જૂનના દિવસો - વરસાદ, ગરમી અને કટોકટી સ્મૃતિના!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 22nd June 2016 07:29 EDT
 

જૂન મહિનાનો માહૌલ ગુજરાતને માટે રાજકીય ધૂપ-છાંવની ખળભળતી સ્મૃતિનો રહે છે. દરેક વર્ષે નાગરિકો વ્યક્તિ અને ઘટનાઓનું કોઈને કોઈ રીતે સ્મરણ કરતા જ રહે છે.

હમણાં ૨૩ જૂને ધારાશાસ્ત્રી ચંદ્રકાંત દરૂ (સી. ટી. દરૂ તેમનું જાણીતું નામ)ની સ્મૃતિ ઘણાને તાજી થશે. દરૂ સાહેબ કટોકટી અને પ્રિ-સેન્સરશિપની સામે લડનારા ધારાશાસ્ત્રી માત્ર નહોતા, ભારતીય બંધારણે સર્જેલા મૂળભૂત અધિકારો માટે સદા તત્પર ‘સમુરાઈ’ પણ હતા. (જાપાનમાં બહાદુર યોદ્ધાઓ ‘સમુરાઈ’ બનીને જીવન અર્પણ કરે છે તે પરંપરા જાપાનથી દુનિયાના દેશો સુધી પહોંચી છે.) સ્વતંત્રતા એટલે દરૂ. ૧૯૭૫-૭૬માં દેશ આખામાં કશું બોલીને, વિરોધ કરીને જેલભેગા થવાના ભયના ફફડાટે ભલભલા ધૂરંધરોને કાં તો ચૂપ કરી દીધા અથવા સાચી-ખોટી ચાપલૂસી તરફ ધકેલી દીધા ત્યારે આ દરૂ સાહેબ જેવા મુઠ્ઠીભર લોકોએ કાનૂન અને સત્યાગ્રહથી કટોકટીના આપખુદ પગલાંનો વિરોધ કર્યો અને તેને માટે જેલમાં લાંબા સમય સુધી કારાવાસ ભોગવ્યો.

જૂન ૧૯૯૬થી જાન્યુઆરી ૧૯૯૭ સુધી આ કોલમ લેખકે પણ તેમની સાથે ભાવનગર અને પછી વડોદરા જેલવાસ ભોગવ્યો ત્યારે તેમના ઉદાત્ત અને અ-વિચલ ગુણોનો અંદાજ મળી રહ્યો. હતા તો કામદાર-નેતા, અમુક અંશે સકલાતવાલાથી આકર્ષાયેલા. પછી એમ. એન. રોયના રેડિકલ હ્યુમેનિસ્ટ બન્યા. નાસ્તિકતા તેમની સાથે વણાયેલી હોવા છતાં જડ નહોતા. ગાંધીવાદીઓ કરતાં તેઓ ઇમર્જન્સીમાં સંઘ કાર્યકર્તા સાથે વધુ ભળી ગયા તેનું કારણ ખૂલ્લાં હૃદયે સમજવાની ભાવના!

વડોદરા જેલમાં તો ‘દરૂ આપણી સાથે રહે તો વધુ સારું!’ એવી વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી હતી. કારણ એ હતું કે દરૂ ‘સાધના’નો કેસ લડ્યા, ભાવનગર જેલમાં ૬૦૦ જેટલા મીસાવાસી (જેમાં સંઘ - જનસંઘ - વિદ્યાર્થી પરિષદના જ વધુ હતા.) સાથે સ્વજન મુરબ્બી બની ગયા. જેલથી જેલ - ભાવનગરથી વડોદરા બદલી થઈ તે વિદાય-સમારંભમાં રડતાં રડતાં પ્રવચન આપ્યું અને વડોદરામાં મોટા મોટા સંસ્થા કોંગ્રેસ, સર્વોદયના મહારાથીઓના લાખ પ્રયાસો પછી પણ મારી બેરેકમાં રહેવાનું પસંદ કર્યું! રાષ્ટ્રવાદને ફાસીઝમનું પહેલું ચરણ ગણનાર સી. ટી. દરૂ જેલમાંથી છૂટ્યા પછી આર. એસ. એસ.ના સરસંઘચાલક બાળાસાહેબ દેવરસની સન્માન સભા સમિતિમાં હિચકિચાટ વિના જોડાયા અને તે સમયે મારા તંત્રીપદેથી નીકળતાં ‘સાધના’માં નિયમિત લખતા રહ્યા. ‘સાધના’ના વિકાસરૂપ કાર્યાલયના ઉદ્ઘાટન માટે ય આવ્યા!

એક સરસ કિસ્સો કહું. દરૂ નાસ્તિવાદી હતા. ઇશ્વરમાં માને નહીં. ભાવનગર જેલમાં સૂર્યકાંત આચાર્ય અને શંકરસિંહ વાઘેલાના મનમાં વિચાર આવ્યો કે જે. પી. સખત બીમાર છે, કિડનીના ડાયલિસિસ માટે જસલોક હોસ્પિટલમાં દાખલ થવાના છે તો તેમનાં આરોગ્યને માટે મહામૃત્યુજંય યજ્ઞ કરીએ. ૭૦૦ અટકાયતીઓ જેલના ‘બડા ચક્કર’ના મેદાનમાં ભેગા થયા. યજ્ઞસામગ્રી એકઠી કરાઈ. બે-ત્રણ અટકાયતી ભૂદેવો મંત્રોચ્ચાર માટે તૈયાર થયા, પણ બધાંનો આગ્રહ એવો કે દરૂ સાહેબના હાથે આ હવન થાય! દરૂ સાહેબ અને ધાર્મિક વિધિ? બે છેડાની વાત હતી.

‘ચાલો, સમજાવીએ.’ નક્કી થયું અને અમે બે-ત્રણ લોકો દરૂ સાહેબને સમજાવવા બેઠા. મેં કહ્યું કે ભલે તમે આ વિધિવિધાનમાં ના માનો પણ આ તો સામૂહિક લાગણીનો સવાલ છે. જે. પી. લોકશાહી લડતના સૂત્રધાર છે. તેમની બીમારી દૂર થાય તે માટેનું આ માધ્યમ છે. તમે તેમાં હાજર રહો તો યે અટકાયતીઓનું મનોબળ વધશે. આશ્ચર્ય! દરૂ માની ગયા, આવ્યા, હવન કર્યો, પ્રસાદ લીધો! સેક્યુલરિઝમનું વળગણ ના રાખ્યું.

મજાની વાત એ છે કે દરૂ સાહેબની સ્મૃતિમાં આજકાલ જે તૈયારીઓ થઈ રહી છે તેમાં દરૂ સાહેબ સંઘ-વિરોધી હતા, રાષ્ટ્રવાદ-વિરોધી હતા, આજે હોત તો નરેન્દ્ર મોદી - ભાજપ - એનડીએનો વિરોધ કરતા હોત વગેરે વગેરે ભાષણો-લેખો થઈ રહ્યાં છે. મને યાદ છે કે ભાવનગર જેલમાં તેમણે ‘સભ્ય, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ ઘાતક ના હોઈ શકે તેમ સ્વીકાર્યું હતું અને ભવિષ્યે શંકરસિંહ તેમજ નરેન્દ્ર મોદી સારા મુખ્ય પ્રધાન થઈ શકશે તેવી ભવિષ્યવાણી કરી હતી! આ બધું તો ત્યાં બોલાશે જ નહીં ને?

એકંદરે દરૂ ‘સૌજન્ય અને વિદ્રોહ’ના પ્રતીક હતા. ૧૯૭૯માં મારું કટોકટી વિષેનું પુસ્તક ‘મીસાવાસ્યમ્’ પ્રકાશિત થવાને થોડાક દિવસની વાર હતી, છેલ્લા પ્રુફ્સ તપાસાઈ રહ્યા હતાં ત્યારે અમેરિકામાં કેન્સરથી તેમના અવસાનના સમાચાર મળ્યા. ૧૯૭૫થી જ વડીલ સ્વજન બની ગયેલા દરૂ સાહેબ માટેનો સ્નેહાદર વ્યક્ત કરવા માટે ‘મીસાવાસ્યમ્’ની અર્પણનોંધ લખીઃ કટોકટી-સેન્સરશિપની સામે સંઘર્ષશીલ પ્રિય સ્વજન દરૂ સાહેબની સ્મૃતિમાં...?

ગુજરાતમાં ઇમર્જન્સીએ જે સંઘર્ષસક્રિય રત્નો આપ્યાં તેમાં સી. ટી. દરૂ, બી. કે. મજમુદાર, વસંતરાવ ગજેન્દ્ર ગડકર, ભોગીલાલ ગાંધી, કીર્તિદેવ દેસાઈ, બાબુભાઈ જ. પટેલ, મનુભાઈ પંચોળી ‘દર્શક’નાં નામ જલદીથી હોઠ પર આવી જાય. તે સમયની ભૂગર્ભ ચળવળ નરેન્દ્ર મોદી સંભાળતા હતા અને કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, ઇન્દુભાઈ પટેલ, રામલાલ પરીખ વગેરે જેલોમાં હતા.

મકરંદ દેસાઈ વિદેશે પહોંચ્યા અને ત્યાંથી ‘સત્યવાણી’ પ્રકાશિત કરીને અન્ય દેશોનો મત એકત્રિત કર્યો હતો. લંડનના ‘ધ ગાર્ડિયન’ના સંવાદદાતા લિફશુલ્ત્ઝ એ દિવસોમાં અમદાવાદ આવ્યા તો સ્તબ્ધ થઈ ગયા. મારી સાથે ઓટોરીક્ષામાં બધે ફર્યા અને જોયું તો સર્વત્ર ખૂલ્લો વિરોધ હતો. ૧૪૪મી કલમ લાગુ નહોતી, સભા-સરઘસ થતા હતાં, સેન્સરશિપ સામે લડાઈ જારી હતી, ધારાશાસ્ત્રીઓની લોકતંત્ર બચાવ પરિષદ થઈ હતી... એમણે લખ્યું પણ ખરું કે ગુજરાત ખરા અર્થમાં ‘સ્વતંત્રતાનો દ્વીપ’ છે!

બેશક, એ શરૂઆતના મહિના હતા અને ૨૬ જૂને સમગ્ર દેશમાં લાગુ પાડેલી કટોકટીને ગુજરાતની મોરચા-સરકારે સ્વીકારી નહોતી એટલે આ મોકળાશ હતી. ૧૨ માર્ચ, ૧૯૭૬થી સરકાર જતાંવેત પ્રતિબંધનો પંજો પડ્યો અને ગુજરાતની જેલો અટકાયતીઓથી ભરાઈ ગઈ, અખબારોએ ય ‘વન-વે’ સ્વીકારી લેવો પડ્યો... એ કલંકિત પ્રકરણની વાત શબ્દસ્થ થઈ છે. નરેન્દ્ર મોદીના ‘સંઘર્ષમાં ગુજરાત’માં અને મારાં ‘મીસાવાસ્યમ્’માં. હવે તેનું પુનઃ પ્રકાશન સંભવિત બન્યું છે ત્યારે બ્રિટિશ ગુજરાતીઓને દરૂ સાહેબ જેવાં તેજનક્ષત્રની સ્મૃતિ ઝંકૃત કરશે.

દરૂ-સ્મૃતિ વ્યાખ્યાનમાળાની જેમ ૨૫ જૂને બે રાજ્યપાલશ્રીઓ (કર્ણાટકના વજુભાઈ વાળા અને ગુજરાતના ઓ. પી. કોહલી)ના અતિથિ પદે ગુજરાતભરના કટોકટીવિરોધી સંઘર્ષમાં સામેલ પરિવારોનું અમદાવાદમાં સંમેલન થશે તે પછી ૨૬મીએ નવી દિલ્હીમાં તેવું રાષ્ટ્રીયસ્તરે સંમેલન યોજાશે.


comments powered by Disqus