ગુલબર્ગઃ ‘કાવતરુ’ ગણવાનો પરપોટો ફૂટી ગયો!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 08th June 2016 07:30 EDT
 
 

પુરુષોત્તમ રૂપાલા જેવા કર્મઠ, શિક્ષિત અને નિષ્ઠાવાન નેતાને રાજ્યસભામાં મોકલાયા તે અભિનંદનીય છે. ગુજરાતમાંથી અગાઉ રાજ્યસભામાં મોકલાયેલા તમામ એકસરખી ગુણવત્તા ધરાવતા હતા તેવો દાવો ખુદ ભાજપ-કોંગ્રેસ પણ નહીં કરે. રાજ્યસભા એ અભ્યાસી વરિષ્ઠોનો મંચ છે કે ઇંગ્લેન્ડના ‘હાઉસ ઓફ લોર્ડ’નું મોડેલ છે એવું માનનારા બંધારણવિદો આજે જો હયાત હોય તો માથે હાથ મૂકીને રડે તેવા ‘સાંસદો’ દિલ્હી પહોંચ્યા છે. કોઈ સંપ્રદાય, કોઈ દલિત, કોઈ ઓબીસી, એસ.સી., જાતિ, ઉપજાતિ, ‘વોટ બેન્ક’ માટે ઉપયોગી... આવાં અનેક કારણો સાથે તેઓ રાજ્યસભામાં શોભાયમાન થયા હશે, પણ તેનાથી ભારતીય લોકતંત્રનું કશું ભલું થયું નહોતું અને નુકસાન જ થયું છે. આ વાત આજે ય સાચી છે.

કર્ણાટકમાં ‘સાતથી સો કરોડ’ની રકમ લઈને ‘મત’ આપવાની ‘ઓપન સિક્રેટ’ પર ટીવી-ચર્ચા સાંભળવા બની ત્યારે કાળાં નાણા માટેની ૪૦ વર્ષ પહેલાંની સંથનમ્ સમિતિનું અરણ્યરુદન યાદ આવે. તેણે લખ્યું હતું કે જો આ કાળાં નાણાંનો વ્યવહાર અટકાવવામાં નહીં આવે તો આ દેશમાં વડા પ્રધાન પદે પણ ૩૦૦-૪૦૦ કરોડમાં કોઈ આવી જશે! સદ્ભાગ્યે હજુ સુધી વડા પ્રધાન પદ આમાંથી બાકાત રહ્યું છે, પણ રાજ્યસભા-લોકસભા સુધી તો રેલો આવ્યો જ છે. ઝારખંડમાં નાણાની હેરફેરથી સરકાર ઊથલાવાઈ હતી તેમાં ‘સૂટ બેગ’ની ભારે ચર્ચા થયેલી એ જાણીતી ઘટના છે. ‘નાણાં મેળવીને પ્રશ્નો પૂછવા’નો સંસદ સભ્યોનો ‘વ્યવહાર’ તો ગૃહમાં ગાજેલો!

પસંદગીની માયાઃ ગુણવત્તાનો છેદ

રાજ્યસભામાં ગુજરાતે મોકલેલા પ્રતિનિધિઓ - ચૂંટણી દ્વારા કે રાષ્ટ્ર પ્રમુખ દ્વારા નિયુક્ત -માંથી કેટલાક તો જરૂર તેજનક્ષત્ર સાબિત થયા હતા, પણ બાકીનાઓનું શું? ‘રાજકારણમાં તો આવું જ ચાલે’ એ ખરું, પણ લોકતંત્રની તંદુરસ્તીમાં આવું ન ચાલે એમ ભારપૂર્વક કહ્યા વિના છૂટકો નથી. આવું જ લોકસભા-ધારાસભા માટે ય કહેવાય. રાજ્યસભામાં ગુજરાતમાંથી કોઈક સમયે લાલ કૃષ્ણ અડવાણીને કટોકટી જેવા ખતરનાક સમયે જનતા મોરચા સરકારે મોકલેલા. આ પરંપરામાં, અત્યારે પુરુષોત્તમ રૂપાલાને પસંદ કરાયા છે.

રૂપાલા અમરેલી જિલ્લાએ ભાજપને આપેલી ‘બક્ષીસ’ છે એમ કાર્યકર્તાઓ કહે છે. શિક્ષક હતા એટલે ઝીણું કાંતે પણ સ્વભાવે આખાબોલી પારદર્શકતા છે. લેઉવા-કડવા પટેલોનું સમીકરણ કોંગ્રેસની જેમ ભાજપને ય કરવું પડે એવા સંજોગોમાં રૂપાલાનું નામ અનેક ચાંદીના સિક્કાની જેમ ઊછળતું રહ્યું છે. ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેની સંભાવના ઘણા કાર્યકર્તાએ જોઈ હતી. પાટીદાર-આંદોલન પછી આ વાત વળી પાછી આવી. પણ ભાજપ આજની ઘડીએ આનંદીબહેનને તરછોડે એ વાતમાં દમ નથી, ભલે અફવાઓનું બજાર ગરમ રહેતું હોય. બીજું, કડવા-લેઉવા ગજગ્રાહમાં સૌરાષ્ટ્ર મશહુર છે તેમાં ભાજપને ફસાઈ જવું પાલવે નહીં. તેણે ઓબીસી, દલિત, આદિવાસી અને જેને હમણાં લઘુમતીનો દરજ્જો અપાયો તે જૈનો - આ બધાંને સાથે રાખવા છે. ‘વોટ બેન્ક’ એ દુનિયાની સૌથી શક્તિશાળી ‘વર્લ્ડ બેન્ક’ના કરતાં વધુ મહત્ત્વની છે. આ સંજોગોમાં રૂપાલા રાજ્યસભાના સભ્ય બન્યા.

કોંગ્રેસની કરુણતા તો જૂઓ કે તેનો કોઈ ઉમેદવાર જ નહીં! ધારાસભ્યોની સંખ્યા જોતાં કોંગ્રેસ જીતી શકે તેમ તો નહોતી, પણ પ્રતિકાત્મક લડાઈ આપવામાં ચૂકી જાય તે વિરોધ પક્ષ તરીકેની યે મોટી ખામી ગણાય. વર્તુળોના જણાવ્યા પ્રમાણે કોને ઉમેદવાર બનાવવા તે મામલે કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ હતી. ચૂંટણીના મેદાનમાં કે પ્રજાકીય રણાંગણમાં પક્ષ ઊણો ઉતરતો જાય અને હતાશા ઘેરી વળે તેવી માઠી દશામાંથી કોંગ્રેસ પાર થઈ રહી છે તેમાં તેનો પ્રાદેશિક દોષ ઓછો છે, કેન્દ્રના મોવડીમંડળનો વધારે છે.

રાહુલ પક્ષ પ્રમુખ બને તે પહેલાં જ ઊહાપોહ શરૂ થઈ ગયો. અસમમાં પૂર્વ મુખ્ય પ્રધાન તરુણ ગોગોઈના જમણા હાથ અને કોંગ્રેસને જીતાડવામાં વ્યૂહરચનાકાર હેમંત બિશ્વાસ શર્માએ આ ચૂંટણી પૂર્વે કોંગ્રેસથી છેડો ફાડ્યો અને ભાજપમાં જોડાઈ ગયા ત્યારે જાહેરમાં કહ્યું હતું કે કોંગ્રેસમાં કોઈ કોઈને સાંભળતું નથી. રાહુલ ગાંધીને ગંભીર સૂચનો કરવા ગયો ત્યારે પહેલાં તો માંડ મુલાકાત મળી, પછી મળ્યાં તો મારી વાત સાંભળવાને બદલે તેના શ્વાન સાથે રમતા રહ્યા!

હેમંત બિશ્વાસ અને બહુમતીને - કોંગ્રેસે અસમમાં ગુમાવ્યાં, હવે છત્તીસગઢમાં અજિત જોગીએ બ્યૂગલ બજાવ્યું છે. આ અજિત પૂર્વ મુખ્ય પ્રધાન છે. આદિવાસી વિસ્તારમાં હજુ તેનો પ્રભાવ છે. કોંગ્રેસમાં એક સમયે કેન્દ્રીય નેતૃત્વ તેને પૂછીને પાણી પીતું હતું. ૧૯૯૯માં જ્યોર્જ ફર્નાન્ડિસને વિદાય આપવા અમદાવાદના વિમાની મથકે અમે ગયા ત્યારે અજિત જોગીની રૂબરૂ મુલાકાત થઈ હતી. પાક્કો શ્યામવરણો દેહ અને વિચારોમાં સ્પષ્ટતા. ત્યારે તેમણે કહ્યું હતું કે અમારી ધર્મશાળાને મજબૂત રખેવાળની જરૂર છે નહીંતર ખંડિયેર બની જશે! જોગીની વાત સાવ સાચી પડી છે. તેણે પુત્રની સાથે કોંગ્રેસથી છેડો ફાડીને નવો પક્ષ સ્થાપ્યો છે.

ગુજરાતમાં જોકે કોઈ અજિત જોગી પાકે તેવી હાલ પૂરતી કોઈ સંભાવના નથી. એક એવો મત ચોક્કસ પ્રવર્તે છે કે આગામી ૨૦૧૭ની ચૂંટણી પૂર્વે અત્યારથી જ શંકરસિંહ વાઘેલાને સંપૂર્ણ અધિકારો સાથે નેતૃત્વ સોંપવામાં આવે તે જરૂરી છે. પણ આવું બીજા નેતાઓ કરવા દેશે?

ગુલબર્ગનો પડછાયો

ગુલબર્ગ સોસાયટીના હત્યાકાંડનો ચુકાદો આવી ગયો. હવે મામલો હાઇ કોર્ટમાં જશે. ગુલબર્ગના નિમિત્તે ‘મોદીને ફાંસીએ ચડાવવા’ના અભરખા તો ઘણાના હતા. ન્યાયાધીશે કહ્યું કે આમાં કોઈ કાવતરું નહોતું. આ સેક્યુલારિસ્ટો, કોંગ્રેસ અને તિસ્તા સેતલવડને મોટી લપડાક છે. પરિસ્થિતિ જ ગોધરા પછી એવી હતી કે ચોતરફ પ્રતિક્રિયાનો દાવાનળ ફેલાઈ ગયો. ગુલબર્ગનું યે એવું જ હતું. સોસાયટીમાંથી યે ગોળી વછૂટી હતી. સામસામા મારો-કાપોની પરિસ્થિતિ હતી. ટોળાંનો સંબંધ હિંસા સાથે ના હોય તો જ નવાઈ. જે ગોધરાની ટ્રેનના ડબ્બા પર બન્યું તે ગુલબર્ગમાં થયું. આમાં કોણે કાવતરું કર્યું તેના પ્રમાણો ન તો ‘સીટ’ પાસે કે ન અન્ય એજન્સીઓની પાસે હોય. તહેલકાનો એક પત્રકાર ‘સ્ટીંગ ઓપરેશન’ કરી ગયો તેની સચ્ચાઈ અદાલતે ઇન્કારી હતી.

જેવા અને જેટલા પુરાવા હતા તેના આધારે કેટલાકને દોષિત, બાકીનાને નિર્દોષ ગણવામાં આવ્યા છે. ૧૪ વર્ષ સુધીની આ જફાએ કેટકેલાં કુટુંબોને રડાવ્યાં હશે! કેટલાક તો અવસાન પણ પામ્યા છે. પોલીસતંત્ર અને અદાલત બન્નેની ફરજ એવી છે કે તમામ કેસ જલદીથી ચલાવે. વિલંબિત ન્યાય એ ન્યાય નથી. પણ બ્રિટિશરોએ આપેલી આ પરંપરા (જોકે બ્રિટિશ અદાલતે તો તે જ દિવસે કે દસ-પંદર દિવસે ચુકાદા આપી દીધાના ઉદાહરણો છે.) પ્રમાણે વિલંબ એ મોટું લક્ષણ છે.

આ કેસ ૧૪ વર્ષે તો પૂરો થયો તેની ઘણાને હા...શ છે નહીંતર, બીજી-ત્રીજી પેઢી સુધી મુકદમા ચાલતા રહે તેવું બન્યું હોત. આ મુકદમાની ‘બાય-પ્રોડક્ટસ’ પણ છે. જેને ગુજરાતના માનવાધિકારવાદી સંગઠનોએ ‘મહાન લડાયક’ ગણાવી હતી તે તીસ્તા સેતલવડની સ્વૈચ્છિક સંસ્થાએ ગુલબર્ગમાં આકાશના ચાંદ બતાવી બતાવીને નાણાં એકઠાં કર્યાની ફરિયાદ એ જ સંસ્થાના એકબીજા સભ્યે અદાલતમાં કરી તે મુકદમો હજુ ચાલે છે! ગુજરાતમાં આવા કેટલાંક એનજીઓ અસ્તિત્વ ધરાવે છે તે પણ ગંભીર પ્રશ્ન છે. તેવા સંગઠનો ગાંધીનગર - અમદાવાદ - મુંબઈ - દિલ્હી અને વિદેશો સાથે સંપર્ક ધરાવે છે. ગુલબર્ગ સાથે જોડાયેલા તીસ્તા-કેસમાં આવા ઘણા પરપોટા ફૂટશે.


comments powered by Disqus