ગુજરાતનો મતદાર એકદમ જાગૃત બની ગયો!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 23rd April 2019 08:23 EDT
 
 

(ચૂંટણી ડાયરી-૫)

આ અંક જ્યારે તમારા હાથમાં હશે ત્યારે ભારતના ચૂંટણી જંગનો ત્રીજો - મહત્ત્વનો - તબક્કો પૂરો થયો હશે. મતદારે તેના મતનો ઉપયોગ કરી લીધો હશે. ગુજરાત પણ તેમાં આવી ગયું. ૨૩મી એપ્રિલે મતદાન. ૨૬ બેઠકો પર બે મોટા પક્ષો - કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો. ઉપરાંત ટચૂકડા પક્ષો સહિત ૩૫૦થી વધુ ઉમેદવારોનું ભવિષ્ય સીલબંધ થઈ ગયું!

ગુજરાતનો મિજાજ – ગણતરી (કેલ્ક્યુલેશન) સાથે જોડાયેલો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગાંધીનગરમાં અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણીના વારસદાર સાંસદ બનશે. કોંગ્રેસ અને ભાજપના તમામ નેતાઓ ગુજરાતમાં ચક્કર મારી ગયાં છે. ઉમેદવારો પોતાના નામ-કામ સાથે નરેન્દ્ર મોદીના કરિશ્મા પર નજર કરીને બેઠા છે પણ કોંગ્રેસ લગભગ નાસીપાસ છે. તમામ બેઠકો પર તેને આંતરિક ખેંચતાણ નડે છે. ૨૦૧૭ની જેમ આ વખતે ‘કાંખઘોડી’ના પ્રયોગમાં ત્રણમાંથી એક – હાર્દિક પટેલ – જ કામ આવ્યો. અલ્પેશ ઠાકોર સાથે ‘બાર્ગેનિંગ’ સફળ ના રહ્યું અને જિગ્નેશ મેવાણી તો ‘ટૂકડે ટૂકડે ગેંગ’ના સીપીઆઇ ઉમેદવાર કનૈયા કુમારને જીતાડવા માટે ચાલ્યો ગયો! હાર્દિક ‘બેરોજગારી’ની વાત કરવા માટે કોંગ્રેસનાં હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે તે વાત સોશિયલ મીડિયામાં ઉત્તમ રમૂજ બની ગઈ છે. હવે તો તેને યુવા કોંગ્રેસનો પ્રમુખ પણ બનાવાશે તેવા અહેવાલ છે.

ગુજરાતમાં માહોલ કેવો છે?

ઓહ ગરમી! ઓહ ચુંટણી!! બન્નેનો પશ્ચિમી ભારતના ગુજરાતમાં તખતો મંગળવાર સાંજ સુધીમાં આટોપી લેવાશે. તેનો પડછાયો અને પરાકાષ્ઠા તો પરિણામના દિવસ સુધી રહેવાના છે, પણ આ રોડ-શો, ભરબપોરના તડકા જેવા ભાષણો, આરોપ અને પ્રતિ આરોપો, ભદ્ર-અભદ્ર જે કહો તેની પરવા કર્યા વિનાના સંબોધનો, રેલી અને રેલાઓ, પત્રિકા અને પોસ્ટર્સ, મીડિયામાં દેખાડવામાં આવતી છોટી છોટી જાહેરાત - ફિલમો, ગીતો, સુત્રો, રોજની ‘મહા’ ચર્ચાઓ, મહામંથનો, મહાસંગ્રામના અહેવાલો, પ્રજા સાથેના વાર્તાલાપ, મુલાકાતો, ચુંટણી ઢંઢેરાઓ, સભા અને નુક્કડ સભાઓ...

અહોહો, સંસદીય લોકતંત્રમાં દિલ્હીની સંસદમાં મોકલવાના પ્રતિનિધિઓ માટે કેવો અસબાબ છે ને કેટલો મોટો ખર્ચ થાય છે. ચુંટણી પંચ તો ઠીક ક્યાંક અદાલત પણ સક્રિય બને છે. દેશ અને દુનિયાની નજર પર આ મતદાનના દિવસો છે, અને તેમાં કોણ કેટલી સંખ્યામાં જીતશે તેના પોલ - સર્વેની માયા પણ અજબગજબની ખરી.

હાલના આવા સર્વેક્ષણમાં ‘સર્વ’ શબ્દ બાકાત રાખવો જોઈએ કેમ કે જે અભિપ્રાય મેળવવામાં આવે તે ‘સેમ્પલ’ હોય છે. મોટો સવાલ એ છે કે આ સેમ્પલમાં અંદાજ કેવોક નીકળે છે? તમે ટીવી ચેનલોની ખુલ્લી ચર્ચા જોતાં હશો જેમાં ‘મતદાર નાગરિકો’ પણ સામેલ હોય છે. તેમાં બારિકાઈથી નિહાળવાની જરૂર નથી રહેતી કેમ કે શ્રોતાઓનો ૯૦ ટકા વર્ગ એક યા બીજા પક્ષના કાર્યકર્તાઓનો હોય છે. સામસામા હોકારા-દેકારા માટે તેઓ ખાસ હાજર રહે છે ને નેતાએ સુચવેલી ફરજ બજાવે છે.

જે ચુંટણી સર્વેક્ષણ થાય છે તેમાં ભલે વિવિધ વર્ગોને પૂછાતું હોય, જવાબ આપનારો ખાસ્સો પાવરધો હોય છે. હમણાં એક ચર્ચામાં ચુંટણી ઢંઢેરાની વાત નીકળી. ઢંઢેરામાં આપવામાં આવેલા વચનો અને તેનું અમલીકરણ એ આપણા બૌદ્ધિકોનો મનગમતો વિષય છે, અને પક્ષ પ્રતિપક્ષ માટે સામસામા હથિયાર ખેંચવાનો ખેલ બની રહે છે. આ ઢંઢેરા આવ્યા ક્યાંથી? મોટે ભાગે જે ‘ક્રાંતિ’ઓ થઇ તેમાં આવી ઘોષણા થતી. ક્યાંક પોતાની સત્તા સાબિત કરવા માટે પણ ઢંઢેરા જાહેર કરતા.

આપણા શાળાજીવનના નસીબે એક જ પ્રસંગ માથા પર ઠોકવામાં આવતો તે રાણી વિક્ટોરિયાનો ૧૮૫૭ વિપ્લવ પછીનો ઢંઢેરો. તેને મેનિફેસ્ટો કહેવાયો હતો કે કેમ તેની ખબર નથી. હા, અવધની બેગમોએ આ પરદેશી રાણીને જવાબ આપતો ઢંઢેરો પણ બહાર પડ્યો હતો. આપણા માટે બ્રિટિશ લોકશાહીના સહી-ગલત રસ્તા પર મેનિફેસ્ટોની બોલબાલા છે. દરેક પક્ષમાં તેને લખનારા નિષ્ણાતો હોય છે, ક્યારેક બહારના વિદ્વાનોની મદદ પણ લેવામાં આવે. પંડિત જવાહરલાલ નેહરુના નામે એક રમુજી વિધાન વર્ષોથી સાંભળવા મળે છે કે નેતાઓ ભેગા થાય અને ભારે ચર્ચા પછી કોઈ એકની પસંદગી કરવામાં આવે, તે બે-ત્રણ મહિના મહેનત - મથામણ કરે, અભ્યાસ કરે, પોતાના પક્ષની કરમ કુંડલીથી જ્ઞાત થાય અને ભવિષ્યે શું કરવામાં આવે તેનો પણ અભ્યાસ કરે પછી તેને શબ્દદેહ આપે. તે પુસ્તિકા સ્વરૂપે છપાય, અને નેહરુજી કહે છે તેમ, ‘તેને પૂરેપૂરો વાંચનારો એક જ હોય, જેણે આ ઢંઢેરો લખ્યો હોય!’

મોરારજીભાઈના નામે પણ એક પ્રસંગ કહેવાતો આવ્યો છે કે જનતા પક્ષમાં સંગઠન સંભાળતા નેતાઓ ઢંઢેરામાં અપાયેલી ભલામણોના અમલીકરણની ચર્ચા કરવા ગયા ત્યારે મોરારજીભાઈએ પૂછ્યું કે તમારામાંથી કેટલાએ ઢંઢેરો પૂરેપૂરો વાંચ્યો છે? અહીં પ્રશ્ન સંસદીય પ્રણાલીમાં કેટલીક બાબતો માત્ર કર્મકાંડ બની જતી હોય છે તેનો છે. આવું બીજી બાબતોમાં પણ બને છે. પણ જુઓ કે આ વખતે ઢંઢેરામાંથી જ રાષ્ટ્રીય મુદ્દાઓ ચર્ચિત થયાં છે. અને સહુથી મોટો મુદ્દો એ બન્યો કે ભારતને આજે કેવા નેતૃત્વની જરૂર છે?

ભાજપે ખુલ્લી રીતે કહ્યું કે દેશની સુરક્ષા માટે મજબુત નેતૃત્વ જ જોઈએ. અને તેને માટે નરેન્દ્ર મોદી સમર્થ છે. તેનો કોઈ વિકલ્પ નથી. સામે કોંગ્રેસ પાસે ‘ન્યાય’નો મુદ્દો છે, પણ ભ્રષ્ટાચાર વિશે, પાછલા વર્ષોમાં જે નાણાંકીય કૌભાંડો આવ્યા હતા તેને કારણે દલીલ થઇ શકે તેમ નથી એટલે રફાલ નામે લાકડાની તલવારથી લડે છે. તેમના અર્થશાસ્ત્રી નેતાઓએ સૂચવ્યું એટલે દરેક ગરીબના ખાતામાં ૭૨ હજાર રૂપિયા મૂકવામાં આવશે તેવો તરંગ વહેતો કર્યો છે. સબસીડી, લોન, સહાય વગેરેને કારણે દેશનું અર્થતંત્ર કેવું ખાડે ગયું તેનો વિચાર હવે કરવો જોઈએ. જવાબ એવો છે કે બીજા કરવેરા લાદવામાં આવશે! આ ઉપાય છેવટે તો મધ્યમ વર્ગને માટે ખતરનાક સાબિત થાય તેવો છે.

બસ, આ બે મુદ્દાની ચર્ચાને ‘ચોકીદાર’ અને ‘ચોર’ જેવાં શબ્દોથી જ વ્યક્ત કરવામાં આવી રહી છે. ‘સમાજવાદી સમાજ રચના’, કલ્યાણકારી રાજ્ય (વેલ્ફેર સ્ટેટ), ‘ક્વોટા પરમિટમુક્ત રાજ’... આ બધા સુત્રો અને સિદ્ધાંતો હવે અપ્રસ્તુત બની ગયા છે. હા, દુનિયાભરમાં મહામૂર્ખ સાબિત થયેલા ડાબેરી ‘ક્રાંતિ’નો ભ્રમ ક્યાંક દેખાય છે, અને તેમાં કન્હૈયા કુમાર જેવાનો મહિમા ગાનાર એક વર્ગ તૈયાર છે તેની ખબર ચાલાક નાગરિક, વાચકને, દર્શકને પડવા લાગી છે તે સારું જ છે.

એક આડ વાત પણ વિચારવા જેવી છે. ઢંઢેરો શબ્દ આમ તો જાહેરનામા જેવો છે. તેમાં જો પોતાની પ્રતિબદ્ધતા ઉમેરવી હોય તો શું કરવું તેનું ચિંતન જનસંઘ સમયે પંડિત દીનદયાળ ઉપાધ્યાય, ડો. મહાવીર, કે. આર. મલકાની, લાલ કૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપેયી વગેરેએ સાથે મળીને અભ્યાસ ચિંતન શિબિરમાં કર્યું હતું. તેમાંથી ‘સંકલ્પ પત્ર’ શબ્દ આવ્યો તે ભાજપ હજુ સુધી વાપરે છે.

મૂળ વાત ૨૦૧૯ના નાગરિકી મિજાજની છે. તેની સામે પારાવારની સમસ્યાઓ છે તે સ્થાનિક છે, પ્રાદેશિક છે, આર્થિક છે, સામાજિક પણ છે અને રાષ્ટ્રીય સમસ્યામાં સુરક્ષા તેમજ આતંકવાદ બન્ને ગંભીર પ્રશ્નોનો સામનો કરવા માટે કેન્દ્ર એકદમ મજબુત હોવું જોઈએ અને સ્થિર શાસન અનિવાર્ય બની જાય છે. આને ભાજપ જેટલું મહત્વ આપે છે એટલું કોંગ્રેસ અને ગઠબંધન માટે સક્રિય પક્ષોને નથી લાગતું. તેઓ એક મુદ્દે સંમત છે કે ભાજપ અને મોદી ના જોઈએ, આ વ્યક્તિગત વિરોધ મતના પ્રવાહને બદલાવી શકે ખરો?

૧૯૮૦માં ઇન્દિરા ગાંધી તદ્દન પરાજિત દશામાંથી ઉભા થયાં કે જીત્યા તેના બે જ કારણો હતાઃ એક તો ૧૯૭૭ પછી જનતા પાર્ટીનું લક્ષ્ય ઇન્દિરા રહ્યાં, કેસ થયાં, જેલ ગયા તેનાથી પક્ષને કઈ ન મળ્યું - ઇન્દિરા પ્રત્યે સહાનુભૂતિ રહી, બીજો ઉમેરો એ થયો કે કેન્દ્રમાં અસ્થિર સરકારોની પરમ્પરા ચાલી. ચરણ સિંહ, ચંદ્ર શેખર, ગુજરાલ વગેરે સરકારો આવી અને ગઈ. આથી પ્રજાને સ્થિર શાસન જરૂરી લાગ્યું. આજે ગઠબંધનની ગાંઠ ખોલો તો ડઝનબંધ નેતાઓની વડા પ્રધાન બનવાની મહત્વાકાંક્ષા દેખાશે.

બહુમતી કે સાંઠગાંઠથી સર્જાતી સરકારો કેન્દ્રને અસ્થિર અને નબળું પાડે તો શું થાય? આ સવાલ સંપૂર્ણ ગણતરી કરનારા ગુજરાતીને પણ થાય તે સ્વાભાવિક છે. આ સવાલ લગભગ સામાન્ય, પણ જાગૃત નાગરિકના દિલ-દિમાગ સુધી પહોંચી ગયો છે અને મહિના પછી મતગણતરી સમયે પરિણામોમાં તેનો જવાબ મળી રહેશે.


comments powered by Disqus