ચૂંટણી પહેલાંનો ગણગણાટઃ કોણ બનશે મુખ્ય પ્રધાન?

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 10th April 2017 10:56 EDT
 
 

ધારાસભામાં કોણ બહુમતી મેળવશે એ વાત બાજુ પર રહી ગઈ અને કોણ મુખ્ય પ્રધાન બનશે તેની ચર્ચા જોરશોરથી ચાલુ થઇ એ ગુજરાતની આગામી ચૂંટણી પૂર્વેની ખાસિયત ગણવી જોઈએ. કેટલા નામો રાજકીય આકાશમાં પતંગ બનીને ઉડે છે તે જાણવા જેવું છે. અમિત શાહ, વિજય રુપાણી, નીતિન પટેલ અને આદિવાસી નેતાઓ. આ થઇ ભાજપની વાત.

તો કોંગ્રેસમાં? શંકરસિંહ વાઘેલાને સોશિયલ મીડિયામાં મુખ્ય પ્રધાન તરીકે ચીતરવાનું ચાલુ થઇ ગયું. રોજેરોજ ફેસબુક અને ટ્વીટર પર બાપુ આવે છે... સૂત્ર સાથે તેમના મુખ્ય પ્રધાન પદ દરમિયાનના પ્રજાકીય નિર્ણયોની વાત કરવામાં આવે છે. બાપુ દરેક ઘટના પર પોતાનો અભિપ્રાય જાહેર કરે છે. ૧૯૯૬માં સરકાર બની ત્યારે જ ‘ટનાટન સરકાર’ શબ્દપ્રયોગ પ્રચલિત કરાવ્યો હતો. જાહેર ભાષણમાં બાપુ આ શબ્દ બોલે તેની લોકો રાહ જોતા! હવે કોન્ગ્રેસમાં જ ચર્ચા છે કે હાઈ કમાન્ડે તેમને ગ્રીન સિગ્નલ આપી દીધું છે કે શું? તેના વિના આટલો મોટો પ્રચાર તેમના માટે કઈ રીતે શરૂ થાય?

જોકે આ તો કોંગ્રેસ છે. સત્તા પર ના હોય ત્યારે તેનું આંતરિક રાજકારણ વધુ ખેલ પાડે છે. ભરતસિંહ સોલંકીને ભવિષ્યના મુખ્ય પ્રધાન તરીકે ચીતરતાં પોસ્ટર એક વાર લાગ્યા હતા. પછી શંકરસિંહ વાઘેલાએ જાહેર કર્યું કે હું આવી કોઈ હોડમાં નથી. વળી પાછું તેમના નામ અને કામની ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસમાં છુપી મહત્વાકાંક્ષા ધરાવનારા અર્ધો ડઝન નેતાઓ છે જે પોતાને મુખ્ય પ્રધાન તરીકે જોઈ રહ્યા છે. અમરેલીના એક ખેડૂત નેતાના નામે તો આવી જાહેરાત પણ થઇ કે ધાનાણી જેવા મુખ્ય પ્રધાન થવા જોઈએ!

બીજી ગણતરી એવી છે કે ઓબીસી, દલિત કે આદિવાસી નામ આગળ ધરવું જોઈએ. એટલે બીજા છ નામો ઉમેરાયા. કેટલાકે દિલ્હી જઈને પ્રયાસ કર્યો. પણ હજુ તો ભેંસ ભાગોળે, છાશ છાગોળે ને ઘેર ધમાધમ... જેવો ઘાટ છે. તેમાં વળી ગયા સપ્તાહે જનતા દળ (યુ) અને એનસીપીના નેતાઓ અમદાવાદ આવ્યા અને બન્ને પક્ષ ગુજરાતમાં સાથે મળીને ચૂંટણી લડશે એવી જાહેરાત કરી. આ બન્ને પક્ષ દસેક બેઠકો મેળવી શકે તેવી કોઈ શક્યતા નથી. બન્નેના એકાદ-બે ધારાસભ્યો છે તે પણ આંતરિક રાજકીય ખેલને લીધે ચૂંટાયા છે.

પણ આ જાહેરાત વખતે એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ હાજર હતા. તેમણે કેટલીક રસપ્રદ વાતો જરૂર કરી. પોતે પટેલ છે એ વાત ગુજરાતમાં કોઈ રીતે કામ લાગશે કે નહીં તેની ચકાસણી માટે શરદ પવારે તેમને મોકલ્યા હતા. તેમણે વિસ્તારથી સમજાવ્યું કે કોંગ્રેસ વચન વાયદામાં પાળતી નથી એટલે અસંતોષ પેદા થાય છે. ગઈ ચૂંટણીમાં અમને નવ બેઠકો ફાળવી હતી, પણ તેમાંથી આઠ પર તેણે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા. મહારાષ્ટ્રમાં કોંગ્રેસે એનસીપીને વજૂદ ના આપ્યું એટલે ભાજપ ફાવી ગયો... આટલું કહ્યા પછી ઉમેર્યું કે કોંગ્રેસ સામે અમને વાંધો નથી. અમે બધી લાઇક માઈન્ડેડ પાર્ટી છીએ. ભાજપને હરાવવા બધાએ એકત્ર થવું જોઈએ. મૂળમાં મુલચંદ જેવી ખોટ છે કે કોણ કોની સાથે રહે.

બીજી વાત એ પણ છે કે ઉત્તર પ્રદેશના ધમાકા પછી સમાજવાદી અને કોંગ્રેસ તેમજ બસપા - ત્રણેની કળ હજુ વળી નથી. જાનમાં કોઈ જાણે નહિ અને હું વરની ફોઈ... એવી દશા સામ્યવાદી પક્ષોની છે. યેચુરી અને કારત આ પક્ષોને સમજાવી રહ્યા છે કે બધાનો ભાજપ એટલે કે કોમવાદ વિરોધી મોરચો થવો જોઈએ. અગાઉના એવા પ્રયાસોની ચર્ચા પણ ચાલુ છે. દેશે બે મોટા ગઠબંધનો જોયા છે. બંનેએ કેન્દ્રમાં સત્તા પણ મેળવી તે યુપીએ અને એનડીએ જેવી ધરી આકાર લેવી જોઈએ. પણ એનડીએ પાસે અત્યારે નરેન્દ્ર મોદી જેવા ધરખમ લોકપ્રિય નેતા છે, યુપીએમાં ગાંધી પરિવાર નિસ્તેજ પુરવાર થઇ ચૂક્યો. પછી શું?

એનડીએ સરકારને અટલ બિહારી વાજપેયી જેવું કરિશ્માઈ નેતૃત્વ પ્રાપ્ત થયું હતું. જીવ્યા હોત તો રાજીવ ગાંધી યુપીએને સબળ નેતાગીરી પૂરી પાડી શક્યા હોત એમ અહમદ પટેલ માને છે. તેનો અર્થ એવો થયો કે સોનિયા-રાહુલ આ પક્ષને માટે હવે રાજકીય બોજો પુરવાર થઇ ચૂક્યા છે. તેમના પછી કોણ તે પ્રશ્નાર્થ છે. એવા કોઈ જ નેતા પક્ષની પાસે નથી જે રાષ્ટ્રીય પ્રભાવ પાડતી નેતાગીરી કરી શકે.

એક કોંગ્રેસી નેતાએ મજાકમાં કહ્યું કે ગાંધીજી ઇચ્છતા હતા કે ૧૯૪૭માં જ કોંગ્રેસનું વિસર્જન કરવામાં આવે. બીજા નેતાઓ તેવું ઇચ્છતા નહોતા એટલે ગાંધીજીએ જવાહરલાલને રાજકીય વારસદાર તરીકે જાહેર કરી દીધા. કોંગ્રેસને સમાપ્ત કરવામાં નેહરુ-ગાંધી વંશ સફળ થઇ શકશે એ વાત મોડેથી સાચી પડતી જાય છે. સરદાર પટેલને જો રાજકીય વારસદાર બનાવ્યા હોત તો કોંગ્રેસની આજે જે હાલત થઇ છે તેવી ના હોત! વ્યંગમાં કહેવાયેલી આ વાત કેટલી સાચી છે.

આગામી વર્ષોમાં અગાઉ કોંગ્રેસે કર્યું તે ભાજપમાં થશે. કોંગ્રેસમાં સમાજવાદી, સામ્યવાદી, નાના-મોટા પક્ષો ભળી ગયા અને કોઈ વિરોધ પક્ષ મજબૂત થયો જ નહીં. તે રીતે આજે ભાજપનો દબદબો એવો છે કે બીજા પક્ષો - જેમાં કોંગ્રેસ પણ સામેલ છે-ના નેતા કાર્યકર્તાઓ ભાજપ તરફ વિના પ્રયાસે વળી રહ્યા છે. કોંગ્રેસ ભલે એમ કહે કે અમારો કચરો ભાજપમાં જઇ રહ્યો છે, તેનાથી અમને નુકશાન નથી. વાસ્તવિકતા જુદી છે. જનારાઓને કચરો કહેવાથી એ સાબિત થયું કે કોંગ્રેસ કચરો બની ચૂકી છે?

પ્રફુલ્લ પટેલ અને એનસીપી વિશે અગાઉથી કોંગ્રેસમાં પણ એવી છાપ છે કે તેઓ ભાજપને જીતાડવાનો પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રયત્ન કરીને કોંગ્રેસને નુકશાન કરે છે. બીજી વાત એવી આવી છે કે પટેલ હોવાના કારણે તેમને કોંગ્રેસ ભવિષ્યના મુખ્ય પ્રધાન તરીકે પ્રસ્તુત કરે અને એનસીપીને સાથે રાખે! આજે તો આ શેખચલ્લી સપના જેવું લાગે પણ આવતીકાલે ચૂંટણી સુધીમાં કેવા રાજકીય ખેલ પડશે તેના આ બધા સંકેતો છે. પેલા દલિત, ઓબીસી, પટેલ અનામત આંદોલનના નેતાઓ પણ ભાવિ મુખ્ય પ્રધાન પોતાને રજૂ કરવા માટે થનગની રહ્યા હોય અને કથિત એનજીઓ તેમજ ચર્ચાશુરા બૌદ્ધિકોનો એક વર્ગ તેની પીઠ થપથપાવીને તેમને ભાવિ ગુજરાતના નવા નેતાઓ તરીકે ગણાવવાની બાલિશ કોશિશમાં જોડાય તો નવાઇ નહિ.

દરમિયાન બધા પક્ષો ચૂંટણીમાં દોડતા થઇ ગયા! કોંગ્રેસે ‘નવસર્જન ગુજરાત’ સૂત્ર આપ્યું છે. તેની નવસર્જન યાત્રા ચાલે છે. ૧૯૭૪માં જે આંદોલન કોંગ્રેસની સામે ચાલ્યું તે ‘નવનિર્માણ’ હતું. વિધિની વિડંબના તો જૂઓ કે એ જ નામ કોંગ્રેસ પ્રયોજે છે.

ભાજપે પણ તૈયારીમાં પાછું વાળીને જોયું નથી. છેક બૂથ સુધીનું આયોજન કરવામાં તે આગળ છે. સત્તા-પક્ષ હોવાથી તેમાં હવે કાર્યકર્તાઓનો તોટો નથી. ‘દુનિયાના સૌથી વધુ સભ્યો ધરાવતો પક્ષ’ તરીકે સ્થાપિત આ પક્ષની ગુજરાતમાં એવી પણ સ્થિતિ હતી કે તેમને પ્રદેશ-પ્રમુખ બનાવવાની શોધ કરવી પડતી, અગ્રણીને મનાવવા પડતા! મોહનનાથ કેદારનાથ દીક્ષિત, હરીસિંહજી ગોહિલ, કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, મકરંદ દેસાઈ, દેવદત્ત પટેલ, કાશીરામ રાણા, ડો. એ. કે. પટેલ, વજુભાઈ વાળા, પુરુષોત્તમ રૂપાલા... આ બધા પ્રદેશ પ્રમુખો હતા અને સંગઠકોમાં વસંતરાવ ગજેંદ્રગડકર, નરેન્દ્રભાઈ મોદી, હરિપ્રસાદ પંડ્યા, નાથાલાલ ઝઘડા, સૂર્યકાન્ત આચાર્ય, ચીમનભાઈ શુકલ, કાનજીભાઈ પટેલ, દત્તાત્રેય ચિરંદાસ, અનંતરાય દવે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભીખુભાઈ ભટ્ટ, ભાસ્કરભાઈ પંડ્યા, બચુભાઈ ઠાકર, ચીમનલાલ શેઠ, અરવિંદ મણિયાર વગેરેએ જે કામ કર્યું તેની કડીબદ્ધ તવારિખ હજુ થઈ નથી. ભીખુભાઈ દલસાણિયા, ભરત પંડ્યા, આઇ. કે. જાડેજા અને વર્તમાન પ્રદેશ પ્રમુખ જિતુભાઈ તેમના અનુગામી સંગઠકો છે. બીજા ઘણા ઉમેરાતા જાય છે.

ભાજપે કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, નરેન્દ્રભાઈ મોદી, આનંદીબહેન પટેલ અને વિજય રુપાણી મુખ્ય પ્રધાનો આપ્યા. આમ તો શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખ પણ કૂળ-ગોત્રના પ્રમાણે જનસંઘના જ ગણાય. હવે કોનો વારો છે... વેઇટ એન્ડ વોચ!


comments powered by Disqus