ટ્રમ્પ મહારાજને ગુજરાત ગમ્યું, કારણ કે...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 26th February 2020 04:52 EST
 
 

ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા અને ગયા.

પાછળ વાવાઝોડું મૂકી ન જાય તો ટ્રમ્પ વળી શાના?

ભારત અને વડા પ્રધાન સાથે તેમણે જે ઉષ્માભેર હાથ મેળવીને જગતના સામ્યવાદી, ઇસ્લામિક અને વિકસિત દેશોને ઝંડી ફરકાવી દીધી કે અમે બે મોટા લોકશાહી દેશો છીએ, મિત્રો છીએ અને રહેવાના છીએ. પાકિસ્તીન, ચીન નારાજ છે કે ભારત મુલાકાત પહેલાં જ શસ્ત્રોની ખરીદીને મહોર મારી દેવામાં આવી. મોદી તો કહે છે ધીરજ રાખો. હજુ બીજું ઘણું થશે.

અમેરિકાને જગતની જમાદારી કરવાની આદત છે. મહાસત્તા તરીકે પહેલાં તો સામ્યવાદી રશિયા તેનું કટ્ટર પ્રતિસ્પર્ધી હતું, પણ મિખાઈલ ગોર્બાચોફે સામ્યવાદની ભેખડ જ ‘પેરેસ્ત્રોઇકા’ના હથિયારથી ખોદી કાઢી પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ. રશિયા અને પુતિન કંઈ સામાન્ય દુશ્મન નથી. ઈરાક, ઇરાન, રશિયા, અફઘાનિસ્તાનના સ્તરે અથડામણ ચાલુ જ છે. રશિયા સાવ શક્તિવિહોણું નથી એ સાબિત કરવા માટે પુતિને રશિયાના સત્તા-તંત્રને સ્થિર અને મજબૂત કરવાની જહેમત પણ લીધી છે.

વ્યાપાર અને વિચાર બે બાબતે અમેરિકાને ચીની ડ્રેગનની ભીતિ છે. લાખ પ્રયાસો છતાં જેવો તેવો યે સામ્યવાદ ત્યાં અસ્તિત્વ ધરાવે છે ને સમયાંતરે આંખ કાંઢે છે.

આવા સંજોગોમાં ટ્રમ્પને ભારતની સાથે રહેવું માત્ર અનુકૂળ જ છે એવું નહીં, અનિવાર્ય પણ છે. પોતે લોકશાહીની મહાસત્તા છે એમ ગણાવવા ક્યારેક પાકિસ્તાનને ધમકી અને ક્યારેક આળપંપાળનો તેનો ખેલ ચાલ્યા કરે છે. કાશ્મીર મુદ્દે ‘બે બિલાડી વચ્ચે વાંદરા’ની ભૂમિકા રાખે છે.

એવા દિવસોમાં ભારત પ્રવાસ થયો. ગુજરાતને પણ સામેલ કરાયું. ટ્રમ્પ પાછળ અધધથી ખર્ચ થયાનો બૂમરાણ થઈ. એક ઝુંપડપટ્ટી ટ્રમ્પની નજરે ના ચડે તે માટે દિવાલ બાંધવાની કહાણી મીડિયામાં આવ્યા કરી. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ વારંવાર ખુલાસો કર્યો કે અહીં અતિક્રમણ થઈ રહ્યું હતું તેને રોકવા માટે આ દિવાલ છેક બે મહિના પૂર્વેથી બાંધવામાં આવી હતી. પણ સાંભળે કોણ?

બીજો વિવાદ ગાંધી આશ્રમની મુલાકાતનો હતો! ‘ગયા તો કેમ ગયા?’ અને ‘ના ગયા, તો કેમ ના ગયા?’ આ બે સવાલો ચગ્યા અને ‘ગાંધીજીના વારસવાદો’એ મગરના આંસુ વહાવ્યા. દુનિયાના કોઈ પણ દેશનો વડો અમદાવાદ આવે ત્યારે તેમને ગાંધી આશ્રમ બતાવવાનો કર્મકાંડ (રિચ્યુઅલ) નક્કી જ હોય છે. મોટા કાફલા સાથે તે વડા પ્રધાન - રાષ્ટ્રપ્રમુખ સજોડે આશ્રમમાં જાય. દરવાજે જ ત્રણ વાંદરાની પ્રતિમા છે, આંખ-કાન-મોં બંધ રાખનારા આ વાનરવીરો પોતાનું કર્મ બજાવ્યે જાય છે, બીજા અનુસરે છે કે નહીં, કે કેવું અનુસરે છે તેની ચિંતા કર્યા વિના.

દરેક ગાંધીજયંતીએ અહીં પ્રાર્થના થાય છે. વક્તાઓ ડાહી ડાહી વાતો કરે છે, ‘વૈષ્ણવ જન તો...’ હવે બ્રાન્ડ થઈ ગયું! (જુઓ તો ખરા, આટલા બધા ગાંધીજનો જે ન કરી શક્યા તે, જે પક્ષ પર ગાંધી-હત્યાની એચએમવી રેકોર્ડ કાયમ વગાડવામાં આવે છે તે જનસંઘ-ભાજપના નેતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ‘વૈષ્ણવ જન...’ વિવિધ ભાષાઓમાં ગવાતું થયું છે!) ટ્રમ્પ કે બીજા અહીં આવે તો આ એક પ્રતિકાત્મક ઘટના છે. અહીંથી ભેટ અપાતો ચરખો તેમના ઘર-ઓફિસે ખૂલ્લા કબાટમાં શોભતો હશે!

એટલે ટ્રમ્પે રાજઘાટ પર ફૂલહાર ચઢાવ્યા તે બે રાષ્ટ્રો વચ્ચેના રાજનયિક સંબંધોનું પ્રતીક છે. બિચારા ટ્રમ્પ હમણાં તો ચૂંટણીની ચિંતામાં છે. ‘હાઉડી મોદી’ ભવ્ય કાર્યક્રમ પછી તેમને થયું હશે કે ચાલો ને, આપણે પણ આ એનઆરઆઈના મતોની ટોપલી મેળવવા ભારતમાં જઈએ, એટલે આવ્યા. ગુજરાતીઓ સ્વાગત કરવામાં પાછા પડે તેવા નથી. અમેરિકામાં તેમના સવાલોના ઉપાય અને ભારત સાથેના મહત્ત્વના કરારો બંનેને આ પ્રવાસથી ઉત્સાહ મળશે.

‘ગુજરાતમાં ટ્રમ્પ’ એ ગુજરાતી ઇતિહાસની નજરે અમેરિકા-ભારત સંબંધોનું મહત્ત્વ ધરાવે છે. એકલા વેપારની નહીં, બીજી ઘણી બાબતોમાં અમેરિકામાં ગુજરાત અને ભારત ચમકતું રહ્યું છે. વેનકુંવરથી નીકળેલાં ‘કોમાગાટામારુ’ અને સાન ફ્રાંસિસ્કોમાં રચાયેલી ‘ગદર સ્વાતંત્ર્ય ચળવળ’ની આછીપાતળી માહિતી ઘણાને હશે. પણ ત્યાં કૃષ્ણલાલ શ્રીધરાણી આપણા આંતરરાષ્ટ્રીય પત્રકાર થોડાં વર્ષો સ્થાયી થયા હતા. તેમણે વિજયાલક્ષ્મી પંડિત, મજુમદાર અને શ્રીમાન સઈદ સાથે રહીને અમેરિકાને ભારતની સ્વાતંત્ર્ય ઝંખના વિશે માહિતગાર કરવા માટે સંસ્થા રચી, પ્રવાસો થયા, અખબાર બહાર પાડ્યું હતું.

શ્રીધરાણીએ ‘સત્યાગ્રહ’ પર કોલંબિયા યુનિવર્સિટીમાં પીએચ.ડી. કર્યું અને ‘વોર વિધાઉટ વાયોલન્સ’ પુસ્તક લખ્યું, જેને બૌદ્ધિક અમેરિકનો આજે પણ ‘ગાંધીને સમજવાનું બાઈબલ’ ગણે છે. ગુજરાત સરકારે કે મુખ્ય પ્રધાને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આ પુસ્તક આપીને વાંચવાની ભલામણ કરવી જોઈતી હતી!

એક બીજો ક્રાંતિકારી - પત્રકાર છગન ખેરાજ વર્મા ગુજરાતી ‘ગદર’ અખબારનો તંત્રી હતો અને સિંગાપુરમાં તેમને બ્રિટિશ-વિરોધી વિપ્લવ માટે ફાંસીની સજા મળી હતી.

ટ્રમ્પ-પ્રવાસની આ પૂર્વભૂમિકા ગુજરાત અને ટ્રમ્પ મહારાજની મુલાકાતનો એક અલગ પરિચય પૂરો પાડે છે!


comments powered by Disqus