ગુજરાતઃ પહેલી મેના પડકારો

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 27th April 2016 06:35 EDT
 
 

ગુજરાત રાજ્યની સ્થાપનાનો દિવસ પહેલી મેના રોજ ઊજવાશે. આનંદીબહેન આ વખતે તે દૂરદરાજ વનવાસી વિસ્તાર છોટાઉદેપુરમાં રાજ્યસ્તરની ઊજવણી કરશે. આ એક નોંધનીય વાત છે કે ઘણા સમયથી માત્ર ગાંધીનગરને બદલે આ ઉત્સવ જુદા જુદા જિલ્લા-તાલુકા મથકોએ લઈ જવાય છે. આપણે ઇચ્છીએ કે કોઈક વાર તેવું સા-વ નાનકડું ધૂળિયું ગામડું પણ રાજ્યસ્તરની ઊજવણીનું કેન્દ્ર બને!

૧૯૬૦ની પહેલી મેએ રચાયેલું ગુજરાત મહાગુજરાત આંદોલનનું સીધું પરિણામ હતું. ‘ઇન્દુચાચા’ એ સમયના ‘નેહરુ ચાચા’ને ગુજરાતીઓએ આપેલો ઐતિહાસિક જવાબ હતો!

ગુજરાત રાજ્યે સાબરમતી - નર્મદા - મહી - ભાદર જેવી જ ગતિવિગતિ અનુભવી છે. સરહદ પર બે વાર પાકિસ્તાન સાથેનાં યુદ્ધો, ભૂકંપ અને દુકાળનો કારમો અનુભવ પણ લીધો. સત્યાગ્રહો કર્યા તેમાં બે - દીવ - દમણ - દાદરા નગરહવેલીનો ફિરંગીથી મુક્તિનો અને બીજો પાકિસ્તાનને છાડ બેટ આપવા સામેનો કચ્છ-સત્યાગ્રહ.

ગુજરાતે તેના એક મુખ્ય પ્રધાન ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાનના વિમાની અકસ્માતમાં ખોયા તે સુંથરી (કચ્છ)ના અકસ્માતમાં બળવંતરાય મહેતાનું અવસાન. તેમની સાથે એક પત્રકાર પી. કે. શાહ પણ મૃત્યુ પામ્યા અને બળવંતરાયનાં પત્ની સરોજબહેન પણ. જનાંદોલનોને લીધે જેમને મુખ્ય પ્રધાનપદ છોડવું પડ્યું તે અનામત-આંદોલન પછી માધવસિંહ સોલંકી અને નવનિર્માણ પછી ચીમનભાઈ પટેલ.

પક્ષની આંતરિક હિલચાલમાં બે મુખ્ય પ્રધાન હોમાયા તે ડો. જીવરાજ મહેતા અને કેશુભાઈ પટેલ. પોતાના અલગ રાજકીય પક્ષ રચીને શંકરસિંહ વાઘેલા મુખ્ય પ્રધાન બન્યા તે ગુજરાતી રાજકારણનો અલગ તરી આવે તેવો પ્રયોગ ગણાય. કેશુભાઈએ પણ અલગ પક્ષ તો રચ્યો હતો, પણ તેને યારી મળી નહીં.

ગુજરાતનાં જાહેરજીવનનાં યશસ્વી નામો? રાજકારણમાં ઢેબરભાઈ, ડો. જીવરાજ મહેતા, હિતેન્દ્ર દેસાઈ, ઠાકોરભાઈ દેસાઈ, મોરારજીભાઈ, બળવંતરાય મહેતા, કેશુભાઈ પટેલ અને હવે નરેન્દ્ર મોદી. પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ.

આંદોલનો - કચ્છ સત્યાગ્રહથી શરૂ કરીને મહાગુજરાત આંદોલન, અનામતની તરફેણ વિરોધનું આંદોલન, નવનિર્માણ, અયોધ્યા આંદોલન, કટોકટી વિરોધી સંઘર્ષ. અત્યારનાં પાટીદાર આંદોલનની સફળતા-નિષ્ફળતા તેના મુદ્દાનો પ્રભાવ કે અભાવ પર આધાર રાખશે.

૨૦૧૫-૧૬નું ગુજરાત પાછલાં રાજકારણનો પડછાયો છે. હવે ગોધરા ઘટના જેવું પુનરાવર્તન શક્ય નથી. મુખ્ય રાજકીય પક્ષો બે છે - ભાજપ અને કોંગ્રેસ. તેમાં છેલ્લાં ૧૫ વર્ષથી ભાજપ સત્તા ભોગવે છે. ૧૯૬૦થી ૧૯૭૫ સુધી કોંગ્રેસે અબાધિત શાસન ભોગવ્યું હતું.

આનંદીબહેનના શાસન સામે કયા પડકારો છે? પાટીદાર અનામત આંદોલનનું રાજકારણ તેમાં સૌથી આગળ છે. ઉનાળાને લીધે પાણીની ખેંચ અને નર્મદાનું અધિક પ્રભાવી અમલીકરણ - બે મોટી બાબતો બની જશે. સરકાર અને સંગઠને ભેગા મળીને સર્વસ્પર્શી સામાન્ય પ્રશ્નોનો ઉકેલ લાવવો પડશે. અગાઉ કોંગ્રેસ વિવિધ સત્તાકાંક્ષી લોકોનો, પડકારી ના શકાય તેવો મેળો થઈ હતી. ભાજપે તેની વિચારધારાને કેન્દ્રમાં રાખવી હોય તો આ પરિસ્થિતિથી બચવું પડે. વહીવટી તંત્રના અધિકારીઓનું રાજકારણ ઘણી બધી રીતે અસર કરે છે તેમાં સાવધાની અને સજ્જતા કેળવ્યા વિના કોઈ પણ ક્ષેત્રમાં ગુણાત્મક પરિણામ શક્ય નહીં બને.

ગુજરાત બહારનું યે એક ગુજરાત છે, ભારતના દરેક પ્રદેશોમાં વસેલું છે. વિદેશોના ૬૦ દેશોમાં ગુજરાતીઓ છે. તેમના સવાલોને સમજવા, ઉકેલવા, આંતર્ સંબંધ સ્થાપિત કરવા, ગુજરાતમાં ઉદ્યોગો જ નહીં - સામાજિક રચનાત્મક પ્રવૃત્તિ માટે તેમને સક્રિય કરવા... આ કામ વધુ અસરકારક કરવાનું બાકી છે.

ભૂલી બીસરી યાદેંઃ એક જનાંદોલનનો આજનો મિજાજ?

ચાળીસ વર્ષ પહેલાંની, દેશ આખાને સ્પર્શતી એક ‘કાળી ઘટના’ (બ્લેક એપિસોડ)ને અમદાવાદમાં, હમણાં સોએક નાગરિકોએ સાથે મળીને યાદ કરી, ચિંતા અને ચિંતન કર્યાં અને પ્રસ્તાવો પણ પસાર કર્યાં.

આમ તો આ સા-વ નાનકડી વાત લાગે, પણ જો ઊંડાણથી વિચારીએ તો દેશ અને લોકશાહી બન્નેનાં વર્તમાન અને ભવિષ્યની સાથે જોડાયેલો ભૂતકાળ હતો.

અમદાવાદના સર્કીટ હાઉસના પરિષદ ખંડમાં ગુજરાતના તમામ જિલ્લાના પ્રતિનિધિઓ ‘લોકતંત્ર સેનાની સંઘ’ અને ‘મીસા બિરાદરી’ના ઉપક્રમે એકઠા થયા અને તે બધા જ ૧૯૭૬ની ૧૨ માર્ચથી ૧૯૭૭ના જાન્યુઆરી સુધી વડોદરા - સુરત - સાબરમતી - ભાવનગર - રાજકોટ - ભૂજ - જામનગર - મહેસાણાની જેલોમાં ‘મીસા’ અટકાયતી ધારા હેઠળ કેદી રહ્યા હતા. એ વખતે તો તે અનિશ્ચિત ભવિષ્ય હતું કેમ કે સરકાર ધારે ત્યાં સુધી જેલોમાં ગોંધી રાખવાની સત્તા ભોગવવાની હતી અને સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં ન્યાયતંત્રે ય હાથ ઊંચા કરી દીધા હતા (એક માત્ર ન્યાયમૂર્તિ એચ. આર. ખન્ના સિવાય તમામ ન્યાયમૂર્તિઓએ ચુકાદો આપ્યો કે સરકાર - સંસદ - રાષ્ટ્રપ્રમુખે લીધેલા નિર્ણય સામે હેબિયસ કોર્પસ થઈ શકે તેમ નથી.)

હવે આ મીસાવાસીઓ અને ડી.આઈ.આર. હેઠળ જે એક લાખ દસ હજાર લોકો જેલમાં હતા તેની રાષ્ટ્રીયસ્તરની સંસ્થા ‘લોકશાહી સ્વાતંત્ર્ય સેનાની સંઘ’ની સ્થાપના થઈ છે, મધ્ય પ્રદેશના કૈલાસ સોની તેના અધ્યક્ષ છે. આ બેઠકમાં કૈલાસ સોની આવ્યા હતા. તેમણે એક રસપ્રદ વાત એ કરી કે ભારતીય બંધારણના ઘડવૈયાઓમાંના એક હરિ વિષ્ણુ કામથ જ્યાંથી લોકસભા ચૂંટણી લડીને જીત્યા હતા તે મધ્ય પ્રદેશના કરઈ વિસ્તારમાં આ ‘લોકતંત્ર સ્વાતંત્ર્ય સેનાની સંઘ’ની સ્થાપનાનો વિચાર કરાયો અને આજે સંસ્થા દેશવ્યાપી થઈ છે. ભારતનાં આઠ રાજ્યોની સરકારોએ તો ૧૯૭૫-૭૬-૭૭ના આ સંઘર્ષશીલોને ‘લોકશાહી સ્વાતંત્ર્ય-સન્માન’ જાહેર કર્યું અને મધ્ય પ્રદેશે રૂ. ૨૫,૦૦૦ જેટલો સન્માનનિધિ દર મહિને એનાયત કરવાનું શરૂ કરી દીધું!

ગુજરાત આ લડતમાં મોખરે હતું અને તે લડાઈમાં સામેલ ભૂગર્ભવાસી તેમજ જેલવાસીઓમાંના કેટલાક તો (નામો હોઠ પર આવે તેવાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ મુખ્ય પ્રધાનો કેશુભાઈ પટેલ, બાબુભાઈ જ. પટેલ, શંકરસિંહ વાઘેલા, રાજ્યપાલ વજુભાઈ વાળા, કેન્દ્ર-રાજ્યના કેટલાક પ્રધાનો, સાંસદો, ધારાસભ્યો, મેયર વગેરે) સત્તાના ઉચ્ચ હોદ્દા સુધી પહોંચ્યા.

પણ જે ‘સામાન્ય’ ગણાતા ‘મધ્યમ વર્ગ’ના એ સમયના કેટલા બધા સંઘર્ષશીલો સામેલ હતા તેની ઝાંખી ૨૪ એપ્રિલની અમદાવાદ ખાતેની આ બેઠકમાં પણ થઈ. એક ગણતરી પ્રમાણે રાજકોટ જિલ્લાના ૭૦, સાબરકાંઠાના ૧૭, ખેડાના ૧૫, આણંદના ૧૩, પંચમહાલના ૧૨, બનાસકાંઠાના ૯, કચ્છના ૧૦, વલસાડના ૧૭, વડોદરાના ૫૬, સુરતના ૩૬, અમદાવાદ નગરના ૧૧૦, અમદાવાદ જિલ્લાના ૧૬, જામનગરના ૧૮, ભાવનગરના ૨૯, જૂનાગઢના ૩૬, મહેસાણાના ૪૪, અમરેલીના ૬, ભરૂચના ૪, ડાંગના ૩ અને સુરેન્દ્રનગરના ૧૩... આ સિવાય સત્યાગ્રહ અને ડી.આઈ.આર. હેઠળના વધારાના કેદીઓ હતા.

૪૦ વર્ષ પૂર્વેના આ સંઘર્ષમાં જનસંઘ, આરએસએસ, જમિયત-એ-ઉલેમા, સંસ્થા કોંગ્રેસ, સર્વોદય, સમાજવાદી પક્ષ, સામ્યવાદી (સીપીએમ), વિદ્યાર્થી પરિષદ, છાત્ર સંઘર્ષ વાહિની... એમ અનેક સંગઠનો સામેલ હતાં... આજે તેમના ઘણાએ કાયમી વિદાય લઈ લીધી છે.

૧૯૭૭માં જ્યારે હું ‘મીસાવાસ્યમ્’ જેલસ્મૃતિ કથા લખી રહ્યો હતો કે પ્રચારક નરેન્દ્ર મોદીએ ‘સંઘર્ષમાં ગુજરાત’ લખ્યું ત્યારે કેટલા બધા મહાનુભાવો આપણી વચ્ચે હતા તેનું સ્મરણ આ બેઠકમાં કર્યું તો ઘણા તેજ નક્ષત્રોની યાદ તાજા થઈ આવી... પ્રખર ધારાશાસ્ત્રી રેડિકલ હ્યુમેનિસ્ટ ચંદ્રકાંત દરૂ, વિદ્યાપ્રવૃત્તિમાં સામેલ બી. કે. મજમુદાર, ગુજરાતમાં વિપક્ષી એકતાનો પાયો નાખનાર, જનસંઘ-મહામંત્રી વસંતરાવ ગજેન્દ્ર ગડકર, સંઘ-જનસંઘના પ્રેરણા પુરુષ લક્ષ્મણરાવ ઇનામદાર, ગાંધીજન મુખ્ય પ્રધાન બાબુભાઈ જ. પટેલ, વિદ્યાપીઠના કુલપતિ ધીરુભાઈ દેસાઈ અને રામલાલ પરીખ, ભોગીભાઈ ગાંધી, શિક્ષણશાસ્ત્રી કીર્તિદેવ દેસાઈ, વડોદરા ડાઇનેમાઇટમાં સામેલ પત્રકાર કિરીટ ભટ્ટ, ઉદ્યોગપતિ વીરેન શાહ, વિદેશે જઈને કટોકટી-વિરોધી ચળવળ ચલાવનાર મકરંદ દેસાઈ, ‘ભૂમિપુત્ર’-તંત્રી ચુનીકાકા અને પ્રખર રાજકારણી ચીમનભાઈ શુકલ. હમણાં અવસાન પામેલા મનુભાઈ પટેલ અને ઇન્દુભાઈ પટેલ, અર્થશાસ્ત્રી આર. કે. અમીન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત સંઘચાલક ડો. પી. વી. દોશી, બ્રહ્મકુમાર ભટ્ટ, ભાઈલાલભાઈ કોન્ટ્રાક્ટર, રીખવદાસ શાહ, લલ્લુભાઈ મકનજી, યશવંતભાઈ ભટ્ટ, રાજકોટ મેયર અરવિંદ મણિયાર, સદા-સંઘર્ષી સંગઠક સૂર્યકાંત આચાર્ય, પૂર્વ મેયર જયેન્દ્ર પંડિત, અધ્યક્ષ અશોક ભટ્ટ... અને બીજા ઘણા સ્વર્ગવાસી થઈ ગયા છે.

લોકશાહી સ્વાતંત્ર્ય સેનાની સંઘના અધ્યક્ષ કૈલાસ સોની અને મંત્રી કોમલ છેડાએ વિગતો આપી કે દિલ્હીમાં રાષ્ટ્રીય કારોબારી મળશે અને પછી આગામી જૂનમાં રેલી નીકળશે. આઝાદી પછીની ‘બીજી આઝાદી’ (લોકશાહીને બચાવવા માટે) માટે લડનારાઓનું વિસ્મરણ ન થાય એ જોવાની ફરજ કેન્દ્ર અને રાજ્ય સરકારોની છે તે વાતની અમે યાદ આપીશું...

એક જનઆંદોલન ૪૦ વર્ષ જૂનું થાય તે પછી પણ તેના તણખા તો પ્રજ્વલિત છે જ. રસપ્રદ અભ્યાસની દૃષ્ટિએ ગુજરાતનાં બીજાં જનાંદોલનોનું યે મૂલ્યાંકન થવું જોઈએ! તેનાં પરિણામો - દેખીતાં કે અદૃષ્ટા-નો વિચાર કરવા જેવો છે.


comments powered by Disqus