ડો. સ્વામીએ ગુજરાતી રાષ્ટ્રપ્રમુખ તરીકે આનંદીબહેનનું નામ આપ્યું, કારણ કે...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 02nd May 2017 05:54 EDT
 
 

આ આખું સપ્તાહ ‘ગુજરાતમય’ બની ગયું! હજુ હમણાં નવી દિલ્હીમાં પદ્મ સન્માન સમારોહમાં ડો. મુરલી મનોહર જોશીને અલપઝલપ મળવાનું થયું ત્યારે મેં તેમને ગુજરાત આવવા આમંત્રણ આપ્યું તો કહેઃ અરે, દેશ પૂરા અબ તો ‘ગુજરાતમય’ હો ગયા હૈ!

તેમના કથનની પૂર્તિ કરવાની હોય તેમ ડો. સુબ્રમણ્યમ્ સ્વામીએ વડોદરામાં પત્રકારો સાથેની મુલાકાતમાં ‘ભાવિ રાષ્ટ્રપ્રમુખ તરીકે આનંદીબહેન પટેલને લાવવાં જોઈએ’ એવી વાત કરી! પછી ઉમેર્યું કે દેશના વડા પ્રધાન ગુજરાતી, રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતી તો રાષ્ટ્રપ્રમુખ પણ ગુજરાતથી આવી શકે તેમાં નવાઈ શી? આટલેથી વાતને પૂર્ણ વિરામ આપવાને બદલે કહ્યું કે આમ તો હું પણ ગુજરાતનો જમાઈ છું!

ડો. સ્વામીનાં પત્ની રુખસાના ગુજરાતી-પારસી પ્રશાસનિક પિતાનાં પુત્રી છે. દિલ્હીમાં આજકાલ એવી અફવા મને છેક ગુજરાત ભવનમાં ગુજરાતી ખાણું આરોગતા એક વરિષ્ઠ હિન્દી પત્રકારે સંભળાવી કે રુખસાના સ્વામીનું જીવનચરિત લખી રહ્યાં છે.

તમિળ બ્રાહ્મણનું રાજકારણ

સ્વામીનું જીવન? આ તમિળ બ્રાહ્મણે પોતાની અભ્યાસનિષ્ઠા, વિદ્વત્તા અને વકિલાતની ક્ષમતા બાજુ પર રાખીને રાજકારણમાં ઝંપલાવ્યું ત્યારથી ચર્ચામાં રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભાઉરાવજી દેવરસે તેમનો જનસંઘ-નેતાઓ સાથે સંપર્ક કરાવ્યો. શરૂઆતમાં તેમણે જનસંઘની ‘સ્વદેશ નીતિ’ પર એક મુસદ્દો પણ તૈયાર કર્યો હતો. જનસંઘના વર્ગોમાં સ્વામી કહેતા કે શ્રી ગુરુજી (તત્કાલિન સંઘના વડા) કહે છે કે ડો. સ્વામી અનિયતકાલીન સ્વયંસેવક છે! જનસંઘમાં તેમને સાંભળનારાઓની સંખ્યા પણ સારી એવી હતી. ચૂંટણી સભાઓમાં બોલતા થયા. અને ૧૯૭૪ની ચૂંટણીમાં તેમણે ગુજરાત પ્રવાસ કર્યો હતો, એ વખતે એ કહેતા કે શ્રીમતી ઇન્દિરા ગાંધી પોતાને ગુજરાતનાં પુત્રવધૂ કહેવડાવે છે... હું પણ ગુજરાતી મહિલાને પરણ્યો છું એટલે ગુજરાતો જમાઈ ખરો કે નહીં?

ગુજરાતના આ જમાઈરાજે ૧૯૭૫-૭૬ની આંતરિક કટોકટી દરમિયાન યાદગાર કામ કર્યું. ગુજરાતમાંથી મકરંદ દેસાઈ અને રામ જેઠમલાણી ભારત છોડીને વિદેશોમાં - યુકે અને યુએસએ-માં કટોકટીવિરોધી પ્રચાર જંગ છેડ્યો હતો. સ્વામી પણ તેમાં સહભાગી રહ્યા અને ભૂગર્ભ આંદોલન ચલાવી રહેલા નરેન્દ્રભાઈ મોદીની સાથે ય સંપર્ક રહ્યો. એ દિવસોમાં - ‘મીસા’નું વોરંટ હોવા છતાં - સ્વામી એક દિવસ અચાનક સંસદ ગૃહમાં પ્રવેશ્યા, રજિસ્ટરમાં સહી કરી અને ગૃહમાં પહોંચ્યા તો સન્નાટો છવાઈ ગયો! કોઈ કશું વિચારે તે પહેલાં તે બહાર નીકળીને ગાયબ થઈ ગયા અને સાબિત કરી દીધું કે મીસા, ડીઆઇઆર, સેન્સરશિપ, આઇબી, રો જેવી લોખંડી વ્યવસ્થાઓ હોવા છતાં કોઈ વ્યક્તિ ધારે તો તેમાં ગાબડું પાડીને છેક પાર્લામેન્ટ સુધી - આટલી સુરક્ષા હોવા છતાં - પહોંચી શકે છે! વડા પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીને પણ આ ઘટનાનો આઘાત અને આશ્ચર્ય થયા હતા.

કટોકટી અને તે પછી -

ડો. સ્વામીએ કટોકટી દરમિયાન ભારતની જેલોમાં અપાતી યાતનાઓ વિશે માહિતી એકત્રિત કરીને પુસ્તિકા લખી એ તો માનવિધાકારના ઊઘાડેછોગ સર્વનાશનો પ્રયોગ હતો તેમ દર્શાવવા વિશ્વના તખતા પર કામ લાગે તેવી હતી. એ સમયે અમે સૌ વડોદરા જેલમાં હતાં. બહારથી નરેન્દ્રભાઈનો પત્ર અને સ્વામીની પુસ્તિકાની સાઇક્લોસ્ટાઇલ નકલ મને મળી. સૂચના એવી હતી કે બહાર પ્રચાર માટે આ નક્કર પ્રમાણો સાથેની પુસ્તિકાનો ગુજરાતીમાં અનુવાદ જલદીથી થાય તો કામ આવે. બે દિવસમાં તેનો અનુવાદ કરીને તે પુસ્તિકા મોકલી આપી અને અઠવાડિયામાં તો છપાઈને હજારો લોકો સુધી પહોંચી ગઈ!

કટોકટી પછી ૧૯૭૭ની ચૂંટણીમાં જનતા પક્ષ જીત્યો. તે સમયે જયપ્રકાશ – જગજીવનરામ – ચરણસિંહ – મોરારજીભાઈ વચ્ચેની નિર્ણાયાત્મક આપ-લેનું કામ સ્વામી કરતા. કોઈએ તેમને આ કામ સોંપ્યું નહોતું પણ પોતાની રીતે સ્થાપિત થવાની તેમની સજ્જતા દાદ માગી લે તેવી. ઇચ્છા તો તેમની જનતા પક્ષ સરકારમાં વિદેશ પ્રધાન થવાની હતી પણ મોરારજીભાઈએ સહભાગી જનસંઘના એકમના વિધિસરના વડાને પૂછવું પડે, તેવું તેમણે કર્યું. નાનાજી દેશમુખ, લાલ કૃષ્ણ અડવાણી, વાજપેયીજી - વગેરે શીર્ષસ્થ નેતાગીરીને સ્વામીની વિશેષતા અને મર્યાદા બન્નેની જાણ હતી. એટલે વાજપેયીને વિદેશ પ્રધાન બનાવ્યા. સ્વામીને ત્યારથી ખટકી ગયું કે વાજપેયી વચ્ચે આવ્યા! ખરેખર તો છેક ૧૯૫૨થી જનસંઘના પાયા નાખીને અથાગ પરિશ્રમ કરનાર અટલજી વરિષ્ઠ હતા, સર્વ કાર્યકર્તાના માન-સન્માન-આદરના સ્વાભાવિક અધિકારી હતા.

સ્વામીના સ્વભાવને તરાશવાનો પક્ષને માટે પણ જરૂરી હતો. કોઈ માણસ વિદ્વાન કે તેજસ્વી હોય એટલા માત્રથી તેને જલદીથી ટોચ પર લઈ જવાની ઉતાવળ ન કરાય એમ તે સમયની પુખ્ત નેતાગીરી માનતી હતી, તે રીતે જ નિર્ણય લેવાયો, અને સ્વામીનું દિમાગ ઊંધા રસ્તે દોડ્યું. વાજપેયી વિશે છૂપા-ખુલ્લા આક્ષેપોનો મારો ચલાવ્યો. જનતા પક્ષમાંના જનસંઘ એકમે તેમની સામે પગલાં લીધાં તો ભાઈ ચંદ્રશેખરની સાથે થઈ ગયા અને ત્યાં પ્રધાનપદું મેળવ્યું. ૧૯૮૦માં જનતા પક્ષ તૂટ્યો અને પૂર્વ એકમો ફરી અસ્તિત્વમાં આવ્યાં ત્યારે જનતા પક્ષની ભાંગીતૂટી ઇમારત સાચવવા સ્વામીએ કામ કર્યું. પક્ષમાં કાર્યકર્તા હોય કે નહીં, પણ પ્રમુખ તો ડો. સ્વામી ખરા જ!

પહેલાં અટલજી, હવે અરુણ જેટલી!

ડો. સ્વામીએ કોંગ્રેસમાં પણ કેટલાકને સાથે લીધા. તમિળનાડુમાં જયલલિતાને ભાજપ-એનડીએ સરકારની સામે મૂક્યાં. રાજીવ ગાંધીને સલાહો આપી. ૨૦૧૨ પછી વળી પાછા ભાજપની ગાડીમાં સીટ લીધી, નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું... પણ એનડીએમાં જેમ વાજપેયી તે રીતે હવેની સરકારમાં તેમને અરુણ જેટલી ખટકે છે!

સ્વામીએ પોતાની - એકાદ-બે સભ્યોવાળી - પાર્ટી ભાજપમાં વિલીન કરી દીધી છે, એ દૃષ્ટિએ તે ભાજપ-નેતા છે. જોકે મોવડીમંડળ તેમને ખાસ પૂછતું નથી. હા, નેશનલ હેરલ્ડથી બાબરી મસ્જિદ સુધીના પ્રકરણોમાં તેઓ પોતે જ પ્રવક્તા બને છે અને ‘હિન્દુત્વ’ની વાત કરતા આવ્યા છે.

ગુજરાતમાં તેમણે આનંદીબહેન નવા રાષ્ટ્રપતિ બની શકે તેવી વાત કરી. મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યા પછી કેશુભાઈ પટેલની જેમ આનંદીબહેનને કોઈ પ્રદેશના રાજ્યપાલ પદે મૂકવાની વાત આવી હતી. પણ બન્નેએ ગુજરાતનાં રાજકારણમાં જ સક્રિય રહેવાનું જણાવી દીધું હતું. હવે રાષ્ટ્રપ્રમુખના પદે પહોંચવાની એક લકીર ખેંચવામાં આવી ત્યારે આનંદીબહેને એ વાત ટાળી દીધી છે.

ભરોસો નહીં, મનોરંજન!

સ્વાભાવિક છે કે હવે ડો. સ્વામી ગુજરાતના જમાઈરાજનું નામ આગળ ધરવાની હિકમત કરે!

ભારતીય રાજકારણમાં આવાં કેટલાંક પાત્રો - ભલે નિષ્ણાત કે વિદ્વાન હોય – પ્રજાને માટે મનોરંજન પૂરું પાડતા આવ્યાં છે. તેમાં અત્યારે ફારુક અબ્દુલ્લા, લાલુ પ્રસાદ યાદવ, અમર સિંહ, અરવિંદ કેજરીવાલ, દિગ્વિજય સિંહની સાથે સ્વામીનો યે સમાવેશ થઈ શકે!


comments powered by Disqus