તમે મળ્યા સરદાર-પ્રતિમાના શિલ્પકાર રામ સુથારને?

તસવીરે ગુજરાત

વિષ્ણુ પંડ્યા Thursday 01st November 2018 08:40 EDT
 
 

સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ – જેણે આ ભવ્ય સ્મારકની જહેમત લીધી - તેના બે સચિવો શ્રી શ્રીનિવાસન અને શ્રી રાઠોડનું મોટું પ્રદાન છે. સંજય જોશી તેમની સાથે કાર્યરત છે એટલે ચીફ સેક્રેટરી શ્રી જે. એન. સિંહની સૂચનાથી સરદાર-પ્રતિમા બને તે પહેલાં વિચારવિમર્શ માટે એક સમિતિ બનાવી હતી. સરદાર સાહેબના અભ્યાસીઓ અને તેમના વિશેની સંસ્થાઓના સંચાલકો તેમજ ઇતિહાસકારોને બોલાવાયા. તે પછી તેમના ફોટોગ્રાફ્સ એકત્રિત થયા. લાર્સન એન્ડ ટુબ્રોના બે અધિકારીઓ પણ સામેલ હતા.
૨૦૧૭માં ફોન આવ્યો કે તમારે દિલ્હી જવાનું છે અને જાણીતા શિલ્પકાર પદ્મશ્રી રામ સુથારની સાથે આ પ્રતિમા વિશે વિચાર વિમર્શ કરવાનો છે. વિમાન માર્ગે પહોંચ્યા અને નોઇડામાં આવેલા તેમના વિશાળ સ્ટુડિયોની મુલાકાત લીધી. પ્રવેશ કરતાં જ વિવિધ પ્રતિમાઓની મહેફિલ જામી હોય તેવું લાગ્યું!
તેમણે સરદાર પ્રતિમાનો આકાર તૈયાર કરી રાખ્યો હતો... શિલ્પકારની સાથે આ પ્રતિમા વિશેની ચર્ચા કરવાનો રોમાંચ હતો. ક્યાં કરમસદ, નડિયાદ, બારડોલી, અમદાવાદ અને ક્યાં દિલ્હી! આ નવી દિલ્હીમાં વિભાજનના લોહિયાળ દિવસોમાં ઔરંગઝેબ માર્ગ પર સરદારનો નિવાસ હતો. દેશના ગૃહ પ્રધાન અને અખંડ ભારતના શિલ્પી સરદારે તેમની જિંદગીનાં માંડ ત્રણ વર્ષ ભારતની સ્વતંત્રતા સાથે ગાળ્યાં, તે પણ અ-પાર વ્યથાનાં! વ્યથા વિભાજનની, વ્યથા ગાંધી-વિદાયની, વ્યથા કોંગ્રેસનાં પતનની, વ્યથા જવાહરલાલના ખ્વાબી-અનિર્ણાયક વ્યક્તિત્વની, વ્યથા સમાજવાદીઓના વૈચારિક હુમલાની, વ્યથા પાકિસ્તાનથી આવતા હિજરતીઓ અને લાશોના ઢગલાની, વ્યથા વિલીન થયેલાં રાજ-રજવાડાંની, કાશ્મીરની, ગોવાની, ચીની આક્રમણના સંકેતોની...
આ માણસે તેના મજબૂત ખભા પર કેવો - કેટલો ભાર ઉપાડ્યો હતો? તેની વિરાટ પ્રતિમા તો તેમનાં અવસાન સમયે જ કરવી જોઈતી હતી. નેહરુના નામે આવડું મોટું મેમોરિયલ હોય તો વલ્લભભાઈ – વિઠ્ઠલભાઈ માટે કેમ નહીં? પણ, એક નઠારો સિલસિલો શરૂ થઈ ગયો હતો, થોડાક ડાબેરી ઇતિહાસકારો, થોડાક ‘ભારત એક છે જ નહીં’ તેવી થિયરી પર ‘સંશોધન’ કરનારા વેરિયર એલ્વિન જેવા સમાજવિદ્યા વિશારદો અને કેટલાક તેમને અનુસરનારા ભારતના બૌદ્ધિકો - તેમને માટે તો સરદાર મૂડીવાદીની તરફેણ કરનારા હતા, રાજાઓને સાલિયાણા આપનારા નેતા હતા, સમાજવાદના વિરોધી હતા. બધા જ બધા ‘નેહરુ-મુગ્ધ’ મંડળીના સભ્યો! આમાં સરદારને કોણ યાદ કરે?
ધીમે ધીમે તો એ ય ભૂલાતું ગયું કે ૫૬૫ રજવાડાંનું વિલીનીકરણ કરીને જ સરદારે બાકીનાં ભારતની અખંડિતતા બચાવી હતી. સરદાર ગાંધીના અનન્ય સાથીદાર (ભક્ત નહીં) ખરા, પણ વિઠ્ઠલભાઈએ તો જાહેરમાં છેલ્લાં નિવેદનમાં ‘ગાંધી સ્વતંત્રતાજંગને દોરી શકે તેમ નથી’ એમ જણાવી દીધું હતું એટલે તેમનો એકડો તો પહેલેથી જ નીકળી ગયો!
આ સરદારની સ્મૃતિમાં કેવડિયા કોલોનીના બેટ પર (જુઓ તો ખરા, આ બેટનું નામ ‘સાધુ બેટ’ છે. ને ત્યાં અમારો ‘ગૃહસ્થ સાધુ’ વલ્લભભાઈ આજે ઊભો છે, શાનથી!) વિરાટ પ્રતિમાનો વિચાર જેવો તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈએ જાહેર કર્યો કે તુરંત આલોચનાનાં શસ્ત્રો ખેંચાવાં શરૂ થઈ ગયાં.
‘મોદી ને ભાજપ-સંઘ તો ગાંધીવિરોધી હતા, સરદારે તેમના પર પ્રતિબંધ મૂકેલો...’
‘સંઘ ગાંધીનો હત્યારો છે...’
‘પ્રતિક્રિયાવાદી છે...’
‘કોમવાદી છે...’
‘સરદાર તો અમારા (કોંગ્રેસના) હતા અને છે...’
પછી બીજી દલીલો ખૂટી પડી એટલે કહેવામાં આવ્યુંઃ ‘આટલા કરોડોના ખર્ચે પ્રતિમાની શી જરૂર છે?’
હમણાં ૩૧મીએ એક ‘વિદ્વાન’ કોલમિસ્ટે લખ્યુંઃ સરદારની પ્રતિમા કરતાં તેમની પ્રતિભા ઘણી ઊંચી હતી અરે ભાઈ, એની કોણે ના પાડી? પ્રતિભા ઊંચી હતી એટલે તેની પ્રતિમા ના બનાવડાવાય? પ્રતિમા સ્થાપન વિશે કંઈ બોલી ના શકાય એ મજબૂરીને ઢાંકવા માટે આવો તર્ક? પછી ‘કોઈને’ ખોટું ના લાગે એટલા માટે પ્રતિમાનાં વખાણ પણ તેમાં જ!
આ માહોલ વચ્ચે ય નરેન્દ્ર મોદીએ સંકલ્પને આકાર આપ્યો, પણ તે પૂર્વે સંપૂર્ણ પ્રતિમા, તેનું સ્થાપત્ય, આકાર, ચંપલથી વસ્ત્રો સુધીની વિગતો, ભારતના ઐક્યમૂર્તિનો જગજાણીતો ચહેરો, તેના પરની રેખાઓ, મજબૂત હાથ અને આંગળીઓ, જમીન પર વિહરતાં પગલાં... આ બધાંની અભ્યાસ – કસરત થતી રહી. રામ સુથાર તો તેમનું લાડકું નામ, મૂળ શ્રી રામ કૃષ્ણ જોશી. મુંબઈની જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાં શિક્ષણ લીધું. ઔરંગાબાદમાં પુરાતત્ત્વ વિભાગમાં કામ કર્યું. અજંતા-ઇલારોનાં સ્થાપત્યની મરમ્મત કરી, ૧૯૫૯થી સ્વતંત્ર શિલ્પકારની કારકિર્દી શરૂ કરી. મધ્ય પ્રદેશ ચંબલમાં ગાંધી સાગર ડેમ પરનું સ્મારક, (જેમાં મધ્ય પ્રદેશ – રાજસ્થાન બે બાંધવો પ્રતીકાત્મક છે), વિવિધ દેશોમાં ગાંધી-પ્રતિમા, દિલ્હીનાં પ્રગતિ મેદાનમાં ગાંધી પ્રતિમા, નવી દિલ્હીના સંસદભવન અને ગાંધીનગર વિધાનસભા સમક્ષની પ્રતિમાઓ, રણજિતસિંહ, ગોવિંદવલ્લભ પંત, ગંગા મૈયા... અને હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી!

આવી શિલ્પસફર કરનારા પિતાપુત્ર (શ્રી રામ અને અનિલ સુથાર) શિલ્પ પ્રત્યે પ્રતિબદ્ધ છે. શ્રી રામ કોઈ કવિ - કલાકાર જેવા લાગે. વિગતો અને આયોજન, બન્નેમાં કુશળ. સરદાર પ્રતિમા વિશેના તેમના કેવા ઊંડાણપૂર્વકના ખ્યાલ છે એ નોઇડા સ્ટુડિયોમાં એક આખો દિવસ વિમર્શ કર્યો ત્યારે અંદાજ આવ્યો.
પ્રતિમા કેવડિયા કોલોનીમાં છે, તેનું નિર્માણ આ શિલ્પકાર પિતા-પુત્રે ભારે જહેમત અને કૌશલ્યથી કર્યું. ૩૧મીએ વડા પ્રધાને તેમનો નામજોગ ઉલ્લેખ કર્યો અને અભિવાદન કર્યું તે પણ એક સુખદ પળ હતી. અમદાવાદ ટીવી ચેનલો પર એ જ દિવસે પ્રતિમા-સમારોહની વિશેષતાઓની વાત કરી રહ્યો હતો ત્યારે આ દૃશ્ય જોતાં બોલાઈ ગયુંઃ ‘અભિનંદન, કલાકાર પિતા-પુત્ર! અભિનંદન!’
૭૦ હજાર ચોરસ મીટરનો પ્રતિમા સરફેસ એરિયા, ૧૫૨ મીટર બેઝમેન્ટથી ગેલેરી સુધીની ઊંચાઈ, ૨૦ મીટર પહોળો મુખ્ય પુલ, ભારત ભવન, મુખ્ય પુલ, ૭૦ હજાર ટન સિમેન્ટનો ઉપયોગ, ૬૦૦૦ ટન સ્ટ્રકચરલ સ્ટીલ, પુષ્પોની ઘાટી (વેલી ઓફ ફ્લાવર્સ), મ્યુઝિયમમાં સંભવિત ૪૦ હજાર દસ્તાવેજો, ૨૦૦૦ તસવીર... અને નમામિ દેવી નર્મદેનો ખોળો!
સાચે જ, ૧૫ ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ), ૨૬ જાન્યુઆરી (પ્રજાસત્તાદ દિવસ) અને પહેલી મે (ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ)ની પંક્તિમાં ઉમેરાયેલો આ ઐતિહાસિક દિવસ છે. લાલ કિલ્લો, આંદામાન જેલ, સોમનાથ, ગોવાલિયા ટેન્ક, સાબરમતી આશ્રમ, આગાખાન – યરવડા જેલ જેટલી જ ઐતિહાસિક રોમાંચની આ એક વધુ જગ્યા! નરેન્દ્ર મોદીના ‘ઇતિહાસ બોધ’નો એક વધુ સીમાસ્તંભ!


comments powered by Disqus