ચૂંટણી અન્ય રાજ્યોની, હલચલ ગુજરાતમાં!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 09th March 2016 06:09 EST
 
 

પાંચ રાજ્યોમાં સરકાર રચવા માટેની ચૂંટણી એપ્રિલ-મેના બળબળતા દિવસોમાં યોજાશે, તેમાં રાજકીય ગરમી ન વધે તો જ નવાઈ!

કેરળ, પોંડિચેરી (મૂળ નામ પુડુચેરી), આસામ (મૂળ નામ અસમ), પશ્ચિમ બંગાળ અને તમિળનાડુ, આ પાંચ રાજ્યોનો પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે ગુજરાતની સાથે ય ‘રાજકીય સંબંધ’ છે એટલે પ્રચાર અને પરિણામોથી ગુજરાત અળગું તો રહી શકે તેમ નથી.

સામાન્ય ગણતરી પ્રમાણે તો આ બધાં રાજ્યોમાં ગુજરાતીઓની ઠીક ઠીક વસતિ છે અને વ્યાપાર-વાણિજ્યમાં તેમનું મહત્ત્વનું સ્થાન છે. પશ્ચિમ બંગાળમાં કોલકતા સહિત ગુજરાતીઓની વસતિ ધરાવે છે. આપણા એક ગુજરાતી દિનેશ ત્રિવેદી તો તૃણમૂલ (પહેલાં કોંગ્રેસ)માંથી લોકસભામાં ચૂંટાઈ આવતા અને રેલપ્રધાન પણ બન્યા હતા. કોલકતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દરેક રાજકીય પક્ષો ગુજરાતી ઉમેદવારને (વધુ નહીં તો બે-પાંચ) પસંદ કરે છે. એટલે હજુ સુધી બંગાળી મહાનગરમાં કોઈ ગુજરાતી મેયર થયો નથી. ગુજરાતી ભાષાનું સૌથી જૂનું - એકસો વર્ષનું - એક સાપ્તાહિક ‘નવરોઝ’ અહીંથી પ્રકાશિત થતું તેના તંત્રી માલિકો કાંગા દંપતી હતા. હવે તેની જગ્યા ‘કોલકતા હલચલે’ લીધી છે.

તમિળનાડુનું મહત્ત્વ

જેવી સ્થિતિ પશ્ચિમ બંગાળની તેવી જ તમિળનાડુની છે. બન્ને પ્રદેશોમાં પ્રાદેશિક પક્ષની સરકારોનો દબદબો છે, બન્નેના નેતા મહિલા મુખ્ય પ્રધાન! જયલલિતા અનેક સંકટો પાર પાડીને સત્તા જાળવી રાખી શક્યા છે. મમતાનું મૂળ કોંગ્રેસમાં પણ પછી તેણે તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરીને ડાબેરી મોરચો તેમજ કોંગ્રેસ - બન્નેને પરાસ્ત કરી દીધાં. ખરેખર તો બંગાળની પ્રજાને ડાબેરી મોરચો પસંદ નહોતો તે વિકલ્પ તૃણમૂલે પૂરો પાડ્યો. ભાજપની એ ઐતિહાસિક કમનસીબી રહી કે તેના પુરોગામી જનસંઘના સ્થાપક ‘મહાન રાજનેતા’ ડો. શ્યામા પ્રસાદ મુખરજી (જો તે સમયે કોંગ્રેસ - વિરોધી પક્ષો વધુ તાકાત બનાવી શક્યા હોત તો ભારતના પ્રથમ વડા પ્રધાન થવાની તેમની ક્ષમતા હતી.) પશ્ચિમ બંગાળના હતા. બીજા એક નેતા ડો. દેવ પ્રસાદ ઘોષ જનસંઘ-પ્રમુખ થયા તે પણ બંગાળના. પછીથી રાજ્યપાલ બનેલા ડો. વિષ્ણુકાંત શાસ્ત્રી. કર્મભૂમિ બંગાળ રહી, પરંતુ પશ્ચિમ બંગાળમાં જનસંઘ વધુ તાકાતવર ન બની શક્યો. ભાજપે પણ અત્યારે તો ‘બાય ડિફોલ્ટ કોંગ્રેસ - ટીએનસી - લેફ્ટ ફ્રન્ટ’ જેટલી બેઠકો મળે તેનાથી સંતોષ માનવો પડે તેમ છે.

અસમ સાવ અલગ છે

અસમનું દૃશ્ય પશ્ચિમ બંગાળથી થોડુંક અલગ છે. બાંગલા દેશ (પહેલાં પૂર્વ પાકિસ્તાન)ની સરહદેથી તેણે ઘૂસણખોરોના સર્વસ્પર્શી આક્રમણનો લાંબા સમયથી સામનો કરવાનો આવ્યો. ‘નીચે સાદુલ્લા, ઉપર અલ્લા’ એ નારો પૂર્વ પાકિસ્તાનથી હજારોની સંખ્યામાં અસમમાં આવીને વસી ગયેલાઓનું મુખ્ય સૂત્ર હતું.

ભારત-પાકિસ્તાન વિભાજન સમયે અસમનો ઘણો મોટો વિસ્તાર પાકિસ્તાનના હિસ્સામાં જાય તેની સામે કોંગ્રેસ-નેતા વિષ્ણુરામ મેઘી અને બારડોલોઈએ મોટી લડત આપવી પડેલી. ફખરુદીન અલી અહમદથી અનવરા તૈમુર સુધીના કોંગ્રેસી નેતાઓએ ઘૂસણખોરીની સમસ્યાને નજરઅંદાજ કરી એટલે ‘ભૂતિયા મતદારો’ની સંખ્યા વધી ગઈ. છેક ૧૯૮૦ પછી અસમ પ્રજાએ આંદોલન શરૂ કર્યું ત્યારે ભારત સરકાર સફાળી ઊંઘમાંથી ઊઠી તો ખરી, પણ યોગ્ય પગલાં લેવાને બદલે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ રાજ્યમાં ચૂંટણીની તરફેણ કરી. (તે સમયે ચૂંટણી પંચના અધ્યક્ષ, ગુજરાતમાં રાજ્યપાલ રહી ચૂકેલા રામકૃષ્ણ ત્રિવેદી હતા.)

ચૂંટણી થઈ, પ્રજાએ બહિષ્કાર પોકારેલો એટલે માંડ પાંચથી પંદર ટકા મતદાન થયું. સામાન્ય સંજોગોમાં ડિપોઝીટ રદ થાય એટલા મતોથી ચૂંટાયેલા ‘પ્રજાના પ્રતિનિધિ’ઓની સરકાર બની, જે લાંબો સમય ચાલી શકે તેવી નહોતી. છેવટે રાજીવ ગાંધી - એજીપી (અસમ ગણ પરિષદ) કરાર થયા પણ સમસ્યાનું સંપૂર્ણ સમાધાન તો બાકી જ છે.

ભારત સરકારે બાંગલા દેશ સાથે સરહદી વિસ્તારના નાગરિકોના નિવાસોની મંત્રણા કરીને જે કરાર કર્યા તેનાથી આંશિક શાંતિ પણ થઈ છે. છતાં અસમ માટે આ પ્રશ્ન સંવેદનશીલ છે.

બોડો જનજાતિને અનામત આપવાની જાહેરાત, અસમ ગણ પરિષદ સાથે ચૂંટણી સમજૂતી - આ બે બાબતો ભાજપની તરફેણમાં કામ કરશે. સર્વેશ્વર દાસનું ભાજપમાં આવવું - કેટલાક લોકો વધુ વજનદાર બાબત માને છે. જોકે ‘લઘુમતીના અવાજ’ના નામે, બાંગલા દેશથી આવેલાઓની દરકાર રાખવા માટે એક પક્ષ ઊભો થયો છે. આંદોલન સમયે પણ ‘આમસુ’ સહિત એવાં કેટલાંક સંગઠનો હતાં.

ગુજરાતનો પ્રચાર

તમિળનાડુમાં બે મોટા પ્રતિસ્પર્ધી પક્ષો - ડીએમકે અને એઆઇએડીએમકે સિવાય બીજા કોઈ અખિલ ભારતીય પક્ષની હકુમત ચાલતી નથી, તેમને કોઈ એકની સાથે હાથ મેળવવા પડશે. ડીએમકે એનડીએના ‘સ્વાભાવિક મિત્ર’ હોવા છતાં કોંગ્રેસની સાથે જાય તેવી સંભાવનાઓને લીધે જયલલિતા એનડીએની તરફેણ કરે તો નવાઈ નહીં.

પુડુચેરી જેવાં નાનકાં રાજ્યમાં પણ સ્થાનિક પક્ષ જ શાસન કરે છે. રહી વાત કેરળની, તો ત્યાં ડાબેરી વિરુદ્ધ કોંગ્રેસનો લાંબા ગાળાનો સંઘર્ષ છે. કોંગ્રેસ - સરકાર રાબેતા મુજબ કૌભાંડોમાં સંડોવાયેલી છે, અને યુડીએફનું ગઠબંધન છે. ૧૪૦માંથી ૮૯ બેઠકો ધરાવે છે. અસમમાં ભાજપનું મિશન ૫૬ બેઠકો મેળવવાનું છે.

કેન્દ્રમાં ભાજપ અને નરેન્દ્ર મોદી સત્તા પર હોવાથી, ગુજરાત આ પાંચે રાજ્યોમાં કેવો-કેટલો ભાગ ભજવી શકે છે તેનું પણ મહત્ત્વ છે. અન્ય રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં ગુજરાતના જથ્થાબંધ કાર્યકર્તા-નેતાઓ અસર જમાવવા માટે જતા હોય છે. ‘ગુજરાતી’ રાષ્ટ્રીય પ્રમુખનો ગુજરાતીઓનાં પીઠબળનો આ રાજ્યોમાં ઉપયોગ થાય તેવો ઇરાદો છે. એટલે આ ચૂંટણી ગુજરાત માટે ય રસપ્રદ નીવડશે.

ગુજરાતમાં શું?

ગુજરાતમાં શું બધાની - રાજકીય પક્ષો અને સંગઠનો તેમજ સમુદાયોની - નજર ૨૦૧૭ની ચૂંટણી પર જ છે? એવું લાગે તો છે. પાટીદાર અનામત આંદોલનમાં એકરાગ નથી. પોલીસે જો ‘રાજદ્રોહ’નો ગુનો હાર્દિક પટેલ પર લગાવ્યો ના હોત તો તે અગાઉ જેટલી તાકાતથી નવા દેખાવો યોજી શક્યો ન હોત. બીજી રીતે પણ ફાટફૂટ છે અને જે કાર્યક્રમો થાય છે તેમાં આગામી ચૂંટણીમાં કેવોક ભાગ ભજવી શકાય તે જ મુખ્ય વિષય છે. ભાજપે - મુખ્ય પ્રધાન અને પ્રદેશ પ્રમુખનાં તમામ ભાષણો અને કાર્યક્રમો નિહાળો તો - સ્પષ્ટ રીતે ૨૦૧૭ વર્ષને નજરમાં રાખ્યું છે.

કોંગ્રેસમાં ‘બાર પંથ અને તેર ચોકા’ છે, પરંતુ મુખ્ય નેતાઓ ગુજરાતના ભાવિ રાજકીય નકશા તરફ નજર માંડીને બેઠાં છે. એનસીપીના થોડાંક જ થાણાં છે. ‘આપ’ પાસે કોઈ સામુહિક નાગરિક તાકાત નથી અને કનુભાઈ કલસરિયા જેવા ભલા’દમી તેને વ્યાપક બનાવી શકે તેમ નથી. સામ્યવાદીઓ દેખાવોથી આગળ વધી શકે તેમ નથી. પરંતુ આગામી ચૂંટણીમાં ગુજરાતનો મતદાર જ મુખ્ય બળ બની રહેશે એની બધાંને પૂરી ખબર છે.


comments powered by Disqus