ગુજરાતી સાહિત્યના જેટલા પ્રશ્નો છે એટલી જ સિદ્ધિ પણ છે...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 23rd August 2017 07:17 EDT
 
 

સર્જાતા સાહિત્યનું મુખ્ય વહેણ નિજાનંદમાં ભળી જાય એ વાત સાચી છે પણ તેનો ચેતોવિસ્તાર વધુ ને વધુ ભાવકો સુધી પહોંચવાનો હોય છે. એટલે તો તેને માણનારા મળી રહે, તેની કૃતિ વંચાય અને વખણાય એ પણ સાહિત્યિક પ્રવૃત્તિ બની રહે છે. કાલિદાસ કે મિલ્ટન કે બાયરન યા પાસ્તરનાક અથવા તો આપણા ગોવર્ધનરામ, મુનશી અને મેઘાણી વંચાતા ના હોત તો તેમની સર્જકતાને કઈ રીતે ઓળખી શકાઈ હોત? યેવ્તુશેન્કો અને પાસ્તરનાક રશિયન સર્જકો હતા. તેમના વિશે કહેવાયું કે કોઈ પણ પ્રકારની જાહેરાત સિવાય પણ આ કવિઓ પોતાની કવિતા કે ગદ્ય વિશે બોલશે એવી જાણ થતાં દસેક હજાર શ્રોતાઓ તો એકત્રિત થઇ જ જતા. એટલે સાહિત્ય અને સમાજ એ બે અલગ કે પરસ્પર વિરોધી છાવણી નથી પણ એકબીજાના પૂરક અને સંવર્ધક છે એમ સ્વીકારીને ચાલવું જરૂરી છે.

સાહિત્યકારને કેટલીક વાર સન્માન પણ મળે છે. સમાજ, સંસ્થા કે સરકાર આવા સન્માનના મેળાવડા યોજે છે. તેમાંના મોટાભાગના તો નિર્દોષ ‘હરખ’ વ્યક્ત કરવા માટે જ હોય. થોડા દિવસ પહેલાં સાહિત્ય પરિષદે સાહિત્યકારોને પારિતોષિક આપીને પોંખ્યા હતા. હવે ગુજરાત સાહિત્ય અકાદમી લેખકોને તેમનાં શ્રેષ્ઠ પુસ્તકો માટે પારિતોષિક એનાયત કરવાનો કાર્યક્રમ અમદાવાદમાં યોજી રહી છે. એ જ રીતે અગાઉ મુંબઈમાં સાહિત્યકાર દિનકર જોશીને અને હવે ૧૬મી સપ્ટેમ્બરે સુરતમાં ભગવતીકુમાર શર્માને સાહિત્યગૌરવ સન્માન એનાયત થશે. ગુજરાત મીડિયા ક્લબે પણ કેટલાક પત્રકારોને તેમના અહેવાલો, લેખો, તસ્વીરો માટે સન્માન કરવાનો સરસ કાર્યક્રમ યોજ્યો હતો. બીજે પણ આવા પ્રસંગો આયોજિત થાય છે. આ એક તંદુરસ્ત ઘટના તરીકે નોંધવા જેવું છે. આમ કરવાથી નવા બીજા લેખકોને-પત્રકારોને વ્યવહારુ દુનિયામાં પ્રોત્સાહન મળે છે અને બીજું, ગુજરાતી સાહિત્યનો અંદાજ મળે કે ખરેખર તેમાં દુષ્કાળ આવ્યો નથી ને? જે સર્જાય છે તે બધું ઉચ્ચ કોટિનું તો નથી જ હોવાનું, પણ જ્યાં બીજ છે ત્યાં જ વૃક્ષનો અણસાર હોઈ શકે. પૂર્વેના સાહિત્યકારોની તો એક દીર્ઘ પંક્તિ છે, પ્રશિષ્ટ કહી શકાય તેવાં પુસ્તકો પ્રાપ્ત થયાં છે.

નવલકથા, નવલિકા, કાવ્ય, ખંડકાવ્ય, નાટક, નિબંધ... કેટકેટલાં સ્વરૂપોમાં સમગ્ર રીતે ઉત્તમ રચાયું હતું, તેનાં ઉદાહરણો આપવા બેસીએ તો એક ગ્રંથ બને! હવે, એકવીસમી સદીમાં અથવા તો કહો કે પાછલાં પચાસ વર્ષોમાં આપણો સાહિત્યિક હિસાબ કેવોક રહ્યો? તેની ગણતરી પણ બે રીતે થાય: એક તેના વિશેના વિવેચનો અને પીએચ.ડી.ના મહાનિબંધના દળદાર ગ્રંથો થકી અને બીજી રીત લોકોનાં દિલ-દિમાગ અને હોઠ પર આ લેખકો અને તેની કૃતિઓ કેટલીક જીવંત છે તે પણ એક માપદંડ છે. ત્રીજું મૂલ્યાંકન સાવ વ્યક્તિગત છે. સર્જકને પોતાના લેખનથી જ આત્મસંતોષ થતો હોય એવું પણ બને. કહેવા દો કે આ બધા જ માપદંડ અધૂરા છે, પણ સાહિત્યની આબોહવા સર્જવા માટે ઉપકારક છે.

ઉમાશંકર, ચુનીલાલ મડિયા, સુરેશ જોશી તેમનાં સામયિક પ્રકાશનોમાં સર્વોત્તમ માટેનો આગ્રહ રાખતા એ જાણીતી વાત છે. અરે, એક લાંબા સમય સુધી ‘ચાંદની’ અને ‘આરામ’ જેવાં વાર્તા માસિકોએ ગુજરાતી નવલિકાને તાજગી આપી હતી. સુરેશ જોશી જેવા થોડુંક પણ અપૂર્ણ ચલાવી ના લેનાર વિવેચક ‘ચાંદની’ વાર્તા માસિકમાં કોલમ લખે તેવી કલ્પના કરી શકાય? મારા સંપાદન દરમિયાન આ ઘટના બની હતી, પણ સુરેશ જોશીના આવા તંદુરસ્ત વલણની કોઈએ ભાગ્યે જ નોંધ લીધી હશે. ગુજરાતી સામયિકો વિશેના એક પુસ્તકમાં દુરબીન લઈને ય આ સામયિકનું નામ મળી ન શક્યું ત્યારે થયું કે તો પછી અશોક હર્ષ, પિતામ્બર પટેલ, ચાંપશી ઉદેશીના સંપાદકીય કર્મથી કેટલા સાહિત્યકારો ઘડાયા તેનું તો કોણ આલેખન કરે? પણ સમગ્રપણે જો ગુજરાતી સાહિત્ય વિશે વિચારવામાં આવે તો નિરાશ થવા જેવું નથી. ભલે તેજ નક્ષત્રો નહીં, પણ ઘરદીવડાઓ તો ગુજરાત અને ગુજરાતની બહાર એક યા બીજા ગોખમાં અજવાળું પાથરવાનું સર્જક-કર્મ કરતા રહ્યા છે. તેમાંના કેટલાક પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યા. ઉમાશંકર, સુન્દરમ્, રાજેન્દ્ર શાહ, સુરેશ જોશી, રઘુવીર ચૌધરી, સિતાંશુ યશશ્ચંદ્ર, પન્નાલાલ પટેલ વગેરે તેવાં નામો છે. હું માત્ર છેલ્લા ૪૦-૫૦ વર્ષ પૂરતી મર્યાદિત વાત કરું છું. હમણાં ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા જેમનાં પુસ્તકોને પારિતોષિક અપાયાં તેવા છેલ્લા ૧૯૬૦થી અત્યાર સુધીના લેખકોની યાદી એક પુસ્તિકામાં પ્રકાશિત કરી છે.

શરૂઆતનાં વર્ષોમાં અકાદમી નહોતી, પણ રાજ્ય સરકાર અને તેનું શિક્ષણ ખાતું આવાં પારિતોષિક આપતું હતું. તેવા સન્માનપ્રાપ્ત લેખકોમાં વર્ષા અડાલજા, વિનોદ અધ્વર્યુ, અમૃત ઘાયલ, ગુણવંતરાય આચાર્ય, આદિલ મન્સૂરી, શેખાદમ આબુવાલા, ઉશનસ્, કવિ ન્હાનાલાલ, કુન્દનિકા કાપડિયા, કાકાસાહેબ કાલેલકર, જયંત કોઠારી, મનોજ ખંડેરિયા, ગની દહીંવાલા, ભોગીલાલ ગાંધી, સુભદ્રા ગાંધી, કિશનસિંહ ચાવડા, રઘુવીર ચૌધરી, જયભિખ્ખુ, કિશોર જાદવ, અમૃત જાની, કનુભાઈ જાની, બળવંત જાની, વિનોદ જાની, અનીલ જોશી, જીવરામ જોશી, રમણલાલ જોશી, શિવકુમાર જોશી, સુરેશ જોશી, ધીરુભાઈ ઠાકર, લાભશંકર ઠાકર, બકુલ ત્રિપાઠી, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, પ્રવીણ દરજી, જયંતિ દલાલ, સુરેશ દલાલ, મકરંદ દવે, હરીન્દ્ર દવે, કુમારપાળ દેસાઈ, રમણલાલ વ. દેસાઈ, ધૂમકેતુ, પન્ના નાયક, વિનોદિની નીલકંઠ, ચી. ના. પટેલ, ધીરુબહેન પટેલ, પન્નાલાલ પટેલ, ભોળાભાઈ પટેલ, રાજેન્દ્ર પટેલ, પ્રબોધ પરીખ, નરોત્તમ પલાણ, રજનીકુમાર પંડ્યા, હરિકૃષ્ણ પાઠક, રમેશ પારેખ, વેણીભાઈ પુરોહિત, ચન્દ્રકાન્ત બક્ષી, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, વિનોદ ભટ્ટ, હરિવલ્લભ ભાયાણી, મધુ રાય, દિગીશ મહેતા, ઇન્દુલાલ યાજ્ઞિક, ભગવતીકુમાર શર્મા, રાધેશ્યામ શર્મા, ગુણવંત શાહ, યશવંત શુક્લ... આવાં બીજાં એકસોથી વધુ નામો છે, સાહિત્યકારોની આટલી દીર્ઘપંક્તિ આપણા ચિત્તમાં આનંદ જન્માવે છે કે સાહિત્યની સરવાણી અસ્ખલિત છે.

રસપ્રદ વાત એ પણ છે કે આ ‘બિન સ્વાયત્ત’ પારિતોષિકો સ્વીકાર કરનારાઓમાં નિરંજન ભગત, ચન્દ્રકાન્ત ટોપીવાલા, સિતાંશુ, ઉમાશંકર જોશી, રમેશ દવે, કિરીટ દુધાત, નારાયણ દેસાઈ પણ છે! એ વર્ષોમાં પહેલાં રાજ્ય સરકાર અને પછી અકાદમી (જેની સ્વાયત્તતા માટે ઉહાપોહ કરાય છે) જ આ પારિતોષિકો આપતી હતી.

હા, કેટલાક છુટાછવાયા અસ્વીકાર થયા હતા પણ તેમનો મુદ્દો કોઈ સ્વાયત્તતા વિશેનો નહોતો! બક્ષી કે વર્ષાબહેને પોતાના અન્યાય માટે અસ્વીકાર કર્યો હતો. ૧૯૭૬માં મેં કટોકટી અને સેન્સરશીપ સામે વિરોધ વ્યક્ત કરવા માટે મારા નિબંધ સંગ્રહ ‘હથેળીનું આકાશ’ને મળેલા પારિતોષિકનો અસ્વીકાર કર્યો હતો. ચુંટણી એટલે સ્વાયત્તતા એમ માનીને તેનો વિરોધ કરવો એ આત્મવંચના માત્ર છે. એવું આ યાદી પરથી નથી લાગતું?


comments powered by Disqus