ચૂંટણી - પ્રવાસ અને પ્રચારના પરપોટા...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 04th December 2017 06:45 EST
 
 

ગુજરાતમાં થઈ રહેલા ચૂંટણી-પ્રવાસોની વાત વાચકોને માટે રસપ્રદ બની રહે તેવી ખરી?

ઝંઝાવાતી પ્રચાર કંઈ પહેલીવારનો નથી, અગાઉ પણ થયા છે, પરંતુ ૨૦૧૭માં પ્રચાર-પ્રવાસોની થોડીક અલગ ભૂમિકા છે, બલિહારી છે. ઓછામાં ઓછા ૭૦ નેતાઓએ ગુજરાતના વિવિધ સ્થાનોની મુલાકાત લીધી, જે લોકપ્રિય હતા તેમણે જાહેરસભાઓ સંબોધી, બાકીના નાની બેઠકો અને પત્રકાર પરિષદોમાં બોલ્યા. કેટલાકે નિવેદનો કર્યા. આ વખતે ‘રોડ શો’ની બોલબાલા રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી તેમાં અગ્રેસર રહ્યા.

તેમનાં ભાષણો? ખરેખર તો આ પણ એક સંશોધન-વિશ્લેષણનો વિષય ગણાય. ટીવી ચેનલોએ હોટેલોમાં એક સાથે નેતાઓને બોલાવીને ‘મહા-મંથન’ કર્યું - તે જૂના સમયે રોટરી-લાયન્સ કલબો જુદા જુદા પક્ષોના ઉમેદવારોને એક મંચ પર લાવતા તેનું નવું સ્વરૂપ છે. લાભ એટલો કે મર્યાદિત શ્રોતાઓ ભલે હોય, ‘લાઇવ-કાસ્ટ’ને લીધે દેશવ્યાપી દર્શકોને લાભ થાય. ખરેખર લાભ થાય? નેતાઓ મોટાભાગે જ્યારે બોલે ત્યારે પોતાના પક્ષના - નેતાઓના - ગુણગાન અધિક કરે અને આક્ષેપો પણ ઉમેરે. લોકોને રાજકીય પક્ષના આગામી પાંચ વર્ષનો ‘રોડ મેપ’ મળવો જોઈએ એ ન મળે અને વાતચીત અનામત – ઓબીસી - જાતિની આસપાસ ઘૂમરાયા કરે. અત્યાર સુધીમાં દસેક ‘જીવંત ચર્ચા પ્રસારણ’ના આવા કાર્યક્રમો થયા છે પણ તમામની સરખામણી કરો તો ચતુર નેતાઓના અરધાપરધા જવાબોનો ખડકલો જોવા મળે.

આની વચ્ચે ગુજરાતની ચૂંટણી દેશ માટે એટલી બધી રસનો વિષય બની ગઈ છે કે નાના-મોટાં અખબારો, ટીવી ચેનલોના સંવાદદાતાઓ ગુજરાતમાં પ્રવાસ કરતા થઈ ગયા છે. બીબીસીનો સંવાદદાતા કે ‘સન્ડે ગાર્ડિયન’ની તંત્રી જોયિતા બાસુ આખી સમસ્યાને - ગુજરાતકારણના - સંદર્ભે સમજવા મથે ત્યારે એ સમય સાર્થક લાગે. બાકી તો ‘ઇન્સ્ટંટ’ અભિપ્રાયોનો જમાનો છે. ‘બાઇટ’ લેવા આવે કે ‘ફોનો’ અભિપ્રાય મેળવે તે ય રોજનું થયું.

રાજકીય મુલાકાતોનો સીધોસાદો ઉદ્દેશ વધુ બેઠકોને અંકે કરવાનો છે. ૧૮૨ બેઠકો પર બેએક હજાર ઉમેદવારોની કતાર નિહાળીએ તો સ્પષ્ટ થઈ જાય કે કેટલાકને ફરી વાર ટિકિટ મળી, કેટલાકનાં પત્તાં કપાયા. કેટલાક નારાજ અને ટિકિટવંચિતોએ અપક્ષ કે બીજા પક્ષે ઉમેદવારી નોંધાવી, ભાજપે કેટલાક બળવાખોરોને બરતરફ કર્યા. નાત – જાત – કોમનાં સમીકરણો સદંતર છૂટ્યાં નથી. પટેલો - ઠાકોરો - આદિવાસીઓને ટિકિટો બાબતે ધમાસાણ થયું છે. કોણ કોની સાથે અને કોણ કોની સામે - એ ચિત્ર સ્પષ્ટ થતું જાય છે.

બે મોટા પક્ષો સિવાયના સાતેક પક્ષો પણ મેદાનમાં છે પણ તેમનું મેદાન બીજાના મતોનું વિભાજન કરવા પૂરતું છે. આ ચૂંટણીમાં તે પણ મહત્ત્વનું બની રહેશે. છેક દિલ્હીથી, જિગ્નેશ મેવાણીને માતબર નાણાંની મદદ પૂરી પાડવા માટે અરુંધતિ રાયે શરૂઆત કરી અને ગાંધીનગરના એક પાદરીએ તો જાહેર નિવેદન ઠપકાર્યું કે રાષ્ટ્રવાદીઓને - નેશનાલિસ્ટોને - મત આપશો નહીં. આનો અર્થ એટલો જ થયો કે નાત – જાત – વર્ગ – વર્ણના આધારે આવા પાદરીઓ વિચારે છે, ભલે તેની સંખ્યા વધારે નથી.

અલ્પેશ – હાર્દિક – જિગ્નેશને ‘મહાન યુવા નેતાઓ’ ગણાવવાનો ભ્રમ ચાલુ છે. કોઈ બાવીસ – ત્રેવીસની વયના હોય અને ભાષણો ઠોકે તેનાથી થોડાક સમય માટે નેતાગીરીની દુકાન જરૂર ચાલે પણ મત મળે? આ સવાલ મને છેક કેરળની કમ્યુનિસ્ટ સરકાર સાથે નાતો ધરાવતા એક બિરાદરે પૂછયો હતો. નેતૃત્વની પાસે લાંબા ગાળાનું આયોજન – સંગઠન – વિચારની પુખ્તતા હોવી જોઈએ એમ કહીને તેણે કહ્યું કે હું આ ત્રણની સભાઓમાં ગયો છું પણ ‘પુખ્ત’ નેતૃત્વ જોવા મળ્યું નહીં.

મારે પૂછવાનું મન થાય કે એમ તો રાજકીય પક્ષની ‘પુખ્તતા’ પણ ક્યાં ટકી છે? સમાજમાં તર્ક અને નિષ્ઠા બન્ને પોતાનું બળ ગુમાવતા જાય છે. માત્ર પ્રાસંગિક આક્રોશના મોજાં પર સવાર થનારાઓની સંખ્યા વધતી જાય છે. તેમની પાસે કોઈ ભૂમિકા નથી, દૃષ્ટિ અને દૃષ્ટિકોણ નથી, તર્ક નથી, રાજનીતિનો અભ્યાસ પણ નથી. પરંતુ ચલણી સિક્કાઓ ખખડ્યા કરે તે સમાજની સમગ્ર રીતે કમનસીબી ગણાય. પણ તેની ચિંતા કોણ કરે?

આમાં ઉમેરાય છે પ્રવાસોની કરમકથા. રાહુલ ગાંધીના ‘હિન્દુત્વ’નો પ્રશ્ન આવી જ રીતે સોમનાથ યાત્રામાં ચગ્યો. બન્યું એવું કે તેમની સાથેના ત્યાગી નામના સંપર્ક આયોજકે સોમનાથ પ્રવેશનાં રજિસ્ટરમાં અહમદ પટેલની સાથે રાહુલ ગાંધીનું નામ પણ ‘બિન-હિન્દુ’ તરીકે ઉમેરી દીધું! હિન્દુ સિવાયના લોકો માટે રજિસ્ટ્રેશન જરૂરી છે એટલે આવું કરાયું હશે. આ વાત બહાર ગઈ એટલે કોંગ્રેસ-નેતાઓ બહાવરા બની ગયા. સુરજેવાલાએ તો દિલ્હીમાં પત્રકાર પરિષદ ભરીને ‘શિવભક્ત’ ‘જનોઇધારી’ નેહરુ-ગાંધી પરિવારના જૂના ફોટો પત્રકારો સમક્ષ ધરી દીધા! તેનાથી વિવાદ અધિક ચાલ્યો.

ડો. સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલની કોલેજોમાં શું લખ્યું છે તે જણાવ્યું. ત્યાં તેમણે ‘ઈસાઈ’ લખ્યું હતું એવું જણાવ્યું. એક ફોટામાં તો ઉપર જનોઈ બતાવાઈ, વાસ્તવમાં જનોઈ એક યજ્ઞોપવિત હિન્દુ સંસ્કાર છે અને તે પહેરવેશની અંદર ધારણ કરવામાં આવે છે. તો એક પારસી મિત્રે મને માહિતી આપી કે જનોઈ પ્રથા અમારા પારસીઓમાં પણ હોય છે. ગાંધીજી વણિક હતા, તે ક્યારેક જનોઈ પહેરતા એવું યે ક્યાંક વાંચ્યું હતું... આમ ‘જનોઈ’ થકી ‘હિન્દુ’ હોવાનો પ્રચાર થોડા સમય માટે ચાલ્યો.

રાહુલે એમ પણ કહ્યું કે અમારો (એટલે કે ગાંધી - નેહરુ પરિવાર) ‘શિવભક્ત’ રહ્યો છે. કાશ્મીરી પંડિત હોવાને લીધે પંડિતો શૈવ ઉપાસના કરે છે પણ નેહરુ પોતાને ‘અકસ્માતે હિન્દુ’ ગણાવતા અને સરદાર વલ્લભભાઈના નામે એક દંતકથા ચડાવાઈ તે મુજબ સરદાર મજાકમાં કહેતા કે ‘ભારતમાં કોઈ રાષ્ટ્રવાદી મુસ્લિમ હોય તો તે અમારા જવાહરલાલ છે!’

નેહરુને સોમનાથ જિર્ણોદ્ધારમાં બિનસાંપ્રદાયિકતાને નુકસાન પહોંચે છે એવું લાગ્યું હતું અને રાજેન્દ્ર પ્રસાદ – એક રાષ્ટ્રપતિ તરીકે - સોમનાથ નિર્માણ ઉત્સવમાં ન જાય તેમ પણ સૂચવ્યું હતું. સરદાર – રાજેન્દ્ર પ્રસાદ – પુરુષોત્તમ ટંડન – કનૈયાલાલ મુનશી - સદોબા પાટિલ – ડી. પી. મિશ્રા, સુભાષચંદ્ર બોઝ... આ બધાં રાષ્ટ્ર અને હિન્દુ જીવનશૈલીને અલગ માનતા નહોતા, ભલે તે કટ્ટરવાદી ના હોય. બીજી તરફ બિન-સાંપ્રદાયિક નેતાઓની કતાર થઈ તેમાં નેહરુ મોખરે રહ્યા અને ડાબેરી નેતાઓ તેમની સાથે રહ્યા. ભારતીય રાજકારણની આ મૂળ ભેદરેખા રહી છે.

પણ ભાઈ, આ તો ચૂંટણી છે! ‘વોટ બેન્ક’ની આરતી જ ત્યાં ચાલે! રાહુલને પોતાને સૂઝયું કે સલાહકારોએ પ્રેરિત કર્યા તેની તો ખબર નથી પણ ગુજરાતમાં તેમણે ડઝનબંધ મંદિરોમાં જઈને દર્શન કર્યાં! આવું ‘હિન્દુ કાર્ડ’ તેમનાં નાની શ્રીમતી ઇન્દિરા ગાંધીએ એક વાર કાશ્મીરમાં વાપર્યું હતું અને ભાજપને પાછળ પાડી દીધો હતો. પંજાબમાં ઓપરેશન બ્લૂ સ્ટાર પછી જે હત્યાકાંડ થયા તેમાં કોંગ્રેસ નેતાઓએ મોટો ભાગ ભજવ્યો (હજુ તેમાંના કેટલાક પર કેસ ચાલે છે.) ઈશાન ભારતમાં નાગાલેન્ડ – મિઝોરમમાં ‘ઇસુ-રાજ્ય’નો સમાવેશ કેટલાક રાજકીય પક્ષોએ પોતાનાં બંધારણમાં કર્યો છેઃ એટલે રાહુલ બરાબર ચૂંટણીટાણે મંદિરોના શરણે જાય તો તે સમજી શકાય તેવું છે. તે કેટલું ફળશે તે વળી બીજો સવાલ છે. કારણ ગુજરાતી મતદાર ભારે ગણતરી (કેલ્ક્યુલેશન) મુજબ ચાલે છે. ૧૯૬૨માં તેણે મહાગુજરાત આંદોલનના પ્રેરક જનતા પરિષદને સત્તાની તક આપી નહોતી. કોંગ્રેસને પસંદ કરી હતી.

૧૯૯૫ પછીનો મતદાર ભારતીય જનતા પાર્ટી તરફ વળ્યો છે અને બાવીસેક વર્ષથી સત્તા વિનાનું જાહેર જીવન કોંગ્રેસને બહુ ફાવતું નથી એટલે આ વખતે તેણે (બે નહીં) ત્રણ ટેકણલાકડી કે કાંખઘોડીનો પ્રયોગ કર્યો છેઃ ઓબીસી, પાટીદાર અને દલિત! બીજી તરફ ભાજપે વડા પ્રધાન સહિતના નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે તેમાં નરેન્દ્ર મોદી ગુજરાત - દેશના વિકાસનો હિસાબ આપીને કહે છે કે એક એવો વર્ગ છે જેને ગુજરાતનો વિકાસ જરીકેય ગમતો નથી. નર્મદા સહિતનાં ઉદાહરણો તેઓ આપે છે. વિકાસ જ અમારો એજન્ડા છે એમ ખૂલીને કહેતા વડા પ્રધાનને સાંભળવા માટે પ્રજા ઉમટે છે. આ સપ્તાહે રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, સુરત અને અન્યત્ર તેવી મોટી સભાઓ થઈ છે. ‘સન્ડે ગાર્ડિયન’ની જોયિતા બસુને મેં કહ્યું કે ‘ગુજરાત હજુ ન.મો.ને ચાહે છે.’ તેના લેખમાં પણ આ વાતની જિકર કરી.


comments powered by Disqus