ચારે તરફ સમસ્યાગ્રસ્ત ઘટનાઓની વચ્ચે ગુજરાતની મથામણ

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 14th September 2020 07:07 EDT
 
 

અત્યારે અધિક (પુરુષોત્તમ) માસ ચાલે છે. દોઢસો વર્ષે આ પ્રકારનો અધિક મહિનો આવ્યો તે બીજા અધિક માસથી અલગ છે. શ્રાદ્ધ પક્ષ શરૂ થયો, તેની અંતિમ તિથિ - સર્વ પિતૃ અમાસે સૌ પોતાના વિદાય લઇ ચુકેલા સ્વજનોનું શ્રાદ્ધ કરશે. આમ તો સિદ્ધપુરની નદીનો કિનારો તેના માટે જાણીતો છે, પણ શ્રાદ્ધ કરાવનારા ભૂદેવો વધુ લોકોને એકસાથે કર્મકાંડ કરાવે તેવું બનશે નહીં. કારણ છે કોરોના.

ખતરનાક વાયરો છે, અનેકોને સંક્રમિત કરીને સ્મશાને પહોંચાડે છે. કોને, ક્યારે થશે તેની ખબર નથી. હોંશે હોંશે નવા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે રેલી કાઢી અને ઉત્સાહી કાર્યકર્તા ભેગા થયા. તેમાં પ્રમુખ સહિત કેટલાકને કોરોના પોઝિટિવ આવ્યો, મંચને બદલે હોસ્પિટલની પથારીએ રહેવું પડ્યું છે. આમાં કોઈ ભેદભાવ નથી, કોરોના પણ પાક્કો સમાજવાદી છે. ભરતસિંહ સોલંકી પણ અડફેટમાં આવ્યા, ક્રિટીકલ સ્થિતિ હતી પણ ઈશ્વર કૃપાએ બચી ગયાં. એવું જ અમિત શાહ માટે બન્યું. બે વાર હોસ્પિટલ જઈને પાછા ફર્યા છે.

સંક્રમિત દર્દીઓનો આંકડો વધતો જાય છે. બીજી તરફ સજા થનારની સંખ્યા પણ વધી છે. હોસ્પિટલો તેની અપૂરતી સગવડતા સાથે ઝઝૂમે છે, ત્યાં તબીબો અને નર્સો પણ કોરોનાગ્રસ્ત થતાં હોવાના અહેવાલો આવે છે. રાજ્ય સરકાર, પોલીસ અને કોર્પોરેશન જરૂરી પગલાં તો લે છે, માસ્ક ફરજીયાત બનાવવા, દંડ કરવો, સામાજિક અંતર રાખવું વગેરે પણ એક એવો ગુસ્તાખ વર્ગ પણ છે જેમને આવું માનવું નથી. રસ્તા પર તમાકુના ડૂચા ખાઈને થૂંકનારા, માસ્ક નહિ પહેરનારા, ભીડ કરનારા જોવા મળે જ મળે. આનો ઉપાય પ્રજા પોતે જ સમજે તે છે. બાકી કોઈ પ્રચાર કામ લાગતો નથી. મોબાઈલ પર ચાંપલા અવાજમાં કોઇ યુવતી કોરોના વિષે પાંચ મિનિટ બોલે તે કંટાળો જ આપે. કવિઓ કોરોનાના ગીત અને કાવ્યો રચે તે એક પ્રકારનું મનોરંજન છે.

એક વર્ગ ટેસ્ટ કરાવતા ડરે છે, હોસ્પિટલમાં જવું પડશે તેવું વિચારતા જ થથરે છે. છાપાના એવા અહેવાલો કે હોસ્પિટલોમાં દર્દીઓના ખડકલાનું ધ્યાન અપાતું નથી અને ખાનગી હોસ્પિટલો લુંટે છે તેની ય અસર છે. કોરોનાની રસીના ઉલટસુલટ અહેવાલો આવે છે. સેનિટાઈઝેશન શરીર પર ખુજલી અને બીજી પ્રતિક્રિયા સર્જે છે એવું પણ બહાર આવ્યું. શરૂઆતથી એન્ટીજન ટેસ્ટ થતો હતો તે સાચું બતાવતો નથી એવું પણ બહાર આવ્યું.

આ બધું સાર્વજનિક અસર પેદા કરે છે. રાજ્યના હાઈવે પર હવે ભોજનના ઢાબા બંધ છે. દેશી ભોજન આપતા ડાઈનીંગ હોલનું પણ એવું છે. હા, કેટલીક નાની દુકાનો જરૂર ખુલે છે. રાત પડતા બધું સંકેલાઈ જાય. ઘર સુધી વસ્તુ પહોંચાડવાનો વ્યવસાય ખીલ્યો છે, પણ બસ વ્યવહાર હજુ ખોડંગાય છે. વિમાનોની મુસાફરી મર્યાદિત થઇ ગઈ. ટ્રેન પણ ઓછી સંખ્યામાં ચાલે છે. એવા ઘણા ધંધા છે જે ઠપ થઇ ગયાં. મકાન-નિર્માણથી માંડીને ઘરકામ કરનારા મુખ્યત્વે રાજસ્થાન અને બિહારથી આવેલા હતાં. તેનો મોટો ભાગ ઉચાળો ભરી ગયાં, થોડાક પાછા આવ્યા. સચિવાલયો હવે શરૂ તો થયા છે, પણ કોરોનાના ડર સાથે. કેટલાક કર્મચારીઓને કોરોના થયો. આ સંજોગોમાં તહેવારો, મિલન-મેળાવડા, મેળા, મંદિરોમાં દર્શન-ઉત્સવો, શાળા, કોલેજો, સિનેમાઓ...ની સ્થિતિ કપરી છે, બધે કાગડા ઉડે છે. મોલ પણ એવા રસ્તે છે.

શું આનાથી ભારતીય સમાજરચના અને અર્થકારણ બદલાશે? ટ્રાવેલનો મોટો ધંધો કરનારા એકે પોતાની મોટી ઓફિસને નમકીન અને પેસ્ટ્રીનું બજાર બનાવી દીધી. ગુજરાતીઓ એક નહીં તો બીજાં ધંધાના દરવાજા ખોલવામાં હોંશિયાર હોય જ ને?

સરકારે પણ દરેકને એક લાખની લોન મળે તેવી યોજના ખુલ્લી મૂકી. ખેડૂતો, કારીગરો, લઘુ ઉદ્યોગોમાં પણ આવી યોજનાઓ દાખલ થઇ. રાજસ્થાન સરકારે તો દરેકને સવાર-સાંજ ભોજનની યોજના શરૂ કરી. ઓનલાઈન શિક્ષણ માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સજ્જ થવા માંડ્યા. વર્ક એટ હોમનો માહોલ શરૂ થયો. આ બધાં બદલાવ છે, તેની સાથે અસુરક્ષિત હોવાનો ભાવ કુંઠા, હતાશા, નિરાશા સર્જે છે. તેના પરિણામે લડાઈ - ઝઘડા, છૂટાછેડા, ઘરેલુ હિંસા, બળાત્કાર, અને આપઘાતના કિસ્સા પણ વધ્યા દેખાય છે.

આમાં હવે નોરતાં આવશે. જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થીના ઉત્સવો માંડ સમજાવીને રસ્તા પર ના પહોંચે એવા પ્રયાસ સફળ થયાં. લગ્ન, અવસાન વગેરેમાં માર્યાદિત લોકો જ જાય તેવું આયોજન થયું છે. સ્વર્ગસ્થના બેસણાં હવે ઓનલાઈન થાય છે. જુઓ, સમાજ મોટા પ્રકોપથી બચી જવા કેવા કેટલાં અકલ્પિત ઉપાયો કરે છે. ‘આવો, હાથમાં હાથ મેળવીએ’ કવિની કવિતાનું સ્થાન ત્રણ ફૂટની દૂરી, અને નમસ્તેએ લઇ લીધું. હવે કોઈ હાથ મેળવતું નથી, એકબીજાને ભેટતાં નથી. એક મિત્રે કહ્યું કે પતિ - પત્ની - બાળકો હવે એક બેડરૂમમાં સુવાને બદલે અલગ રૂમ પસંદ કરે છે. ધર્માચાર્યોના પગને સ્પર્શીને વંદન કરવાના દૃશ્યો જોવા નહીં મળે.

નવરાત્રિના ગરબા એ ગુજરાતની વિશેષતા છે. નવ દિવસ સુધી ચાલતા આ રાત્રી ઉત્સવથી વિદેશીઓ પણ આકર્ષાય છે. રાજ્ય સરકાર અમદાવાદના મેદાનમાં ભવ્ય ઉત્સવ મનાવતી હતી. આ વખતે એવું નહીં બને. મોટો વર્ગ માને છે કે રાસગરબા બંધ રાખવા જોઈએ. રાસના પ્રણેતા શ્રીકૃષ્ણ, રાધા અને ગોપીઓ જ મંદિરના બંધ દરવાજે દિવસો વિતાવતા હોય, દર્શનાર્થીઓને ત્યાં જવાનું બંધ હોય તો પછી નવ રાત્રીના ગરબા એક વર્ષ બંધ રાખવામાં આવે તેમાં ખોટું શું? આની ચર્ચા ચાલી રહી છે.

હા, ભય, દૂરી અને સાવધાની... આ ત્રણ બાબતો કોરોનાની બક્ષિસ છે.


comments powered by Disqus