જન્મદિવસ નરેન્દ્ર મોદીનો, સાર્થક પડછાયો વાજપેયીનો...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 18th September 2018 11:08 EDT
 
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ૧૭ સપ્ટેમ્બરે ગુજરાતમાંથી લાખ્ખોની સંખ્યામાં જન્મદિવસની શુભેચ્છાઓના પત્રો ગયા તે અહેવાલ વાંચીને મને ૧૯૭૫ના ડિસેમ્બરની ૨૫મીએ અટલ બિહારી વાજપેયીને ગુજરાતમાંથી મોકલાયેલા જન્મદિવસ-શુભેચ્છાના પત્રોની ઘટના યાદ આવી ગઈ.

એ દિવસો ભય, ભ્રમ અને બંધનના હતા. એક લાખ, દસ હજાર લોકોને - અનિશ્ચિત સમય સુધી - જુદાં જુદાં કારાગારોમાં ધકેલી દેવાયા હતા, ને તેઓ કંઈ સામાન્ય માણસો નહોતા. જિંદગી આખી પ્રજાજીવનની વચ્ચે રહ્યા હતા, સ્વાતંત્ર્યજંગમાં જેલવાસ ભોગવ્યો હતો, બંધારણ રચનામાં ફાળો આપ્યો હતો, સવિનય ભંગ અને અસહકારની ચળવળોમાં ભાગ ભજવ્યો હતો. સંસાર-સુધારાનાં કામો કર્યા હતાં. વિરોધ પક્ષે સક્રિયતા દાખવી હતી, કેટલાક તો કોંગ્રેસના ‘યંગ તુર્ક’ હતા. કવિ હતા - સાહિત્યકાર હતા, પત્રકાર અને વિદ્યાર્થી હતા. ફિલ્મ કલાકાર સ્વર્ણલતા રેડ્ડી અને વિદ્વાન પુરુષ ડો. રઘુવંશ પણ ખરા!

કેવાં કેટલાં નામો જેલોમાં દિવસો ગાળી રહ્યા હતાઃ જય પ્રકાશ નારાયણ, મોરારજીભાઈ દેસાઈ, પીલુ મોદી, જ્યોર્જ ફર્નાડિઝ, રાજનારાયણ, ચંદ્રશેખર, મોહન ધારિયા, એસ. એમ. જોશી, મહારાણી ગાયત્રી દેવી, વિજયારાજે સિંધિયા, લાલ કૃષ્ણ અડવાણી, બાળાસાહેબ દેવરસ, નાનાજી દેશમુખ, બાબુભાઈ જસભાઈ પટેલ, બી. કે. મજુમદાર, ચંદ્રકાંત દરૂ, ભાઈદાસ પરીખ, કિરીટ ભટ્ટ, કે. આર. મલકાણી, કુલદીપ નાયર, ફણીશ્વર નાથ રેણુ, આચાર્ય રામમૂર્તિ, પ્રકાશસિંહ બાદલ, ડો. વસંતકુમાર પંડિત, દુર્ગાભાઈ ભાગવત, નીતિશ કુમાર... યાદી તો ઘણી લાંબી છે. કેટલાક બે વર્ષ - જૂન ૧૯૭૫થી જાન્યુઆરી ૧૯૭૭ સુધી જેલવાસી રહ્યા. કેટલાક થોડા વહેલા છૂટ્યા, કેટલાકને પેરોલ મળી.

આમાં વાજપેયી તો ૨૫ જૂન ૧૯૭૬ના બેંગલૂરુથી પકડાયા. એક સંસદીય પ્રતિનિધિ મંડળ આવ્યું હતું. સંસદીય પ્રણાલિકાનો વિચારવિમર્શ કરવા. તેને બદલે આદેશના એક ઘસરકે, પોલીસ પકડવા આવી. વાજપેયી, શ્યામનંદન મિશ્રા, એલ. કે. અડવાણી પણ સાથે હતા. પુરુષોત્તમ ગણેશ માવળંકરને પકડવામાં ન આવ્યા તો તેમણે અમદાવાદ પહોંચીને કટોકટીની આકરી ટીકા કરી, લોકસભામાં પણ તીવ્ર વિરોધનું ભાષણ કર્યું, તે બધાં તેમના ‘નો, સર!’ પુસ્તકમાં સમાવિષ્ટ થયાં છે. ‘સાધના’એ લોકશાહી વિશેષાંકમાં છાપ્યું તો સેન્સરભંગની નોટિસ મળી અને પછી કેસ પણ થયો. ત્યાં સુધીમાં તો આ સાધના-તંત્રીને ય ભાવનગરની જેલમાં લઈ જવાયા!

હોસ્પિટલનો એકાંતિક ઓરડો

પણ વાજપેયીની ૨૫ ડિસેમ્બર ૧૯૭૫ની જન્મદિવસ ઉજવણી? હા. બિમારીને લીધે બેંગલૂરુથી દિલ્હીની ‘એમ્સ’ હોસ્પિટલમાં ખસેડાયા. હોસ્પિટલના છેક ઉપરના માળે એક ખંડમાં. બહાર પોલીસનો પહેરો, ડોક્ટર સિવાય કોઈને પરવાનગી નહીં મળવાની. એક વાર શ્રીમતી રાજકુમારી કૌલે એ વિગતો યાદ કરતાં મને કહ્યું હતું કે કેટલી મથામણ પછી તેમને દિલ્હીની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ઓમ મહેતા (મોટાભાગે) રાજ્ય ગૃહપ્રધાન હતા, તેમનો સંપર્ક સાધવામાં આવ્યો, તેમણે વડા પ્રધાન – ગૃહ પ્રધાનને માહિતગાર કર્યાં. છેવટે સ્વાસ્થ્યને નજરમાં રાખીને આટલા મોટા નેતાને કશું થાય તો સરકારની આબરૂ જાય એવું વિચારાયું એટલે ‘એમ્સ’માં દાખલ કરાયા હતા.

પણ આ તો એકાંતિક મોત તરફની સફર! ભૂગર્ભ પત્રોથી દેશને ખબર પડી. ‘સાધના’ હજુ લડી રહ્યું હતું તેમાં અપીલ કરી (તે અપીલ પર પણ કેસ થયો!) અને લાખ્ખોની સંખ્યામાં વાજપેયીજીને શુભેચ્છા પત્રો અને રક્ષાસૂત્ર મોકલાયાં. વાજપેયી સુધી તે પહોંચાડવામાં આવ્યાં. તેમની નજીકના ખંડમાં મૃતદેહો રાખવામાં આવતા, તેનાં સગાંવહાલાં લાશોને જોઈને કરુણ આક્રંદ કરે. પોતાની જન્મતિથિએ અટલજીએ કાવ્ય લખ્યુંઃ ‘દૂર કહીં કોઈ રોતા હૈ...’

વળી પાછો પત્ર!!

૧૯૭૭ની ૨૫ ડિસેમ્બરે વળી, વડોદરા જેલથી ‘મીસા’ કારાવાસીઓએ જન્મદિવસનો શુભેચ્છાપત્ર પાઠવ્યો. જેલથી જેલની બહાર અને બહારથી જેલમાં આવતા-જતા પત્રો મોટા ભાગે ગુપ્તચર તંત્ર રોકી પાડતું. અથવા કોઈ પત્ર મળે તો યે તેમાં કેટલાંક વાક્યો પર શ્યાહીથી ભૂંસવાના પ્રયાસો કરાયા હોય! પરંતુ જેલથી જેલના પત્રો આસાનીથી મળી જતા! આ રીતે અટલ બિહારી વાજપેયીને સૌ ‘મીસા’વાસીઓએ પત્ર લખ્યો. ‘એમ્સ’માંથી તેનો જવાબ પણ મળ્યો. વાજપેયીજીના સ્વયંના હસ્તાક્ષરોમાં લખાયેલો એ પત્ર તત્કાલીન સમયનો ઐતિહાસિક દસ્તાવેજ છે (આવા ૧૦૦ જેટલા પત્રોનું સંપાદન સ્વ. આરતીએ તૈયાર કરી રાખ્યું હતું તે હવે તેમને સ્મરણાંજલિ સ્વરૂપે પુસ્તક તરીકે પ્રકાશિત થશે. તેમાં જય પ્રકાશ, વાજપેયી, અડવાણી, દુર્ગા ભાગવત, વિક્રમ રાવ, સ્વ. સ્નેહલતા રેડ્ડીના પતિ ટી. રામા રેડ્ડી, સુરેશ જોશી, મનુભાઈ પંચોળી વગેરેના પત્રો છે.) તેમાં તેમણે લાક્ષણિક ઢબે લખ્યું કે જિંદગીનું એક વર્ષ વધ્યું તેનો આહલાદ કરવો કે એક વર્ષ ઘટ્યું તેનો અફસોસ કરવો? એ આજ સુધી મને સમજાયું નથી, પછી એક કબીર પંક્તિ -

ચેત શકે તો ચેત

નારાયણ, અબ ચેત

કાલ ચિડૈયાં ચુગ રહી

નિશી દિન દાના ખેત!

આજનું રાજકીય પક્ષ

વાજપેયીના એ જન્મદિવસનું રાજકીય મહત્ત્વ એ છે કે ૧૯૭૫-૭૬નાં વર્ષો પણ વીત્યાં, નવેસરથી ચૂંટણી આવી. પહેલી વાર બિન-કોંગ્રેસી જનતા પક્ષની સરકાર બની અને થોડા સમયમાં આંતરિક ખેંચતાણથી તૂટી. વળી ઇન્દિરાજી આવ્યાં, સ્વર્ણમંદિરના ઓપરેશન બ્લૂની ભૂલ કરી એટલે હત્યા થઈ. ત્યાર બાદ રાજીવ ગાંધી પદાસીન થયા. જનતા પક્ષ તો વિઘટિત થયો હતો અને જનસંઘે નવો પક્ષ રચ્યો તે ભારતીય જનતા પક્ષ. ચૂંટણીમાં તેને ય કરારી હાર મળી, વળી વહેણ – વલણ બદલાયાં. બોફોર્સનું પ્રેત વિસ્તર્યું, રાહુલ ગાંધીની હત્યા પછી નરસિંહ રાવ આવ્યા અને જલદીથી અયોધ્યાના રામ રાજનીતિમાં છવાઈ ગયા.

ભાજપને ક્રમશઃ સફળતા મળી. એનડીએ ગઠબંધન થયું તેના સૂત્રધાર અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન બન્યા. એક જમાનામાં ઠાઠિયા મોટરકારમાં અવિશ્રાંત સફર કરીને ચૂંટણી સભા ગજવતા અટલજીને મેં સાથે રહીને નિહાળ્યા છે. એક વાર તો એક જ દિવસમાં ભાવનગર, અમરેલી, કુતિયાણા, પોરબંદર, માણાવદર, જૂનાગઢ, જામનગર, રાજકોટ થઈને અમદાવાદ. આટલી સભાઓ! આવી અનિયમિતતા અને પરિશ્રમે છેલ્લા દિવસોમાં જવાબ લીધો હતો જાણે! એ જ પરિશ્રમી રાજનેતા વડા પ્રધાન બન્યા, ઉત્તમ શાસન કર્યું, પણ પ્રજાએ એનડીએને બદલે વળી પાછી યુપીએની પસંદગી કરતાં ડો. મનમોહન સિંહની સરકાર રચાઈ.

એ દિવસો જ કૌભાંડોનાં હતાં એટલે રાજ્ય સરકારો હાથમાંથી જવા માંડી અને ગુજરાતમાં મુખ્ય પ્રધાન તરીકે સફળ રહેલા નરેન્દ્ર મોદીને પક્ષે ભાવિ વડા પ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કર્યા, પ્રજાએ તેમની પસંદગી કરી.

૨૦૧૪થી ૨૦૧૮... ચાર વર્ષનું મોદી-શાસનનું મૂલ્યાંકન થઈ રહ્યું છે ને તેના આધારે ગણિત મંડાઈ રહ્યું છે કે ૨૦૧૯માં સામાન્ય ચૂંટણીમાં મોદી ફરી વાર જીતશે? ભાજપ પુનરારુઢ થશે? કે પછી કોંગ્રેસનું મહાગઠબંધન સફળ થશે?

ચૂંટણીનો પડછાયો

મોદી આવી સ્થિતિમાં જન્મદિવસ ઊજવી રહ્યા છે, ચેનલોએ તેમની ઉપલબ્ધિ અને ખામીની ચર્ચાઓ પણ કરી. જોકે આ ચર્ચાઓની પેલી પાર, અલગ માહૌલ રચાઈ રહ્યો છે તેનો અંદાજ રાજકીય સમીક્ષકો મેળવી શક્યા હોય તેવું લાગતું નથી. તેમાંના એકે તો જેએનયુમાં ડાબેરીઓ જીત્યા તેને જ ‘૨૦૧૯માં ભાજપનાં વળતાં પાણી’ માનીને ચર્ચા કરી! ખરેખર તો જેએનયુમાં આ વખતે વિદ્યાર્થી પરિષદની સામે ચાર ડાબેરી પક્ષો - પરિબળોએ ‘કોઈ પણ ભોગે’ જીતવાનું નક્કી કરી રાખ્યું હતું એટલે હિંસાચાર થયો. વિદ્યાર્થી પરિષદની એક ઉમેદવાર કન્યાનાં વસ્ત્રો ફાડી નાંખ્યાની, છેડછાડની ફરિયાદ થઈ છે. વિદ્યાર્થી પરિષદ કાં તો અતિ વિશ્વાસમાં રહી અથવા તો તેણે હજુ વધુ સંગઠનાત્મક શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ એમ કહી શકાય.

૨૦૧૯ની ચૂંટણી પણ ઝનૂનપૂર્વક જ લડાવાની છે તેમાં અતિવિશ્વાસની જગ્યા અતિ પુરુષાર્થે લેવી પડશે એમ નરેન્દ્ર મોદી - અમિત શાહે તેમના પક્ષના કાર્યકર્તા - નેતાઓને સાફ સાફ જણાવી દીધું છે.

ડિસેમ્બર સુધીમાં તો હવે રાજકીય આસમાન અનેકરંગી પતંગોથી ભરાઈ જશે!


comments powered by Disqus