ગુરુ ગોવિંદ અને ભક્ત નરસૈયોઃ યુનિવર્સિટીનો ઇતિહાસબોધ

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 20th May 2015 07:29 EDT
 

ગુજરાત રાજ્યની સ્થાપનાના આ મે મહિના દરમિયાન બીજી બે નવી યુનિવર્સિટી - વિશ્વ વિદ્યાલયો-નો પ્રારંભ એ વિદ્યાકીય ક્ષેત્રે નોંધપાત્ર ઘટના ગણી શકાય. આમાંની એક પંચમહાલ વિસ્તારમાં ગોધરામાં અને બીજી ‘સોરઠ’ તરીકે પ્રાચીનપુરાણા મુલક જૂનાગઢમાં આરંભ થશે. ગોધરામાં આ સપ્તાહ દરમિયાન ૨૩મેના મુખ્ય પ્રધાનના વરદ હસ્તે ઉદ્ઘાટન થશે, આ પહેલાં જૂનાગઢ યુનિવર્સિટી તો મે માસ દરમિયાન જ ઉદ્ઘાટિત થઈ ચૂકી છે.

યુનિવર્સિટીઓ અને પત્રકારત્વઃ આ બેની વાત આવે ત્યારે મને ખ્યાત આંતરરાષ્ટ્રીય પત્રકાર - વિવેચક - લિયોનાર્ડ સિલ્કનું, આગ્રામાં ઇન્ટરનેશનલ પ્રેસ ઇન્સ્ટિટ્યુટ દ્વારા આયોજિત પત્રકારત્વ પરિસંવાદમાં સાંભળેલું વિધાન યાદ આવી જાય છે. તેમણે કહ્યું હતું કે The aim is not just making money, but it is essentially the same as the business of university: TRUTH SEEKING and TRUTH TELLING! સત્યનું શોધન - નિરીક્ષણ અને પછી તેનું ઉદ્બોધન એ દરેક યુનિવર્સિટીની જેમ પત્રકારત્વનો ય મૂળભૂત પુરુષાર્થ હોવો ઘટે.

હવે આ માપદંડથી બન્ને ક્ષેત્રોમાં વિચારવાનું થાય તો આશ-નિરાશનો ઉબડખાબડ રસ્તો જ સામે મળે! અત્યારે ગુજરાતમાં બે નવી યુનિવર્સિટીની સ્થાપનાને અભિનંદન આપવાજોગ તેનાં નામો પણ છે! જૂનાગઢને ભક્ત કવિ નરસિંહ મહેતાનું નામાભિમાન થયું છે અને ગોધરામાં ‘ગોવિંદ ગુરુ’ યુનિવર્સિટી બનશે.

વૈશ્વિક સંત નરસિંહ મહેતા

નરસૈયો તો આજકાલ વિશ્વના ફલક પર છે (આભાર, ગાંધીજી!) તેમનું વૈષ્ણવજન એ આદર્શ નાગરિક કેવો હોવો જોઈએ તેનું ખતપત્ર છે એમ હમણાં જયપુરમાં એક પરિસંવાદમાં સાથે બેઠેલા જય વસાવડાએ કહ્યું ત્યારે એ વાત સાથે સંમત થવાય તેમ હતું. નરસિંહને એકલા નાગર સમુદાયનું પ્રતિનિધિત્વ કરતો સંત - ભક્ત - કવિ ન ગણીએ, તેનામાં તો દુનિયાના કોઈ પણ ખૂણે, નાનકડાં ખેતરમાં કામ કરતા - ઇશ્વરને સમર્પિત સામાન્યજનનો - અહેસાસ થાય એવી તેમની રચનાઓ છે. તે ‘અખિલ બ્રહ્માંડ’ના ‘એક શ્રી હરિ’ને સ્થાપિત કરે છે તો ‘જૂજવે રુપે અનંત ભાસે’ના વિશ્વસ્વરૂપનો અંદાજ આપે છે. અહમહમિકામાં રાચનારાને ‘શકટનો ભાર’ ગણાવે તો ‘શામળાજી હૂંડી સ્વીકારે’ તેનો ગદ્ગદિત આર્જવ પણ છે. ગુજરાતના રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી દૃઢપણે માને છે કે ગુજરાતની વિશેષતાઓનું સાંસ્કૃતિક ઘડતર જેમ ગાંધી - સરદાર - શ્યામજીએ કર્યું તેવું જ નરસૈયાનું અદ્ભૂત કાર્ય છે. આ વાત તેમણે વ્યારામાં વનવાસીઓની વચ્ચે ઊજવાયેલા રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે કરી હતી. રાજેન્દ્ર શુકલ કે મનોજ ખંડેરિયા અને રમેશ પારેખ જેવા કવિઓમાં ક્યાંક નરસિંહનો રસપ્રવાહ આવી જ જાય છે ને?

અ-જાણ પણ ઐતિહાસિક

ગુરુ ગોવિંદ - ગુજરાત અને દેશવાસીઓના દુર્ભાગ્યે એટલું જાણીતું નામ નથી. (માનગઢ પાસે ગોવિંદ વન કરવાના નિર્ણય સમયે એવા ઘણા અધિકારીઓ અને બીજા હતા, જે શીખ ગુરુ ગોવિંદ સિંહ જ માનતા હતા!) પણ ગુજરાતમાં અનેક સ્થળે સ્વાતંત્ર્ય, પ્રજાસત્તાક, રાજ્ય સ્થાપના દિવસોના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જ્યારે વનવાસી ગુરુ ગોવિંદની પરાક્રમ ગાથા પ્રસ્તુત થઈ ત્યારે સૌને અંદાજ આવ્યો કે અરે, ગુજરાતની સરહદે ‘જલિયાંવાલા બાગ’નો નાયક આદિવાસી ગોવિંદ ગુરુ તો આપણું પોતાનું તેજનક્ષત્ર છે!

હું તો એનઆરજી વાચકોને કહીશ કે ગુજરાત આવો ત્યારે તમારા પ્રવાસમાં માનગઢ પણ જરૂર ઉમેરજો. જેમનું લોકાર્પણ અમદાવાદમાં એનસીજીઓ અને ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’ તરફથી સી. બી. પટેલે કરાવ્યું તે ‘ગુજરાતના ક્રાંતિતીર્થ’, માટે માનગઢ જવાનું બન્યું ત્યારે જ અહેસાસ થયો કે આ કેવી ચૂપચાપ કથા-ઉપકથાઓ સંઘરીને બેઠેલી વનગિરિભૂમિ છે!

સંતરામપુરથી તો માનગઢ બાવીસ કિલોમીટર દૂર છે એમ નકશાપોથીમાં વાંચવા મળે. પણ દાહોદ - ગોધરા - સંતરામપુરથી નીકળો અને દૂ...ર સુધી રસ્તો લંબાતો જ જાય. ભરબપોરે નિર્જનવાસ, ક્યાંક ખોબા જેવડાં મકાનો, ખૂલ્લું તપતું આકાશ, તેનો તાપ ઓછો કરવા મથતાં ઝાડવાં, શ્યામ પર્વતો, થોડાંક જ ખેતરો... માનગઢ જતાં દાહોદથી લીમડી આવે. અહીંનું ગામ બહારનું સૂમસામ અતિથિગૃહ ૧૮૫૭નું સાક્ષી છે (એવું જ સંતરામપુરનું સરકારી અતિથિગૃહ છે. ભલે ત્યાં સગવડમાં શૂન્ય હોય પણ ઇમારતની બહાર એકસામટા પાળિયા જોતાં જ રોમાંચ પેદા થાય. બ્રિટિશરોની સામે લડીને મરેલાઓના તે સ્મૃતિસ્થાનો છે!)

લીમડીથી થોડે દૂર કંબોઈ ધામ આવે. ગુરુ ગોવિંદના છેલ્લા દિવસો અહીં વીત્યા હતા. મેદાનના ઢળાવે ઊભેલું ગામ. શિક્ષક બચુભાઈ ભાભોર આદિવાસી દેવી-દેવતાના પૂજારી યે ખરા. છેક ૧૯૯૫માં તેઓએ અહીં આદિવાસી પરિષદ યોજેલી, તેમાં હિન્દુસ્થાની આંદોલનના મધુ મહેતા અને મને આમંત્રિત કર્યા હતા. ૧૦-૧૨ હજાર આદિવાસીઓ નાચતા-ગાતા ન જાણે ક્યાંથી નીકળીને આવ્યા, તેમને ‘ભગત’ના વારસદાર મહારાજે વન-બોલીમાં શિખામણ આપી, ‘દારુ પીશો નહીં. માંસ ખાશો નહીં. વ્યસનો રાખશો નહીં...’ અમે ‘ભ્રષ્ટાચાર કરીશું નહીં’ એવો સંકલ્પ લેવડાવ્યો તો બધાએ ઊભા થઈને હાથ ઊંચા કરી તે સંકલ્પ પણ લીધો!

પહેલો જલિયાંવાલા - માનગઢમાં

ઇતિહાસ આમ ઘડાય છે. વર્ગખંડો અને સમજ વિનાના વિધાનોથી લેખનાં પાનાં ભરવાથી તે સાવ અલગ મિજાજ ધરાવે છે. કોઈ પણ પ્રજા, સમુદાય, જાતિ, વર્ગ કે સંપ્રદાયોને સમજવા માટે પૂર્વગ્રહો કે પક્ષપાતોથી અલગ થઈને, તેમની વચ્ચે જઈને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. ગોવિંદ ગુરુએ - તેમણે ક્યાંય સાચીખોટી રીતે મહાનિબંધ લખીને ડોક્ટરેટની ડિગ્રી મેળવી નહોતી - અભણ છતાં જ્ઞાની. (બરાબર નરસૈયાની જેમ!)

૧૭ નવેમ્બર, ૧૯૧૩ના કાળમુખા દિવસે માનગઢ પહાડી પર ગુરુ ગોવિંદે આદિવાસી પ્રજાના સ્વાભિમાનને જગાવવા એકત્રિત કર્યા હતા, તે બધા ‘ઇંગ્લિશ પ્રજાની વિરુદ્ધના રાજદ્રોહીઓ છે’ એવું નક્કી કરીને પોલિટિકલ એજન્ટ સી. ડબલ્યુ. હડસન તેના સૈનિકોને લઈને ધસી ગયો. ઋષિ દયાનંદથી પ્રેરિત ગોવિંદ ગુરુની તો સીધી સાદી વાત હતી, ‘માંસ મદિરા ના લેશો. ચોરી કરશો મા. વ્યભિચારી ના બનશો. સ્વદેશી વસ્તુ વાપરજો... ભારત માતા કી જય! (હા. ૧૯૦૫નો બંગભંગનો ભારત માતા કી જયનો નારો અહીં પણ બોલાવાતો હતો એમ એક સરકારી અધિકારી શ્રી ડામોરે મને દસ્તાવેજ સાથે જણાવ્યું તો હું સ્તબ્ધ બની ગયો.)’ એ રાષ્ટ્રવાદી ગુરુ હતા. ‘દુણિયા’ ઉપાસનાનું મુખ્ય કેન્દ્ર માનગઢ. ધૂણી ધખાવવી તેનું મુખ્ય કાર્ય... પણ બ્રિટિશરોને ૩૧ ઓક્ટોબર, ૧૯૧૩નો દિવસ યાદ હતો. તે દિવસે માનગઢ નજીકના ગડરા પોલીસ થાણા પર ‘પોતાનું રાજ’ સ્થાપવા માટે આદિવાસી હુમલો થયેલો. તેનું વેર વાળવા માટે ૧૭ નવેમ્બરનો દિવસ પસંદ કરાયો. હજારોની સંખ્યામાં આદિવાસી હાજર હતા. સૈનિકોએ ધડાધડ ગોળી છોડવા માંડી. શિખરો અને ખીણોની વચ્ચે હાહાકાર છવાઈ ગયો.

નામ એવાં કામ

અને આ હત્યાકાંડમાં ૧૫૦૭ આદિવાસી સ્ત્રીપુરુષોની લાશો ઢળી. ગોવિંદ ગુરુ અને તેના શિષ્ય પૂંજા પારગીની ધરપકડ થઈ. કોર્ટે ફાંસીની સજા ફરમાવી. પછી સરકારને લાગ્યું કે આને ફાંસી આપીશું તો ૧૮૫૭ જેવો વિપ્લવ ફાટી નીકળશે એટલે સજા ફેરવી. સાબરમતી જેલવાસી ગુરુ ગોવિંદ છૂટ્યા ત્યારે માનગઢમાં પ્રવેશવાની મનાઈ હતી. ઠક્કરબાપા તે સમયે પંચમહાલના ભીલોની વચ્ચે સેવા કાર્ય કરી રહ્યા હતા. તેમને મળ્યા. થોડો સમય સાથે રહ્યા. પછી કંબોઈધામ જઈને સ્થાયી થયા.

માનગઢ તો ઇતિહાસ અને કુદરતનું સંગમસ્થાન છે! અસંખ્ય કરાલકાલ શિલાઓ, ખાઈ, પત્થરો વેરાયેલા પડ્યા છે. એક પ્રાચીન શિવ મંદિર પણ છે. ગુરુ ગોવિંદ અને મહાકવિ વાલ્મિકીની પ્રતિમા અને શહીદ-સ્તંભ પર્વતશિખરે સ્થાપિત છે. સંતરામપુરની ઉત્તર પૂર્વ સરહદે, રાજસ્થાનના વાંસવાડા જિલ્લાની દક્ષિણે આ માનગઢ છે.

ગોધરા યુનિવર્સિટીને આ વીર શહીદ સંતનું નામ અપાય તે કોઈ પણ ઇતિહાસપ્રેમીને માટે ખુશ થવા જેવી વાત ગણાય. તેની સાથે જ પેલી અલિખિત જવાબદારી પણ જોડાયેલી છે અને તે યુનિવર્સિટીના સૂત્રધારોનું કર્તવ્ય છે. આપણે ત્યાં કવિ નર્મદ, હેમચંદ્રાચાર્ય, સરદાર વલ્લભભાઈ, આંબેડકર, શ્યામજી કૃષ્ણવર્મા વગેરેનાં નામો સાથે વિદ્યાસંસ્થાનો ચાલે છે, આપણા આ તેજસ્વી પૂર્વજોનાં જીવન અને દર્શનની ઊંચાઈ સુધી પહોંચવાનો, અને લિયોનાર્ડ સિલ્કે કહ્યું હતું તેવી રીતે સાંસ્કૃતિક સત્યનું વિદ્યાર્થીઓ સંશોધન-ઉદ્બોધન કરે તેવાં તેનાં નિર્માણમાં કોઈ રીતે પ્રયાસ થતો રહે તો... નરસૈયો, ગુરુ ગોવિંદ, આંબેડકર, સરદાર, ગાંધીજી, હેમચંદ્રાચાર્ય, નર્મદ કેવા રાજી થાય?


comments powered by Disqus