ગુરુ ગોવિંદસિંઘના ‘પંજ પ્યારે’માંના એક બેટ દ્વારિકાના મોહકિમસિંઘ!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 14th June 2017 08:05 EDT
 
 

ગુજરાતને માટે એ એક મોટી, પંજાબ-સંબંધિત ઐતિહાસિક ઘટના ગણાશે કે દ્વારિકામાં ભાઈ મોહકિમસિંઘનું અને લખપતમાં ગુરુ નાનકના પાવન પગલાંથી જાણીતું ગુરુદ્વારા - બન્નેને દસ કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત કરવામાં આવશે.

કોણ હતા ગુરુ ગોવિંદસિંઘના પ્રિય શિષ્ય ભાઈ મોહકિમસિંઘ?

દેવભૂમિ દ્વારિકામાં જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ થયો તેમાં આ પાત્રનું વર્ણન અભિનિત કરાયું તો એક સ્થાનિક નેતાએ જ આશ્ચર્યવત્ મને પૂછયું હતું કે અરે, આવો મહાપુરુષ દ્વારકા પંથકમાં થયો તેની તો અમને ખબર જ નથી!

ગુરુ ગોવિદસિંઘે જે ‘પંજ પ્યારે’ને પસંદ કર્યા તેમાંના એક ભાઈ મોહકિમસિંઘ બેટ શંખોદ્ધારમાં જનમ્યા હતા. વાંઝા-છીપા જ્ઞાતિનું સંતાન. પિતા તીરથચંદ અને ધન્ય માતા દેવીબહેન. દીકરો જનમ્યો ઇસવી સન ૧૬૭૬માં, નામ પાડ્યું મકમ. વિક્રમ સંવત જેઠ ૧૭૩૩. ગુરુ ગોવિંદસિંઘે તેમને મોહકિમસિંઘ બનાવ્યા.

બેટ દ્વારિકા તો સંતો-સાધુઓ–ભક્તજનોનું પ્રિય સ્થળ છે. અહીં વૈષ્ણવ આચાર્ય વલ્લભાચાર્યના પગલાં પડ્યાં હતાં. વિઠ્ઠલનાથજીના ભાઈ રઘુનાથજી યે આવેલા અને મીરાબાઈ તો કેમ ભૂલાય? એવું જ ભક્તકવિ ઇસરદાનજીનું માહાત્મ્ય છે.

નાનકદેવના પુત્ર શ્રીચંદ ઉદાસી અખાડાના સ્થાપક શ્રીચંદે બેટ દ્વારિકાને બદલાવી નાખ્યું હતું અને ‘ચોર્યાસી ધૂણા’ની સ્થાપના કરી.

વાંઝા છીપા દરજી સમાજનું મુખ્ય કામ વણાટ અને સીવણનું. તેનું વૈવિધ્ય અદ્ભુત. ભારતના ઉત્તર-પશ્ચિમ વિભાગમાં ફેલાયેલી આ કોમના લોહીમાં ક્ષાત્રત્વ છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, ચંડીગઢ, જમ્મુ-કાશ્મીરમાં અને આપણા ગુજરાતમાં તેઓ વસે છે. જે પ્રદેશમાં હોય તેની ભાષા બોલે. ક્ષત્રિય, ટાંક, છીપા, છીપી, દરજી વગેરેથી ઓળખાય. જેમણે ઇસ્લામમાં ધર્માંતર કર્યું તે ‘છીપી’ કહેવાય છે.

અમદાવાદમાં તો એક આખું છીપાનગર છે. વાંસનાં સાધનો બનાવવાં, કપડાનું છાપકામ કરવું, કપડાં સીવણકામ કરવું, તેને બાંધવા - વણવા વગેરેનો પરંપરિત વ્યવસાય કરે છે. ગુજરાતના છીપાઓ વૈષ્ણવ ધર્મ પાળે છે. મહાપ્રભુ વલ્લભાચાર્યના એક દીક્ષિત કીર્તનકાર વિષ્ણુદાસ છીપા હતા. જામનગરમાં મિત્ર લેફટનન્ટ ડો. સતીશ વ્યાસ રહે છે. સાહિત્ય અને ઇતિહાસના જાણકાર. બરાબર ગુરુ ગોવિંદસિંઘજીની ઇ.સ. ૨૦૧૩ની જન્મજયંતિ નિમિત્તે તેમણે ‘ભાઈ મોહકિમસિંઘજી સાહેબ’ નામે પુસ્તિકા લખી તેનાથી ગુજરાતના ઇતિહાસના એક અનોખા પાત્રની મૂલ્યવાન માહિતી મળે છે.

દસમા ગુરુ ગોવિંદસિંઘ તો હતા પ્રચંડ પરાક્રમી પુરુષ. હત્યારી અને ક્રુર મુઘલ સલ્તનતને તેણે પડકારી હતી. શીખ જોમ અને જુસ્સો એ ગુરુ ગોવિંદસિંઘની ભારતને ઐતિહાસિક બક્ષીસ છે. તેમણે ખાલસા પંથની સ્થાપના કરી, પાંચ શિષ્યો - પંજ પ્યારે-નું નામકરણ કર્યું. દિલ્હીના મુઘલ રાજાઓની સામે તલવારનું તેજ દાખવ્યું. શહીદ થયા પણ ઝૂક્યા નહીં. હિન્દુ ધર્મની સુરક્ષાનો એ શાનદાર અધ્યાય છે. ઔરંગઝેબને સૌથી વધુ પડકાર મળ્યો તે ગુરુ ગોવિંદસિંઘના સંકલ્પમાં. ‘સવા લાખ સે એક લડાઉં’નો ગગનભેદી નારો ગુરુનો. દિલ્હીમાં આવા બહાદુરોની કત્લેઆમના સાક્ષી ગુરુદ્વારા નિહાળીને રૂંવાડા ખડાં થઈ જાય છે. કેશ, કડું, કચ્છા, કિરપાણ અને કંગી - આ પાંચ ચિહનો શીખ સંગતની ઓળખ પૂરી પાડે છે.

મકમચંદ – મોહકિમચંદ તો બાળપણથી આ ધરતી પર કંઇક નવું કરવા જન્મ્યા હતા. બેટ દ્વારિકામાં બુઢિયા વિસ્તારમાં તેનાં મા-બાપ રહે, વ્યવસાય કરે. બાળક મક્કમ પણ સીવણ-વણાટમાં કુશળ હતો એટલે મા-બાપની આંખ ઠરતી. પણ તેનું અવતારકાર્ય કંઈક બીજું જ હતું. ઇસવી સન ૧૬૮૫માં એ તો બધું છોડી છોડીને પહોંચી ગયો આનંદપુર. પંજાબનું આનંદપુર એ શીખ સમાજની રણભૂમિ જેવું સ્થાન. ગુરુ ગોવિંદસિંઘ ત્યાંથી સૌને પ્રેરણા પૂરી પાડે.

કેવી ખરાબ હાલત હતી એ દિવસોમાં? મુઘલોએ એકલા મેવાડમાં ૨૪૦ મંદિરો તોડી પાડ્યા હતા. ૧૬૬૯માં બનારસનાં કાશી વિશ્વનાથ અને ગોપીનાથ દેવાલયને ધ્વસ્ત કરાયાં. ૧૬૭૮માં કુંભમેળો થયો ત્યાં ઔરંગઝેબે મુઘલ સૈનિકોને હત્યા અને લૂંટફાટ માટે મોકલી આપ્યા. (અત્યારનું જે આઇસીઆઇ સંગઠન છે તેનાં મૂળિયાં ઔરંગઝેબ જેવા મજહબી ધર્માંધોમાં પડ્યાં છે.)

ગુરુ ગોવિંદસિંઘે પહેલાં સંગઠન તરફ નજર કરી. ગુરુ ગ્રંથસાહેબ તેમનો પ્રેરક ગ્રંથ છે. ગુરુએ દેશભરમાંથી શીખોને આનંદપુર બોલાવ્યા. વૈશાખી સંવત ૧૭૫૬ (૩૦ માર્ચ ૧૬૯૯)ના દિવસે આનંદપુર સાહેબના કેશગઢ સ્થાને ‘ગુરુનાં ફરમાન’ને માટે દેશભરમાંથી જે શીખ સમુદાય ઉમટ્યો તેમાં આપણો ગુજરાતી છીપા મોહકિમસિંઘ પણ હતો!

અહીં જ ગુરુ ગોવિંદસિંઘે તલવાર ઊઠાવીને કહ્યુંઃ

‘આમ તો મને આખી સંગત વહાલી છે પરંતુ અત્યારે - આ ઘડીએ – પોતાનું શીશ ઉતારીને મને ભેટ આપે તેવા બલિદાની સમર્પિત કોણ છે?’

જુઓ તો ખરા, આપણી સમર્પિત પરંપરા!

લાહોરનો દયારામ.

હસ્તિનાપુરનો ધરમદાસ.

જગન્નાથપુરીનો હિંમતરામ ભિસ્તી.

... અને ચોથો આપણો યુવાન મકમચંદ, પાંચમો બીદર – કર્ણાટકનો - સાહિબચંદ વાળંદ!

બધા જ બધા અતિ સામાન્ય પરિવાર અને વર્ણમાંથી આવેલા શિષ્યો. ગુરુ ગોવિંદસિંઘ એક પછી એકને પાછળની છાવણીમાં લઈ જાય અને પછી લોહી નિંગળતી તલવાર સાથે પાછા ફરે. જનમેદનીને લાગે કે શિષ્યનું બલિદાન ગુરુએ લીધું.

એક પછી એક.

પછી ગુરુ ગોવિંદસિંઘ છાવણીમાં ફરી વાર ગયા, પાંચેયને સાથે લઈને પાછા ફર્યાઃ ‘મારે તો મારા બહાદૂરોની કસોટી કરવી હતી!’

દરેક શિષ્ય હવે શીખ છે, શીશ પર કેસરી પાઘડી. ગુરુએ જાહેર કર્યુંઃ આ મારા પાંચ પ્યારા (પંજ પ્યારે) છે. પછી જળમાં પતાસું નાખ્યું, તેમાં ખંડા (બેધારી તલવાર) ફેરવી, ગુરુબાની ઉચ્ચારી, અમૃત તૈયાર કર્યુંઃ (અમૃતસર નામ યાદ આવ્યું ને?) નવું નામ, અંતમાં ‘સિંઘ’ એટલે કે ‘સિંહ’ દરેકને પાંચ ‘કંકાર’ ભેટ ધરાયા... અને ખાલસા પંથની ઘોષણા થઈ.

સંવત ૧૭૫૬નો એ સમય. આ પંજ પ્યારે તદ્દન નીચલી જાતિના ગણાયેલા સમાજમાંથી પસંદ કરાયા હતા, પાંચે દિશાએથી આવ્યા હતા. દસ ગુરુ, ગુરુ ગ્રંથસાહેબ પછી તુરંત પંજ પ્યારેનું સ્મરણ ને છેવટે ચાર સાહેબજાદા (ગુરુ ગોવિંદસિંઘના ચાર બલિદાની સપુતો)નું સ્મરણ દરેક ગુરુદ્વારામાં સંભળાય છે ને પછી સત્ શિરી અકાલ!

કોણ હતા આ પંજ પ્યારે. દયાસિંઘ લાહોરના ખત્રી. મેરઠના ધરમસિંઘ જાટ. જગન્નાથપુરીના ભિસ્તી પરિવારમાંથી હિંમતસિંઘ. બીદર-કર્ણાટકના વાળંદ જાતિના સાહિબસિંઘ અને આપણાં છીપા મોહકિમસિંઘ. બધા મુઘલો સામે બહાદુરીપૂર્વક લડ્યા અને શહીદ થયા. રોપર (હરિયાણા) પાસેનાં ચમકૌર સ્થાને મુઘલોની મોટી સેના નવાબ વઝીરખાનની ધસી આવી તેની સામે ૪૦ શીખોએ યુદ્ધ ઘોષિત કર્યું. મોહકિમસિંઘે પણ ત્યાં શૌર્ય દાખવ્યું. તે સમયે તેની વય ૧૭ વર્ષની હતી. ૧૬૬૩માં સૌરાષ્ટ્રના બેટ દ્વારિકામાં જન્મેલ મોહકિમસિંઘ સહિત અનેકો આ યુદ્ધભૂમિ પર શહીદ થયા... આજે પણ ચમકોર સાહેબ ગુરુદ્વારામાં ભાઈ મોહકમસિંઘ સહિતના બલિદાની પંજ પ્યારેની ભવ્ય સ્મૃતિ જળવાઈ રહી છે.

ગુરુ ગોવિંદસિંઘનું સ્મરણ વર્ષ ગુજરાત સરકારે દબદબા સાથે ઊજવ્યું તે ગુજરાત અને પંજાબ વચ્ચેની ઇતિહાસસિદ્ધ આત્મીયતાનો યશસ્વી અંદાજ પૂરો પાડે છે.

જ્યારે પણ બેટ દ્વારિકા જાઓ, આ ઐતિહાસિક ગુરુદ્વારાએ માથું ટેકવવા જરૂર જજો! આ ‘પ્યારા શિષ્યે’ સ્વધર્મ રક્ષા માટે દસ લડાઈમાં શૌર્ય બતાવ્યું. ભંગાણી, વ્યાસ નદી, લાહોર, સરસાના, આનંદપુર, કીરતપુર, ચમકોર અને ફરી વાર ચમકોર (જ્યાં મોહકિમસિંઘની શહાદત થઈ, ૨૨ ડિસેમ્બર ૧૭૦૪)ઃ આ તેમની યુદ્ધભૂમિના સ્વર્ણિમ પણ રક્તરંજિત અધ્યાય રહ્યા... આવું વિસ્મરણ કેમ થઈ શકે?


comments powered by Disqus