દરબાર ગોપાળદાસઃ રાજવી, સ્વાતંત્ર્ય સેનાની, કુશળ શાસક ને સત્યાગ્રહી

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 16th January 2018 05:36 EST
 
 

પટેલ કે પાટીદાર યા કિસાન અને કણબી... આ બધાએ પોતાની અસ્મિતા માટે કોને આદર્શ ગણવા જોઈતા હતા તેની ચર્ચા ગુજરાતમાં થઇ જ નહિ. હાર્દિકના હોઠે બે નામ એક સાથે ચડી ગયા એટલે તે ભગત સિંહ અને ગાંધીજીના રસ્તાની વાત કરતો જોવા મળ્યો હતો પણ કડવી વાસ્તવિકતા એ હતી કે આ બન્ને એકબીજાથી તદ્દન અલગ રસ્તાના મુસાફરો હતા. ફિલસુફી પણ બે છેડાની. એટલે તો ભગત સિંહના પરમ સાથી ભગવતી ચરણ વોહરાએ ‘ફિલોસોફી ઓફ ધ બોમ્બ’ લેખ ગાંધીજીને મોકલ્યો હતો. બેશક, આઝાદી પૂર્વેના બોમ્બને આજકાલના જેહાદી અને અલગાવવાદી બોમ્બ સાથે સરખાવી શકાય નહી. હા, એક પ્રખર ઇતિહાસકાર બિપીન ચંદ્રે ડાબેરી પરિભાષાનો ઉપયોગ કરીને ભગત સિંહ જેવા ક્રાંતિકારોને આતંકવાદી ગણાવ્યા હતા. મોડેથી કોઈકનું ધ્યાન ગયું ત્યારે તેમના પુસ્તકમાંથી આવું વિધાન રદ કરવામાં આવ્યું હતું.

આંબેડકરની એક વાત તો કોઈએ યાદ રાખી નથી. વિધાનસભા કે લોકસભામાં જવાથી પરિવર્તન નહીં આવે પણ તેણે માટે રસ્તા પર આવવું પડશે એવી ઘોષણા કરનારને એ ખબર નહીં હોય કે તેમના આદર્શ આંબેડકરે જ બંધારણ નિર્માણ પછી સ્પષ્ટ કહ્યું હતું કે જો આપણે ખરેખરી લોકશાહી ઇચ્છતા હોઈએ તો આ સત્યાગ્રહ, બંધ, ઘેરાવ, રસ્તા પર આંદોલન ધરણા વગેરેને બાજુ પર મુકવા જોઈશે કેમ કે એ બધા ‘અરાજકતાના વ્યાકરણ’ છે! ક્રાંતિ, પરિવર્તન, વગેરે શબ્દો આઝાદી પછી એવાં ઘસાઈ ગયા છે કે તેમાંથી માત્ર ભ્રાંતિ જ પેદા થાય છે તે પ્રજા સમજી ગઈ. એવું ના હોત તો માઓ ચે ગુવેરા અને નક્સલ ક્યારના ભારતના ભાગ્યવિધાતા બની ગયા હોત. પણ આપણે એક રસપ્રદ સવાલની ચર્ચા કરી રહ્યા છીએ.

પટેલોનું આંદોલન ચાલ્યું, તેમના અનેક ધર્મસ્થાનો ઉભા થયા, રાજકારણમાં પ્રભાવ વધ્યો, ઉદ્યોગ અને શિક્ષણમાં આગળ વધ્યા, ખેત ઉત્પાદન દેશભરમાં સૌથી ટોચે લાવીને મૂક્યું. ગ્લોબલ પાટીદારના મેળાવડા શરૂ થયા. પટેલ નેતાઓ, ધારાસભ્યો, સાંસદો, પ્રધાનોની સંખ્યા એકલા ગુજરાતમાં ઘણી મોટી હશે. આ સંજોગોમાં તેમણે જો ઈતિહાસની તવારીખમાંથી આધુનિક ગુજરાતી પટેલ નેતા પસંદ કરવો હોય અને તેનેનું અનુસરણ કરવું હોય તો તે કોણ? સરદાર તુર્ત હોઠે ચડે. તેમના ભાઈ વીર વિઠ્ઠલભાઈ તરીકે દેશ અને દુનિયામાં સ્થાપિત થયા હતા. ગાંધીજીની સાથે ના રહ્યા અને સુભાષ ચંદ્રને ઉત્તરાધિકારી બનાવ્યા એટલે તેમનું સ્મરણ ઓછું થયું તે એક વિડમ્બના છે. પણ મારે આ બે પટેલ નેતાઓની વાત નથી કરવી, તેઓ માત્ર પટેલ નહોતા, રાષ્ટ્રીય પુરુષો હતા. એવાં એક બીજા ‘દરબાર’ પટેલને યાદ કરવા જેવા છે. તેઓ રાજવી હતા, સ્વાતંત્ર્ય સેનાની હતા, કુશળ શાસક હતા અને સત્યાગ્રહી પણ ખરા. તેમનું નામ દરબાર ગોપાળદાસ દેસાઈ. રાજમોહન ગાંધીએ તેમની સુંદર જીવનકથા અને તેની સમાંતરે અર્વાચીન ગુજરાતનો પ્રવાહ એક પુસ્તકમાં આલેખ્યો છે. રાજમોહન ‘કટિંગ એન્ડ પેસ્ટિંગ’ પ્રકારના ઇતિહાસકાર નથી. જે કંઈ લખે છે તેની પાછળ મહેનત લે છે, સંશોધન કરે છે, તેની ચકાસણી કરે છે અને પોતાની નજરને કલુષિત થયા સિવાય મૂલ્યાંકનમાં પ્રયોજે છે. એકાદ ચોપડી હાથ લાગી અને તેમાંથી ઉતારા કરવા ને જે મળ્યું તે વાંચવાની કતારમાં સામેલ એક વર્ગને જ આકર્ષે છે. પણ તેમાં ભારોભાર પક્ષપાત અને પૂર્વગ્રહોનો ખડકલો હોય છે તેની ખબર સુજ્ઞ વાચકને પડ્યા વિના રહેતી નથી.

રાજમોહન દેશવિદેશે ફરેલા છે. વિદેશની યુનિવર્સિટીમાં ભણાવતા હોવા છતાં તેમની ભારતીયતા જરીકે ઓછી થઇ નથી. આપણા ગાંધીનગરમાં આઇઆઇટીના નિષ્ણાત નિવાસી તરીકે પણ અધ્યયન કાર્ય કર્યું હતું. તેમના સરદાર પર લખેલા પુસ્તકનો આજે પણ સંદર્ભ તરીકે ઉપયોગ થાય છે. અઢારસો સત્તાવન અને પંજાબ - આ રસપ્રદ પણ ભારે અઘરા વિષય પર પણ તેમનું પુસ્તક છે. અમેરિકન વિપ્લવ સાથે તેમાં સરખામણી કરવામાં આવી છે.

દરબાર ગોપાળદાસ વિશેના પુસ્તકમાં એક સરસ વાત છે કે લેખકને તેમના પિતા ખ્યાત પત્રકાર દેવદાસ ગાંધીએ ગોપાળદાસ વિશે વાત કરી ત્યારે ૧૫ વર્ષના રાજને એ ખબર નહોતી કે આ દરબાર શબ્દ રાજવી માટે પ્રયોજાય છે. ૧૯૨૦ના કાઠિયાવાડને જીવંત કરતી એક નવલકથા ઝવેરચંદ મેઘાણીની છેઃ ‘સોરઠ, તારા વહેતા પાણી’. તેમાં જે સુરેન્દ્ર દેવનું પાત્ર છે તે જ દરબાર ગોપાળદાસ. આ વાત રાજમોહન ગાંધીએ પણ નોંધી છે અને સૌરાષ્ટ્રથી વસો સુધીના લોકવૈભવ ઉપરાંત પત્ની ભક્તિબાનો પરમ સંગાથ, રાજકીય સંપતિને ઠોકરે મારવાની ખુમારી, સત્યાગ્રહોમાં ઝૂકાવવું... આ બધું સહજ સરળ ભાષામાં, એક પ્રમાણિત રાજપુરુષને કેન્દ્રમાં રાખીને ઇતિહાસ લેખન કરવું તેમાં આ લેખકની વિશેષતા નજરે પડે છે ને કહેવાનું મન થાય કે પટેલોએ - પાટીદારોએ આવા દરબાર ગોપાળદાસ જેવા આદર્શની સ્થાપના કરી હોત તો એક વેંત ઊંચાઈ સાથેની ગણના થઇ શકે.

દરબાર ગોપાળદાસનાં આટલાં સરસ જીવનચરિત્રને માટે રાજમોહન ગાંધીને અભિનંદન આપવાં ઘટે. આ પુસ્તકનું તો જલદીથી ગુજરાતી ભાષાંતર પણ થવું જોઈએ અન્યથા જેમ રાજમોહનને તેમની બાળવયમાં ‘દરબાર’ શબ્દનો કોઈ પરિચય નહોતો તેવી રીતે જે નવી પેઢીને કંઈક મેળવવું છે, પ્રેરણા પામવી છે એવા મહાપુરુષોમાંના એક દરબાર ગોપાળદાસ વિશે સા-વ અંધારું જ રહે! આ રાજવી પરિવારનું દંપતી પણ એટલું જ પ્રેરણાત્મક હતું. ભક્તિબા નામ સાંભળતાં એક પ્રખર સમાજસેવિકાની તસવીર નજરે ચડે. આપણે ત્યાં રાજા-મહારાજાઓની બદબોઈ કરતાં પુસ્તકો-લેખો વધુ લખાયા છે. રાજા કેટલો અય્યાશી હતો, કેવી રીતે પ્રેમ કરતો હતો, કેટલા શ્વાનોનો શોખીન હતો, બેગમોના કેવા મોંઘામૂલા શોખ હતા આવું બધું વધારે ચાલ્યું. દિવાન જરમીનદાસના ‘મહારાજા’ પુસ્તકથી તેવી શરૂઆત થઈ, પછી તેનું ‘મહારાણી’ આવ્યું. આવાં પુસ્તકોમાંથી કંઇકેટલાય લેખો ‘ઇતિહાસકારો’એ લખ્યા. એ એકાંગી હતા.

જૂનાગઢના - પાકિસ્તાન સાથે મહોબત કરનારા - મહાબતખાનનું યે એવું જ થયું પણ ઇતિહાસકાર અભ્યાસી નરોત્તમ પલાણે તેમનાં જીવનની કેટલી બધી ઊજળી બાજુ આલેખી છે? તેણે સૌરાષ્ટ્રની દેશી નાટક મંડળીઓને મદદ કરી હતી, ગિરનારનાં પગથિયાનું સમારકામ કર્યું, પોતે કૃષ્ણ-પ્રેમી કલાકાર હતો. ક્રિકેટ તેનો શોખ અને ગીરનાં જંગલમાં વનરાજોની ગણતરીમાં યે ભાગ લીધો. ૧૮૫૭ના એક વિપ્લવીને તેણે આશ્રય આપ્યો હતો. વૈષ્ણવાચાર્ય પુરુષોત્તમલાલ મહારાજની તે સલાહ લેતો. નસીબ ત્યાં આડું પડ્યું કે તેના સલાહકારોએ ઊંધા રસ્તે ચડાવી દીધો.

‘ભોપાલવાલી’ બેગમની સાથે મળીને શાહનવાઝ ખાં અને બીજાઓએ તેનાં વિલીનીકરણના ખોટા નિર્ણયો સાથે તબાહ કરી દીધો. પાકિસ્તાન ચાલ્યા ગયેલા જૂનાગઢ-માણાવદરના નવાબોને પાકિસ્તાનમાં રહ્યા પછી અફસોસ થયો. તેવો ફરી વાર ભારત આવી જવાની ઇચ્છા ધરાવતા હતા પણ તે શક્ય ન બન્યું. વિધિની વિચિત્રતા તો જુઓ કે પાકિસ્તાનની સાથે વિલીનીકરણ કરનાર નવાબ મહાબતખાન અને તેના આ નિર્ણયની ખિલાફ આરઝી હકુમતમાં ભાગ લેનાર વવાણિયા દરબારનો ડ્રાઇવર ભૂપત - બન્નેએ પાકિસ્તાનમાં આંખો મીંચી હતી.

આ તો થઈ એવાં પાત્રોની વાત, જે ‘પથભૂલ્યાં પાત્રો’ હતા, પણ એક વાર મેં નજરે ઇતિહાસના સાક્ષી બનનારા હરીસિંહજી ગોહિલને આગ્રહ કર્યો કે રાજા-મહારાજાઓની સારી બાજુનું આલેખન કરતાં પુસ્તક થવાં જોઈએ. તેમણે આરઝી હકુમતની તવારીખ ઉપરાંત એવાં લખાણો આપ્યાં તે ૧૯૬૭ પછી ‘સાધના’માં છપાયા હતા. તેમાંનું એક ‘માનવી મરજીવા’ ડો. કિશોરસિંહ સોલંકીએ સંપાદિત કર્યું છે, જે ભારતના અ-જાણ ક્રાંતિકારોની ઉત્તમ બાજુ રજૂ કરે છે. આવું ગુજરાતના રાજવીઓ માટે થવું જોઈએ.

વાંસદાના રાજવી વિશે એક મોટો ગ્રંથ થયો છે. લીંબડીના રાજવી યશવંતસિંહજી વિશે એક જૂનું ‘યશવંતચરિત્ર’ છે. કલાપી વિશે રમેશ શુકલે લખ્યું છે. ભાવનગર મહારાજા વિશે પ્રા. ગંભીરસિંહ ગોહિલે ઝીણી વિગતો મેળવીને ઉત્તમ પુસ્તક આપ્યું. ગોંડલના ભગવતસિંહજી વિશે ય લખાયું છે. ડો. વી. વી. નેનેએ વડોદરાના મહારાજા ગાયકવાડને આલેખ્યા છે. ડો. બંસીધરે પણ હિન્દીમાં તેવું લખ્યું. નવાબો-રાજાઓનો વંશવારસો જાળવનારાઓની આ જવાબદારી બની જાય છે.

રાજમોહન ગાંધીએ તો ‘પ્રિન્સ ઓફ ગુજરાત - ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટોરી ઓફ પ્રિન્સ ગોપાળદાસ દેસાઈ’ (૧૮૮૭ – ૧૯૫૧) નામે આ પુસ્તકમાં ઘણું ઠાલવી દીધું છે. રાજકીય ગુજરાતના અભ્યાસીને તે મદદરૂપ થઈ શકે. (લંડનમાં ડો. કુસુમ વડગામાએ ભારત-બ્રિટન સંબંધો વિશે દળદાર, સચિત્ર અને માહિતીસભર ગ્રંથ આપ્યો છે લેવી અચૂક નોંધ લેવી પડે.) રાજમોહન ગાંધીએ ૧૧ પ્રકરણોમાં બચપણના ગોપાળ, ઓગણસમી સદીનું ગુજરાત, ૧૯૧૨થી ૧૯૧૯માં તાલુકદાર, પ્રજા અને રાજ્ય, ૧૯૧૯થી સ્વર્ણિમ જીવન અધ્યાય, ૧૯૨૨-૧૯૨૮ના સત્યાગ્રહી, એ જ વર્ષોનો જેલવાસ, રાજા-પ્રજા સંબંધો, ભારત છોડો આંદોલનમાં ‘રાજવી’ ગોપાળદાસ, સૌરાષ્ટ્રમાં લાડકી લોકપ્રિયતા અને વિદાય... આટલી વિગતસમૃદ્ધ કહાણી આપી છે અને તે સ-ચિત્ર પણ છે. ઠાઠથી રાજવી પોશાકમાં શોભતા ગોપાળદાસ અને સત્યાગ્રહી સીધાસાદા ગોપાળદાસની છબીઓ કુતૂહલ પેદા કરે તેવી છે.

નવી પેઢીના ગુજરાતે આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ જે પાટીદારોના ‘જોસ્સા’ને ય સાચા રસ્તે વાળી શકે!


comments powered by Disqus