ચૂંટણી ચકરાવો પૂરો થયો, હવે બીજા પડકારો!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 09th December 2015 07:24 EST
 
 

જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ગુજરાતી મતદારોએ જે સંતુલન જાળવ્યું તે ‘પોતાના પ્રશ્નોના ત્વરિત ઉકેલ શોધવા માટેનું સંતુલન’ છે! કેટલીક જિલ્લા-તાલુકા પંચાયતો કોંગ્રેસે સર કરી અને મહાનગર નિગમો (મ્યુનિસિપલ કોર્પોરેશન)માં ભાજપે પોતાની સત્તાને જાળવી રાખી તે બન્ને બાબતો સૂચક છે. આવું અગાઉ એક યા બીજા પક્ષ માટે ઘણી વાર બન્યું છે. તેનો અર્થ એવો જ કરવો કે લોકો પોતાના કામોનો નિકાલ માગે છે? ના. એટલું સરળીકરણ કરાય તેવું નથી. પક્ષોની નીતિરીતિ, કાર્યપદ્ધતિ, ઉમેદવાર અને નાત-જાત તેમ જ નાણાં-ખર્ચઃ આટલાં કારણો સદેહે હાજર હોય છે અને તેનો બોધપાઠ ભાજપ-કોંગ્રેસે અચૂક લેવો જોઈએ.

પરિણામો પછીનું ચિત્ર

પરિણામો પછીનું પક્ષ-ચિત્ર રસપ્રદ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ આર. સી. ફળદુની મુદત આમેય પૂરી થવામાં છે. નવો પ્રમુખ પટેલ, ઓબીસી, દલિત, આદિવાસી કે સવર્ણ હોય તેવી ચર્ચા દરેક વખતે ચાલે જ છે. પણ, ખરેખર તો પક્ષ પ્રમુખમાં આ સિવાયની બીજી યોગ્યતા છે, સંગઠન વિસ્તારવાની અને તેના પર સ્વાભાવિક કાબુ રાખવાની સજ્જતા. પક્ષ સત્તા પર હોય તો તેણે સરકાર અને સંગઠનની વચ્ચે સુખદ મેળમાપ કરવો પડે.

ભાજપ અને તેના પૂર્વવર્તી જનસંઘના પ્રદેશ અધ્યક્ષોની એક લાંબી પરંપરા છે. મોહનનાથ કેદારનાથ દીક્ષિત જનસંઘ-સ્થાપના સમયે પ્રથમ પ્રમુખ હતા. ૧૯૦૫ની સુરત-કોંગ્રેસના સક્રિય સાક્ષી! પછી હરીસિંહ ગોહિલ આવ્યા. કેશુભાઈ પટેલ, મકરંદ દેસાઈ, ડો. એ. કે. પટેલ, દેવદત્ત પટેલ, શંકરસિંહ વાઘેલા, વજુભાઈ વાળા, કાશીરામ રાણા, પુરુષોત્તમ રૂપાલા અને કે. સી. ફળદુ. બીજા નામો યે હશે. આ તમામે પક્ષનું સુકાન સુપેરે ચલાવ્યું, વિપક્ષે રહીને કે પછી સત્તા પર હોય ત્યારે.

હવે જે નામ-પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ તેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ. કે. જાડેજા, રમણ ચૌધરી, ભીખુભાઈ દલસાણિયા વગેરે છે. એક સીનિયર નેતાએ એવો વિચાર વ્યક્ત કર્યો કે જો મુખ્ય પ્રધાન મહિલા હોય તો પ્રદેશ પ્રમુખ પણ મહિલા કેમ ન હોય? જનસંઘ-ભાજપમાં અગાઉ હેમાબહેન આચાર્ય, હંસિકાબહેન મણિયાર, શહેનાઝ બાબી વગેરે પોતપોતાની રીતે સક્રિય મહિલા આગેવાનો હતાં. વિદ્યાબહેન ગજેન્દ્ર ગડકરે પણ કામ સંભાળેલું.

હવે પેઢી બદલાઈ ગઈ છે. હેમાબહેન જૂનાગઢમાં સેવાકાર્ય સાથે જોડાયાં. વિદ્યાબહેન ના રહ્યાં. એ સવાલ ખૂંચે કે સત્તા મેળવી લીધા પછીના ભાજપના સમગ્ર સંગઠનને જાળવવાનું કામ કરે તેવી મહિલા નેતાગીરી ભાજપમાં છે ખરી? ૧૯૫૨ પછી પહેલી વાર - આટલાં વર્ષે મહિલા મુખ્ય પ્રધાન આરૂઢ થયાં! જોકે નગરોમાં વિભારીબહેન દવે, મિનાક્ષીબહેન પટેલ, વર્ષાબહેન દોશી, ભાવના જોશીપુરા વગેરે નામો કહી શકાય. ધારાસભા અને લોકસભામાં પણ કેટલાક ચૂંટાઈ આવ્યાં છે એ સંતોષજનક વાત ગણાય.

કોંગ્રેસને મળ્યું પતાસું

કોંગ્રેસના ઝંખવાયેલા ચહેરા પર રતાશ આવી તેવું જણાય છે. વિગત ચૂંટણીમાં તેમને મળેલી જીત - તેના જ એક નેતાના શબ્દોમાં - ભાજપનો આભાર માનવા જેવી ઘટના છે! ‘બાય ડિફોલ્ટ’ શબ્દ તેને માટે ઉપયુક્ત છે. કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓનું મોટું બળ રહ્યું નથી. શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી આ માટે મહેનત તો કરી રહ્યા છે, પણ કોંગ્રેસે છેલ્લા ઘણાં વર્ષોથી જુસ્સો ગુમાવી દીધો છે તેના લીધે વિરોધ પક્ષ તરીકે ય દમદાર સાબિત થતી નથી. આમાં આટલી બધી સીટ મળી. હવે તેને જાળવી રાખવા માટે સંગઠનની જાળને વધુ મજબૂત કરવી એ પડકાર છે. મૂળ મુદ્દો જ એ છે કે કાર્યકર્તા પક્ષમાં જેટલું કામ કરે તેના કરતાં બમણું વળતર માગે છે, હોદ્દાઓ વિના તેને ચાલતું નથી. તેમાં કેટલાક સફળ થાય છે, બીજા થતાં નથી. આ બન્ને વચ્ચે મોટો ગજગ્રાહ ચાલતો રહે છે. કોંગ્રેસ અને ભાજપ બન્નેમાં આ સ્થિતિ છે.

કચ્છના મોરચે સુરક્ષા પરિષદ

ઘોરડો (કચ્છ) જેવાં નાનકડાં ગામમાં વડા પ્રધાન અને ગૃહ પ્રધાનની હાજરીમાં તમામ રાજ્યોના પોલીસ વડાઓની બેઠક પ્રતીકાત્મક રીતે પણ ગંભીર ગણી શકાય. કચ્છ એક સરહદી રાજ્ય છે. બે વાર તેણે પાકિસ્તાનનાં આક્રમણનો સામનો કર્યો છે. ૧૯૬૫ના યુદ્ધ પછી લીલુંછમ્મ છાડબેટ માત્ર આંતરરાષ્ટ્રીય ચુકાદાને લીધે ગુમાવ્યું તેના વિરોધમાં ૧૯૬૮માં તમામ વિપક્ષોએ ભેગા થઈને યાદગાર સત્યાગ્રહ એક મહિના સુધી ચલાવ્યો હતો.

કચ્છના ખાવડાથી અને કોટેશ્વરના સમુદ્રેથી પાકિસ્તાનનો ઓછાયો છે. સીરક્રિકનો વિવાદ પાકિસ્તાની ગંદી રાજરમત છે. ‘હરામી નાળુ’ તરીકે જાણીતી જગ્યાએથી દાણચોરી અને ઘૂસણખોરી થાય છે. રણને પાર કરીને પાકિસ્તાન પહોંચાડનારા ડઝનબંધ રસ્તા ઘૂસણખોરોને માલૂમ છે. સિંધ-કચ્છની સરહદ પરના કુટુંબોનો રોટીબેટી વ્યવહાર પણ ચાલે છે. કરંજકોટ, ધર્મશાળા, બેરિયા બેટ, રહીમ કી બજાર... આ બધાં યુદ્ધ સમયે જાણીતાં થયેલાં સ્થાનો છે. પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને સુરક્ષા પ્રધાન જ્યોર્જ ફર્નાંડિઝે અહીં કચ્છ સત્યાગ્રહનું નેતૃત્વ લીધું હતું. હવે અનુગામી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષાકર્મીઓની વ્યૂહરચના માટે કચ્છની સરહદ પાસેનું ઘોરડો પસંદ કર્યું.

થોડાક મહિના પહેલાં માંડવી નજીકના એક ગામમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરિવારના દેશભરના પ્રચારકોનો શિબિર થયો તેમાં સરસંઘચાલક મોહનરાવ ભાગવત આવ્યા હતા. એ પણ નોંધવા જેવું છે કે જિલ્લા પંચાયતોમાં બીજે ભાજપને મુસીબતો આવી છે, પણ કચ્છમાં તેને મતદારોએ ઉત્સાહથી જિલ્લા પંચાયતમાં વિજય અપાવ્યો છે!

પ્રણવ મુખરજી, શૈલજા અને દેવદર્શન

સોમનાથ, ગૂજરાત વિદ્યાપીઠ, દ્વારિકા અને ગાંધી આશ્રમ તેમ જ અમુલ સંકુલઃ આટલાં સ્થાનોએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ગુજરાતની મુલાકાતમાં સમાવેશ કર્યો હતો. સોમનાથ સાથે તો પ્રથમ રાષ્ટ્રપ્રમુખ રાજેન્દ્રપ્રસાદનું નામ અવિચલિત બનીને જોડાયેલું છે. પ્રણવદા કોઈ સમયે નાણા પ્રધાન હતા ત્યારે સોમનાથ આવ્યા હતા. વિજયાદસમીના ઉત્સવમાં તેઓ બંગાળમાં પોતાના વતનના નગર જઈને દર વર્ષે દુર્ગાપૂજા કરે છે.

રાષ્ટ્રપ્રમુખની ધાર્મિક-મુલાકાતની સમાંતરે એક બીજી મુલાકાત પણ ચર્ચાના દાયરામાં રહી. યુપીએ સરકારમાં ‘યુવા પ્રધાન’ તરીકે જાણીતાં થયેલાં કુમારી શૈલજાએ સંસદમાં ભાવુક થઈને એવું વિધાન કર્યું કે દ્વારિકાધીશના મંદિરે દર્શન માટે ગઈ તો મારી ‘જાત’ પૂછવામાં આવી હતી! આનો ભારે ઊહાપોહ થયો. બે-ત્રણ વર્ષ પૂર્વે શૈલજા દ્વારિકા આવ્યાં હતાં અને તેમણે તો ‘મુલાકાતી નોંધ’માં મંદિર વ્યવસ્થાની ભારોભાર પ્રશંસા કરી હતી.

ત્રણ વર્ષે તેમને આ શું સૂઝ્યું હશે? પછી તેમણે જ ખુલાસો કર્યો કે ના, દ્વારિકાશીધની મુલાકાતમાં આવું બન્યું નહોતું, પણ બેટ દ્વારિકામાં મારી જાત પૂછવામાં આવી હતી! પૂજારીઓનો એનો ખુલાસો આવ્યો કે દર્શન માટે કોઈ પણ નાતજાત વિના લોકો આવે છે. હા, કોઈને વિશેષ પૂજા કરવાની ઇચ્છા હોય તો તેના ગૌત્ર, કુલ વગેરેનો ઉલ્લેખ કરીને ‘તે તમામે પૂજા કરી’ એવું ગણવામાં આવે છે! ગોત્ર, પ્રવર, કૂળ એ તો પારિવારિક વંશાવલીનો નકશો માત્ર છે.

ગૂજરાત વિદ્યાપીઠના દીક્ષાંત પ્રવચનમાં રાષ્ટ્રપ્રમુખે લખેલું પ્રવચન આપ્યું. આ લેખકને સ્મરણ છે કે ૧૯૬૮માં, તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ ડો. રાધાકૃષ્ણન્ દીક્ષાંત પ્રવચન માટે આવ્યા હતા. તેમના ઘેરા, શાલીન અવાજમાં ભારતીય શિક્ષણ અને અધ્યાત્મની સંસ્કૃતિની સુંદર પ્રસ્તૂતિ ગૌરવભરી અંગ્રેજી ભાષામાં કરી હતી.

વ્યાખ્યાનમાળા તો ખરી, પણ...

ગૂજરાત વિદ્યાપીઠની સાથે સ્વ. રામલાલ પરીખનું સ્મરણ થયા વિના રહે નહીં. આ ગાંધીવાદી શિક્ષણકારે પોતાની તમામ શક્તિ વિદ્યાપીઠના સંવર્ધન માટે ખરચી હતી. તેમના પુત્રી વિદુષી મંદાબહેન પરીખ વિદ્યાપીઠની સાથે સંકળાયેલા છે. આ વખતે ઉપકુલપતિની સંભવિત નામાવલિમાં તેમનું યે નામ હતું, પણ વિદ્યાપીઠ હજુ સુધી તો કોઈ મહિલાની શૈક્ષણિક સર્વોચ્ચતાનું સાહસ કરી શકી નથી. મંદાબહેનનાં ‘સ્વ. રામલાલ પરીખ વ્યાખ્યાનમાળા’માં આ વખતે વક્તા તરીકે સાહિત્યકાર અશોક વાજપેયીને બોલાવવામાં આવ્યા હતા! હમણાંથી જે બૌદ્ધિકો - કલાકારો - સાહિત્યકારોએ અકાદમી-એવોર્ડ પરત કરવાનો ઉદ્યમ આદર્યો છે તેમાં આ મહાનુભાવ પણ છે.

કોંગ્રેસ સરકારના સમયમાં તેમને મધ્ય પ્રદેશના સાહિત્યિક સંસ્થાન ‘ભારત ભવન’ના સર્વેસર્વા ગણવામાં આવતા હતા. ભોપાલમાં કાર્બાઇડ હોનારત થઈ તેમ છતાં તેમણે સાહિત્યિક સમારંભ ચાલુ રાખ્યો હતો તેવી વિગત એક ટ્વિટરે પૂરી પાડી છે. તેમનો કોંગ્રેસ-પ્રેમ જાણીતો છે, એટલે આટલાં વર્ષે એવોર્ડ-વાપસીનાં જુલુસમાં જોડાયા તેને માટે સવાલો પેદા થાય છે. ગુજરાતમાં તેમને ‘વ્યાખ્યાન’ આપવા બોલાવવાનું કોઈ ઔચિત્ય ખરું? આ સવાલ કેટલાકે ઊઠાવ્યો છે.

‘સાહિત્ય અને નાગરિકતા’ જેવા સર્વસ્પર્શી વિષય માટે દેશવિદેશે બીજા ઘણા અધિકારી લેખકો છે, તે વ્યાખ્યાન માટે મળી શક્યા હોત. ગુજરાતમાં જ્યારે એવોર્ડ - વાપસીનો - એકાદ અપવાદને બાદ કરતાં - કોઈ ઊહાપોહ જ નથી ત્યાં આવું નિમિત્ત મંદાબહેન જેવાં સમજદાર શિક્ષણકારને કેમ સૂઝયું હશે?


comments powered by Disqus