ચૂંટણીને જીએસટી કે નોટબંધી શાના નડે?

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 01st November 2017 02:23 EDT
 
 

ચૂંટણી-બજાર ધમધમવા માંડ્યું છે, તેને નોટબંધી કે જીએસટી કોઈ નડ્યાં નથી, બલકે એક ‘પાસ’-ભેરુએ તો મીડિયા સમક્ષ ૫૦૦-૫૦૦ની નોટોનાં દસ લાખનો ઢગલો કર્યો ને કહ્યું કે અમારા ભૂતપૂર્વ ‘પાસ’-ભેરુ ભાજપ-નેતાઓની સાથે સામેલ થઈને એક કરોડની લાંચ આપીને ભાજપમાં જોડાઈ જવાનું જણાવ્યું હતું. ખરેખર? મને નેહરુના જમાના પછી નિયુક્ત કરાયેલા તપાસ પંચની કાળા નાણાં વિશેની વાત યાદ આવી ગઈ. તે પંચે જણાવ્યું હતું કે જો કાળું નાણું નિરસ્ત કરવામાં નહીં આવે તો કોઈ મુખ્ય પ્રધાન લાખો રૂપિયા ખર્ચીને અને વડા પ્રધાન થોડાક કરોડ ખર્ચીને પદ મેળવી શકશે. એ વર્ષોમાં લાખ-કરોડની રકમ મોટી હતી અત્યારે તેનાથી ઘણી મોટી છે. કોઈ કૌભાંડ ૨૫-૫૦ કરોડનું તો હોતું જ નથી, હજાર – પાંચ હજાર – પચાસ હજાર કરોડનું જ હોય! આમાં આ પટેલબંધુને દસ લાખ એડવાન્સ અને પછી નેવું લાખ એવો સોદો થયો હશે? તેની ટેપ થયેલી વાતચીત પણ સંભળાવવામાં આવી. પછી વળી નવી ટેપ આવી તેમાં કોંગ્રેસ-‘પાસ’ના નેતાઓ જ આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાની વાતચીત લોકોએ ટીવી પર સાંભળી. હવે સાચું શું? કોર્ટની તપાસ - ત્યાં ફરિયાદ થવાથી - થશે તો ખરી પણ ત્યાં સુધીમાં ચૂંટણી પૂરી થઈ જવાની!

આ ૨૦૧૭ની ચૂંટણી અંકશાસ્ત્ર પ્રમાણે ‘નંબર એક’નો સંબંધ ધરાવે છે એમ એક જાણકાર મિત્રે મને કહ્યું. શેમાં નંબર એક હશે? અત્યારે તો આક્ષેપોનો ખડકલો પ્રથમ ક્રમે છે. નાનો કે મોટો કાર્યકર્તા ફટાક દઈને આરોપોના ફટાકડા ફોડે છે. સોશિયલ મીડિયામાં તો રોજેરોજ ઢગલાબંધ હકીકતો, તેમાં સાચું શું, ખોટું શું તે જાણવા માટે આઈન્સટાઇન જેવું દિમાગ ક્યાંથી લાવવું? એટલે હાંક્યે રાખો બાપલા... સૂકું તો બળશે, લીલું પણ બાકાત રહેવાનું નથી.

રાજકીય પક્ષોનો ખેલ

અને જેને માટે મતદાર મહારાજા થઈ ગયો છે તે રાજકીય પક્ષો? ભાજપે કહ્યું કે વિકાસ અમારી નીતિ છે. ‘હું ગુજરાત, હું વિકાસ’ નારો વટભેર મૂક્યો. ‘વિકાસ ગાંડો થયો છે’ મજાકનો જવાબ આપવામાં ભાજપે ગેંગેફેંફે ના કરી તે સારું જ થયું નહીંતર પંચતંત્રની પેલી વાર્તા જેવું થાયઃ બ્રાહ્મણ એક બકરી વેંચાતી લઈને નીકળે એટલે એક પછી એક ધૂર્ત તેને કહેતા રહે, ‘અરે, આ બકરી નથી, કૂતરું છે...’ ચોથી વાર સાંભળ્યા પછી બ્રાહ્મણને ય એવું લાગે કે હા, સાલું, તેઓની વાત સાચી હશે. બકરીને જમીન પર છોડી દીધી અને પેલા ચતુર લોકો તેને લઈ ગયા!

વિકાસ અસલી અને વિકાસ નકલી - એ પ્રચારનો મુખ્ય મુદ્દો તો પ્રજા માટે વિચારવાનો છે, પણ બાકીના મુદ્દા કેવા છે? કોંગ્રેસે તેના શંકરસિંહ વાઘેલાને ખોયા પછી છેવટનું શરણું રાહુલ ગાંધીનું લીધું. આજકાલ તે ગુજરાતમાં ઘૂમી રહ્યા છે. એક રેલીમાં તો ઠાકોર આંદોલન (આમ તો ઓબીસી નામ અપાય છે પણ ભૂતકાળમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે હારેલા અલ્પેશ ઠાકોરે મેદની એકઠી કરવામાં સફળતા મેળવી એટલે કોંગ્રેસને કાઠ-ઘોડી મળી ગઈ. અલ્પેશ પણ મહત્ત્વાકાંક્ષી છે. કહે છે કે કોંગ્રેસ તેને (જો જીતે તો) ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવશે. ચીફ મિનિસ્ટર તો એક જ હોય – તેને માટે મુરતિયાઓ હાજર છે. શું ગુજરાતને સોલંકી-પુત્ર ભરતસિંહ મુખ્ય પ્રધાન તરીકે મળશે?

કોંગ્રેસ આ વખતે ભારે આશાવાદી છે. પટેલ, ક્ષત્રિય, ઓબીસી, દલિત, આદિવાસી - આ તો મોટી મોટી વોટબેન્ક થઈ, ફરી વાર જાતિવાદ ધૂણવા માંડ્યો છે. ૧૯૮૩-૮૫માં ‘ખામ’ થિયરીથી ગુજરાતને વર્ણ – વર્ગ – જાતિ - સંપ્રદાય વિગ્રહનું મેદાન કરી મૂકવામાં આવ્યું હતું. શું ૩૨ વર્ષ પછી એવો જ વર્ગવિગ્રહ ઊભો કરીને ‘જીતી જવાના’ પેંતરા કોંગ્રેસ કરી રહી છે? ‘પાસ’ - પાટીદાર આંદોલન પણ માત્ર પટેલ પૂરતી વાત કરીને અનામત માગે છે. દસ ટકા, વીસ ટકા... કાલે એમ પણ કહે કે પચાસ ટકા કેમ નહીં? ઓબીસીની માંગ ઓછી નથી. દલિતો હવે અનામતની માગણી નથી કરતા પણ અત્યાચારના નામે તેનો નેતા રોટલા શેકવા માંડે છે. અરે, એનસીપી-જેનાં કોઈ મૂળિયાં જ નથી - તેના મોંમાં પણ લાળ આવી છે, ‘બધી બેઠકો’ લડીશું એમ કહે છે.

કોંગ્રેસના ખતરનાક અનુભવ પછી શકરસિંહ વાઘેલા ભાજપમાં નથી ગયા પણ ‘જનવિકલ્પ’ નામે નવા લોકોને મેદાનમાં ઉતારવા માગે છે. એ ભાજપને જ લાભ કરશે એવી ભીતિ કોંગ્રેસને છે એટલે તેણે આંદોલનકારી નેતાઓને એક પછી એક ખેરવવાનો ખેલ શરૂ કરી દીધો છે. અલ્પેશ તો હરખાતો હરખાતો સ્ટેજ પર રાહુલ ગાંધીની સમકક્ષ હોય તે રીતે ગાજતો-ગરજતો હતો તે જોઈને બાકીના કોંગ્રેસ-નેતાઓના ચહેરા પરની ગ્લાનિ ટીવી કેમેરામાં ચાડી ખાતી હતી. આ તો રાહુલ બાબા છે, ભાઈ! કાલ ઊઠીને એમ કહી દે કે હવે નવું લોહી સત્તામાં જોઈએ તો?

રાહુલ સોફ્ટ હિન્દુત્વ

રાહુલને તેના સલાહકારોએ કહ્યું કે ગુજરાતમાં - અયોધ્યા યાત્રાને લીધે અડવાણીનો પ્રભાવ ઉમેરાયો એટલે ૧૯૯૫માં ભાજપ સત્તા પર આવ્યો હતો. પત્યું. આ નેતા ગુજરાતમાં ધર્મસ્થાનોએ જવાનું ચૂકતા નથી. હાથ જોડે છે. પ્રસાદ લે છે. ઘંટ વગાડ્યો નથી હજુ. ક્યારેક વગાડશે. આરતી કે પ્રાતઃસ્તવન તો ક્યાંથી આવડે? ભદ્રકાળી - બહુચરાજી - અંબાજી - ખોડિયાર – આશાપુરા ‘માતૃશક્તિ’નો મૂળ મર્મ હિન્દુ સમાજને બળ આપવા માટેનો હતો, દ્વારિકાધીશના મંદિરની સુરક્ષા માટે બહાદુર વાઘેરોએ ૧૮૫૭નો સંગ્રામ કર્યો હતો, સોમનાથનો જિર્ણોદ્ધાર ન થાય, તેના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ન જાય એવું દાદાજી જવાહરલાલે ફરમાવ્યું હતું એની ખબર તો તેમને હશે જ. પણ આ ‘સોફ્ટ હિન્દુત્વ’ની શતરંજ સિયાસત (રાજકારણ) માટે કેમ, ભલા? બાવીસ વર્ષ થયાં કોંગ્રેસના સત્તાકીય વનવાસને. જિલ્લા પંચાયતોમાં ‘અમે તેમને જીતાડ્યા’ એવું ‘પાસ’ - નેતાઓ ખૂલ્લી રીતે કહે છે.

આનો અર્થ એવો કે કોંગ્રેસની પાસે સર્વસંમત અને સર્વપ્રભાવિત નેતાગીરી ન રાજ્યમાં છે, ન કેન્દ્રમાં. કેન્દ્રમાં અપની ડફલી, અપના રાગ ચાલે છે. શિયાળ તાણે સીમ ભણી, શ્વાન તાણે ગામ ભણી. છેક તમિળનાડુથી આવીને રાજકોટમાં પી. ચિદંમ્બરમ્ આવીને કાશ્મીરની સ્વાયત્તતાની તરફેણ કરી ગયા! કાશ્મીરમાં ‘આઝાદી’ના નામે જેએનયુમાં જે વિદ્રોહ સર્જવામાં આવ્યો તેમાંથી કનૈયા જેવા અલગાવવાદી નેતાઓ પેદા થયા તેનો હરખ સામ્યવાદી પરિબળો વત્તા સેક્યુલરો અને કોંગ્રેસને પણ થાય એ સ્વાભાવિક છે.

આ તમામનું ૨૦૧૭નું નિશાન છે - કોઈ પણ ભોગે ગુજરાતમાં ભાજપને એટલે કે નરેન્દ્ર મોદીને હરાવો. ૨૦૦૧થી શરૂ થયેલી આ પ્રવૃત્તિ હવે ચરમસીમાએ છે. તેને માટે તમામ અલગાવવાદી પરિબળો અને જેઓ ‘માનવાધિકાર’નો ઝંડો લઈને ફરે છે તેઓ, જાતિવાદી સમીકરણ કરી - કરાવીને ય ગુજરાતમાં ભાજપને હરાવવા માગે છે. આની ગંભીરતા ભાજપે સમજી લેવી જોઈએ. નેતાઓને તો આની ખબર છે પણ ‘માસ પાર્ટી’ અને ‘સત્તાધારી પાર્ટી’ના જેમ ફાયદા છે તેવાં નુકસાન પણ છે. ભાજપે ભૂતકાળને વર્તમાનની સાથે જોડીને તમામ મોરચે શક્તિશાળી, સજ્જ અને સમજદાર કેડર પર વધુ લક્ષ્ય આપવું પડશે એમ ઘણાંને લાગે છે. તેવી તૈયારી પણ તેઓ કરી રહ્યા છે. પણ ઘણી વાર અતિ વિશ્વાસ પાછા પાડી દે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ જાય છે.

વિકાસ થયો છે એ ડંકાની ચોટ પર કહેવું પડે. તેમાં રહેલી ખામીઓ ‘અમે જ પૂરી કરી શકીશું’ એનો ભરપૂર વિશ્વાસ પ્રજાને કરાવવો જોઈએ. રાષ્ટ્રવાદથી સંકોચાવાની જરૂર નથી. ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ એ એવી સંજીવની છે, જે નાત – જાત – કોમ – સંપ્રદાયના કાદવને હઠાવી શકે, એવું તેના પુરોગામી પંડિત દીનદયાળ ઉપાધ્યાયે કહ્યું હતું તે પ્રચારમાં કેન્દ્રસ્થાને રહી શકે, એવું તેમના મંથનમાં પણ ઉમેરાયું છે.

ગણતરીબાજ મતદાર

ડિસેમ્બર સુધીમાં કોંગ્રેસ-ભાજપ સહિત બધા પક્ષોનાં ધાડાં ગુજરાતમાં ઉતરી પડશે નાની કે મોટી સભાઓ થશે. પત્રકાર પરિષદો યોજાશે. મીડિયા તેમની ખાસ ‘મુલાકાતો’ લેશે. આરોપ-પ્રત્યારોપનું વાવાઝોડું રોજનું બનશે અને પછી મતદાન થશે.

એક વાત પાક્કી છે. ગુજરાતી પાક્કો ગણતરી કરનારો છે. નફા-નુકસાનની તેને ખબર છે. ગમેતેટલા મુદ્દા પછી પણ તે મતદાન પોતાની રીતે જ કરશે.


comments powered by Disqus