ગુજરાતી પત્રકારો, પડકારોના જંગલમાં ચાલતા મુસાફરો છે!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 30th May 2017 05:29 EDT
 
 

ગુજરાતી પત્રકારોમાંથી કેટલાકનું સન્માન રવિવાર, ૨૮ મેની સવારે એક આકર્ષક સમારંભમાં થયું. વિશ્વ સંવાદ કેન્દ્રે તેનું આયોજન કર્યું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોથી દેશભરનાં મુખ્ય નગરોમાં વિશ્વ સંવાદ કેન્દ્રની પ્રવૃત્તિ ચાલે છે. સંઘ-પરિવારનો જ તે એક ભાગ છે. મુખ્યત્વે મીડિયા સાથેના સંપર્કો-સંબંધોનો તેનો હેતુ છે.

આ હેતુ સાથે તે સંસ્થા મહર્ષિ - દેવર્ષિ નારદ જયંતિ ઊજવે છે અને નારદને આદિ પત્રકાર ગણીને તેની ઊજવણીની સાથે જુદા જુદા ક્ષેત્રના પત્રકારોનું સન્માન કરે છે.

આ વર્ષે તેમણે એબીપી ગુજરાતી ટીવી ચેનલના મુખ્ય તંત્રી બ્રિજેશ કુમાર સિંહ, ટીવી-નાઇનના વિકાસ ઉપાધ્યાય, અમદાવાદથી પ્રકાશિત થતા ‘ગુજરાત સમાચાર’ દૈનિકના કતાર લેખક ભવેન કચ્છી, ‘અભિયાન’નનાં પૂર્વ તંત્રી જ્યોતિ ઉનડકટ અને એફએમ રેડિયોની આરજે આરતી - આમ પાંચને તેમનાં પત્રકારત્વ માટે નવાજવામાં આવ્યાં. ‘પદ્મશ્રી’ એનાયત થયાનો, અને સાહિત્ય અકાદમીના અધ્યક્ષપદે વરણી થવાનો આનંદ આ સંસ્થાએ વ્યક્ત કર્યો હતો એટલે અતિથિવિશેષ અને અભિવાદન – એમ બેવડો લાભ મને મળ્યો! પ્રારંભે કેન્દ્ર નિયામક રમેશ ઠક્કર અને પછી આરએસએસના પ્રાંત પ્રમુખ ડો. મલકાણનાં વક્તવ્યો થયાં.

અમદાવાદમાં નવજીવન પ્રેસના વિવેક દેસાઈએ આ પરિસરને જીવંત બનાવી દીધું છે. અહીં કર્મા કાફેમાં તમે ચા-કોફીની ચુસકી લેતાં લેતાં અસંખ્ય પુસ્તકોમાંથી પસંદ કરીને તે નિરાંતે વાંચી શકો. આ ‘રેસ્ટોરન્ટ’ છે અને ‘નથી’. અહીં ‘કર્મા થાળી’ પણ મળી રહે, એકદમ સાત્વિક અને રસદાર ખાણું મળે. કોઈ મૂલ્ય સાથે તેને બાંધવામાં આવ્યું નથી. ભોજન કરનાર ઇચ્છે એટલી રકમ આપી શકે! આ સ્વૈચ્છિકતાનો અનુપમ પ્રયોગ સરસ રીતે ચાલે છે. કર્મા કાફેની પાછળ જિતેન્દ્ર દેસાઈ સ્મારક સભાખંડ છે. વિશ્વ સંવાદ કેન્દ્રનો કાર્યક્રમ તેમાં યોજાયો. ખંડ ભરચક હતો. ગુજરાતનાં લગભગ તમામ જાણીતા પત્રકારો, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને પત્રકારત્વના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત હતા.

લગભગ બે-અઢી કલાક ચાલેલા સમારંભમાં, અભિવાદિત પત્રકારોએ પોતાનું મન ખોલ્યું. આરતીએ તો રાજકોટથી અમદાવાદ સુધીની તેની સફરમાં પડેલી બાધાઓ વર્ણવી ત્યારે લાગ્યું કે યુવા પેઢી જો ધારે તો સજ્જતા સાથે, સાહસપૂર્વક આગળ વધી શકે છે. બ્રજેશ કુમાર સિંહ અત્યાર સુધી એબીપી ગુજરાતી અસ્મિતા ચલાવતા હતા હવે નવી દિલ્હીમાં ઝી હિન્દીનું સુકાન સંભાળશે. તેમનો અભ્યાસી જીવ કાયમ એવો જ રહ્યો છે. સમૃદ્ધ ગ્રંથાલય અને સંદર્ભો વિશે અમારો વિનિમય ચાલતો રહ્યો છે.

મારાં વક્તવ્યમાં નારદ-એક દંતકથા અને નારદ-એક વાસ્તવિકતાનો સુમેળ દર્શાવ્યો. આપણને એ વાતની ખબર નથી કે જેમ શ્રીકૃષ્ણની એક ગીતા છે તેવી નારદની યે ગીતા છે! કૃષ્ણે પોતે ક્યાં વસે છે તેનું વર્ણન (વૃક્ષમાં હું પીપળો છું, યજ્ઞમાં જપ યજ્ઞ છું...) કરતાં ‘દેવ ઋષિઓમાં હું નારદ છું.’ એમ પણ કહ્યું છે. કોઈ ઋષિના નામ પર પુરાણ રચાયું હોય એવો અપવાદ નારદ છે. નારદ પુરાણના ૨૫,૦૦૦ શ્લોક છે તેમાંના ૨૨,૦૦૦ શ્લોક ઉપલબ્ધ છે. તેમાં જ્યોતિષ શાસ્ત્રના યે શ્લોક છે. નારદ જયેષ્ઠ વદ દ્વિતીયાએ જન્મ્યા હતા. બ્રહ્માનું સંતાન હતા પણ પિતાએ અન્યાય કર્યો તો તેને ય અભિશાપ આપ્યો! ‘ઇશ્વરનું મન’ નારદ ગણાય છે. વિશ્વની તમામ વિગતો - માહિતીના જાણકાર! જ્યાં જે કહેવું હોય તે કહી દે! શિવને એક વાર તેમણે કહ્યુંઃ ‘તમે તો કામદેવને માત્ર બાળી મૂક્યો છે, તેને જીતનારો તો હું છું!!’

આ મુક્તવિહારી પત્રકારને વળી વિઝા-પાસપોર્ટની બાધા ક્યાંથી નડે? યત્ર–તત્ર–સર્વત્ર પરિભ્રમણ કરનારા નારદ આપણી ફિલ્મોમાં અને લોક-જીભ પર નટખટ, એકબીજાને ઝઘડાવી મારનારા અને તેમાં આનંદ લેનારા તરીકે વર્ણન થયું છે, પણ તેમનું અસલી સ્વરૂપ અલગ હતું. ભારતીય ભાષાનાં પ્રથમ અખબાર ‘ઉદન્ત માર્તંડ’ના પહેલા જ તંત્રીલેખમાં તેમને ‘પ્રથમ પત્રકાર’ ગણાવાયેલા!

એમ તો કુરુક્ષેત્રનો સંજય પણ કમ પત્રકાર નથી! ‘યથા તથ્’ માહિતી એ જો પત્રકારત્વનો ગુણ ગણાતો હોય તો કુરુક્ષેત્રની રજોરજ માહિતી - અંધ ધૃતરાષ્ટ્રને - સંજયે જ આપી હતી ને? એક રસપ્રદ વાત એ પણ છે કે અર્જુનને શ્રીકૃષ્ણે પિસ્તાળીસ મિનિટમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા સંભળાવી હતી! જો એમ હોય તો કૃષ્ણ પાક્કા પ્રોફેસર હોવા જોઈએ, જે પોતાના વિદ્યાર્થીઓને પિસ્તાળીસ મિનિટે જ – ઘંટ વાગે ત્યારે - વર્ગમાંથી છોડે છે!

પરંતુ વર્તમાન પત્રકારત્વની દશા અને દિશા નારદયુગની ન હોઈ શકે. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાનો આ યુગ છે. રોજેરોજ તેમાં નવા સંશોધનો અને સુવિધાઓના ઉમેરા થતા જાય છે. આ ત્રણેને એકબીજાનાં હરીફ ગણવામાં આવે છે. પણ જો - ખાસ કરીને ભારતમાં - આ ત્રણે એકબીજાનો હાથ મેળવીને આગળ ચાલે તો દેશના અનેક ભાવિ પડકારો - ખાસ કરીને વિભાજન અને અલગાવવાદી પરિબળોનો - સફળ સામનો થઈ શકે છે. અત્યારે તો એવી પણ હાલત છે કે ઢગલાબંધ માહિતીનો ખડકલો અખબાર – ટીવી - સ્મોલ સ્ક્રીન પર થાય છે ત્યારે રશિયન લેખક એલેકઝાન્ડર સોલ્ઝેનિત્સિનનું એ વાક્ય યાદ આવે કે ભાઈ, જેમ ‘માહિતી જાણવાનો અધિકાર’ (રાઇટ ટુ નો) તેમ ‘માહિતી ન જાણવાનો’ યે અધિકાર માણસને જરૂરી છે!

તેની વાત સાચી છે. સવારમાં દસ-બાર અખબારોનો થોકડો ચાના કપ સાથે લઈને બેસીએ ત્યારે તમામ અખબારો વાંચી લીધા પછી યે ચાની ચુસકી ચાલુ જ હોય છે. કારણ? મોટા ભાગે એકના એક સમાચારો, અને લેખો પણ ચીલાચાલુ હોય છે. કોઈ કોલમનું મથાળું વાંચીએ કે લેખકનું નામ વાંચીએ એટલે અંદાજ આવી જાય કે આમાં તેણે શું કહ્યું હશે? અધૂરીપધૂરી માહિતી, તેમાં વ્યક્તિગત પૂર્વગ્રહો કે પક્ષપાતનો ઉમેરો, ક્યાંક શબ્દોનાં છબછબિયાં, મોટાભાગે ‘કટિંગ એન્ડ પેસ્ટિંગ’ (બહુ જૂની - બહુ ન વંચાયેલી ચોપડી તેમાં બહુ કામ લાગે!!)... આપણાં પત્રકારત્વના આ અનિવાર્ય લક્ષણો બની ગયાં હોય ત્યારે ઢગલાબંધ અખબારો દસ - પંદર મિનિટમાં વંચાઈ જાય તેમાં નવાઈ શી?

છતાં પત્રકારની પાસે એક શક્તિ છે - શબ્દની ‘સત્યને નિહાળો’ (ટ્રૂથ સીકિંગ) અને સત્યનું ઉદબોધન કરો (ટ્રૂથ ટેલિંગ)એ તેનો મૂળ મુદ્રાલેખ હોવો જોઈએ, તેના આધારે તે વિચારના અગ્નિનો ‘ફાયર પ્લેસ’ સળગતો રાખી શકે.

અહીં ગુજરાતના પત્રકારો વિષેનો મારો અનુભવ રસપ્રદ રહ્યો છે. ૧૯૭૭થી તો પત્રકારત્વના વર્ગોમાં અધ્યાપન ચાલુ છે. નવા યુવા પત્રકારો અનેક જગ્યાએ પોતાની સજ્જતા દર્શાવતા દેખાય છે. અગાઉ ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગે, તે પૂર્વે એન.આઇ.એમ.સી.જે.- અમદાવાદ, વિદ્યાનગર પટેલ કોલેજ, રાજકોટ યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગે આનંદ વ્યક્ત કરતા કાર્યક્રમો કર્યા, હવે આગામી સપ્તાહે ગુજરાતી સાહિત્ય પરિષદમાં ચાલતા પત્રકારત્વ વિભાગના પાંચ વર્ષના વિદ્યાર્થીઓએ એકઠા થઈને એક ગોષ્ઠિ યોજી છે.

મજાની વાત એ છે કે સાહિત્ય પરિષદનો જ એક ભાગ હોવા છતાં આ વિદ્યાર્થીઓને પરિષદના ખંડમાં ગોષ્ઠિ કરવાની અનુમતિ ના મળી. કારણ, હવે હું સાહિત્ય અકાદમીનો અધ્યક્ષ છું!! એટલે આ વિદ્યાર્થીઓએ પોતની રીતે બીજે કાર્યક્રમ યોજવો પડ્યો! બોલો, ‘સાહિત્ય સદભાવના’નું અભિયાન ચાલવું જોઈએ કે નહીં?


comments powered by Disqus