ત્વદિય પાદ્ પંકજમ્, નમામિ દેવી નર્મદે!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 16th September 2019 06:32 EDT
 
 

સત્તરમી સપ્ટેમ્બરે ગુજરાત હરખઘેલું થયું તે સાવ સ્વાભાવિક હતું!

ગુજરાતે જેમને કેન્દ્રમાં મોકલ્યા છે એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, અને યોગાનુયોગ આકાશી દેવ-ઇન્દ્ર-ની કૃપાથી કેવડિયા કોલોની પાસે નર્મદા સરદાર સરોવર ૧૩૮ મીટરની ઊંચાઈએ પણ છલોછલ! આ ઘટના એટલા માટે ય દુર્લભ હતી કેમ કે નર્મદા બંધની ઊંચાઈ, જળવિતરણ, વિસ્થાપન, સિંચાઈ, વીજળી જેવા પ્રશ્નો પર ગુજરાતે લડવું પડ્યું હતું. વિવાદ અને વિલંબના પડછાયા હતા, મધ્ય પ્રદેશ વાંકું ફાટ્યું, મહારાષ્ટ્રે પણ વિવાદ વકરાવ્યો. મેઘા પાટકરે વિસ્થાપનના નામે હો-હલ્લો મચાવ્યો, ટ્રિબન્યુનલ રચાઈ તે પહેલાં ખોસલા પંચ પણ રચાયું. સુપ્રીમ કોર્ટ અને વિશ્વ બેન્ક સુધી મામલો પહોંચ્યો.

મહોરું તો હતું વિસ્થાપિતોના પુનર્વસવાટનું. પણ તે સા-વ ગલત બહાનું હતું. કેટલીક ‘પ્રેરિત’ એનજીઓને નામ કમાવું હતું તેમાં મેઘા પાટકર મુખ્ય હતાં, બાબા આમટેએ તો ગુજરાતમાં નર્મદા ડેમની ઊંચાઈ વધે તો નર્મદામાં જ જળસમાધિ લેવાની જાહેરાત પણ કરી દીધી. આખાબોલા નગીનદાસ સંઘવીએ તો તેમની કોલમમાં લખ્યાનું યાદ છે કે બાબાને તેમની પ્રતિજ્ઞા પૂરી કરવા દેવી જોઈએ! આપણે ત્યાં માત્ર સંપ્રદાયોમાં જ નહીં, સમાજ સેવાઓમાં પણ આવા ‘બાબા’ઓ પડ્યા છે. આમટે પછી દેખાયા નહીં.

એ પણ નોંધવું જોઈએ કે નર્મદા પ્રશ્ને ગુજરાત કાયમ એક રહ્યું છે. ભાઈકાકા, એચ. એમ. પટેલ, આઇ. જી. પટેલ, બાબુભાઈ જશભાઈ, સનત મહેતા, કેશુભાઈ પટેલ, જયનારાયણ વ્યાસ, શંકરસિંહ વાઘેલા, ચીમનભાઈ પટેલ અને છેલ્લો સમર્થ પ્રયાસ કરનારા નરેન્દ્ર મોદી. આ યાદ આવ્યાં એટલાં નામો. દિલ્હી-દરવાજા ખટખટાવ્યા, સર્વોચ્ચ અદાલતમાં ગયા, વિશ્વ બેન્કે આર્થિક મદદ આપવાની ના પાડી તો પણ આપણે અડીખમ રહ્યા અને છેવટે નર્મદા બંધના નિર્માણમાં, તેની ઊંચાઈમાં સફળ થયાં. જોકે મધ્ય પ્રદેશ કોંગ્રેસના ટેકાથી કેટલીક એનજીઓ જરૂરી સળવળી છે, પણ નર્મદા-ડેમનું ધસમસતું પાણી જુઓ, તે પણ વડા પ્રધાન અને ગુજરાતના જેટલું જ મક્કમ છે - તરસ્યાં ખેતરો સુધી અને પાણિયારે જળ કુંભ સુધી પહોંચવા માટે!

એટલે તો નરેન્દ્ર મોદી બધું બાજુ પર રાખીને ગુજરાત પહોંચ્યા અને ‘નર્મદે સર્વદે’નો ટંકાર કરીને પૂજા કરી. ગુજરાતમાં ૧૦૦૦ સ્થાને આવા કાર્યક્રમો થયા.

નેહરુથી નરેન્દ્ર સુધીની ગુજરાત-કથા

(જવાહરલાલ) નેહરુથી નરેન્દ્ર (મોદી) સુધીની આ ગુજરાત-કથા છે. ૧૯૮૦, ’૮૫ની આસપાસના ભીષણ દુકાળને નજરેનજર જોયો છે. દર ત્રણ વર્ષે અછતના ઓળા આવે. રસ્તા પર ઢોરનાં હાડપીંજર રખડતાં જોવા મળે. હિજરતીઓ ઉચાળા ભરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા નીકળી પડે. અસલી-નકલી ‘ઢોરવાડા’ ઊભા કરાયા હતા. રાજીવ ગાંધીએ એવા એક ઢોરવાડાની જામનગરમાં મુલાકાત લીધી, જેના વિશે બીજા દિવસે અખબારોમાં છપાયું કે રાતોરાત તે ઊભો કરવામાં આવ્યો હતો. જસદણ નજીકનાં એક ખોબા જેવડા ગામના પાદરે સાંજે ફાનસ લઈને આખું ગામ ઊભું હતું, કારણ? કારણ એટલું જ કે થોડાક કિલોમીટર દૂર રાહતકાર્યનું ખોદકામ ચાલતું હતું, પણ આ ગામ તેના નિયમની બહાર બે કિ.મી. આવતું હતું એટલે તેના ગ્રામજનોને ખોદકામ કરવાનાં રાહતકાર્યમાં મંજુરી નહોતી! એટલે રોજ સાંજે ગામલોક પાદરે ઊભા રહે, ‘કોઈક મિનિસ્ટર અહીંથી નીકળે તો તેમને રોકીને ફરિયાદ કરીએ!’

નર્મદાના જળ ગુજરાતને સિંચિત કરવાનો અને તરસ છીપાવવાનો એક માર્ગ હતો પણ તેનો નિર્ણય લેવાતો નહોતો, હવે તે પરિણામ તરફ છે એટલે ગુજરાત અને તેના પૂર્વ મુખ્ય પ્રધાન અને સર્વવિકાસના સંકલ્પ સાથે કેન્દ્ર સરકારનું વહન કરનારા વડા પ્રધાન આ નિમિત્તે ‘નમામી દેવી નર્મદે!’નો આનંદટંકાર કરે એ કેટલું બધું સહજ છે!

પહાડ-પુત્રીનો ભવ્યાતિભવ્ય ઇતિહાસ

આ નર્મદાનો યે જાજરમાન ઇતિહાસ છે. આદિ શંકરાચાર્યે છેક કેરળના કાલડી ગામથી નીકળીને, પરિભ્રમણ દરમિયાન નર્મદા તીરે આવીને દીક્ષા લીધી, નર્મદા સ્તોત્ર રચ્યું અને તપસ્યા કરી. એ ઐતિહાસિક ઘટના છે. નર્મદા કિનારે ૪૦૦ તીર્થસ્થાનો છે. તે ભારતની ‘મધ્યરેખા’ છે. રેવા તેનું બીજું નામ. મેકળ પર્વતેથી તેનો જન્મ થયો, અમરકંટકના પહાડોમાંથી નીકળી. ‘અમરકોશ’માં તેને નામ અપાયું છે સોમોદ્ભવા. શતપથ બ્રાહ્મણમાં તે ‘રેવોત્તરા’ છે. વિંધ્ય પર્વતના પૂર્વ છેડે ૩૦૦૦ ફૂટ ઊંચી અમરકંટકની જગા છે, પહાડ-પુત્રી છે નર્મદા. પૌરાણિક માન્યતા પ્રમાણે તો ૧૦ કરોડ તીર્થોની આ ‘માતા’ છે.

તે વહે છે પૂરા ઉલ્લાસથી - ૮૦૧ માઇલ તેનો પટ છે. ગુજરાતની બધી નદીઓની જેમ તે પશ્ચિમીવાહિની છે. ભરુચ શહેરથી આગળ જતાં તે સમુદ્રને મળે છે. તેનાં ૩૫ સંગમસ્થાનો છે.

નર્મદા-માહાત્મ્ય અનેરું છે. ગંગાનું મહાત્મ્ય કનખલ પાસે, સરસ્વતીનું કુરુક્ષેત્રે અને નર્મદાનું તો તેના સમસ્ત પ્રવાહમાં! કહેવાયું છે કે યમુનામાં સ્નાનથી સાત દિવસમાં ફળ મળે, સરસ્વતીમાં ત્રણ દિવસમાં, ગંગામાં ન્હાવાથી તુરત ફળ મળે અને નર્મદા? તેનાં દર્શનમાત્રથી ફળ પ્રાપ્ત થાય છે!

તેનો કિનારો ભક્તિ, શક્તિ અને તપસ્યાનો. આદિ શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, મહર્ષિ દયાનંદના ગુરુ, પરમ હંસો, અવધૂતોની પ્રિયપૂજ્ય સરિતા છે નર્મદા. નર્મદાનું એક નામ ‘રુદ્રકન્યા’ છે, બીજું ‘અયોનિજા.’ એક વાર રુક્ષ પર્વત પર શિવ-પાર્વતી તપશ્ચર્યા કરી રહ્યા હતાં, ઉગ્ર તપથી પરસેવો થયો, તેના ભેજમાંથી પહાડ પરથી ઝરણું નીચે ઉતર્યું, તે કન્યા સ્વરૂપે શિવની આરાધના કરતું રહ્યું. શિવ મહાદેવે વરદાન આપ્યુંઃ જા, અખંડ થશે, પવિત્ર બનજે.

એ તો નીકળી પડ્યું સરિતા સ્વરૂપે. દેવો અને દાનવો તેનાથી આકર્ષિત થયા તેને પ્રાપ્ત કરવા લાખ કોશિશ કરી પણ આ તો શિવકન્યા! કોઈના યે હાથમાં આવી નહીં! શિવ પ્રસન્ન થયા અને સમુદ્ર સાથે પાણિગ્રહણ કરાવ્યું. તે દોડતી-કૂદતી રવ (અવાજ) કરતી એટલે ‘રેવા’ કહેવાઈ. તેને મળતી નદીઓમાં કપિલા, વિશાલ્યા, એરંડી, ઇક્ષુ અને કાવેરી છે! કપિલધરાથી તેનો ધોધ ૭૦-૮૦ ફૂટે નીચે પડે, પછી માંડલાના ખડકો ભેદીને જબલપુર ‘ધૂંવાધાર’ પ્રપાત, પછી વિંધ્ય-સાતપુડાની પર્વતમાળા ભેદીને ગુજરાત પ્રવેશ.

ગુજરાતમાં ૧૭૦ માઇલ તેની સફરનો માર્ગ છે. ક્યાંક તો ૧૭ માઇલ જેટલા વિશાળ પટમાં ફેલાયેલો રહે! અનેક જગાએ તેનો ફાંટો પડે અને ઉપ-નદીઓ બંજર, શેર, સક્કર, ગંજાલ, હિરણ બની. મુખ્ય તીર્થધામો ભૈરવઘાટ, ઓમકાર, માંધાતા કરનાળી, બરવાણી, શુકલતીર્થ. અત્યારે શ્રાદ્ધના દિવસો છે. નર્મદાને ‘પિતૃઓની પુત્રી’ ગણવામાં આવી છે. અમરકંટકના મુખ આગળ ‘પ્રાયોપવેશન’નો વિધિ કરવાથી આત્મહત્યાનું પાતક લાગતું નથી અને સદ્ગતિ મળે છે... સ્કંદપુરાણ કહે છે કે અમરકંટકથી ભૃગુકચ્છ (ભરુચ) સુધીના કિનારે ૬૦ કરોડ, ૬૦ હજાર તીર્થો છે પણ તે બધાં પ્રત્યક્ષ નથી.

નર્મદાનાં જળ અને નરેન્દ્ર મોદીનો જન્મ દિવસઃ આ પણ ખરો યોગાનુયોગ થયો!


comments powered by Disqus