ગુજરાતઃ ચૂંટણી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની, મુદ્દા અનેક!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 25th November 2015 09:32 EST
 
 

ગુજરાતમાં જિલ્લા પંચાયતો - તાલુકા પંચાયતો - નગરપાલિકાઓ અને નગર નિગમો (કોર્પોરેશન)ની ચૂંટણીનો માહોલ છે. અદાલતના ચુકાદાને લીધે દીપોત્સવીના દિવસોમાં જ તેની વ્યવસ્થા ચૂંટણી પંચે કરવાની આવી. કર્મચારીઓ - અને પક્ષોના કાર્યકર્તાઓ - જરાક નાસીપાસ થયા કેમ કે આ દિવસો જ તેમને માટે સહેલ કરવાના હતા! સાપુતારા, આબુ, દીવ, સોમનાથ, દ્વારિકા, ગીરનું જંગલ તો ઊભરાય, અન્ય પ્રદેશો અને વિદેશો સુધી ગુજરાતીઓના પ્રવાસો રહે છે. આ વખતે તેમાં થોડીક ‘મંદી’ આવી, પણ દેખીતી રીતે પ્રચાર બહુ જામતો નથી. જેમને ટિકિટ મળી એમની ચિંતા મત અંકે કરી લેવાની છે. જેમને નથી મળી તેમનું દિલ ઉદાસ છે! નેતાઓએ સભા શરૂ કરી દીધી. ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા સક્રિય થઈ ગયાં. મત મેળવવા કેવા મુશ્કેલ છે તેનો અંદાજ જુદી જુદી ઘટનાઓમાં આવે છે. એક ટીવી ચેનલે જાહેર ચર્ચા યોજી તો (મોટા ભાગે આ ચર્ચાઓમાં ઉમેદવારોના બૂમબરાડા અને સમર્થકો - વિરોધીઓની બોલચાલીથી વિશેષ કશું હોતું નથી. આક્ષેપ - પ્રતિઆક્ષેપ થાય અને અમે આવીશું તો આમ કરી નાખીશું એવા વાયદા હોય છે. ઘણી વાર તો ઉમેદવારોની રીતરસમ જોઈને એવું યે થાય કે અરે, આપણા પ્રતિનિધિ આવા છે? તેમને મત આપવો પડશે? પણ આ વખતે ‘નોટા’ (None Of The Above - NOTA) નો પ્રયોગ માન્ય છે એટલે કેટલાક નારાજ મતદારો ‘ઉપરમાંથી કોઈ નહીં’ના મતદાનને પસંદ કરશે.) તેમાં એક ઉમેદવાર પર જ ધડામ્મ કરતી ખુરશી ફેંકવામાં આવી હતી. કેટલાક ગામના પાદરે બોર્ડ લગાવાયા છે, ક્યાંક બહિષ્કાર છે, કોઈએ વળી ‘ફલાણા પક્ષ માટે ૧૪૪ની કલામ!’ એવી જાહેરાત કરી છે. પાટીદાર અનામત માગતો એક વર્ગ અને આંદોલન દરમિયાન પોલીસથી પીટાયેલા-મરેલાઓના પરિવારો ગુસ્સો વ્યક્ત કરવામાં આગળ છે. ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસ) ચેતવણી આપે છે કે અમારું હિત નહીં જાળવો તો હરાવી દઈશું. કેટલાકે તો પરિણામના દિવસે દિવાળી ઉજવવાની જાહેરાત કરી છે.

મૂળ મુદ્દે આ સ્થાનિક સ્વરાજ્યની પસંદગી છે એટલે સ્થાનિક પ્રશ્નો આગળ રહ્યા છે. ગુજરાતનાં મહાનગરો અને નગરો તેમ જ ગામડાંની મુખ્ય સમસ્યા પીવાનું પાણી, આરોગ્ય, શિક્ષણ અને રસ્તાઓની છે. ધારે તો ચૂંટાયેલા ઉમેદવારો આ ચારે સવાલોનો જલદીથી ઉકેલ લાવી શકે, પણ એવું થતું નથી. કોર્પોરેશનોમાં તો ગમે તે પક્ષ સત્તા પર હોય, જાહેર રસ્તાઓ અને પરાંઓ પર ખાડાઓ, પાઇપો અને ખોદાણ ચાલુ જ રહે છે. એક ગાબડું પૂરું સમારવાને માટે એક જ દિવસ જોઈએ તેના બદલે અઠવાડિયું થઈ જાય. રસ્તા સમારકામની માયા તો અતિ વિચિત્ર છે. વારંવાર સમારકામના નામે ખોદકામ થતું રહે, મહિનાઓ વીતી જાય ત્યાં સુધી તેનું રિપેરિંગ ચાલે! પછી ચોમાસું આવે એટલે વળી પાછી એવી જ બિસ્મારી! તમે હાઇ-વે પરથી પસાર થઈને કોઈ નગર-ગામની નજીક પહોંચો એટલે તુરત ખબર પડી જાય, કેમ કે તદ્દન ખરાબ રસ્તાઓ શરૂ થયા હોય. વાંક આમાં - દેશી ભાષામાં ‘ખાયકી’નો - પ્રચલિત પરિભાષામાં - ‘ભ્રષ્ટાચાર’નો છે. પક્ષોએ પોતાનાં વિકાસનામા ચૂંટણીઢંઢેરા સ્વરૂપે પ્રસ્તુત તો કર્યા છે, પણ તેમાં આવી મૂળભૂત સમસ્યાનો મજબૂત ઉકેલ લાવવાની વાત દેખાઈ નહીં. એક કારણ એ છે કે બધું જલદીથી થયું છે. પણ બીજું કારણ એ છે કે ‘તાત્કાલિક’ પ્રશ્નોના જવાબો વાયદા-વચનોથી આપી શકાય છે. આમાં ઘણી વાર ‘કસ્મે વાદે પ્યાર, વફા કે, વાદે હૈં, વાદો કા ક્યા?’ જેવો ઘાટ ઘડાય છે. જોકે અમુક અંશે તેનો અમલ કરનારા નેતા - કાર્યકર્તા અને અધિકારીઓ પણ છે, પરંતુ હવે તેઓ ‘અપવાદ’ બનતા જાય છે!

દીપોત્સવીના દિવસોમાં પ્રચાર અને પછી લોકશાહીનો તહેવાર ગણાતી ચૂંટણી પણ આવી! નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં - આ લખાય છે ત્યારે - ગુજરાતનાં મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઉમેદવારને પસંદ કરવા માટે મતદાન થઈ ગયું છે. પછી જિલ્લા - તાલુકા પંચાયતોનો વારો આવશે. રાજ્યની ૫૬ નગરપાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૦ તાલુકા પંચાયતોની આ ચૂંટણી ડિસેમ્બરમાં પરિણામોનો ‘નઝારો’ લઈને હાજર થશે.

સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં અધધધ ઉમેદવારો છે! ભાજપના ૭૬૪૮, કોંગ્રેસના ૭૪૮૩, અન્ય પક્ષોના (એનસીપી, જનતા દળ-યુ વગેરે) ૧૩૩૯ અને બાકીના તે ૨૯૭૮ અપક્ષો!! અત્યાર સુધીમાં આમાંથી ૮૮ તો બિનહરીફ જીતેલા જાહેર થયા, બાકીનામાં સામસામી ‘મત-કુશ્તી’ છે. મહાનગર-પાલિકા (કોર્પોરેશન) અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરનો જંગ વધુ ‘બોલકો’ છે કારણ કે ત્યાં અખબારો અને ટીવી મીડિયાનો પ્રભાવ છે.

ચૂંટણી તો સ્થાનિક પ્રશ્નોની છે. ઉબડખાબડ રસ્તા, ભંગાર શાળાઓ, રોગચાળો અને આરોગ્ય તેમ જ સ્થાનિક વહીવટઃ આ કાયમી માથાના દુખાવા જેવા સવાલો હંમેશા નડે છે. પણ આ વખતે વળી પાટીદાર અનામત મુદ્દો ઉમેરાયો. હાર્દિક-છાપ અનામત ચળવળ તો હવે ખાસ અસરકારક નથી રહી, પણ આંદોલન દરમિયાન થયેલાં મોત, લાઠીમાર, પોલીસ-કેસ વગેરે સંવેદનશીલ મુદ્દા છે. તેને લીધે ભાજપ અને કોંગ્રેસમાં કાર્યકર્તા - નેતાઓના રાજી-નારાજીનામાના સમાચારો ચમકતા રહ્યા છે. પાટીદાર આંદોલને બીજું કાંઈ ના કર્યું હોય તો પણ છાપામાં ચમકતા ‘નેતા’ઓની એક કતાર ઊભી કરી દીધી! પાટીદાર-નેતા, ઓબીસી-નેતા, દલિત-નેતા, આદિવાસી-નેતા, જૈન-નેતા, ક્ષત્રિય નેતા... જેમનાં નામ અગાઉ સાંભળ્યાં ના હોય તે નિવેદનના માધ્યમથી હાકલા-પડકારા કરે છે.

આ કોર્પોરેશનોની ચૂંટણીમાં અમદાવાદમાં જ ૪૧૨ મતદારો ૧૦૦ વર્ષની ઉપરના છે! પણ જમાનો ‘નવા’ ‘યુવાન’ મતદારોનો છે, તેની સંખ્યા યે માતબર છે એટલે પક્ષોની નજર પેલા વયોવૃદ્ધ તરફ તો ક્યાંથી જાય? હા, રાજકારણમાં ૭૦ પછીની વયનાને ‘સન્માનનીય’ બનાવી દેવાના નિર્ણયનો પ્રથમ ભોગ બનનારા લાલ કૃષ્ણ અડવાણીનું નિવાસસ્થાન અમદાવાદ છે, એટલે મત આપવા નવી દિલ્હીથી અમદાવાદ આવ્યા. એમ તો નરેન્દ્ર મોદી યે અમદાવાદમાં ૨૦૧૪ની ચૂંટણીમાં મતદાન કર્યું હતું પણ આવે તેવું શક્ય નથી.

ચૂંટણી પરિણામોમાં થોડાક અંશે અવળ-સવળ થાય તે સ્વાભાવિક છે. અત્યાર સુધી ૨૦ વર્ષ દરમિયાન તો ભાજપનો દબદબો રહ્યો હતો. તેની પાસે કાર્યકર્તાઓનું મોટું સંગઠન છે એટલું કોંગ્રેસની પાસે નથી. એટલું તો સારું થયું કે બન્ને પક્ષોએ પોતાના રાષ્ટ્રીય નેતાઓને ન બોલાવ્યા. અહીં મતનો આધાર સ્થાનિક સવાલો પૂરતો અને વિકેન્દ્રિત વ્યવસ્થાનો જ હોય છે, હોવો જોઈએ. એ નોંધવું મહત્ત્વનું થઈ પડે કે દેશભરમાં પંચાયતીરાજની સ્થાપનાનું શ્રેય જે પંચની ભલામણોને જાય છે તે ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. બળવંતરાય મહેતાના વડપણ હેઠળ રચાયું હતું.

સ્થાનિક ચૂંટણીની અસર ખરી?

સ્થાનિક ચૂંટણીની દેશવ્યાપી કોઈ અસર ખરી? કોંગ્રેસ થોડી વધુ સફળતા પ્રાપ્ત કરે તો તેને માટે બોનસ ગણાશે, પણ તેના લીધે ‘રાહુલ ગાંધીને પક્ષનું રાષ્ટ્રીય નેતૃત્વ સોંપવું જોઈએ’ એવો કોઈ માહૌલ બનશે નહીં. રાહુલ-સોનિયાએ આ ચૂંટણીમાં કોઈ ખાસ રસ દાખવ્યો નથી. હા, કેટલાક ઉમેદવારો સીધા દિલ્હીથી પસંદ કરાયાની બૂમરાણ જરૂર થઈ. પણ અહમદ પટેલ ક્યાં છે? ગુજરાત કોંગ્રેસના દિલ્હી ખાતેના વજનદાર નેતાએ ક્યાંય પ્રચાર માટે સભાઓ ભરી હોય તે જાણમાં નથી. હા, સુરત - ભરૂચમાં તેમની આંશિક સક્રિયતા રહી તેવું એક કોંગ્રેસી મિત્રે માહિતી આપતાં જણાવ્યું હતું.

કોંગ્રેસની આ વખતની ચૂંટણીનો ‘ભાર’ કોઈ એક નેતા પર રાખવાની વ્યૂહરચના નથી એટલે શંકરસિંહ વાઘેલા, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલ પોતાની અસર હેઠળના વિસ્તારોમાં પ્રચારકાર્ય કરી રહ્યા છે. ભાજપ માટે આનંદીબહેન પટેલ રાજ્યવ્યાપી જાહેરસભાઓ કરી રહ્યા છે. બીજા નેતાઓ પણ સામેલ છે. નવા અને જૂના - એવા ગૂંચવાડામાં પડ્યા સિવાય જ ઉમેદવારો પસંદ કરાયા તેવું યાદીમાં જોઈ શકાય છે.

‘ધરાર-સેક્યુલરો’ માટે ચિંતાનો વિષય

ચૂંટણી પરિણામોને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં થયેલું અને ન થયેલું કામ, મોંઘવારી, ભ્રષ્ટાચારની ફરિયાદ અને પાટીદારનાં જુદાં જુદાં જૂથોનો તરફેણ વિરોધ અને ક્યાંક અસંતુષ્ટોની બળવાખોરી કે અંદરથી ચાલતી પ્રવૃત્તિ - આ મુદ્દા અસર કરશે.

જોકે આ ચૂંટણી ‘ધરાર-સેક્યુલરો’ માટે ભારે ચિંતાનો વિષય બની ગઈ તે મુદ્દો ઘણાની નજરમાં આવ્યો નથી. લોકોને સ્થાનિક પ્રશ્નોમાં રસ છે એટલે ‘હિન્દુ-મુસ્લિમ’ સવાલ ઊઠ્યો જ નહીં. અગાઉની ચૂંટણીઓમાં ગોધરાનો મુદ્દો ચગાવીને મતવિભાજન કરાવવા માટે દિલ્હીથી કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ ઊતરી પડી હતી. આ વખતે તો ભાજપમાં યે મહત્ત્વનાં સ્થાનોએ મુસ્લિમ ઉમેદવારો પણ ઊભા રખાયા છે. બિહારમાં ચાલેલી ‘ગાય’ અને બુદ્ધિજીવીઓના એવોર્ડ - અસ્વીકાર જેવા મુદ્દા શાણા ગુજરાતને તદ્દન નકામા લાગ્યા છે.

નરેન્દ્ર મોદી, બ્રિટિશ સરકાર અને શ્યામજી-સ્મૃતિ

‘ગુજરાતી વડા પ્રધાન’ની બ્રિટન મુલાકાત વિશે અહીં સ્વાભાવિક ઉત્સુકતા હતી. કેટલાક તો એવી રાહ જોઈ રહ્યા હતા કે બિહારમાં પરિણામોની અસર રહેશે અને લંડનમાં વિરોધ દેખાવો મોટા પાયે થશે. પછી ખબર પડી કે ‘આવાઝ’ નામની સંસ્થા તો ઘણા સમયથી વિરોધનો ધંધો કરે છે અને તેનો એક નેતા તાજેતરમાં પાકિસ્તાન-પ્રેરિત હોવાથી પકડાયો છે. નાણાંકીય વ્યવહારોથી તે આવાં પ્રદર્શનો કરે - કરાવે છે!

લંડનમાં નરેન્દ્ર મોદી અને એનઆરઆઈ (મુખ્યત્વે એનઆરજી) તેમ જ બ્રિટિશ સરકારની એકબીજા સાથેની મહેનત અને સૂઝ કાર્યક્રમોમાં દેખાઈ. મોદી પણ વેમ્બલીના ભરચક સ્ટેડિયમમાં ખીલ્યા. ડેવિડ કેમરને કુશળ રાજકારણી તરીકે તક ઝડપી લીધી. વડા પ્રધાને પોતાનાં પ્રવચનમાં પંડિત શ્યામજી કૃષ્ણવર્મા વિશે વિગતે વાત કરી.

‘ઇન્ડિયા હાઉસ’ તો ન જઈ શક્યા, પણ બ્રિટિશ સરકારે ખૂંચવી લીધેલી શ્યામજીની સનદ ડેવિડ કેમરને સન્માનપૂર્વક પાછી આપી તેનો ભાવસભર ઉલ્લેખ કરીને કહ્યું કે કેમરને ઘડિયાળના કાંટા પાછા ફેરવ્યા! ૧૧મીની બપોરે લંડનથી વડા પ્રધાનના અંગત સચિવ જગદીશ ઠક્કરે આ ખુશખબર મને આપ્યા હતા. પછી વક્તવ્ય પણ સાંભળ્યું. હવે બ્રિટિશવાસી ગુજરાતી સંસ્થા - સંગઠન - મહાજનોની ફરજ થઈ પડે કે શ્યામજીથી અ-જાણ એનઆરજી, એનઆરઆઈ અને બ્રિટિશ બૌદ્ધિકો સુધી આપણા આ મહાન ગુજરાતી ક્રાંતિકારના જીવન અને કાર્યને પહોંચાડે.

ત્રણ દિવસના પ્રવાસ પછી નરેન્દ્ર મોદી પાછા ફર્યા છે, ૨૦૧૬ની ચાર રાજ્યોની ચૂંટણી તેમને માટે હાજર છે!


comments powered by Disqus