવિલ હોસ્પિટલની એક ઇમારતમાં વિધાનસભા બેસતી. ડો. જીવરાજ મહેતા, કોંગ્રેસ અને સ્વતંત્ર પક્ષનો રણસંગ્રામ આ વિધાનસભાએ જોયો છે. તેની બાજુમાં જ પછાત વર્ગની હોસ્ટેલ તરીકે જાણીતા મકાનમાં ધારાસભ્યોનો નિવાસ હતો! આ સાંકડા ઓરડાઓમાં તે સમયના મહારથીઓ - ભાઈકાકા, ગંગારામ રાવળ, સનત મહેતા, ચીમનભાઈ શુકલ, વસંત પરીખ, ધ્રોળ ઠાકોર, નગીનદાસ શાહ જેવા - અરસપરસ ચર્ચાઓ કરતા.

હિતેન્દ્રભાઈ દેસાઈની સરકાર સમયે અહીં આયારામ - ગયારામનું પક્ષાંતર જોરશોરથી ચાલ્યું અને ૧૯૬૫ના પાકિસ્તાની આક્રમણ સામે તમામ ધારાસભ્યોની યાદગાર રેલી અહીંથી નીકળી હતી. તત્કાલીન મુખ્ય પ્રધાન બળવંતરાય મહેતા અને તેમનાં પત્ની સરોજબહેન અને એક પત્રકાર શ્રી શાહ સહિતના વિમાન યાત્રિકો કચ્છમાં સુથરી ગામ પાસે વિમાન - અકસ્માતમાં હોમાયા હતા.

અમદાવાદી ઇતિહાસ

વિધાનસભાનો અમદાવાદી ઇતિહાસ ભારે રસપ્રદ હતો! ડો. જીવરાજને ‘દસ વર્ષીય નિયમ’ હેઠળ મુખ્ય પ્રધાનપદેથી હટાવવા માટે ખુદ કોંગ્રેસમાં જ ભારે હિલચાલ થઈ એટલે ૧૯૬૦ની પહેલી મેથી - રવિશંકર મહારાજના આશીર્વાદ અને મહેંદી નવાઝ જંગના રાજ્યપાલ પદ હેઠળ - ડો. જીવરાજ મહેતા પ્રથમ મુખ્ય પ્રધાન બન્યા. ચૂંટણી પણ જીત્યા, પણ આંતરિક અસંતોષને લીધે રાજીનામું આપી દેવું પડ્યું. તેમની સાથે બીજા બે પ્રધાનો - રતુભાઈ અદાણી અને રસિકલાલ પરીખ પણ છૂટા થયા. આમાંના રતુભાઈએ ૧૯૮૦ના સમયગાળામાં માધવસિંહ સોલંકીની ‘ખામ’ થિયરીની સામે બગાવત કરીને નવો પક્ષ પણ સ્થાપ્યો હતો!

હિતેન્દ્ર દેસાઈની એક વારની સરકાર તો થોડાક જ દિવસ ચાલી. જોકે કુલ મળીને તેમણે પાંચેક વર્ષ તો શાસન કર્યું જ. ૧૯૭૪માં અલ્હાબાદ હાઇ કોર્ટનો ચુકાદો અને ગુજરાતની ચૂંટણીમાં સંસ્થા કોંગ્રેસ - જનસંઘના સંયુક્ત મોરચાનો વિજય - એ બે ઘટનાથી એક જ દિવસ પહેલા સ્તબ્ધ હિતુભાઈએ સંસ્થા કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતું!

ઘટનાઓનો સિલસિલો ગુજરાત વિધાનસભામાં કાયમ રહ્યો છે. અમદાવાદમાં એક વાર ભારે પૂર આવ્યાં, સિવિલ પાસેના ધારાસભા - નિવાસમાં ઘૂસી ગયાં. નીચેના એક નિવાસમાં ધ્રોળ ઠાકોર રહેતા હતા. ભારે ભરખમ શરીર અને મોટા જડબાથી દેખાતું હાસ્યઃ આ રાજવીનો વટ હતો. પાણીમાં ડૂબતા નિવાસમાંથી ઉપર લઈ જવા માટે તેમને એક હોળીમાં બેસાડીને ઉપરના માળે ખસેડાયા ત્યારે વજન ઊંચકતા મજૂરોને દમ આવી ગયો હતો!

ગાંધીનગર... ટાઉન હોલમાં ગૃહ

ગાંધીનગરમાં અત્યારે જ્યાં ટાઉન હોલ અને કેન્દ્રીય ગ્રંથાલય છે ત્યાં શરૂઆતમાં વિધાનસભા બેસતી. પછી મોટી ઇમારત બની તે આજનું વિધાનસભા ગૃહ. આ બન્નેમાં માધવસિંહ સોલંકી, ચીમનભાઈ પટેલ, બાબુભાઈ જશભાઈ પટેલ, કેશુભાઈ પટેલ, છબીલદાસ મહેતા, શંકરસિંહ વાઘેલા, દિલીપ પરીખ, સુરેશ મહેતા, અમરસિંહ ચૌધરી... અને છેલ્લાં દસ વર્ષમાં નરેન્દ્ર મોદી પછી આનંદીબહેન પટેલ. આ બધી સરકારોના પોતપોતાના રંગ હતા.

એક વાર ૧૯૬૮માં કોઈ ધારાસભ્યે પીન કુશન ફેંકતાં ઉહાપોહ થયો અને ત્રણેક કલાક ચર્ચા ચાલી હતી. આ જ વિધાનસભામાં મારામારી, ગાળાગાળી, કપડાં ફાડવાં, માઇક્રોફોન ફેંકવા, ઠરાવો અને વિધેયકો ફાડવા, નારાબાજી કરવી, માર્શલ દ્વારા ટીંગાટોળી કરીને ધારાસભ્યોને લઈ જવા, વિધાનસભા લોબીમાં દંગલ થવું, પ્રેક્ષક દીર્ઘામાંથી પત્રિકાઓ ફેંકાવી... આ બધુ જ બન્યું છે! અને અહીં જ ગુજરાતની સ્વર્ણિમ જયંતિ પણ ઊજવાઈ છે!!

હમણાં વળી ગૃહનો ઉત્પાત જોવા મળે છે. પૂરતો સમય ન મળવાના નિમિત્તે ગૃહમાં ભાંગફોડ પણ થઈ. પણ, નજરે ચડે તેવી ચર્ચા એક ધારાસભ્યે કરી કે દુનિયામાં બધાનાં યુનિયન છે. શિક્ષકોનાં, વકીલોનાં, ડોક્ટરોનાં, વિદ્યાર્થીઓનાં, વેપારીઓનાં, પત્રકારોનાં, તો ધારાસભ્યોનું યે એક સંગઠન બને તો કેવું સારું! એક શંકરલાલ ગુરુ જોકે ભૂતપૂર્વ ધારાસભ્યોનું એવું એક સંગઠન ચલાવતા પણ વર્તમાન ધારાસભ્યોનું શું?

પગાર, આવક અને સેવા

બીજી વાત એ આવી કે મોંઘવારીના જમાનામાં ધારાસભ્યોનો પગાર વધારવો જોઈએ! કેટલાકની દલીલ એવી છે કે પ્રજાના પ્રતિનિધિ બનવું એ ધંધો કે વ્યવસાય નથી, પણ સેવા છે. વળી, જે ધારાસભ્ય અને મિનિસ્ટર બને છે તે પાંચેક વર્ષમાં અંગત સંપત્તિમાં ખાસ્સી વૃદ્ધિ કરી જ લેતો હોય છે તેને વળી વધુ પગાર કેવો?

ધારાસભ્યને સેવાનું ક્ષેત્ર માનનારા કેટલાક ધારાસભ્યોના ઊજળાં ઉદાહરણો ગુજરાત વિધાનસભામાં મળી શકે છે. ડો. વસંત પરીખ વડનગર - ખેરાળુના એવા ધારાસભ્ય હતા તેમણે પ્રજાકીય ફાળાથી ચૂંટણી લડી. પોતાનું વેતન સેવામાં આપતા અને દર ત્રણ મહિને મતદારોની સભા ભરીને હિસાબ આપતા. ૧૯૯૫માં આદિવાસી વિસ્તાર કંબોઈધામમાં એક મોટી પરિષદ યોજાઈ હતી. મુંબઈના હિન્દુસ્તાની આંદોલનના મધુ મહેતા અને અભિનવ ભારતના લાલજીભાઈ વેકરિયા - દાદુભાઈ પટેલ પણ હતા. આ પરિષદમાં દૂરદરાજનાં ગામડેથી, કોઈની પાસેથી બસ-ભાડાનાં પૈસા ઉછીના લઈને એક પૂર્વ ધારાસભ્ય હીરાબેન નીનામા વૃદ્ધવયે આ પરિષદમાં ભાગ લેવા આવ્યાં હતાં. આવાં થોડાંક ઉદાહરણોની સામી બાજુએ બીજા એવા પણ મળી આવે, જેમની સંપત્તિ એક યા બીજા પ્રયાસોથી અધધધ હશે!

મુખ્યમંત્રીઃ નવલકથાનો વિષય!

ગુજરાત વિધાનસભા પરિસર આવી રાજકીય તવારિખનું સ્થાન છે. તેના પરિસરમાં વિઠ્ઠલભાઈ પટેલ અને ગાંધીજીની પ્રતિમા છે. અંદર સ્વામી વિવેકાનંદનું તૈલચિત્ર છે. પરિસરની સામે અંગુલિ નિર્દેશ કરીને સાવધાન કરવાની મુદ્રામાં ડો. આંબેડકરની આદમકદ પ્રતિમા છે, તેની પાછળ એક ભવ્ય ‘મહાત્મા મંદિર’ છે - જે એકલાં ગુજરાત માટે જ નહીં, દેશ અને દેશાવર માટે ખ્યાત ઐતિહાસિક સ્મારક છે. અહીં ગૃહમાં અત્યારે ૨૭મી વાર મુખ્ય પ્રધાન બેઠા છે, કેટલાકને એકથી વધુ વાર મુખ્ય પ્રધાન બનવાનો મોકો મળ્યો છે, તો ૨૩મા રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી સાચા અર્થમાં રાજભવનને નાગરિક ભવનમાં બદલવાની કોશિશ કરી રહ્યા છે.

૧૯૮૦ના દશકનું ગુજરાતનું રાજકીય ચિત્ર એવું હતું કે નવલકથાકાર મિત્ર દિલીપ રાણપુરાની સાથે ઘણી વાર વાતચીત થઈ ને છેવટે અમે નિર્ણય લીધો કે આ વિષય પર રાજકીય નવલકથા લખીએ! તે સમયે હું ‘જનસત્તા’ ઉપરાંત વાર્તામાસિક ‘ચાંદની’નો સંપાદક હતો. બીજ રોપાયું અને તેમાંથી મારી રાજકીય નવલકથા ‘મુખ્યમંત્રી’ લખાઈ. સાહિત્ય અકાદમીના વિદ્વાન વિવેચકો તેને શ્રેષ્ઠ નવલકથા ગણવાના નિર્ણાયકના નિર્ણય છતાં ડરતા હતા ત્યારે તત્કાલીન મુખ્ય પ્રધાન ચીમનભાઈ પટેલે આ મૂર્ધન્યોને સ્પષ્ટ જણાવી દીધું કે આ નવલકથા હું પણ વાંચી ગયો છું, તેને શ્રેષ્ઠ ગણવાનો નિર્ણાયકનો નિર્ણય માન્ય કરવો જોઈએ! ૧૯૮૮માં તેને શ્રેષ્ઠ નવલકથાનું સન્માન મળ્યું એ વાતથી તેઓ પરિચિત હતા કે આ નવલકથામાં એવાં કેટલાંક પાત્રો હતાં, જે તે સમયના રાજકારણીઓનો પડછાયો ધરાવતા હતા છતાં ચીમનભાઈએ સાહિત્યને પ્રાથમિકતા આપી હતી! કોઈ નવા લેખકે આવા વિષય પર કલમ અજમાવવા જેવી છે!


comments powered by Disqus